વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 23, 2013

( 336 ) અમેરિકાના ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકને પુત્રની શાળાના આચાર્યશ્રીને લખેલ એક ઐતિહાસિક પત્ર


અમેરિકાના ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકન (1809 – 1865)  એ એમનો પુત્ર એક આદર્શ વ્યક્તિત્વ વાળો બને એ માટે પુત્ર જે શાળામાં અભ્યાસ કરતો હતો એ  શાળાના આચાર્યશ્રીને સંબોધીને એક સુંદર પત્ર લખ્યો હતો .

આ ઐતિહાસિક પત્ર લખ્યાને ઘણાં બધાં વર્ષો પસાર થઇ ગયાં હોવા છતાં લિંકને એમના આ પત્રમાં આચાર્યશ્રીને ઉદ્દેશીને એમના પુત્રને માટે જે  ભલામણો  કરી હતી એ બધી બાળકોના ચારિત્ર્યના સર્વાંગી વિકાસ અને એમને એક આદર્શ વ્યક્તિ બનાવવાના સંદર્ભમાં આજના સમયે પણ એટલી જ પ્રસ્તુત છે .

મને ખુબ ગમી ગયેલા આ પત્રનો મૂળ અંગ્રેજી ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરીને એને આજની પોસ્ટમાં

પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

આ પત્ર આજના શિક્ષકો , વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને માટે વાંચવા અને વિચારવા જેવો છે .

President Abraham Lincoln reading  to his son, Tad, 1864 - Photo Courtesy Library of Congress
President Abraham Lincoln reading to his son, Tad, 1864 – Photo Courtesy Library of Congress

અબ્રાહમ લિંકનનો પુત્રની શાળાના આચાર્યશ્રીને લખેલો પત્ર .

આદરણીય આચાર્યશ્રી ,

મારા પુત્રને શીખવજો કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી હોતા કે સાચા પણ નથી હોતા .

મારા દીકરાને શીખવજો કે સમાજમાં પ્રત્યેક લુચ્ચા અને કુટિલ માણસની સાથે એક વીર માણસ પણ હોય છે.

તેવી જ રીતે દરેક સ્વાર્થી રાજકારણીની સાથે સમર્પણની ભાવનાવાળા નિષ્ઠાવાન નેતા પણ હોય છે.

એને એ પણ શીખવજો કે દરેક દુશ્મનની સાથે સાથે સારો મિત્ર પણ હોય છે.

હું જાણું છુ કે  આપને આ શીખવતાં સમય તો લાગશે પણ બની શકે તો એને શીખવજો કે

સાચી રીતે કમાયેલો એક ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતાં વધુ કીંમતી છે.

એને ખેલદિલીથી હારતાં શીખવજો અને જો સફળતા મળે તો એનો આનંદ માણવાનું પણ શીખવજો.

ઈર્ષ્યાથી એને અત્યારથી જ દુર રાખશો અને એને શાંત મધુર હાસ્યનું રહસ્ય બતાવજો .

શરૂઆતથી જ એને બોધ આપશો કે હેરાન કરતા ગુંડાઓને મહાત કરવા એ સહેલું કામ છે.

તમારાથી બની શકે તો મારા પુત્રને પુસ્તકોની આ દુનિયાની અજાયબીઓ  વિષે સમજ આપજો .

સાથો સાથ એને થોડોક નિરાતે વિચારવાનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો

બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને

સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા નયન રમ્ય પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે.

શાળામાં એને એટલું જરૂર શીખવજો કે કોઈને છેતરીને પાસ થવું એના કરતાં નાપાસ

થવું એ વધુ આદરપાત્ર છે.

એના વિચારો ખોટા છે એમ બીજા બધા કહેતા હોય પણ જો એ ખરેખર માનતો હોય કે

એના વિચારો સાચા છે તો એમાં વિશ્વાસ રાખવાનું એને શીખવશો .

સારા માણસો સાથે સારા અને જબરા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો.

મારા પુત્રને એવો શક્તિવાન બનાવજો કે જ્યારે બધા પવન પ્રમાણે બદલાઈ જતા

હોય ત્યારે એ ટોળાનું આંધળું અનુકરણ કરવાને બદલે તે એકલ વીર બની શકે.

એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એની સાથે એ જે કઈ  સાંભળે એને 

સચ્ચાઈના ત્રાજવામાં જોખીને જે સાચું અને સારું હોય તે જ સ્વીકારે એવું શીખવજો .

જો બની શકે તો દુ:ખમાં પણ કેમ હસવું એ એને શીખવજો, એને એ પણ સમજાવજો

કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી.

વક્ર દૃષ્ટિ વાળા માણસને તરછોડવાનું અને ખુશામતિયા  માણસોથી ચેતી જવાનું પણ શીખવજો,

એને એની પોતાની બુદ્ધી અને શક્તિની વધારેમાં વધારે કીમત ઉપજાવતાં શીખવાડજો,

પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે એવું જરૂર શીખવજો.

ટોળાની બુમોથી ઝુકી ના જાય અને પોતે સાચો છે એમ જો એ માનતો હોય તો અડગ ઉભો રહી

લડત આપે તેવું શીખવાડજો . .

એની સાથે હળવાશથી અને પ્રેમથી વર્તજો પરંતુ એને બહું લાડ લડાવી પંપાળશો નહી

કારણ કે અગ્નિમાં તપ્યા પછી જ લોખંડ પોલાદ બનતું હોય છે .

અધીર બનવાની એનામાં હિમત કેળવજો એની સાથે હિંમતવાન બનવા માટે જરૂરી

ધીરજ પણ કેળવે એ જોજો .

મારા પુત્રને પોતાની જાતમાં ઉચ્ચ કોટિનો વિશ્વાસ રાખવાનું શીખવજો કારણ કે તો જ

એ માનવજાતમાં અડગ વિશ્વાસ ધરાવતો થશે .

મને ખબર છે કે આ બધું જ શીખવવું એ અતિશય મોટું કામ છે  પણ હું આપને વિનંતી

કરું છુ કે તમારાથી આ અંગે જે કંઈ થઇ શકે તે જરૂર કરજો.

કેમ કે કેટલો સુંદર ને ભલો છે આ મારો નાનકડો દીકરો !

અબ્રાહમ લિંકન

( મૂળ અંગ્રેજીમાંથી અનુવાદ – વિનોદ પટેલ )

________________________________________________________

મૂળ અંગ્રેજી પત્રને નીચેની લીંક ઉપર વાંચો .

A letter from Abraham Lincoln to his son’s Head Master

______________________________________________________

Abraham Lincoln’s letter to his son’s Head Master  ( વિડિઓ )