૧૯૯૯ના નવેમ્બરમાં મુમ્બઈના એક અજાણ્યા મુરબ્બીનો એક લામ્બો પત્ર મને મળે છે. પુછાવે છે :
‘ઉંઝાજોડણી શું છે, ત્યાં ‘જોડણીપરીષદ’માં કોણ કોણ હતા, શી શી ચર્ચાઓ થઈ, શા ઠરાવો થયા, તે બધું મને જણાવી, જો કોઈ સાહીત્ય પ્રકાશીત થયું હોય તો તે બધાં પુસ્તકો મને મોકલી આપો, પૈસાની ચીંતા કરશો નહીં…વગેરે..’
અદ્ભુત વળાંકદાર અક્ષરે ટાઈપ થયેલો પત્ર પહેલી જ વાર જોઈ હું મુગ્ધ થયો. આટલી વીનયશીલ શૈલી બહુ ઓછાની જોવા મળે. મેં પણ તેવો જ તેમને લાંબો પત્ર વીગતે લખ્યો અને ‘જોડણીપરીવર્તન’ વીશેનાં બધાં પુસ્તકો પણ તેમને મેં મોકલી આપ્યાં. બસ, તે નવેમ્બર ૧૯૯૯થી આજદીન સુધી આ અજાણ્યા પત્રલેખક નામે રતીલાલ ચંદરયા મારા આદરણીય સ્વજન–મીત્ર અને કેટલી બાબતે તો ગુરુસ્થાને રહ્યા. આ ઉમ્મરે આટલી તીવ્ર સ્મરણશક્તી મેં જોઈ નથી. એક મુલાકાતમાં, મારો તે પ્રથમ પત્ર મને એમણે જોવા આપ્યો અને એમ કહીને પીઠ થાબડી કે, ‘આ પત્રથી હું તમારા પ્રેમમાં પડેલો.’ તાજ્જુબ !
ભાષા એમનો વીષય જ નહીં, એમનું ક્ષેત્ર પણ નહીં અને ગુજરાતી વીના એમનું કશું અટકે એવુંયે નહીં; પણ શી ખબર દીલમાં એવો આતશ જલે કે બસ, ગુજરાતી માટે કશુંક કરવું છે. અન્ય મીત્રોની જેમ પછી તો હુંયે જોડાયો તેમની સાથે તેમના આ યજ્ઞકાર્યમાં સહાયભુત થવા. પછી ગાંધીનગરના મારા મીત્ર બળવંતભાઈ પટેલ પણ આ યજ્ઞમાં જોડાયા અને અમે એમની સાથે ખુબ ઘડાયા. આ તેર–ચૌદ વર્ષ કામ કરવાની જે મઝા આવી છે એમની સાથે !
પુરાં પચીસ વરસની અવીરત તપશ્ચર્યા પછી તેમણે શું હાંસલ કર્યું, ‘લેક્સીકોન’ મારફત ‘માગુર્જરીને’ તેમણે કેવી સમૃદ્ધ કરી, આજે તે ‘ગુજરાતીલેક્સિકોન’ ગુજરાતીઓની કેવી સેવા કરે છે, તે બધું હવે સૌ જાણે છે. ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સીદ્ધ કરે છે.
તેઓ ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હતા. એમનું બેવડું વ્યક્તીત્વ નહોતું. સમયે સમયે તેમણે આ કામને પ્રોત્સાહન અને મદદેય કરી છે. નવ વરસથી ‘ઉંઝાજોડણી’માં ચાલતી ‘સન્ડે ઈ–મહેફીલ’ના સમ્પાદકોમાં એમનું નામ પ્રથમ હોય છે.
આજથી હવે એ રતીભાઈ આપણી વચ્ચે નથી એવું લખતાં આંગળીઓ કાંપે છે. પણ હકીકત છે. મનેયે ૭૮મું ચાલે. અમારી મંડળીમાં વીપુલભાઈ કલ્યાણી, મનસુખભાઈ શાહ, બળવંતભાઈ સૌ ૭૫ કે ૮૦ની આસપાસના છીએ. ભાઈ અશોક, બહેન મૈત્રી, શ્રુતી, દેવલ જેવાં જુવાનીયાંઓ એમણે જલાવેલી આ ભાષાજ્તયોતને પ્રકાશીત રાખવા આગળ આવે એવી અપેક્ષા રહે છે.
‘લેક્સીકોન’ને ચાહનારા આપણે સૌ, રતીભાઈના લાડકા સંતાન સમા ‘લેક્સીકોન’નું રખોપું કરી એના સંવર્ધન માટે મથીશું એવો નીર્ધાર કરીએ તો જ રતીભાઈને સાચી અંજલી અર્પી શકીએ..
.
.ઉતમ અને મધુ ગજ્જર..સુરત ..બળવંત અને ભાનુ પટેલ..ગાંધીનગર
વાચકોના પ્રતિભાવ