વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 23, 2013

( 350 ) મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? – ઉમાશંકર જોશી

કવી સ્વ. ઉમાશંકર જોશીની એક અછાંદસ કાવ્ય રચના 

મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ?

શું શું સાથે લઇ જઇશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિહૃદયભર
વસન્તની મ્હેંકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય શિલાનું મૌન ચિરંતન
વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે આહ
મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ
વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ખાલી હાથે ?

– ઉમાશંકર જોષી

સતત બઘું એકઠું કર્યા કરતાં માણસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું આ જગતમાંથી શું શું સાથે લઈ જઈ શકીશ ? આમ તો કહેવાય છે કે ખાલી હાથે આવ્યા હતાં અને ખાલી હાથે જવાના છીએ.

એક શેર યાદ આવે છે.

અરે, ઓ નગ્નતામાં જન્મનારા,
ફિકર તું કેમ રાખે છે કફનની ?

સાવ ખાલી હાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતાં, સાવ નગ્ન જન્મયા હતાં અને માણસો જાણે બઘું જ લઈને જવાના હોય એમ આયોજનો કર્યા કરે છે. પરદેશમાં તો દફન માટે અગાઉથી જગ્યાઓ પણ બુક કરાવી રાખે છે.

ઉમાશંકરભાઈએ ૧૯૫૪ની સાલમાં આ કાવ્ય રચ્યું છે. કવિતાનાં આરંભમાં પોતે પોતાની જાતને પૂછે છે હું શું શું સાથે લઈ જઈશ? અને પછી જાણે આપણને કહેતાં હોય એમ કહે છે કે હું આ સાવ ખાલી ખુલ્લા હાથે પૃથ્વી ઉપરની સમૃદ્ધિ, રિદ્ધિ, પૃથ્વીનો વૈભવ લઈ જઈશ. વસંતની મહેંકી ઉઠેલી ઉજ્જ્વળ મુખશોભા, વરસાદની સાંજે વૃક્ષની ડાળીમાં ઝીલાયેલો તડકો, હૃદયમાં ઉમટેલો શુદ્ધ અઢળક ઉમળકો, માણસો-મનુષ્ય જાતિનાં પગમાં જે ક્રાંતિ તરવરી રહી છે એ ક્રાંતિ અને હિમાલયની શાંતિ હું મારી સાથે લઈ જઈશ.

પશુઓની ધીરજ, પક્ષીઓનાં નૃત્ય, પથ્થરોનું ચિરંતન મૌન, વિરહમાં છૂપાયેલું મિલન, અંધારની અંદર પણ જાણે હૃદયનાં નિચોડ જેવી ચમક્યા કરતી તારાઓની આભા, જે પ્રિય હૃદય છે એ બધાંઓની ચાહના અને જ્યાં જ્યાં દુઃખનો પડઘો પડ્યો છે તે હૃદયો તે સંબંધોનાં સ્મરણો હું મારી સાથે લઈ જઈશ.
ખૂબ પરિચિત મિત્રોની ગોઠડીઓ, કોઈ અજાણ્યાં માનવીની આંખની લૂછેલી ભીનાશ, સપનાંઓનો ખજાનો ભરેલી ઉંઘ એ હું સાથે લઈ જઈશ. અને કવિ છેલ્લે કમાલ કરે છે. નાનાં બાળકોની આંખોમાં જે અનંત આશાઓ ચમકી રહી છે, હું મારી સાથે તે લઈ જઈશ. આમ તો પ્રત્યેક માણસ ખાલી હાથે આવ્યો હોય છે અને ખાલી હાથે જવાનો હોય છે. પ્રત્યેક માણસ ખાલી હાથે જ આ દુનિયામાંથી જાય છે પણ જો તમે હૃદયમાં કોઈનો પ્રેમ, આ પૃથ્વીનું સૌંદર્ય, કોઈને કરેલી મદદનો સંતોષ જો લઈને જાવ છો તો એ હાથ ખાલી નથી રહેતા. હાથ અને હૃદય બંને ભર્યાં-ભર્યાં બની જાય છે.

