વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2013

( 339 ) ગુજરાતના સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા લોખંડી સરદાર વલ્લભભાઈ પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ

.Sardar-2-4

સરદાર વલ્લભભાઈ પટેલ

(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ એટલે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૩૮મી જન્મજ્યંતિ .

આ દિવસે અખંડ ભારતના નિર્માતા અને ગુજરાતના એક ખેડૂત પુત્ર સરદાર પટેલના જીવન અને

કાર્યોને યાદ કરીને  એમને હાર્દિક શ્રધ્ધાજંલિ પાઠવીએ.

ગુજરાતે ભારત દેશને મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ જેવા બે સુપુત્રો આપ્યા છે જેમણે દેશ

માટે આજીવન ભોગ આપ્યો હતો જે માટે દેશ સદા એમને યાદ કરતો રહેશે .

આ બે ભારતના ઘડવૈયા નેતાઓ માટે ગુજરાત વ્યાજબી ગૌરવ લઇ શકે એમ છે .

જેમને લોકો ભારતના હવે પછીના વડાપ્રધાન તરીકે જોવા ઉત્સુક છે એવા ગુજરાતના મુખ્ય પ્રધાન

શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈને એમના જન્મ દિવસે એમના બ્લોગમાં સુંદર અંજલી આપી

છે એને નીચે ક્લિક કરીને વાંચો . 

ગુજરાતનાં મહાન સપૂત અને ભારતનાં વિરાટ નેતા સરદાર પટેલને હાર્દિક શ્રધ્ધાંજલિ

સરદાર પટેલની વિરાટ પ્રતિમાની યોજના

શ્રી મોદી એમના લેખમાં કહે છે એમ એ વિધિની વક્રતા છે કે જે કોંગ્રેસ પક્ષ માટે સરદાર પટેલે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું અને ગાંધીજીના અદના અનુયાયી તરીકે પોતાના આખરી શ્વાસ સુધી એમના શિસ્તબધ્ધ સૈનિક બનીને એમની વડા પ્રધાનના પદનો ભોગ આપેલો એ જ પક્ષે તેમની યોગ્ય કદર ન કરી. સરદાર પટેલને છેક ૧૯૯૧ માં એમના મૃત્યુનાં ૪૧ વર્ષ વીતી ગયા બાદ  ભારત રત્નનું સન્માન આપવામાં આવ્યું,

એ આનંદની વાત છે કે  આધુનિક ભારતના શિલ્પી ગુજરાતના સપૂત અને ભારતના આ મહાપુરુષ સરદાર પટેલની સ્મૃતિ હમ્મેશ માટે તાજી રહે એ માટે શ્રી મોદીની રાહબરી નીચે ગુજરાતમાં નર્મદા કાંઠે સરદાર પટેલની વિશ્વમાં ઉંચામાં ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ના  નિર્માણની યોજના સૌના સહકારથી આકાર લઇ રહી છે  .

આ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ નું ખાત મુહુર્ત સરદાર પટેલની 138 મી જન્મ જયંતીએ શ્રી મોદીના હસ્તે થઇ રહ્યું છે  .આ યોજના જલ્દી સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ  .

સરદાર પટેલની આ વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’ ની વિગતો નીચેના વિડીયોમાં નિહાળો .

Statue of Unity

“કોંગ્રેસી શાસકોએ સરદાર પટેલની ઘોર અવગણના જ કરી સરદાર આજે હોત તો? સરદાર સાહેબની

દિશા-નકશે કદમ ઉપર દેશ ચાલતો હોત તો દેશની દુર્દશા ના થઇ હોત !”

—શ્રી નરેન્દ્ર મોદી

મારા મિત્ર કરોના , કેલીફોર્નીયા નિવાસી ,શ્રી રમેશ પટેલએ એમના બ્લોગ આકાશદીપમાં એક 

કાવ્ય રચના દ્વારા સ્વ. સરદાર પટેલને એક નરબંકા તરીકે સુંદર કાવ્યાંજલિ આપી છે .

