વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 314 ) નિષ્ફળતા વગર કોઈ સફળતા મળતી નથી…ચિંતનની પળે… કૃષ્ણકાંત ઉનડકટ.

કિસી કે ઝોરો સિતમ કા તો ઈક બહાના થા, હમારે દિલ કો બહરહાલ ડૂબ જાના થા,
 
યે કમશનાસ તલાતુમ કિસે ડરાતા હૈ? વો લોગ ડૂબ ગયે, જિનકો ડૂબ જાના થા.
 
(કમશનાસઃ ઓછી સમજણવાળું, તલાતુમ : તોફાન)
 
-નરેશકુમાર શાદ
 
 
દરેક સફળતાના પડછાયામાં નિષ્ફળતા છુપાયેલી હોય છે. ઝાડ ગમે એટલું મજબૂત હોય તો પણ તેના દરેક ફળ એકસરખા પાકતા નથી. કેટલાક ખરી જાય છે અને થોડાક સડી પણ જાય છે છતાં ઝાડ કંટાળતું નથી. દરેક છોડના ફૂલ સોળે કળાએ ખીલતા નથી. દરિયાનું દરેક મોજું એકસરખું અંતર આંબતું નથી. એક જ ખેતરમાં પાકતાં ડૂંડાં એકસરખાં હોતાં નથી. સરવાળો કેવો અને કેટલો હોય છે તેના પરથી જ સફળતા કે નિષ્ફળતા સાબિત થતી હોય છે.
 
 
કોઈ સફળ માણસ એમ કહે કે એણે ક્યારેય નિષ્ફળતા જોઈ નથી તો એ ખોટું જ બોલતો હશે. ભૂલ જ માણસને શીખવે છે કે આ ભૂલ મારે ફરીથી કરવાની નથી. દુનિયાનો એકેય ડિરેક્ટર એવો નથી જેની તમામે તમામ ફિલ્મ હિટ ગઈ હોય. રાત જેટલી ગહેરી હોય એટલો જ દિવસ ઉજળો લાગતો હોય છે. ઠોકર ખાધા વગર બાળક ચાલતાં શીખતું નથી. સચીન તેંડુલકરે ક્રિકેટમેચમાં સો સદી ફટકારી છે એ બધાને યાદ છે પણ એ કેટલી વખત ઝીરોમાં આઉટ થયો એ ચેક કરવા રેકર્ડ તપાસવો પડે છે. જ્યાં સુધી પ્રયત્નો ચાલુ હોય છે ત્યાં સુધી કોઈ માણસ નિષ્ફળ હોતો નથી.
 
 
આમિર ખાનની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ ને હમણાં પચ્ચીસ વર્ષ પૂરાં થયાં. આ અવસરે આમિરખાને કહ્યું કે આજે હું સફળ છું ત્યારે મને એવો વિચાર આવે છે કે મેં મારી કરિયરમાં કેટલી બધી ફ્લોપ ફિલ્મો આપી છે. એવો પણ વિચાર આવી જાય છે કે મેં આવી ફિલ્મો પસંદ જ શા માટે કરી હતી? જોકે પછી એવો વિચાર આવે છે કે મને મળેલી નિષ્ફળતામાંથી જ હું સફળતાના પાઠ શીખ્યો છું. હું જો સતત સફળ જ ગયો હોત તો કદાચ આટલી મહેનત કરતો ન હોત. હું આજે જે છું એ મને સફળતાએ નહીં પણ નિષ્ફળતાએ બનાવ્યો છે.
 
 
ફિલ્મી દુનિયાની જ બીજી એક હસ્તી જોહરા સાયગલ હમણાં સો વર્ષનાં થયાં. સોમા વર્ષની કેક કાપતી વખતે એના ચહેરા પર બાળકને હોય એવો જ રોમાંચ હતો. સો વર્ષના થવું એ મહત્ત્વનું નથી, સો વર્ષ ‘જીવવું’ એ ઇમ્પોર્ટન્ટ છે. જોહરાએ કહ્યું કે, હું એટલા માટે જ જીવતી છું, કારણ કે મેં દરેક ક્ષણ જીવી છે. માણસ મનથી મરી જતો હોય છે. ડૂબી એ જ જાય છે જે તરવાનું છોડી દે છે.
 
