દર વરસે આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધી નવ દિવસ માટે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે .
આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ – પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ . શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ .
સંગીતનાં તાલે નૃત્ય સાથે ગાતાં નર નારીઓ ભક્તિપૂર્વક નવરાત્રીનાં આ લોક પ્રિય મહોત્સવની ઉજવણી નવ દિવસ કરે છે .
આખું વર્ષ સામાન્ય રીતે શાંત જણાતી રાત્રીઓ આ નવ દિવસ માટે લોકોના ઉત્સાહમય ગરબાના કોલાહલથી જીવતી બની જાય છે .
ગરબો અને ગુજરાત એક બીજાના પર્યાય રૂપ બની ગયાં છે .
હવે તો ગુજરાત બહાર ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ગરબો પહોંચી ગયો છે .
જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં જામે છે નવરાત્રીના ગરબાની રમઝટ .
ગરબામાં નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક-ગરબાઓ ગવાય છે.
નવરાત્રીની નવે નવ રાત્રીએ નાનાં મોટાં નાનાં ભૂલકાંઓ સહીત સૌ રંગ બેરંગી ગરબા માટેનો ખાસ અલાયદો પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં જે ઉત્સાહ અને ઉમંગથી ગરબા ગાય છે એ મનોરમ્ય ચિત્ર જોવું એ એક લ્હાવો બની જાય છે . ઉત્સાહનો જાણે મહા સાગર ઉમટે છે .
પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો એમ ગરબાનાં બે પ્રકાર છે . ગરબા ગાવાની પદ્ધતિમાં સમયે સમયે ફેરફાર થતા ગયા છે .જૂની પરંપરા પ્રમાણે નવરાત્રીમાં કાણાંવાળી મટકીમાં અંદર જ્યોત મુકીને બનાવાતા દીવાઓ ગરબા કહેવામાં આવતા હતા .હવે નવરાત્રી દરમ્યાન માતાજીની સ્તુતિમાં ગવાતાં ગીતોને પણ ગરબા કહે છે.
ગરબામાં જુદા જુદા તાલ અને પગલાં લેવાતાં થતાં ગુજરાતનો મૂળ લોક-ગરબો તો જાણે સાવ ખોવાઈ ગયો છે .
નવી પેઢીનાં જુવાનીયાં માટે નવરાત્રી એક ધાર્મિક ઉત્સવ કમ મનોરંજનનો પ્રસંગ થઇ ગયો છે . ગરબાનો એક નવો પ્રકાર સનેડો ગવાતો થયો છે .
ગરબાના યુવાન ખેલૈયાઓએ બોલિવૂડનાં ગીતો પર તેમના સ્ટેપ અને દાંડીયા સાથે ઝૂમવાનું શરૃ કરી લીધું છે.નવરાત્રી ઉપર ભારતમાંથી જાણીતા ગાયક કલાકારો એમનાં ગ્રુપ સાથે વિદેશોમાં પહોંચી જાય છે અને સારું એવું વિદેશી હૂંડિયામણ ઘર ભેગું કરી લે છે .
” ગાય એનો ગરબો ” – રચયિતા શ્રી નરેન્દ્ર મોદી
તમને જાણીને નવાઈ લાગશે કે જે કેટલાક કવિઓ અને સંગીતકારોએ આધુનિક ગરબાઓ
રચ્યા છે એમાં કવિ શ્રી નરેન્દ્ર મોદી પણ એક કવિ છે !
વાચકોના પ્રતિભાવ