આ રચનાને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

અડિખમ ઐક્ય પ્રતિક તું નરબંકો….રમેશ પટેલ(આકાશદીપ) 

તૂટ્યા  બંધન ગુલામી  જ  ભાગી

 પડ્યા  ભાગલા   દેશ   બહુદુઃખી

 અલગ  જ પાંચસો સાઠ રજવાડાં

 ભિન્ન  જ  ધર્મ  જાણે  સૂર નોંખા

 

 સ્વપ્ન  જ  ભવ્ય  રે વલ્લભ તારું

 અખંડ ભારત  જ  વિશ્વ અજવાળું

 કુશળ  વહીવટી   સ્વમાન   સોટી

 ધન્ય  જ   મુત્સદી  ઝીલી કસોટી

 

 દ્રષ્ટા  અમર  શિલ્પી   હો  વધાઈ

 વતનનું  વ્હાલ  એ  મૂડી  સવાઈ

 ગજગજ  ફૂલતી  છાતી  જ  છત્રી

 નમું  અખંડ  મા  ભારત  જ મૂર્તિ

 

  હર  ઉર   રંગ  ત્રિરંગ  નવ જશ્ન

  ગુર્જર  લાલ  તું  ભારત  જ રત્ન

  યુગ  ગાંધી  તણો ઉજ્જવલ  ડંકો

  અડીખમ ઐક્ય પ્રતિક તું નરબંકો

રમેશ પટેલ(આકાશદીપ)

સરદાર વલ્લભભાઈ  પટેલના જીવન અને કાર્યો વિષે નીચેની વિકીપીયાની લીંક

ઉપર વિગતે ગુજરાતીમાં માહિતી મેળવો .

સરદાર વલ્લભભાઈ  પટેલ

Sardar Vallbhbhai- Quote

ગુજરાતના આવા મહાન સપૂત અને ભારતના ભાગ્ય નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલને એમની  

138મી જન્મ જયંતીએ હાર્દીક શ્રધાંજલિ .

(338 ) વિદાય થયેલ લોકપ્રિય પાર્શ્વગાયક મન્ના ડે ને શ્રધાંજલિ

Manna de 

ચિત્ર સૌજન્ય- ટહુકો.કોમ

હિન્દી સિનેમા જગતમાં લોકપ્રિય પાર્શ્વગાયક મન્ના ડે નો ૬૦ વરસો સુધી ઘર ઘરમાં સતત

ગુંજતો રહેલો શાસ્ત્રીય કંઠ આખરે શાંત થઇ ગયો .

લાંબી માંદગી બાદ તારીખ ૨૪મી ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ વહેલી સવારે બેંગાલુરુમાં ૯૪

વર્ષ ની વયે આ આજીવન કલાકારનું નિધન થયું છે.

મન્નાડે લાંબા સમયથી બીમારીના કારણે બેંગાલુરુ ખાતે પોતાની પુત્રીને ત્યાં રહેતા હતા.

કલકત્તા ખાતે  ૧ લી મે ,૧૯૧૯ ના રોજ જન્મેલા પ્રબોધચંદ્ર ડે ઉર્ફે મન્ના ડે એ વર્ષ

૧૯૪૨ માં ફિલ્મ તમન્નાથી ફિલ્મી ગીતો ગાવાની પોતાની કારકિદીની શરૂઆત કરી હતી.

તેઓએ હિન્દી ઉપરાંત બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, ભોજપુરી સહિતની વિવિધ

ભાષાઓમાં ચાર હજારથી વધુ ગીતો ગાયાં છે.

સ્વ.મન્નાડેને ફિલ્મ ,રાજકારણ તથા જાહેર જીવનની અનેક હસ્તીઓ તેમજ દેશ પરદેશમાં

ફેલાયેલા એમના અસંખ્ય ચાહકોએ ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પી છે.

નીચેના ત્રણ વિડીયો દ્વારા સ્વ. મન્ના ડે ને  વિનોદ વિહાર આજની પોસ્ટમાં શ્રધાંજલિ આપે છે .

નીચેના વિડીયો  રજુ કરે છે સ્વ. મન્ના ડે ના જીવનની ઝલક -Biography of Manna Dey

Manna Dey: A legendry figure in Indian Music

નીચેના વિડીયોમાં માણો  સ્વ. મન્ના ડે એ ગયેલા ૧૦ પસંદગીનાં ગીતો

 Top 10  Manna Dey Songs

માનવીના જીવનની આ દાસ્તાન કેટલી અજ્બો ગજબ છે

વહેલો કે મોડો દરેકનો આ નશ્વર દેહ ચાલ્યો તો જાય છે

કિન્તુ જીવન ભર કરેલાં શુભ કર્મો ની યાદો રહી જાય છે

આપણી આ જિંદગી એ એક ન સમજાય એવો એક કોયડો છે . ક્યારેક એ આપણને 

હસાવે છે તો ક્યારેક આપણને રડાવે છે  .હસી અને ખુસીનો આ ખેલ જીવનભેર 

ચાલ્યા કરે છે  .  આપણે આજે અહીં છીએ તો કાલે બીજે ક્યાંક  ઘણા જ દુર !

આ જગતમાં અનેક મુસાફરો આવે છે અને ચાલ્યા જાય છે

પણ પાછળ યાદોની બારાત મુકી  જાય છે .

