વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 2, 2013

(356 ) પાનખરમાં વસંત -ડોસા-ડોસી કાવ્યો / લેખ – બુઢ્ઢા હોગા તેરા બાપ

શ્રી ઉત્તમભાઈ ગજ્જર એમના  ‘સન્ડે ઈ–મહેફીલ’  બ્લોગમાં પસંદગીની સાહિત્યની સામગ્રીનું ચયન કરીને સૌને વાંચવા માટે પ્રગટ કરી રહ્યા છે .

સ્વ.રતિલાલ ચંદરયા નિર્મિત ‘લેક્સિકોન’ અને એમના આ બ્લોગ મારફતે ઘણા વર્ષોથી સાહિત્યની સેવા કરી રહેલ મારા આદરણીય વડીલ મિત્ર શ્રી ઉત્તમભાઈએ સ્વ. સુરેશ દલાલ અને અન્ય કવિઓ રચિત ડોસા-ડોસી વિશેનાં ગીતો એમના ઈ-મેલમાં મને વાંચવા મોકલ્યાં છે .

આ ગીતોને એમના આભાર સાથે આજની પોસ્ટમાં સહર્ષ રજુ કરું છું  .

સમાજમાં પાછલી ઉંમરે જીવનની સંધ્યાના અવનવા રંગો નિહાળતાં નિહાળતાં એક બીજાના સહારે જિંદગી ટૂંકી કરી રહેલાં અનેક ડોસા -ડોસીના મનોભાવો આ કાવ્યોમાં સરસ ઝીલાયા છે એની પ્રતીતિ થયા વગર રહેતી નથી .

આ ઉપરાંત ,શ્રી ઉત્તમભાઈએ એમના ઈ-મેલમાં આવા જ વિષય ઉપરનો એક સરસ લેખ “બુઢ્ઢા હોગા તેરા બાપ ” પણ મને મોકલ્યો છે .

શ્રી. જયેશ અધ્યારૂ લિખિત આ લેખમાં સિત્તેરની ઉંમર વટાવી ગયેલ પણ મનથી સદા યુવાન એવા આજના બોલીવુડના સુપર સ્ટાર ‘બીગ બી’ અમિતાભ બચ્ચનના જીવનની અવનવી વાતોને સુંદર શૈલીમાં રજુ કરવામાં આવી છે  .

ડોસા-ડોસી કાવ્યો પછી આ લેખની પી.ડી.એફ. ફાઈલ ખોલીને તમે એ વાંચી શકશો .

આજની પોસ્ટમાં સંપાદિત આ કાવ્યો અને લેખ ૬૦ વર્ષ વટાવી ગયેલ વૃદ્ધજનોને જ નહી, એથી ઓછી ઉંમરના વાચકોને પણ વાંચવામાં જરૂર રસ પડશે .

આજની પોસ્ટ માટે શ્રી શ્રી. જયેશ અધ્યારૂ અને શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો આભારી છું .

વિનોદ પટેલ

—————————————————-

કમાલ કરે છે,

એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે

કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે

અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,

લોકોનું કહેવું છે કે

ડોસી આમ કરી ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમાગરમ નાસ્તો

ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે ?

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ

અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,

બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે

જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં

એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેક્શન કે

‘સિગરેટ શરાબ હવે છોડો,’

ડોસો તો પોતાના તાનમાં જીવે

કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો !

બન્નેની વચ્ચે વહે આછું સંગીત;

પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો

બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,

લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,

જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં

બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

–સુરેશ દલાલ

 @@@

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:

 

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:

                હવે હાથમાં તું મેંદી મુકાવ,

કો’કના લગનમાં જઈએ તો લાગે                 

કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય

                કે પરણી જઈએ તો કેવું સારું,

મંગળફેરા ફરતાં જીવોને લાગે કે                 

જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને                 

ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ                

અને નામમાં દેખાશે તારો ચહેરો,

હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ                

ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે                

ને બિલોરી આપણું તળાવ !