અમૃત ઘાયલનો શેર યાદ આવે છે.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના
દુનિયાથી દિલના મારે છેડા ભરી જવાનાં.

ઉમાશંકરની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.

તેમની થોડીક પંક્તિઓ અહીં સહજ યાદ આવે છે.

ચારે બાજુ લોકો પૈસા ભેગા કરી-કરીને ઉંચા મહેલો બાંધી રહ્યાં છે જે દુઃખી છે એ લોકોને શોષી રહ્યાં છે પણ એ મહેલો બાંધનારાઓએ ચેતી જવાની જરૂર છે કે જ્યારે એ ભૂખ્યાં માણસો ક્રાંતિ કરશે ત્યારે એ મહેલ ખંડેર બની જશે અને એ પછી એમની ભૂખની આગમાં બઘું જ બળી જશે.

ખંડેરની એક કણી પણ હાથ નહીં લાગે.

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ન લાઘશે.

ઉમાશંકરનાં બે મુક્તકોએ મને અનેકવાર જીવાડ્યો છે. આપ સૌને પણ એ પ્રેરણા આપે એવાં છે. ક્યારેક આપણે ખૂબ મોટા માણસોને સાવ ટૂંકા મનનાં, સાવ કલ્પના ન હોય એવું વર્તન કરતાં જોઈએ છીએ. ક્યારેક મોટા માણસો સાવ છીછરા નીકળે છે અને ક્યારેક સાવ નાનો માણસ એક ઉમદા માનવી અને અનેક ગુણોથી સંપન્ન નીકળે છે.

જીવનમાં નિષ્ફળતાઓ તો મળ્યા કરે પણ એનો અર્થ એ નથી કે એ નિષ્ફળતાઓથી નિરાશ થઈ બેસી જવું. નિષ્ફળતાઓ મળ્યા પછી જ ખરા અર્થમાં જીંદગીના પાઠ શીખાતાં હોય છે. નિષ્ફળતા તો સફળતાની જનેતા છે.

કંઈક આ જ સંદર્ભના ઉમાશંકરનાં બે ચિરંજીવ મુક્તકો જોઈએ.

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
*
મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જીંદગીમાં.

આભાર- સૌજન્ય- ગુજરાત સમાચાર  .કોમ

UJheader-

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે.

તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો. તેમના

જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.

સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા.

ગુજરાતી સાહિત્યના ગૌરવ સમા કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે વધુ જાણો

નીચેની વેબ સાઈટ ઉપર જઈને ……

1. ગુજરાતી પ્રતિભા પરિચય

2 http://umashankarjoshi.in/SvamukheKavita.html

 

(349 )ભારતીય ક્રિકેટના ભૂતકાળના ઇતિહાસની કેટલીક ઝળકતી પળો ઉપર એક નજર – 1932 to 1976

આ અગાઉની પોસ્ટ નંબર 348 માં  આપણે એની ૧૬ વર્ષની વયે નવેમ્બર ૧૯૮૯ થી પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટથી શરુ કરીને ૨૪ વર્ષ સુધી સમગ્ર વિશ્વમાં ભારતીય ક્રિકેટર તરીકે છાઈ જનાર સચિન તેન્ડુલકરની નિવૃત્તિ પ્રસંગે એના કીર્તીમાનો અને એના જીવનની ઝાંખી કરી .

ભારતમાં ભૂતકાળમાં સચિન પહેલાં ઘણા ક્રિકેટરો થઇ ગયા છે એમના વિષે પણ જાણવું જરૂરી છે .આપણા દેશમાં અંગ્રેજોએ બસો વર્ષ શાશન કર્યું એ દરમ્યાન તેઓ એમના દેશ ઈંગ્લેન્ડમાં ખુબ રમાતી ક્રિકેટની રમત આપણને વારસામાં આપતા ગયા .

આપણને ૧૯૪૭ માં સ્વરાજ મળ્યું એ પહેલાં સન ૧૯૩૨ થી આપણા કેટલાક ક્રિકેટના ખેલાડીઓ આ રમતમાં પાવરધા થયા હતા અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકી ઉઠ્યા હતા.આ વિષે આજની યુવા પેઢી બહું ઓછું જાણતી હશે .