જીવનની આવી ફિલસુફીને બખૂબી રજુ કરતા હિન્દી ફિલ્મ આનંદમાં ફિલ્મી 

કલાકાર રાજેશ ખન્નાના મુખે  સ્વ. મન્ના ડે એ ગાયેલ 

એક ભાવવાહી  ગીતને નીચેના વિડીયોમાં સાંભળીને આપણે એમને  શ્રધાંજલિ આપીએ .

Zindagi Kaisi Hai Paheli –  Singer -Manna Dey -Film – Anand

મન્ના ડે નો કંઠ મેળવીને અમર થયેલા ગુજરાતી ગીતો – આભાર- ટહુકો.કોમ

હિન્દી ફિલ્મોના Legendary ગાયક – મન્ના ડે નો કંઠ મેળવીને અમર થયેલા આ ચુનંદા ગુજરાતી

ગીતો ટહુકો.કોમ ના આભાર સાથે આ લીંક ઉપર સાંભળો .

1.રામદેવપીર નો હેલો….

2.આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

3.ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ

4.ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક

5.જાગને જાદવા… – નરસિંહ મહેતા

6.સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

7.લાગી રે લગન – રાજેન્દ્ર શાહ

8.હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ

9.પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર

10.રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ – મરીઝ

11.સમરું સાંજ સવેરા… – રવિરામ

12.જીવનનો માર્ગ – ‘બેફામ’

13.વૈષ્ણવજન – નરસિંહ મહેતા

14.ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

 

૯૪ વર્ષનું ભરપુર જીવન જીવીને વિદાય થયેલ હિન્દી શાર્સ્ત્રીય

સંગીતના બેતાજ બાદશાહ સ્વ. મન્ના ડે ને

હાર્દીક શ્રધાંજલિ .

પરમ કૃપાલુ પરમાત્મા એમના આત્માને ચીર

શાંતિ આપે એવી પ્રાર્થના .

વિનોદ પટેલ

( 337 ) બે તરવરીયા યુવાનોના “પ્રયોગ ઘર ” માં ડોકિયું

ઘણી વખત ( ખાસ તો બાળકોને અને કિશોરોને) સવાલો થાય-

આ ચીજ કેવી રીતે કામ કરતી હશે?

આ ચીજ કોણે શોધી?

હવે નવું શું આવી રહ્યું છે?

મને — પ્રશ્ન મુંઝવી રહ્યો છે –  કોને પુછું?

એ બધાનો જવાબ હવે મળવાનો છે…..’ અહીં ‘પ્રયોગ ઘરમાં’

[ તરવરતા યુવાન મિહીર પાઠક અને હિરેન મોઢવાડિયા પાસેથી જ તો.]

મિહીર પાઠક

મિહીર પાઠક

હિરેન મોઢવાડિયા
હિરેન મોઢવાડિયા

અને લો એક સેમ્પલ આ રહ્યું…..

ચિત્ર પર 'ક્લિક' કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે - તે જાણો.
ચિત્ર પર ‘ક્લિક’ કરો અને આ માઈક્રોવેવ ઓવન શી રીતે કામ કરે છે – તે જાણો.

આવા જોશીલા યુવાનોમાંથી જ ભવિષ્યના વૈજ્ઞાનિકો મળી આવે છે  .

તેઓને પ્રોત્સાહન મળે એ ખુબ જરૂરનું છે  .

_______________________________

( 336 ) અમેરિકાના ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકને પુત્રની શાળાના આચાર્યશ્રીને લખેલ એક ઐતિહાસિક પત્ર


અમેરિકાના ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકન (1809 – 1865)  એ એમનો પુત્ર એક આદર્શ વ્યક્તિત્વ વાળો બને એ માટે પુત્ર જે શાળામાં અભ્યાસ કરતો હતો એ  શાળાના આચાર્યશ્રીને સંબોધીને એક સુંદર પત્ર લખ્યો હતો .

આ ઐતિહાસિક પત્ર લખ્યાને ઘણાં બધાં વર્ષો પસાર થઇ ગયાં હોવા છતાં લિંકને એમના આ પત્રમાં આચાર્યશ્રીને ઉદ્દેશીને એમના પુત્રને માટે જે  ભલામણો  કરી હતી એ બધી બાળકોના ચારિત્ર્યના સર્વાંગી વિકાસ અને એમને એક આદર્શ વ્યક્તિ બનાવવાના સંદર્ભમાં આજના સમયે પણ એટલી જ પ્રસ્તુત છે .

