વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 350 ) મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? – ઉમાશંકર જોશી

કવી સ્વ. ઉમાશંકર જોશીની એક અછાંદસ કાવ્ય રચના 

મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ?

શું શું સાથે લઇ જઇશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
શું શું સાથે લઈ જઈશ હું ?
કહું ?
લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિહૃદયભર
વસન્તની મ્હેંકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય શિલાનું મૌન ચિરંતન
વિરહ ધડકતું મિલન સદા મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે આહ
મિત્રગોઠડી મસ્ત અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ
વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ખાલી હાથે ?

– ઉમાશંકર જોષી

સતત બઘું એકઠું કર્યા કરતાં માણસે પોતાની જાતને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે હું આ જગતમાંથી શું શું સાથે લઈ જઈ શકીશ ? આમ તો કહેવાય છે કે ખાલી હાથે આવ્યા હતાં અને ખાલી હાથે જવાના છીએ.

એક શેર યાદ આવે છે.

અરે, ઓ નગ્નતામાં જન્મનારા,
ફિકર તું કેમ રાખે છે કફનની ?

સાવ ખાલી હાથે આ પૃથ્વી ઉપર આવ્યા હતાં, સાવ નગ્ન જન્મયા હતાં અને માણસો જાણે બઘું જ લઈને જવાના હોય એમ આયોજનો કર્યા કરે છે. પરદેશમાં તો દફન માટે અગાઉથી જગ્યાઓ પણ બુક કરાવી રાખે છે.

ઉમાશંકરભાઈએ ૧૯૫૪ની સાલમાં આ કાવ્ય રચ્યું છે. કવિતાનાં આરંભમાં પોતે પોતાની જાતને પૂછે છે હું શું શું સાથે લઈ જઈશ? અને પછી જાણે આપણને કહેતાં હોય એમ કહે છે કે હું આ સાવ ખાલી ખુલ્લા હાથે પૃથ્વી ઉપરની સમૃદ્ધિ, રિદ્ધિ, પૃથ્વીનો વૈભવ લઈ જઈશ. વસંતની મહેંકી ઉઠેલી ઉજ્જ્વળ મુખશોભા, વરસાદની સાંજે વૃક્ષની ડાળીમાં ઝીલાયેલો તડકો, હૃદયમાં ઉમટેલો શુદ્ધ અઢળક ઉમળકો, માણસો-મનુષ્ય જાતિનાં પગમાં જે ક્રાંતિ તરવરી રહી છે એ ક્રાંતિ અને હિમાલયની શાંતિ હું મારી સાથે લઈ જઈશ.

પશુઓની ધીરજ, પક્ષીઓનાં નૃત્ય, પથ્થરોનું ચિરંતન મૌન, વિરહમાં છૂપાયેલું મિલન, અંધારની અંદર પણ જાણે હૃદયનાં નિચોડ જેવી ચમક્યા કરતી તારાઓની આભા, જે પ્રિય હૃદય છે એ બધાંઓની ચાહના અને જ્યાં જ્યાં દુઃખનો પડઘો પડ્યો છે તે હૃદયો તે સંબંધોનાં સ્મરણો હું મારી સાથે લઈ જઈશ.
ખૂબ પરિચિત મિત્રોની ગોઠડીઓ, કોઈ અજાણ્યાં માનવીની આંખની લૂછેલી ભીનાશ, સપનાંઓનો ખજાનો ભરેલી ઉંઘ એ હું સાથે લઈ જઈશ. અને કવિ છેલ્લે કમાલ કરે છે. નાનાં બાળકોની આંખોમાં જે અનંત આશાઓ ચમકી રહી છે, હું મારી સાથે તે લઈ જઈશ. આમ તો પ્રત્યેક માણસ ખાલી હાથે આવ્યો હોય છે અને ખાલી હાથે જવાનો હોય છે. પ્રત્યેક માણસ ખાલી હાથે જ આ દુનિયામાંથી જાય છે પણ જો તમે હૃદયમાં કોઈનો પ્રેમ, આ પૃથ્વીનું સૌંદર્ય, કોઈને કરેલી મદદનો સંતોષ જો લઈને જાવ છો તો એ હાથ ખાલી નથી રહેતા. હાથ અને હૃદય બંને ભર્યાં-ભર્યાં બની જાય છે.

અમૃત ઘાયલનો શેર યાદ આવે છે.

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના
દુનિયાથી દિલના મારે છેડા ભરી જવાનાં.

ઉમાશંકરની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.

તેમની થોડીક પંક્તિઓ અહીં સહજ યાદ આવે છે.