ભારતની  ક્રિકેટ  ટીમે ૧૯૩૨થી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી એ પછી એણે વર્ષો વર્ષ ઘણી પ્રગતી કરી અને વિશ્વમાં આગલી હરોળની પ્રથમ ચાર ટીમોમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું .

ભારતીય ક્રિકેટ ટીમે કપિલદેવની આગેવાની હેઠળ જુન ૧૮૮૩માં અને ધોની મહેન્દ્રસિંગની આગેવાની હેઠળ એપ્રિલ ૨૦૧૧માં એમ બેવાર વિશ્વ કપ જીતીને વિશ્વની શ્રેષ્ઠ ક્રિકેટ ટીમ પણ બની હતી .

સને ૧૯૩૨ થી ૧૯૭૬ દરમ્યાન રમાયેલ ભારતીય ક્રિકેટનો ઇતિહાસ, ક્રિકેટના ખેલાડીઓ અને એમની રમતની ઝળકતી પળોને આવરી લેતા એક દસ્તાવેજી વિડીયોની લીંક કલાગુરુ રવિશંકર રાવલના સુપુત્ર અને મારા ૮૪ વર્ષના બુઝુર્ગ મિત્ર ડૉ . કનકભાઈ રાવળએ મને એકવાર ઈ-મેલમાં મોકલી આપી હતી એ મને ગમી ગઈ  હતી  . 

સચિન તેન્ડુલકર અંગેની આ અગાઉની પોસ્ટના અનુસંધાનમાં આજની પોસ્ટમાં આ  વિડીયો રજુ કરતાં આનંદ થાય છે  .

આ વિડીયો ભૂતકાળની ટેસ્ટ મેચો અને આપણા ભુલાતા જતા જુના અને જાણીતા ક્રિકેટરો સાથેના કોઈએ અગાઉ ભાગ્યે જ જોયા કે સાંભળ્યા હોય એવા ઇન્ટરવ્યુંની ખુબ જ રસપ્રદ અને અપ્રાપ્ય માહિતી પૂરી પાડે છે .

ભારતીય ક્રિકેટમાં રસ ધરાવતા વાચકોને આ એક કલાક ચાલતી ભારતીય ક્રિકેટના ઈતિહાસની ઝાંખી કરાવતી ડોક્યુમેન્ટરી જરૂર ગમશે .

આવા  સરસ વિડીયોની લીંક મોકલી આપવા માટે હું ડૉ . કનક રાવળનો આભારી છું .

ડૉ. રાવલનો પરિચય અહીં વાંચો .

Seminal moments in Indian cricket’s history from 1932 to 1976

( Presented by Ashis Ray –Duration 01-01-06)

 

વિકિપીડિયાની નીચેની લીંક ઉપર ભારતીય ક્રીકેટ ટીમનો ઇતિહાસ અંગ્રેજીમાં વાંચો . 

History of the Indian cricket team

____________________________________________________________

મહાન ક્રિકેટર સચિન રમેશ તેંડુલકરનું એક અદભૂત ચિત્ર !

Sachin Tendulkar's  Amazing Picture..... ( click on this picture to see it enlarged)

Sachin Tendulkar’s Amazing Picture…..
( click on this picture to see it enlarged)

( ફોટો સૌજન્ય- planet JV- જય વસાવડા )

આ ચિત્રમાં તાંજેતરમાં જ ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેનાર મહાન ખેલાડી સચિન તેંડુલકરના એક અનોખા ખેલાડી તરીકેના ગુણો અને એની ૨૪ વર્ષની કારકિર્દી દરમ્યાન એણે સ્થાપિત કરેલ અનેક રેકોર્ડને આવરી લઈને કોઈ અજ્ઞાત ચિત્ર સર્જકે કમાલ કરી છે .

સચિન ખરેખર શું છે, એ જાણવા સમજવા માટે

આ અનોખા પોસ્ટર ઉપર ક્લિક કરી ચિત્રને એન્લાર્જ કરીને વાંચો  .

Tendulkar’s 3 unbelievable 6’s . Can you judge which 6 is the best