મને ખુબ ગમી ગયેલા આ પત્રનો મૂળ અંગ્રેજી ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરીને એને આજની પોસ્ટમાં

પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

આ પત્ર આજના શિક્ષકો , વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને માટે વાંચવા અને વિચારવા જેવો છે .

President Abraham Lincoln reading  to his son, Tad, 1864 - Photo Courtesy Library of Congress
President Abraham Lincoln reading to his son, Tad, 1864 – Photo Courtesy Library of Congress

અબ્રાહમ લિંકનનો પુત્રની શાળાના આચાર્યશ્રીને લખેલો પત્ર .

આદરણીય આચાર્યશ્રી ,

મારા પુત્રને શીખવજો કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી હોતા કે સાચા પણ નથી હોતા .

મારા દીકરાને શીખવજો કે સમાજમાં પ્રત્યેક લુચ્ચા અને કુટિલ માણસની સાથે એક વીર માણસ પણ હોય છે.

તેવી જ રીતે દરેક સ્વાર્થી રાજકારણીની સાથે સમર્પણની ભાવનાવાળા નિષ્ઠાવાન નેતા પણ હોય છે.

એને એ પણ શીખવજો કે દરેક દુશ્મનની સાથે સાથે સારો મિત્ર પણ હોય છે.

હું જાણું છુ કે  આપને આ શીખવતાં સમય તો લાગશે પણ બની શકે તો એને શીખવજો કે

સાચી રીતે કમાયેલો એક ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતાં વધુ કીંમતી છે.

એને ખેલદિલીથી હારતાં શીખવજો અને જો સફળતા મળે તો એનો આનંદ માણવાનું પણ શીખવજો.

ઈર્ષ્યાથી એને અત્યારથી જ દુર રાખશો અને એને શાંત મધુર હાસ્યનું રહસ્ય બતાવજો .

શરૂઆતથી જ એને બોધ આપશો કે હેરાન કરતા ગુંડાઓને મહાત કરવા એ સહેલું કામ છે.

તમારાથી બની શકે તો મારા પુત્રને પુસ્તકોની આ દુનિયાની અજાયબીઓ  વિષે સમજ આપજો .

સાથો સાથ એને થોડોક નિરાતે વિચારવાનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો

બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને

સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા નયન રમ્ય પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે.

શાળામાં એને એટલું જરૂર શીખવજો કે કોઈને છેતરીને પાસ થવું એના કરતાં નાપાસ

થવું એ વધુ આદરપાત્ર છે.

એના વિચારો ખોટા છે એમ બીજા બધા કહેતા હોય પણ જો એ ખરેખર માનતો હોય કે

એના વિચારો સાચા છે તો એમાં વિશ્વાસ રાખવાનું એને શીખવશો .

સારા માણસો સાથે સારા અને જબરા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો.

મારા પુત્રને એવો શક્તિવાન બનાવજો કે જ્યારે બધા પવન પ્રમાણે બદલાઈ જતા

હોય ત્યારે એ ટોળાનું આંધળું અનુકરણ કરવાને બદલે તે એકલ વીર બની શકે.

એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એની સાથે એ જે કઈ  સાંભળે એને 

સચ્ચાઈના ત્રાજવામાં જોખીને જે સાચું અને સારું હોય તે જ સ્વીકારે એવું શીખવજો .

જો બની શકે તો દુ:ખમાં પણ કેમ હસવું એ એને શીખવજો, એને એ પણ સમજાવજો

કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી.

વક્ર દૃષ્ટિ વાળા માણસને તરછોડવાનું અને ખુશામતિયા  માણસોથી ચેતી જવાનું પણ શીખવજો,

એને એની પોતાની બુદ્ધી અને શક્તિની વધારેમાં વધારે કીમત ઉપજાવતાં શીખવાડજો,

પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે એવું જરૂર શીખવજો.

ટોળાની બુમોથી ઝુકી ના જાય અને પોતે સાચો છે એમ જો એ માનતો હોય તો અડગ ઉભો રહી

લડત આપે તેવું શીખવાડજો . .

એની સાથે હળવાશથી અને પ્રેમથી વર્તજો પરંતુ એને બહું લાડ લડાવી પંપાળશો નહી

કારણ કે અગ્નિમાં તપ્યા પછી જ લોખંડ પોલાદ બનતું હોય છે .

અધીર બનવાની એનામાં હિમત કેળવજો એની સાથે હિંમતવાન બનવા માટે જરૂરી

ધીરજ પણ કેળવે એ જોજો .

મારા પુત્રને પોતાની જાતમાં ઉચ્ચ કોટિનો વિશ્વાસ રાખવાનું શીખવજો કારણ કે તો જ

એ માનવજાતમાં અડગ વિશ્વાસ ધરાવતો થશે .