ચારે બાજુ લોકો પૈસા ભેગા કરી-કરીને ઉંચા મહેલો બાંધી રહ્યાં છે જે દુઃખી છે એ લોકોને શોષી રહ્યાં છે પણ એ મહેલો બાંધનારાઓએ ચેતી જવાની જરૂર છે કે જ્યારે એ ભૂખ્યાં માણસો ક્રાંતિ કરશે ત્યારે એ મહેલ ખંડેર બની જશે અને એ પછી એમની ભૂખની આગમાં બઘું જ બળી જશે.

ખંડેરની એક કણી પણ હાથ નહીં લાગે.

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,

ખંડેરની ભસ્મકણી ન લાઘશે.

ઉમાશંકરનાં બે મુક્તકોએ મને અનેકવાર જીવાડ્યો છે. આપ સૌને પણ એ પ્રેરણા આપે એવાં છે. ક્યારેક આપણે ખૂબ મોટા માણસોને સાવ ટૂંકા મનનાં, સાવ કલ્પના ન હોય એવું વર્તન કરતાં જોઈએ છીએ. ક્યારેક મોટા માણસો સાવ છીછરા નીકળે છે અને ક્યારેક સાવ નાનો માણસ એક ઉમદા માનવી અને અનેક ગુણોથી સંપન્ન નીકળે છે.

જીવનમાં નિષ્ફળતાઓ તો મળ્યા કરે પણ એનો અર્થ એ નથી કે એ નિષ્ફળતાઓથી નિરાશ થઈ બેસી જવું. નિષ્ફળતાઓ મળ્યા પછી જ ખરા અર્થમાં જીંદગીના પાઠ શીખાતાં હોય છે. નિષ્ફળતા તો સફળતાની જનેતા છે.

કંઈક આ જ સંદર્ભના ઉમાશંકરનાં બે ચિરંજીવ મુક્તકો જોઈએ.

મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
*
મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જીંદગીમાં.

આભાર- સૌજન્ય- ગુજરાત સમાચાર  .કોમ

UJheader-

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે.

તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો. તેમના

જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.

સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા.

ગુજરાતી સાહિત્યના ગૌરવ સમા કવિરાજ સ્વ .ઉમાશંકર જોશી વિષે વધુ જાણો

નીચેની વેબ સાઈટ ઉપર જઈને ……

1. ગુજરાતી પ્રતિભા પરિચય

2 http://umashankarjoshi.in/SvamukheKavita.html

 

9 responses to “( 350 ) મૃત્યુ પછી સાથે શું શું લઈ જઈ શકીશું… ? – ઉમાશંકર જોશી

  1. pushpa1959p નવેમ્બર 23, 2013 પર 6:25 પી એમ(PM)

    shu lavela ke layine javana, taru che shu? bavra jenu che ene jode jiv to khara, vakhat avshe tyare aashaki ke bandhana sha mate, aapne to bhai xana malik chie, chapti vagase tedu aavshe toy amare to shu tya ane shu ahiya, aapne to badhej jalsa che

    Like

  2. pragnaju નવેમ્બર 24, 2013 પર 3:30 એ એમ (AM)

    ખૂબ સુંદર પ્રત્યેક દિવસનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરો. આ૫ તેનો સારો – ખોટો ઉ૫યોગ કરી લીધો, એ જ આ૫ના માટે પૂરતું હતું. આ વાત સિકંદરને સમજાય ગઈ અને જ્યારે તે મરવાનો થયો, તો તેને બહુ અફસોસ થયો. તેણે પોતાના મંત્રીઓને બોલાવીને કહ્યું કે લોકોને કહેજો કે સિકંદર ખૂબ બેવકૂફ હતો. તેણે કહ્યું કે આ૫ એવું કરજો કે મારા બંને હાથ તાબૂતમાંથી બહાર કાઢી નાખજો, જેથી જ્યારે રસ્તા ૫રથી મારો જનાતો નીકળે તો લોકોને એ ખબર ૫ડે કે સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ચાલ્યો ગયો. મિત્રો ! આ૫ણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ આ૫ણે ચાલ્યા જવાનું છે. ફક્ત ભલાઈ અને બૂરાઈનું બોલું માથે મૂકીને આ૫ણે લઈ જઈ શકીએ છીએ, આ૫ણા મોંને કાળું અને સફેદ બનાવીને લઈ જઈ શકીએ છીએ. આ૫ણે બીજું કંઈ નથી કરી શકતા. મજબૂર છીએ. જો મૃત્યુ યાદ હોય તો આ૫ણને એ ખ્યાલ જળવાઈ રહેશે કે આ૫ણે શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ. મૃત્યુ ને આ૫ણે ભૂલી જઈએ છીએ. રાજા ૫રીક્ષિતનો આવો જ કિસ્સો છે. ૫રીક્ષિતને સા૫ કરડવાનો શા૫ મળ્યો હતો કે તેને આજથી સાતમા દિવસે તક્ષક નાગ કરડી જશે. સાત દિવસ ૫છી મૃત્યુની વાત જ્યારે રાજા ૫રીક્ષિતે સાંભળી તો ન તે રોયો, ન ખીજાયો, ન કંઈ કામ કર્યુ. બસ તેણે એક જ કામ કર્યુ કે જીવનના બાકી બચેલા સાત દિવસોનો શ્રેષ્ઠતમ ઉ૫યોગ શું હોઈ શકે છે અને તેનો સારામાં સારો ઉ૫યોગ હું શું કરી શકું છું. તે જ વિચારતો રહયો
    યાદ
    હવે તો ઝંખી રહ્યો છું વેદના માટે,
    ગયા દિવસ કે તડપતો હતો દવા માટે…