-સુરેશ દલાલ

@@@

ડોસો કહે : ડોસી કહે હાજી…

ડોસી કહે સવાર પડી : ડોસો કહે હાજી;

ડોસો કહે રાત પડી : ડોસી કહે હાજી.

હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણાં વાતો કરે :

કરે હોંશાતોંશી મનથી રહ્યાં તાજાંમાજાં :શરીરની ખામોશી

ડોસો બ્હારથી થોથાં લાવે : ડોસી લાવે ભાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોસીનાં દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.

એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.

સિગારેટના ધુમાડાથી ડોસી જાયે દાઝી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછાં એક,

એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ.

વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતાં ગાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

– સુરેશ દલાલ

સુ.દ.નાં આ ડોસા-ડોસી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલાં પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સાહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતાં ગાજીથી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોસીનાં ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એ જ રહે છે…વિવેક ટેલર

@@@

ડોસા ડોસીની વાત

ડોસી શોધે છે ચોકઠું ને ડોસાના કાને છે ધાક,

ડોસી બોલે ક્યાંક અને ડોસો સાંભળતો ક્યાંક !
સમજાય જ્યારે સાવ સાચી વાત

બેઉ હસતાં દઈ દઈ તાલ.

ડોસો વાંચે રામાયણ અને ભાગવત, ગીતા મધરાત.
ડોસી સાંભળતાં સાંભળતાં કરતી રહે ઝોકમઝાક .

ઝોકાંમઝાકમાં જોઈ લીધાં એણે છૈયાંછોકરાં અને સંસાર.
ડોસાને છે દરદ ખાંસીનું ડોસીને કાયમનો ઉચાટ,

ડોસીનાં નસ્કોરાંની ડોસો કરતો રોજ રોજ પંચાત.
લડતાં–ઝગડતાં પોઢી જતાં બેઉ, એઈ વહેલું પડજો પરભાત.

ડોસીના પગ માંહ્ય છે ટેકા, ટેભા છે ડોસાના હાડ
લાકડીના ટેકા, ભીંતના ટેકા, ટેકાથી દોડવું દિનરાત,

ટેકાટેકીની રમત રમતાં રમતાં પહોંચી જશું રામજીને દરબાર.

&&&

છેલ્લે તો આપણે બે જ હોઈશું

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જ હોઈશું.

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

 ‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી  આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

કવીઃ મૃગાંક શાહ

babham@hotmail.com

&&&&&

@@@

‘ચાલ, કાગળ વાંચીએ..’

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,

કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડ્યા તો શું થયું?

તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે ?

મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,

આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,

શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,

કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

–ભગવતીકુમાર શર્મા–

સુરત

@@@

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ પહેલું – અંકઃ 005 – June 26, 2005

‘ઉંઝાજોડણી’માં પુનરક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

@@@@@@@@@

“બુઢ્ઢા હોગા તેરા બાપ ”     લેખક ……શ્રી. જયેશ અધ્યારૂ

પોતાની જિંદગીનાં સિત્તેર વર્ષ વટાવી ગયેલા પણ મનથી યુવાન અમિતાભની વાતોને

બખૂબી રજુ કરતો આ લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

“બુઢ્ઢા હોગા તેરા બાપ ”    લેખક ……શ્રી. જયેશ અધ્યારૂ

 ‘બીગ બી’ એમના બ્લોગમાં દરરોજ કોઈને કોઈ વિષય ઉપર અંગ્રેજીમાં એમના વિચારો વ્યક્ત

કરતા હોય છે   . એમના   આ વિચારો  વાંચવા માટે તમારે તેમના બ્લોગની મુલાકાત લેવી રહી  ..

બોલ બચ્ચન પર પહોંચવા આ ચિત્ર પર ક્લિકો !

ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરીને બીગ બી -અમિતાભ બચ્ચન ના બ્લોગ ઉપર પહોંચી જાઓ   

OLD COUPLES GUJARATI SONG-KANUBHAI SUCHAK