મને ખબર છે કે આ બધું જ શીખવવું એ અતિશય મોટું કામ છે  પણ હું આપને વિનંતી

કરું છુ કે તમારાથી આ અંગે જે કંઈ થઇ શકે તે જરૂર કરજો.

કેમ કે કેટલો સુંદર ને ભલો છે આ મારો નાનકડો દીકરો !

અબ્રાહમ લિંકન

( મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ – વિનોદ પટેલ )

________________________________________________________

મૂળ અંગ્રેજી પત્રને નીચેની લીંક ઉપર વાંચો .

A letter from Abraham Lincoln to his son’s Head Master

______________________________________________________

Abraham Lincoln’s letter to his son’s Head Master  ( વિડિઓ )

( 335 ) સંબંધસેતુ – ( સામાજિક વાર્તા ) – લેખીકા- શ્રીમતી નીલમ દોશી

Nilam  Doshi

Nilam Doshi

શ્રીમતી નીલમ હરીશ દોશી ગુજરાતી સાહિત્ય જગતમાં એક સંન્નિષ્ઠ વાર્તાકાર તરીકે જાણીતાં છે.  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમનાં બે પુસ્તકો એવોર્ડ વિજેતા બની ચૂકયાં છે. એમનાં લખાણોમાં સામાજિક પ્રશ્નો પરત્વેની હકારાત્મક અભિવ્યક્તી અને સંવેદનશીલતા ધ્યાન ખેંચે છે .એમની ઘણી વાર્તાઓ/લેખો  ગ્લોબલ ગુજરાત ન્યુઝ ના શબ્દ  સૃષ્ટિ વિભાગમાં અવાર નવાર પ્રકાશિત થતા રહે છે .

નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો . 

આજની પોસ્ટમાં મને ગમેલી એક સામાજિક પ્રશ્ન પરત્વે એમનો દ્રષ્ટિકોણ રજુ કરતી એમની વાર્તા ” સંબંધ સેતુ ” પોસ્ટ  કરી છે .

આ વાર્તામાં એનું મુખ્ય પાત્ર આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી છે . એક એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે .

આ સુશિક્ષિત આયના મારફતે લેખક એમ  કહેવા માગે છે કે આજની સ્ત્રીમાં ઘણો બદલાવ આવ્યો છે .પહેલાં ની જેમ ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પોતાના ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને  પોતાની રીતે પોતાની જિંદગી જીવવા અને પોતાની કારકિર્દી માટે નિર્ણય લેવા અને એનો અમલ કરવા માટે પુરુષો જેટલી જ હક્કદાર છે . આ વખતે એના પતિ ,સાસુ સસરા અને નણંદ અને કુટુંબના સભ્યોએ એને ઉતારી પાડવાને બદલે એના નિર્ણયને સ્વીકારીને સહકારનું વર્તન દાખવવું જોઈએ .

જો આયના જેવી આધુનિક યુવતીઓની જીવનમાં પ્રગતી કરવાની ભાવનાને સમજીને કુટુંબી જનો દ્વારા યોગ્ય સહકારનો વર્તાવ દાખવવામાં આવે તો કુટુંબમાં થતો કલહ અટકી જાય , એક નવા જ પ્રકારનો સંબંધનો સેતુ રચાય અને સૌ સભ્યો એક બીજા પ્રત્યેના સમજણ અને પ્રેમ ભર્યા વ્યવહારથી આનંદ પૂર્વક જિંદગી જીવી શકે .

મને આશા છે આવો સુંદર સામાજિક સંદેશ રજુ કરતી શ્રીમતી નીલમબેન દોશીની આ વાર્તા વાચકોને જરૂર ગમશે .

શ્રીમતી નીલમબેન દોશી અને સંદેશ.કોમ ના આભાર સાથે નીચે એમની વાર્તા “સંબંધ સેતુ ” ને વાંચો અને માણો .

ઈ-મેલમાં આ વાર્તા મને વાચવા માટે મોકલવા માટે સુરતના સાહિત્ય પ્રેમી સજ્જન શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ આભારી છું .

આપ આ વાર્તા અંગે શું વિચારો છો એ આપના પ્રતિભાવમાં જરૂરથી લખશો .

વિનોદ પટેલ

______________________________________________

જીવથી વહાલો અહીં સંબંધ જે લાગ્યો હતો,

ખ્યાલ સુધ્ધાં ન રહ્યો એ ભીંસ ને ભરડો થયો.

(સંબંધસેતુ)

Sambandh Setu

પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

સાંપ્રત સમયમાં પરિવર્તનનો વાયરો જાણે દસે દિશાથી ફૂંકાઈ રહ્યો છે. વિચારો બદલાઈ રહ્યા છે. જૂનવાણી રીતિ-રિવાજો… માન્યતાઓ ધીમે ધીમે અદૃશ્ય થવા તરફ જઈ રહી છે. શહેરોમાં આ વાયરાની ગતિ ઝડપી બની છે. નાનાં ગામમાં એ ગતિ અલબત્ત થોડી ધીમી છે, પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

અને જીવનનું કોઈ જ ક્ષેત્ર આ બદલાવમાંથી બાકાત નથી રહ્યું. સ્ત્રી આજે ઘરની બહાર દરેક ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂકી છે. તેનું કાર્ય ક્ષેત્ર હવે રસોડા પૂરતું સીમિત નથી રહ્યું. રસોડાની રાણીનો ઇલકાબ એક સમયમાં તેને જરૂર ગૌરવરૂપ લાગતો હતો, પણ આજે એ ઇલકાબ તેને મંજૂર નથી. આજે સ્ત્રીનો એક પગ ઘરમાં અને બીજો ઘરની બહાર છે. આવા સમયે જો પુરુષ પતિ તેને સમજી ન શકે કે બદલાતી પરિસ્થિતિને સ્વીકારી ન શકે તો જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થતાં રહે છે અને કદીક એના પરિણામ સ્વરૂપે લગ્નજીવનમાં ભંગાણ પડે છે અને જીવનભર અલગ થઈ જવાતું હોય છે. આજે આવી જ કોઈ વાત.

આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી હતી અને એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતી અને પોતાના કામને પૂરી રીતે સર્મિપત હતી. કંપનીના કામે એકલા બહારગામ જવું, હોટેલમાં રોકાવું, એ બધું આવી કંપનીમાં નોકરી કરતી સ્ત્રી માટે આજે સામાન્ય વાત છે. આયનાને પણ બહારગામ ફરવાનું ઘણું થતું રહેતું. જો કે તેને તે ગમતું પણ હતું. કંપનીના ખર્ચે અનેક નવાં નવાં સ્થળો જોવા મળતાં હતાં. ઘણું શીખવાનું, જોવાનું, જાણવાનું મળતું હતું.

હવે લગ્નની ઉંમર થતાં સ્વાભાવિક રીતે જ તેના ઘરના બધા દીકરીના લગ્નની તૈયારીમાં પડયા. આયના માટે છોકરો શોધવાનું જોરશોરથી શરૂ થયું. આયનાએ નક્કી કર્યું હતું કે, પોતાને સમજી શકે એવો છોકરો જો મળશે તો જ પોતે લગ્ન કરશે. લગ્ન કરીને દુઃખી થવાનું તેને મંજૂર નહોતું.

પરંતુ સાગરને મળ્યા બાદ તેને થયું કે એ તેને જરૂર સમજી શકશે. સાગર સાથે તેણે નિરાંતે બધી વાત નિખાલસતાથી કહી. પોતે કેરિયરને કેટલું મહત્ત્વ આપે છે એ પણ કહ્યું અને લગ્ન બાદ એ નોકરી ચાલુ જ રાખવાની છે, પોતાની નોકરી કેવા પ્રકારની છે, પોતાને કેટલું બહારગામ જવું પડે છે, એ બધી જ વાત સમજાવી સાથે એ પણ ઉમેર્યું કે, બની શકે કે પોતે ઘરની બધી જવાબદારી એકલે હાથે ન પણ ઉઠાવી શકે. એમાં એને સાગરનો સાથ અને સહકાર મળવો જોઈએ.

તેની બધી વાત સાંભળી સાગર હસી પડયો. ‘અરે મેડમ, હું તમારી વાત સમજી ન શકું એવો નાદાન નથી. આજની સ્ત્રીને હું સમજી શકું છું અને કોઈ કંઈ મોઢું જોઈને પૈસા નથી આપતું એનો પણ મને પૂરો ખ્યાલ છે. આટલો મોટો પગાર આપતી કંપની કામ તો માગવાની જ ને? માટે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો ને મારા ઘરના દરેકનો તમને પૂરો સહકાર મળશે.’

આમ બંને વચ્ચે ઘણી વાતો થઈ. આયનાને થયું કે સાગર જરૂર તેને સમજી શકશે. આમ એક વિશ્વાસ સાથે તેણે સાગર સાથે પ્રભુતામાં પગલાં પાડયા. સાગરના ઘરમાં તેનાં માતા–પિતા જ હતાં. તેઓ આવી ભણેલી, આટલું કમાતી છોકરી મળી તેથી ખુશ હતા. સાગર પણ સારી કંપનીમાં નોકરી કરતો હતો.

લગ્ન પછી થોડા દિવસો બંને બહારગામ ફરી આવ્યાં. સદનશીબે  બંને વચ્ચે સમઝણનો એક સેતુ રચાઈ શક્યો હતો.

આયનાની રજા પૂરી થતાં તે ફરી ફરજ પર હાજર થઈ. સવારે શક્ય તેટલું કામ ઘરમાં તે જરૂર કરતી હતી. રસોઈ માટે સાગરે એક બહેન રાખી જ લીધાં હતાં જેથી ઘરમાં કોઈને તકલીફ ન પડે.

આમ ઘરનું ગાડું સુખપૂર્વક ચાલતું હતું, કોઈ સંઘર્ષ નહોતો. આયનાને ઘરે આવતા વહેલું મોડું થતું રહેતું. સમય થતાં તેનાં સાસુ-સસરા જમી લેતાં અને જો સાગર વહેલો આવી ગયો હોય તો એ આયનાની રાહ જોતો અને આયના આવે એટલે બંને સાથે જમતાં. આયના ખુશ હતી કે પોતાને સમજી શકનાર પતિ મળ્યો છે. સાસુ-સસરાને પણ આયના માન આપતી હતી. ઘરે આવે એટલે એ એક ગૃહિણી જ બની રહેતી.

હમણાં આયનાની નણંદ જે સાસરે હતી તે પિયર આવી હતી. આયનાના લગ્ન પછી પહેલી જ વાર તે આવી હતી. બરાબર ત્યારે જ આયનાને કંપનીના કામ માટે બહારગામ જવાનું થયું. તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો. તેને પણ મનમાં અફસોસ હતો કે આ વખતે તે ઘરે રહી શકી હોત તો સારું હતું, પણ કોઈ ઉપાય નહોતો. આખરે નોકરી હતી. તેને પૂરા દસ દિવસ માટે તેને જવાનું હતું અને નણંદ એક જ અઠવાડિયા માટે આવી હતી.

આયના ગઈ તે નણંદને ન ગમ્યું. પોતે પહેલીવાર માંડ માંડ સમય કાઢીને હોંશથી ભાભી સાથે રહેવા આવી હતી અને ભાભી આમ ચાલી જાય?

તેણે મમ્મીને ફરિયાદ કરી, પણ સાસુજી સમજુ હતાં… તેણે દીકરીને શાંતિથી સમજાવી.

“બેટા, તને ખરાબ લાગ્યું એ હું સમજી શકું છું. શરૂઆતમાં મને પણ કદીક થતું કે ઘરની વહુ આમ ગમે ત્યારે એકલી બહારગામ જાય કે વહેલી મોડી આવે એ બરાબર નહીં… લોકોને વાત કરવાનું બહાનું જ જોઈતું હોય છે. આવું કશું વિચારી હું કદીક નારાજ થતી, પણ પછી તારા પપ્પાએ જ મને સમજાવી.

જો આપણે દીકરાનું સુખ ઇચ્છતા હોઈએ તો લોકોની આવી કોઈ વાતો ગણકારવી ન જોઈએ. ગામને મોંઢે કંઈ ગરણાં બાંધવા ન જવાય. આટલી ભણેલી છોકરી લીધી હતી ત્યારે પહેલેથી જ ખબર હતી કે એની નોકરી આવી છે. એ જાણ્યા, સ્વીકાર્યા પછી જ આપણે હા પાડી હતી અને હવે એ જ વાતની ફરિયાદ કરીએ એ કેમ ચાલે? અને બેટા, ઘરમાં આ તું જે જાહોજલાલી જુએ છે એ તારી ભાભીને જ આભારી છે. એનો આટલો પગાર આવે છે એને લીધે જ ઘર ઊંચું આવ્યું છે એ કેમ ભૂલાય? અને સૌથી મોટી વાત એ છે કે, ઘરે આવ્યા બાદ એ કોઈ ફરજ ચૂકતી નથી. એને કોઈ અભિમાન નથી. અમને પૂરું માન આપે છે. એનાથી વિશેષ અમને શું જોઈએ? સાગર પણ ખુશ છે. અમે પણ ખુશ છીએ… અને કંઈક મેળવવા કંઈક ગુમાવવું પણ પડે એ તો દુનિયાનો ક્રમ છે. આજે અમે નાની નાની વાતમાં વાંધા કાઢીએ તો બની શકે એ અમારાથી અલગ પણ થઈ જાય અને તને ખબર છે? જતાં જતાં આયના તારા માટે આ ભારે સાડી મને આપતી ગઈ છે કે મમ્મી, મારા વતી દીદીને આપજો. મને બહુ અફસોસ છે કે મારે જવું પડે છે.