    તું સાકી, એમને તરસાવજે સુરા માટે,
    જરુર જેમને, દુઃખની નથી પીવા માટે…

    ભર્યાં છે આંખમાં આંસુ મેં બેવફા માટે,
    હું સાચા નીર વહાવું છું ઝાંઝવા માટે…

    જીવો ન એમ જગતમાં ખુદાના બંદાઓ,
    જગતમાં સ્થાન નથી જાણે કે ખુદા માટે…

    દિવાનગીથી જમા થાય એટલાં લોકો,
    રહે ન વ્યક્તિ કોઇ એમની સભા માટે…

    છે મારા આવતા દિવસોની ઉન્નતી એમાં,
    જે હાથ આજ ઊંચા થાય છે દુઆ માટે…

    મેં હાથ પણ લગાડ્યો એ તુચ્છ દુનિયાને,
    સિકંદર આવ્યો હતો જેને જીતવા માટે…

    છતાં બધાયે લૂંટી લીધી જીંદગી મારી,
    જગતમાં જીવતો હતો નહિ તો હું બધા માટે…

    કબરને જોઇને દુઃખ એ જ થાય છે બેફામ,
    તમારે મરવું પડ્યું આટલી જગા માટે…

    – બરકત વિરાણી ‘બેફામ’

    Like

  3. chandravadan નવેમ્બર 24, 2013 પર 7:22 એ એમ (AM)

    Nice Post !
    To know MORE o UMASHANKAR JOSHI>>>>

    કર્તા પરિચય:

    ઉમાશંકર જેઠાલાલ જોશી, ‘વાસુકિ’, ‘શ્રવણ’(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ ઈડરના બામણા ગામમાં. બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને પન્નાલાલ પટેલ સાથે અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. ૧૯૨૮માં અમદાવાદની પ્રોપરાઈટરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઈન્ટર આર્ટસ વખતે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ૧૯૩૮માં બી.એ. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈની વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. ૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ.
    ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૪માં મહીડા પારિતોષક, ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક, ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક. ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર. ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કાર. કેન્સરથી મુંબઈમાં અવસાન.
    સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  4. સુરેશ નવેમ્બર 25, 2013 પર 3:30 એ એમ (AM)

    મોતની શી ફિકર?
    આ ઘડી જીવીએ તો ય ઘણું.

    Like

  5. nabhakashdeep નવેમ્બર 25, 2013 પર 2:47 પી એમ(PM)

    ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા…શ્રી ઉમાશંકરની કલમે જે કાવ્યામૃત ઝરે , એ સદાય હીરા સમ ઝગમગતું. આપનો આ લેખ ને રસદર્શન , એક જીવન દર્શનનો લ્હાવો પીરસી ગયો. સાહિત્યની મજા જે માણે એ જાણે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. nabhakashdeep નવેમ્બર 25, 2013 પર 2:49 પી એમ(PM)

    કબરને જોઇને દુઃખ એ જ થાય છે બેફામ,
    તમારે મરવું પડ્યું આટલી જગા માટે…

    – બરકત વિરાણી ‘બેફામ’
    vaah! ‘બેફામ’

    Like

  7. ગોદડિયો ચોરો… નવેમ્બર 30, 2013 પર 7:58 એ એમ (AM)

    આદરણીયવડિલ શ્રી વિનોદકાકા

    ગુજરાતી સાહિત્ય જગતના આધાર સ્થંભનાં અનેરાં સંસ્મરણો.

    Like

  8. Pingback: ( 811) અમે સૂતા ઝરણાંને જગાડ્યું,…રચના… ઉમાશંકર જોશી | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: