વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 21, 2013

( 335 ) સંબંધસેતુ – ( સામાજિક વાર્તા ) – લેખીકા- શ્રીમતી નીલમ દોશી

Nilam  Doshi

Nilam Doshi

શ્રીમતી નીલમ હરીશ દોશી ગુજરાતી સાહિત્ય જગતમાં એક સંન્નિષ્ઠ વાર્તાકાર તરીકે જાણીતાં છે.  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમનાં બે પુસ્તકો એવોર્ડ વિજેતા બની ચૂકયાં છે. એમનાં લખાણોમાં સામાજિક પ્રશ્નો પરત્વેની હકારાત્મક અભિવ્યક્તી અને સંવેદનશીલતા ધ્યાન ખેંચે છે .એમની ઘણી વાર્તાઓ/લેખો  ગ્લોબલ ગુજરાત ન્યુઝ ના શબ્દ  સૃષ્ટિ વિભાગમાં અવાર નવાર પ્રકાશિત થતા રહે છે .

નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો . 

આજની પોસ્ટમાં મને ગમેલી એક સામાજિક પ્રશ્ન પરત્વે એમનો દ્રષ્ટિકોણ રજુ કરતી એમની વાર્તા ” સંબંધ સેતુ ” પોસ્ટ  કરી છે .

આ વાર્તામાં એનું મુખ્ય પાત્ર આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી છે . એક એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે .

આ સુશિક્ષિત આયના મારફતે લેખક એમ  કહેવા માગે છે કે આજની સ્ત્રીમાં ઘણો બદલાવ આવ્યો છે .પહેલાં ની જેમ ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પોતાના ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને  પોતાની રીતે પોતાની જિંદગી જીવવા અને પોતાની કારકિર્દી માટે નિર્ણય લેવા અને એનો અમલ કરવા માટે પુરુષો જેટલી જ હક્કદાર છે . આ વખતે એના પતિ ,સાસુ સસરા અને નણંદ અને કુટુંબના સભ્યોએ એને ઉતારી પાડવાને બદલે એના નિર્ણયને સ્વીકારીને સહકારનું વર્તન દાખવવું જોઈએ .

જો આયના જેવી આધુનિક યુવતીઓની જીવનમાં પ્રગતી કરવાની ભાવનાને સમજીને કુટુંબી જનો દ્વારા યોગ્ય સહકારનો વર્તાવ દાખવવામાં આવે તો કુટુંબમાં થતો કલહ અટકી જાય , એક નવા જ પ્રકારનો સંબંધનો સેતુ રચાય અને સૌ સભ્યો એક બીજા પ્રત્યેના સમજણ અને પ્રેમ ભર્યા વ્યવહારથી આનંદ પૂર્વક જિંદગી જીવી શકે .

મને આશા છે આવો સુંદર સામાજિક સંદેશ રજુ કરતી શ્રીમતી નીલમબેન દોશીની આ વાર્તા વાચકોને જરૂર ગમશે .

શ્રીમતી નીલમબેન દોશી અને સંદેશ.કોમ ના આભાર સાથે નીચે એમની વાર્તા “સંબંધ સેતુ ” ને વાંચો અને માણો .

ઈ-મેલમાં આ વાર્તા મને વાચવા માટે મોકલવા માટે સુરતના સાહિત્ય પ્રેમી સજ્જન શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ આભારી છું .

આપ આ વાર્તા અંગે શું વિચારો છો એ આપના પ્રતિભાવમાં જરૂરથી લખશો .

વિનોદ પટેલ

______________________________________________

જીવથી વહાલો અહીં સંબંધ જે લાગ્યો હતો,

ખ્યાલ સુધ્ધાં ન રહ્યો એ ભીંસ ને ભરડો થયો.

(સંબંધસેતુ)

Sambandh Setu

પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

સાંપ્રત સમયમાં પરિવર્તનનો વાયરો જાણે દસે દિશાથી ફૂંકાઈ રહ્યો છે. વિચારો બદલાઈ રહ્યા છે. જૂનવાણી રીતિ-રિવાજો… માન્યતાઓ ધીમે ધીમે અદૃશ્ય થવા તરફ જઈ રહી છે. શહેરોમાં આ વાયરાની ગતિ ઝડપી બની છે. નાનાં ગામમાં એ ગતિ અલબત્ત થોડી ધીમી છે, પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

અને જીવનનું કોઈ જ ક્ષેત્ર આ બદલાવમાંથી બાકાત નથી રહ્યું. સ્ત્રી આજે ઘરની બહાર દરેક ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂકી છે. તેનું કાર્ય ક્ષેત્ર હવે રસોડા પૂરતું સીમિત નથી રહ્યું. રસોડાની રાણીનો ઇલકાબ એક સમયમાં તેને જરૂર ગૌરવરૂપ લાગતો હતો, પણ આજે એ ઇલકાબ તેને મંજૂર નથી. આજે સ્ત્રીનો એક પગ ઘરમાં અને બીજો ઘરની બહાર છે. આવા સમયે જો પુરુષ પતિ તેને સમજી ન શકે કે બદલાતી પરિસ્થિતિને સ્વીકારી ન શકે તો જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થતાં રહે છે અને કદીક એના પરિણામ સ્વરૂપે લગ્નજીવનમાં ભંગાણ પડે છે અને જીવનભર અલગ થઈ જવાતું હોય છે. આજે આવી જ કોઈ વાત.

આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી હતી અને એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતી અને પોતાના કામને પૂરી રીતે સર્મિપત હતી. કંપનીના કામે એકલા બહારગામ જવું, હોટેલમાં રોકાવું, એ બધું આવી કંપનીમાં નોકરી કરતી સ્ત્રી માટે આજે સામાન્ય વાત છે. આયનાને પણ બહારગામ ફરવાનું ઘણું થતું રહેતું. જો કે તેને તે ગમતું પણ હતું. કંપનીના ખર્ચે અનેક નવાં નવાં સ્થળો જોવા મળતાં હતાં. ઘણું શીખવાનું, જોવાનું, જાણવાનું મળતું હતું.

હવે લગ્નની ઉંમર થતાં સ્વાભાવિક રીતે જ તેના ઘરના બધા દીકરીના લગ્નની તૈયારીમાં પડયા. આયના માટે છોકરો શોધવાનું જોરશોરથી શરૂ થયું. આયનાએ નક્કી કર્યું હતું કે, પોતાને સમજી શકે એવો છોકરો જો મળશે તો જ પોતે લગ્ન કરશે. લગ્ન કરીને દુઃખી થવાનું તેને મંજૂર નહોતું.

પરંતુ સાગરને મળ્યા બાદ તેને થયું કે એ તેને જરૂર સમજી શકશે. સાગર સાથે તેણે નિરાંતે બધી વાત નિખાલસતાથી કહી. પોતે કેરિયરને કેટલું મહત્ત્વ આપે છે એ પણ કહ્યું અને લગ્ન બાદ એ નોકરી ચાલુ જ રાખવાની છે, પોતાની નોકરી કેવા પ્રકારની છે, પોતાને કેટલું બહારગામ જવું પડે છે, એ બધી જ વાત સમજાવી સાથે એ પણ ઉમેર્યું કે, બની શકે કે પોતે ઘરની બધી જવાબદારી એકલે હાથે ન પણ ઉઠાવી શકે. એમાં એને સાગરનો સાથ અને સહકાર મળવો જોઈએ.

તેની બધી વાત સાંભળી સાગર હસી પડયો. ‘અરે મેડમ, હું તમારી વાત સમજી ન શકું એવો નાદાન નથી. આજની સ્ત્રીને હું સમજી શકું છું અને કોઈ કંઈ મોઢું જોઈને પૈસા નથી આપતું એનો પણ મને પૂરો ખ્યાલ છે. આટલો મોટો પગાર આપતી કંપની કામ તો માગવાની જ ને? માટે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો ને મારા ઘરના દરેકનો તમને પૂરો સહકાર મળશે.’

આમ બંને વચ્ચે ઘણી વાતો થઈ. આયનાને થયું કે સાગર જરૂર તેને સમજી શકશે. આમ એક વિશ્વાસ સાથે તેણે સાગર સાથે પ્રભુતામાં પગલાં પાડયા. સાગરના ઘરમાં તેનાં માતા–પિતા જ હતાં. તેઓ આવી ભણેલી, આટલું કમાતી છોકરી મળી તેથી ખુશ હતા. સાગર પણ સારી કંપનીમાં નોકરી કરતો હતો.

લગ્ન પછી થોડા દિવસો બંને બહારગામ ફરી આવ્યાં. સદનશીબે  બંને વચ્ચે સમઝણનો એક સેતુ રચાઈ શક્યો હતો.

આયનાની રજા પૂરી થતાં તે ફરી ફરજ પર હાજર થઈ. સવારે શક્ય તેટલું કામ ઘરમાં તે જરૂર કરતી હતી. રસોઈ માટે સાગરે એક બહેન રાખી જ લીધાં હતાં જેથી ઘરમાં કોઈને તકલીફ ન પડે.

આમ ઘરનું ગાડું સુખપૂર્વક ચાલતું હતું, કોઈ સંઘર્ષ નહોતો. આયનાને ઘરે આવતા વહેલું મોડું થતું રહેતું. સમય થતાં તેનાં સાસુ-સસરા જમી લેતાં અને જો સાગર વહેલો આવી ગયો હોય તો એ આયનાની રાહ જોતો અને આયના આવે એટલે બંને સાથે જમતાં. આયના ખુશ હતી કે પોતાને સમજી શકનાર પતિ મળ્યો છે. સાસુ-સસરાને પણ આયના માન આપતી હતી. ઘરે આવે એટલે એ એક ગૃહિણી જ બની રહેતી.

હમણાં આયનાની નણંદ જે સાસરે હતી તે પિયર આવી હતી. આયનાના લગ્ન પછી પહેલી જ વાર તે આવી હતી. બરાબર ત્યારે જ આયનાને કંપનીના કામ માટે બહારગામ જવાનું થયું. તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો. તેને પણ મનમાં અફસોસ હતો કે આ વખતે તે ઘરે રહી શકી હોત તો સારું હતું, પણ કોઈ ઉપાય નહોતો. આખરે નોકરી હતી. તેને પૂરા દસ દિવસ માટે તેને જવાનું હતું અને નણંદ એક જ અઠવાડિયા માટે આવી હતી.

આયના ગઈ તે નણંદને ન ગમ્યું. પોતે પહેલીવાર માંડ માંડ સમય કાઢીને હોંશથી ભાભી સાથે રહેવા આવી હતી અને ભાભી આમ ચાલી જાય?

તેણે મમ્મીને ફરિયાદ કરી, પણ સાસુજી સમજુ હતાં… તેણે દીકરીને શાંતિથી સમજાવી.

“બેટા, તને ખરાબ લાગ્યું એ હું સમજી શકું છું. શરૂઆતમાં મને પણ કદીક થતું કે ઘરની વહુ આમ ગમે ત્યારે એકલી બહારગામ જાય કે વહેલી મોડી આવે એ બરાબર નહીં… લોકોને વાત કરવાનું બહાનું જ જોઈતું હોય છે. આવું કશું વિચારી હું કદીક નારાજ થતી, પણ પછી તારા પપ્પાએ જ મને સમજાવી.

જો આપણે દીકરાનું સુખ ઇચ્છતા હોઈએ તો લોકોની આવી કોઈ વાતો ગણકારવી ન જોઈએ. ગામને મોંઢે કંઈ ગરણાં બાંધવા ન જવાય. આટલી ભણેલી છોકરી લીધી હતી ત્યારે પહેલેથી જ ખબર હતી કે એની નોકરી આવી છે. એ જાણ્યા, સ્વીકાર્યા પછી જ આપણે હા પાડી હતી અને હવે એ જ વાતની ફરિયાદ કરીએ એ કેમ ચાલે? અને બેટા, ઘરમાં આ તું જે જાહોજલાલી જુએ છે એ તારી ભાભીને જ આભારી છે. એનો આટલો પગાર આવે છે એને લીધે જ ઘર ઊંચું આવ્યું છે એ કેમ ભૂલાય? અને સૌથી મોટી વાત એ છે કે, ઘરે આવ્યા બાદ એ કોઈ ફરજ ચૂકતી નથી. એને કોઈ અભિમાન નથી. અમને પૂરું માન આપે છે. એનાથી વિશેષ અમને શું જોઈએ? સાગર પણ ખુશ છે. અમે પણ ખુશ છીએ… અને કંઈક મેળવવા કંઈક ગુમાવવું પણ પડે એ તો દુનિયાનો ક્રમ છે. આજે અમે નાની નાની વાતમાં વાંધા કાઢીએ તો બની શકે એ અમારાથી અલગ પણ થઈ જાય અને તને ખબર છે? જતાં જતાં આયના તારા માટે આ ભારે સાડી મને આપતી ગઈ છે કે મમ્મી, મારા વતી દીદીને આપજો. મને બહુ અફસોસ છે કે મારે જવું પડે છે.

બેટા, આપણે સ્ત્રી થઈને બીજી સ્ત્રીને ન સમજીએ એ કેમ ચાલે?

પછી તો ઘણી વાતો ચાલી. દીકરી પણ સમજી ગઈ અને કોઈ પ્રોબ્લેમ ન થયો.

થોડી સમજણ હોય તો સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે અને એ બહુ જરૂરી છે. આજનો પુરુષ પોતાનો ખોટો અહમ્ છોડીને સ્ત્રીને ફક્ત માતા, બહેન કે પત્ની જેવા કોઈ લેબલ સાથે જ જોવાને બદલે સ્ત્રીને ફક્ત એક સ્ત્રી તરીકે… એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોતાં શીખે તો સ્ત્રીને કોઈ ફરિયાદ ન રહે એને પણ ઊડવા માટે આસમાન મળી રહે અને જીવનરથના બંને પૈડાં મજબૂત હોય તો આખરે ફાયદો તો સમગ્ર કુટુંબને જ છે ને? કુટુંબે સ્ત્રીને સહકાર આપીને એને સમજતા શીખવું પડશે. સામે પક્ષે સ્ત્રીએ પણ આયનાની જેમ પોતાની ફરજ ન ચૂકવી જોઈએ. કોઈપણ સંબંધમાં બંને બાજુનાં પલ્લાં સચવાવાં જોઈએ તો જ સંબંધોનો સેતુ રચી શકાય ને?

શીર્ષક પંક્તિ-રાજેશ વ્યાસ

– નીલમ દોશી – (હૈદ્રાબાદ)

________________________________________________

ગ્લોબલ ગુજરાત ન્યુઝની આ લીંક ઉપર  શ્રીમતી નીલમ દોશીના

ઘણા લેખો/વાર્તાઓને વાંચી શકાશે .