બેટા, આપણે સ્ત્રી થઈને બીજી સ્ત્રીને ન સમજીએ એ કેમ ચાલે?

પછી તો ઘણી વાતો ચાલી. દીકરી પણ સમજી ગઈ અને કોઈ પ્રોબ્લેમ ન થયો.

થોડી સમજણ હોય તો સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે અને એ બહુ જરૂરી છે. આજનો પુરુષ પોતાનો ખોટો અહમ્ છોડીને સ્ત્રીને ફક્ત માતા, બહેન કે પત્ની જેવા કોઈ લેબલ સાથે જ જોવાને બદલે સ્ત્રીને ફક્ત એક સ્ત્રી તરીકે… એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોતાં શીખે તો સ્ત્રીને કોઈ ફરિયાદ ન રહે એને પણ ઊડવા માટે આસમાન મળી રહે અને જીવનરથના બંને પૈડાં મજબૂત હોય તો આખરે ફાયદો તો સમગ્ર કુટુંબને જ છે ને? કુટુંબે સ્ત્રીને સહકાર આપીને એને સમજતા શીખવું પડશે. સામે પક્ષે સ્ત્રીએ પણ આયનાની જેમ પોતાની ફરજ ન ચૂકવી જોઈએ. કોઈપણ સંબંધમાં બંને બાજુનાં પલ્લાં સચવાવાં જોઈએ તો જ સંબંધોનો સેતુ રચી શકાય ને?

શીર્ષક પંક્તિ-રાજેશ વ્યાસ

– નીલમ દોશી – (હૈદ્રાબાદ)

________________________________________________

ગ્લોબલ ગુજરાત ન્યુઝની આ લીંક ઉપર  શ્રીમતી નીલમ દોશીના

ઘણા લેખો/વાર્તાઓને વાંચી શકાશે .

(334 )માણસની સૌથી કીમતી મૂડી – તેનું શરીર ……. (કેલિડોસ્કોપ) – મોહમ્મદ માંકડ

Body of man

માણસનું શરીર એક અસામાન્ય યંત્ર છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ ટોચના ડોક્ટરો કહે છે કે, શરીર વિશેનું એમનું જ્ઞાન ઘણું ઓછું છે. હજી ઘણું જાણવાનું, શીખવાનું બાકી છે

માણસ સમજે કે ન સમજે એનું શરીર એની સાચી મૂડી અને આ દુનિયાની સૌથી કીમતી વસ્તુ છે. માણસનો દેહ ઢળી પડે એટલે સંસાર સાથેનો એનો તંતુ તૂટી પડે છે અને સંસાર સાથેની બધી જ વસ્તુઓનો એના માટે અંત આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી મહાન કે મોટી હોય, કાંતિભાઈ, મોહનભાઈ, રહીમભાઈ, અબ્દુલભાઈ, કાનજીભાઈ, શાંતાબહેન કે શારદાબહેનનો અંત આવી જાય છે. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી જ છે જ્યાં સુધી એનો દેહ છે એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાના દેહને જાળવવો, પોતાના શરીરને સ્વસ્થ રાખવું એ એની પહેલી જરૂરિયાત છે.

અને, સામાન્ય માણસ માટે તો સુખ માણવા માટેનું સાધન પણ એનું શરીર જ છે. અસામાન્ય વ્યક્તિ કેટલાક માનસિક વ્યાપારો દ્વારા સુખનો અનુભવ કરી શકે છે, છતાં અસ્વસ્થ શરીર કોઈ પણ વ્યક્તિના સુખમાં બાધારૂપ બની શકે છે.

જે રીતે સુખ મેળવવા માટે સ્વસ્થ શરીર જરૂરી છે એ જ રીતે ધર્મસાધના માટે પણ સ્વસ્થ શરીર જરૂરી છે. ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ।’ સુખી થવા ઇચ્છતી દરેક વ્યક્તિએ શરીરને સ્વસ્થ રાખવું એ એનું પ્રથમ કર્તવ્ય છે. માલિક પોતાના વફાદાર નોકરને સાચવે એ રીતે માણસે પોતાના શરીરને સાચવવું જોઇએ.

માણસ શરીર નામના પોતાના યંત્રને તંદુરસ્ત રાખીને જ પોતાની જિંદગી માણી શકે છે અને પોતાના જીવનપ્રવાસને લંબાવી શકે છે. Read more of this post