 
દરેક માણસને જીવનના કોઈ ને કોઈ તબક્કે એવું થાય જ છે કે બસ પૂરું થઈ ગયું. હવે બધું ખતમ, હું કંઈ જ નહીં કરી શકું. કોઈ ઘટના એવી બને છે કે સળવળીને બેઠો થઈ જાય. એક માણસની વાત છે એને ધંધામાં ખૂબ જ નુકસાની ગઈ. બધું જ ખતમ થઈ ગયું. એ હારી ગયો. ઘરમાં બેસી ગયો. દીકરાનો દીકરો ઘરમાં ગેઇમ રમતો હતો. ચોસલાં ઉપર ચોસલાં ચડાવીને ઘર બનાવવાની ગેઇમ હતી. ચોસલાં પડી જાય એટલે બાળક નવેસરથી ચણવાની શરૂઆત કરે. કેટલીયે વખત બાળકે એવું કર્યું. એ માણસને વિચાર આવ્યો કે આ બાળક અનેક પ્રયાસ છતાં પણ હિંમત નથી હારતો અને હું એક વારમાં થાકી ગયો? એણે નવેસરથી શરૂઆત કરી અને સફળ થયો.
 
 
નિષ્ફળતા બહુ જ સ્વાભાવિક છે. એને દિલથી ન લેવી જોઈએ.ઈમારત ધીરે ધીરે જ ઊભી થાય છે. ટોચ પહેલાં ન બને. મંદિરમાં ધજા સૌથી છેલ્લે જ લાગે છે. તમે ઈંટ ઉપર ઈંટ ચણતા જાવ, ટોચ આપોઆપ આવી જશે. જિંદગી માણસને પૂરતા ચાન્સ આપતી હોય છે. ચાન્સ ક્યારેય ખતમ જ નથી થતા, માણસ માંડી વાળતો હોય છે. મોકા તો હોય જ છે. આપણે મોકાને અજમાવતા રહેવું પડે છે.
 
સફળ થવા ઇચ્છતા દરેક માણસે એક વાત યાદ રાખવી જોઈએ. સફળતાને ગંભીરતાથી ન લો તો ચાલશે પણ દરેક નિષ્ફળતાને પૂરેપૂરી ગંભીરતાથી લેવી જોઈએ. નિષ્ફળતાને જે ગણકારતો નથી એ ક્યારેય સફળ થતો નથી, મોટા ભાગનાં બાળકો એક વખત દાઝ્યાં જ હોય છે. આગને અડકી ગયા પછી જ એને સમજ આવે છે કે આને અડવા જેવું નથી. નિષ્ફળતા આપણને જોખમોથી પરિચિત કરાવે છે. એવાં જોખમો જેનાથી કાં તો બચવાનું હોય છે અથવા તો તેને અતિક્રમી જવાનું હોય છે.
 
 
નિષ્ફળતાનો ડર સૌથી વધુ કોને હોય છે? જે સફળ હોય છે એને. જે ક્યારેય સફળ નથી થયો એ સફળ થવા માટે પ્રયાસો છોડતો નથી પણ એક વખત સફળ થઈ ગયો પછી એને સતત ડર રહે છે કે હું નિષ્ફળ તો નહીં થાઉંને. નિષ્ફળતાનો ડર ન રાખો કે નિષ્ફળતાનો વિચાર પણ ન કરો. વિચારોમાં તાકાત છે. એવું કહેવાય છે કે માણસ જે વિચારે એવું થાય છે. મતલબ કે નબળું વિચારશો તો નબળું પણ થશે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે મેં હંમેશાં એક જ વિચાર કર્યો છે કે આ પૃથ્વી ઉપર મારો જન્મ કોઈ ઉમદા હેતુ માટે થયો છે. મારો જન્મ નિરર્થક નથી. મારે કંઈક કરવાનું છે અને એના માટે જ મારું સર્જન થયું છે.
 
 
કમનસીબે આજનો માણસ એવું જ વિચારતો રહે છે કે હું કંઈ કરી શક્યો નહીં. આપણો ફેરો જ ફોગટ ગયો. જ્યાં સુધી જિંદગીનો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી સફળ થવાની તક છે. માણસ થોડીક ઉંમર થાય ત્યાં મનથી જ નક્કી કરી લે છે કે હવે આપણાથી કંઈ નહીં થાય. એક રિસર્ચ એવું કહે છે કે માણસ ખરેખર મરે છે એ પહેલાં ઘણો વહેલો મનથી મરી જતો હોય છે. કેટલા બધા માણસો મનથી મરેલા હોય છે? તમારી આજુબાજુમાં નજર કરજો, ઘણા ‘મરેલા’ લોકો મળી આવશે. આપણે સાવચેતી એ જ રાખવાની કે હું તો ક્યાંક એમાં નથીને?
 
માણસ ઓલવેઝ સેફ ગેમ રમવાનું જ પ્રિફર કરે છે. બધાને એક કમ્ફર્ટ ઝોન જોઈએ છે, એ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય પછી સતત એવા જ પ્રયાસ કરતો રહે છે કે ક્યાંક આ કમ્ફર્ટ ઝોન દૂર ન થઈ જાય. થોડીક સુવિધા મળી એટલે માણસ એ પરિસ્થિતિમાં જબરજસ્ત એડજસ્ટ થઈ જાય છે. એ જરાયે જોખમ લેતો નથી. જે જોખમ લેતા ડરે છે એના નિષ્ફળ જવાના ચાન્સીસ સૌથી વધુ રહે છે. જે જોખમ લે છે એ નિષ્ફળ જવા છતાંયે સફળ થવા માટે જોખમ લેતા અચકાતો નથી.
 
