વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 16, 2013

( 346 ) દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — DAUGHTER’S WEEK CELEBRATIONS

DAUGHTER’S WEEK CELEBRATIONS નિમિત્તે મારા મિત્ર અને સુરતી ઊંધિયું બ્લોગના બ્લોગર શ્રી વિપુલ દેસાઈએ તૈયાર કરેલ નીચેનું ચિત્ર એમના ઈ-મેલમાં મોકલ્યું હતું .આ ચિત્રમાં વ્હાલના દરિયા અને દામ્પત્યના દીવડા સમી દીકરીની દીકરા સાથે સરખામણી કરી છે અને દીકરીની મહત્તા દર્શાવવામાં આવી છે .દીકરીદિનની સૌને વધાઈ!

Daughter-Vipul

( સાભાર -શ્રી વિપુલ દેસાઈ )

દીકરી એ દરેક મા -બાપ માટે કુદરતની એક અમુલ્ય ભેટ સમાન છે .

પિયરમાં ઘણા વર્ષો ગાળીને , ઉંમરલાયક થતાં લગ્ન કરીને દીકરી પોતાનાં મા-બાપ,ભાઈ-બહેન ,સાહેલીયો અન્ય કુટુંબીજનોને મુકીને સાસરે આવીને પારકાંને પોતાનાં કરીને નવું ઘર વસાવે છે .

મા-બાપને મન દીકરી ઉંમરલાયક હોય તો પણ સદાય ભૂતકાળની નાની દીકરી હોય એવો અહેસાસ કરતાં હોય છે

દીકરી પુત્ર સમોવડી બની શકે છે .જવાહરલાલ નેહરુની એક માત્ર દીકરી ઇન્દિરા ગાંધી એક શક્તિશાળી મહિલા વડા પ્રધાન તરીકે ઇતિહાસમાં પંકાઈ છે .એમના વિષે એવું કહેવાતું હતું કે ભારત સરકારની કેબિનેટમાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જ એક માત્ર પુરુષ છે ! દીકરી એટલે  સવાયો દી ક રો એનું આ છે ઉત્તમ ઉદાહરણ !

અધ્યાત્મક માર્ગના પ્રવાસી કવિ સ્વ. મકરંદ દવે ની દીકરી અંગેની અનુવાદિત એક સુંદર

કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે .

‘જ્યારે વિધાતાએ દીકરી સરજી…

વિધાતાએ દીકરી ઘડી ને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી શી કમાલ
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું,
ખજાનો ખુટાડી કરું મલકને ન્યાલ.
દેવીયું કનેથી માગી લીધો મલકાટ
અને મધરાત કેરા માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી,
અને દીકરીને આંખે ભર્યા દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં,
તજ ને લવિંગ વળી ભેળવ્યા જરીક.
સૂરજનાં ધોળા ફૂલ હાસ ને હુલાસ દીધાં.
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું,
હર્યુંભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ!

અનુ.. મકરન્દ દવે

( આભાર- બ્લોગ- અક્ષરનાદ  )

______________________________________

વિધાતાએ ખાંતે કરીને ઘડેલી દીકરી મા -બાપની સુખાકારી માટે હંમેશાં જીવ બાળતી હોય છે . માતા અને પિતા જેમ દીકરીને યાદ કરે છે એમ દીકરી પણ એમને કદી ભૂલતી નથી . દીકરી અને એના પિતા-પપ્પા – ડેડી વચ્ચેનો પ્રેમ સંબંધ અવર્ણનીય છે .

આવા  પ્રેમને ઉજાગર કરતાં બે કાવ્યો નીચે પ્રસ્તુત છે .

અગાઉ વિનોદ વિહાર બ્લોગમાં જેમનો આ પોસ્ટમાં  પરિચય  કરાવવામાં આવ્યો છે એ આદરણીય પ્રજ્ઞાબેન વ્યાસએ એમનાં વિદુષી દીકરી યામિની વ્યાસની એમના પપ્પાને યાદ કરીને એમના પ્રત્યે સુંદર પ્રેમ ભાવ વ્યક્ત કરતી કાવ્ય રચના મને ઈ-મેલમાં વાંચવા મોકલેલ એને યામિનીબેન અને પ્રજ્ઞાબેનના આભાર સાથે નીચે આપું છું .

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?

એક સવાલ …

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?

એક સવાલ …

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!

— યામિની વ્યાસ ( પરિચય – અહીં ક્લિક કરીને વાંચો )

_________________________________

પિતા -પુત્રીના પ્રેમને ઉજાગર કરતી કવિ હિમાંશુ ભટ્ટની બીજી એક સુંદર કાવ્ય

રચના નીચે પ્રસ્તુત છે .

આ કાવ્ય રચનાને હિમાંશુભાઈની દીકરી રીતુના સ્વરમાં નીચે મુકેલ વિડીયોમાં પણ માણો .

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

– હિમાંશુ ભટ્ટ

Ritu Singing Daddy Tame Koi Navi Vato Sunavo -2012

તમે કોઈ નવી વાતો સુણાવો

આભાર -સૌજન્ય- ટહુકો .કોમ 

એ ખુબ જ દુખની વાત છે કે દીકરી રીતુના આ વ્હાલા ડેડી કવિ હિમાંશુભાઈ હવે

આપણી વચ્ચે નથી . કેન્સરના જીવલેણ રોગનો ભોગ બની તારીખ

October 28, 2013 ના રોજ તેઓએ આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી છે.

આ દુખદ સમાચાર અંગે અને હિમાંશુભાઈનો પરિચય અહીં વાંચો  .)