વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 1, 2013

( 340 ) સૌ વાચક મિત્રો-સ્નેહી જનોને શુભ દિપાવલી અને સાલ મુબારક

 Happy Diwali and New Year

એક આખા વર્ષનું ચક્કર પુરું કરીને વર્ષો વર્ષ આવે છે એમ દિવાળીનું પર્વ ફરી હાજર થઇ ગયું છે .

આમ તો વર્ષના બીજા દિવસો જેવા  જ આ દિવસો છતાં

દિવાળી અથવા દીપાવલી

એ હિન્દુ ધર્મનો દર વરસે આવતો મહત્વનો તહેવાર ગણાય છે .

બધા હિંદુ તહેવારોમાં દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે.

દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા. દીપોની હારમાળા એટલે દિપાવલી.

દિવાળી એટલે પ્રકાશનું પર્વ .

અજ્ઞાન રૂપી અંધકારને હટાવીને જ્ઞાન રૂપી દીપકનો પ્રકાશ  ફેલાવવાનું પર્વ .

આત્માને દીપાયમાન કરવાનું પર્વ છે દિવાળી.

ભારતમાં દિવાળી  વાઘબારસથી શરુ કરી ભાઈબીજ સુધી પરંપરાગત રીતે ખુબ જ

ધૂમધામ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

કવિ દલપતરામનું આ ગીત યાદ આવે છે —  દિવાળીના  દિવસોમાં ઘર ઘર દીવા થાય ,

ફટાકડા તો બહું ફૂટે બાળકો બહું હરખાય

આમ નાના-મોટા સૌ કોઈ ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના દિવસોમાં આનંદ-

ઉલ્લાસ સાથે દિવાળીનું પર્વ ઉજવે છે .

દિવાળીના આ પર્વ નિમિત્તે કવિ ઉમાશંકર જોશી રચિત “છેલ્લી યાચના ” નામનું

પ્રાર્થના કાવ્ય પ્રસ્તુત છે જે પ્રસંગોનુંચિત છે .

છેલ્લી યાચના …કવિ ઉમાશંકર જોશી

આ છેલ્લી યાચના આપ પાસે,

મારા ઉંડા છેક અંતસ્થલેથી

છેદી નાખો ક્ષીણતા સર્વ મારી

પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !

સુખોને ય જીરવી જાણવાની

શક્તિ દેજો દુઃખમાં એહવી કે

દુઃખો મારાં શાંત મોંએ હસીને

પોતે પોતાની જ પામે ઉપેક્ષા.

શક્તિ દેજો ભક્તિની નાથ એવી

જેણે મારા કર્મ સાફલ્ય પામે

જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ

મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં,

કંગાલોને જ્ઞાનહીણાં કરું ના,

જાલીમોને પાય ઝૂકી પડું ના,

ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે

ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી !

શક્તિ દેજો આપને પાય નામી

પોતાને હું સ્થિર રાખું સદૈવ.

– ઉમાશંકર જોષી

આ દિવાળીના પર્વ નિમિત્તે  Kate Nowak ના એક અંગ્રેજી કાવ્ય May You Be Blessed

નો એક સુંદર વિડીયો પણ નીચે પ્રસ્તુત કરું છું .

આ વિડીયોમાં જે આખી કાવ્ય રચના અંગ્રેજીમાં છે એ આપને માટે નવા વર્ષ માટે માર્ગ દર્શક

બની રહે એવી શુભેચ્છા .

May You Be Blessed

 

ઉપરના વિડીયોમાં જે અંગ્રેજીમાં કાવ્ય  છે એની કેટલીક પંક્તિઓનો

ગુજરાતી તરજુમો કરીને નીચે આપુ છું .

આ જગતમાં જે પણ કંઇ સારું હોય એની તમને પ્રાપ્તિ થાય .

આકાશમાં રાતે દેખાતા તારાઓની જેમ ગણી ન શકાય એટલી ખુશીઓ તમને પ્રાપ્ત થાય

વિશ્વના બધાજ દરિયા કિનારાની રેતીના કણો  કરતાં એ અધિક તમારા જીવનમાં વિજયો મળે .

તમારા જીવનમાં કોઈ પણ ખોટ ન હોય અને સુંદરતા અને સમૃદ્ધતા

તમારા જીવન સાથે જોડાયેલી રહે .

તમે તમારી જિંદગીનો જે કોઈ પણ રાહ પસંદ કરો એ પવિત્ર ,સુંદર અને આનંદદાયક હો .

તમારા જીવનમાં શંકાઓ અને ભયનું સ્થાન તમારો ઊંડો અને અતુટ વિશ્વાસ લઇ લે .

સદા તમારી જાતની આજુબાજુ સર્વોચ્ચ અને મહા શક્તિશાળી પરમાત્માની

હાજરીની તમે અનુભૂતિ કરો .

જ્યારે તમારી જિંદગીમાં અંધકાર પથરાય અને તોફાનો ચડી આવે એવા સમયે

તમારા અંતરના દીપકથી અજવાળું પથરાતું રહે .

તમને હંમેશાં પ્રતીતિ થતી રહે કે લોકો તમને અમાપ પ્રેમ કરે છે અને આ પ્રેમના

જવાબમાં તમે પણ નિશ્વાર્થ અને બિનશરતી પ્રેમની વર્ષા વરસાવતા રહો .

એક નાનું બાળક માતાની ગોદમાં જે સુરક્ષિતતા અને પ્રેમની અનુભતી કરે છે એમ

તમે જગત નિયંતા પરમેશ્વરના વિશાળ હાથોમાં સુરક્ષિત છો એવી અનુભૂતિ કરો .

તમારા જીવનમાં આવતા દરેક તોફાનો  બાદ તમને મેઘ ધનુષ્યના રંગો નો 

સુંદર નઝારો જોવાનો  અવસર પ્રાપ્ત થાય .

તમારા જીવન દરમ્યાન આવતા દરેક પડકારમાં તમને અનુભવનું ડહાપણ

અને દરેક કસોટીમાં વિજયની અનુભૂતિ થાય .

તમારા જીવનનો દરેક પસાર થતો દિવસ ગઈકાલ કરતાં દરેક રીતે વધુ સમૃદ્ધ

બની રહે અને એ સમૃદ્ધિને તમે બીજાઓને પણ વહેંચતા રહો .

આ બધી તમારા માટેની મારી હૃદયની ભાવનાઓને પ્રભુ પાર પાડે એવી આશા .

Dipavali lamp-aishvariya roy

દિવાળીના પર્વે ઉપરની બે કાવ્ય રચનાઓ
વિનોદ વિહારના વાચક મિત્રો, અને સ્નેહી જનોને
 
નવા વર્ષે માર્ગ દર્શક બને અને પ્રભુની કૃપાના પાત્ર બનાવે એવી ઈચ્છા સાથે
સૌને શુભ દીપાવલી અને નુતન વર્ષાભિનંદન  

 સાલ મુબારક

સર્વે સુખિનઃ સંતુ

સર્વે સંતુ નિરામયા

સર્વે ભદ્રાણી પશ્યન્તુ

મા કશ્ચિદ દુખમાપ્નુંયાત

વિનોદ આર પટેલ ,સાન ડીયેગો