 
નિષ્ફળ ન જવા માટે એક વાત એ પણ ધ્યાનમાં રાખો કે તમારા કામને પૂરેપૂરું એન્જોય કરો. નિષ્ફળ માણસનો પ્રોબ્લેમ એ હોય છે કે એ સતત એવું જ ફિલ કરતો રહે છે કે હવે મજા નથી આવતી. આવું વિચારનારને એક નિષ્ફળતા બીજી નિષ્ફળતા તરફ જ ઢસડી જાય છે. એક વખત નિષ્ફળ ગયા તો શું થયું, હજુ ક્યાં બધું ખતમ થઈ ગયું છે, એવું વિચારી તમારા કામમાં ઓતપ્રોત રહો. મુશ્કેલીઓએ જ દુનિયાને માર્ગ બતાવ્યા છે.
 
 
માણસ સફળ થવાના પ્રયાસને બદલે નિષ્ફળ થયાનો અફસોસ વધુ કરતો રહે છે. એક માણસે સંતને પૂછયું કે દુનિયાનું સૌથી મોટું દુઃખ કયું ? સંતે કહ્યું કે વીતી ગયેલું સુખ. સુખ એક વાર જતું રહે પછી માણસ સતત એ ચાલ્યા ગયેલા સુખને જ રોયા રાખે છે. નિષ્ફળતાનું પણ એવું જ છે. જે નિષ્ફળતાને રોયે રાખે છે એ ક્યારેય સફળ થતો નથી. આંખમાં આંસુ જ હોય તો રસ્તો સ્પષ્ટ દેખાતો નથી. રડવું આવે તો રડીને પણ આંખો હળવી અને ચોખ્ખી કરી નાખવાની હોય છે. નિષ્ફળતાને માત્ર એટલા પૂરતી જ યાદ રાખો કે જે ભૂલો થઈ છે એ ફરી ન થાય, ભૂલને ચોક્કસ યાદ રાખો પણ નિષ્ફળતાને ભૂલી જાવ. સફળતા એને જ મળે છે જે નિષ્ફળતાથી ડરતો નથી. સફળ માણસ એ જ છે જેણે નિષ્ફળતાને પોતાના ઉપર હાવી થવા દીધી નથી. બાળક પડી જાય તો એ ઊભું થઈ સૌથી પહેલા કપડાં ઉપર લાગેલી ધૂળ ખંખેરી નાખે છે. માણસે બસ આ જ રીતે, નિષ્ફળતાઓને ખંખેરી નાંખવાની હોય છે.
 
 
છેલ્લો સીન :
 
જેણે પ્રકાશ આપવાનો હોય છે તેણે સતત સળગતા જ રહેવું પડે છે.    -અજ્ઞાત
 
 
સંપર્ક : 
 
Krishnkant Unadkat,
 
Executive Editor, SANDESH Daily, Vastrapur, AHMEDABAD-380015.
 
Cell :09825061787. e-mail : kkantu@gmail.com
 
 

2 responses to “( 314 ) નિષ્ફળતા વગર કોઈ સફળતા મળતી નથી…ચિંતનની પળે… કૃષ્ણકાંત ઉનડકટ.

 1. pragnaju સપ્ટેમ્બર 21, 2013 પર 5:56 એ એમ (AM)

  પ્રેરણાદાયી ચિંતન…સૌ નો અનુભવ પર વિશ્વાસ રાખો
  જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ.જે કંઈ પણ આપણા હિસ્સે લખાયું હોય એ બધું આપણને મળે જ છે અને .જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે લડી લેવાનું, ન્યાય વહેલોમોટો આપણા પક્ષે જ આવે છે

  Like

 2. Pushpa Rathod સપ્ટેમ્બર 23, 2013 પર 11:34 પી એમ(PM)

  thank u sir, nishafalta vagar saflta malti nthi. loko hmesha kahe che impossible. pan jivan ek book che vachvu, samjvu, aachranma lavava jevu hoy to jrur lavavu.ek sarkhu jivan pan boring lage che. pan antar man shodh mate tadaptu hoy to dugro ke pahado ke mhenat shu bas chalta avdi gyu bas dar shano, pan jindgi ghanu shikhve che jo tme chaho to.jindgima nishfalta ane saflta to manan bhav che. jitvu shahelu che. pan prasann mane jivta jiv khudne jitavu aghru che. pan mhatmaoni histry to che. pan enu shu eto temni che.pan hu kon, sha mate jivan, loko vade loko mate lokothi apnne malyu che enu run to puru krvu joie.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: