વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 12, 2013

( 360 ) મારા વિચાર વલોણાનું નવનીત — મારી નોંધપોથીમાંથી

હું જ્યારે ઘરની ચાર દીવાલો વચ્ચે કે ઘર બહારના રમણીય વાતાવરણમાં એકલો બેઠો હોઉં ત્યારે ચોમાસાની ઋતુમાં આકાશમાં જેમ વાદળાના ઢગલા ચડી આવે છે એમ મારા મનના આકાશમાં વિચારોના ઢગ ચડી આવતા હોય છે  . 

આમાંથી કેટલાક વિચારો વાદળોની જેમ વિખરાઈ જાય એ પહેલાં મારી નોટ બુકમાં એને જલ્દી જલ્દી ટપકાવી લેતો હોઉં છું .

આજે એ નોટબુક લઈને એના પાનાં ફેરવતો હતો ત્યારે મને થયું કે આમાંથી કેટલાક વિચારોને થોડા મઠારી ,થોડું કાવ્ય કે મુક્તકનું સ્વરૂપ આપી વિનોદ વિહારના વાચકોને માટે પણ વિચારવા માટે વહેંચું તો કેવું !

આથી આ નોંધપોથીમાંથી પસંદ કરી મારા વિચારોનું કેટલુંક નવનીત આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ અનુભવું છું .વાચકોને જો આ પોસ્ટ ગમશે તો અવારનવાર એ નોંધપોથીમાંથી નવનીત પીરસતો રહીશ .

વિનોદ પટેલ

______________________________________

SONY DSC

૧. સ્વપ્નાં

સ્વપ્નાં જોવા માટે આપણે સૌએ ઊંઘવું પડે છે

સ્વપ્નાને સાકાર કરવા જાગવું ને ઝૂઝવું પડે છે .

૨. તડકો અને છાંયો

વિશાળ વડલાની છાયામાં છોડ વધી નથી શકતો

સુંદર ફૂલોને ખીલવા માટે સૂર્યનો તડકો જરૂરી છે .

જીવનનું પણ એવું જ કામકાજ છે

જીવનમાં જો આગળ વધવું હોય તો

સુખ અને આરામના છાંયડા કરતાં

દુખ અને મુશ્કેલીનો તડકો જરૂરી હોય છે .

૩. નદી અને મહાસાગર

સદા કાળ વહેતી રહેતી નદીને , દુર શું કે નજીક શું !

અંતિમ ધ્યેય એનું તો સમુદ્રે પહોંચી એમાં ભળી જવાનું !

સમુદ્રમાં ભળતા પહેલાં એના કિનારે હરીયાળો પાક ઉગાડી

લોકોને પોષણ અને આનંદ આપવાનો પણ આનંદ કેટલો !

નદીની જેમ મનુષ્ય જીવનમાં પણ સૌને માટે ,

મંઝીલ લાંબી હો યા ટૂંકી, એ કાપવી જ પડે છે

પગમાં જોર અને હૈયામાં હામ ધરી

કેમ ન ચાલવું અંતિમ ધ્યેય તરફ પ્રેમથી

આગળ વધતાં માર્ગમાં પ્રેમ અને આનંદ વહેંચતા

અંતે ભળી જવું પ્રભુના એ દિવ્ય મહાસાગરમાં !

૪. વતન

લોકો કહે ભારત એટલે ગરીબી, ગીર્દી , ગોટાળા અને ગંદકી

જન્મદાતા મા ગંદી ગોબરી ભલે હોય , અંતે તો એ મા છે !

૫. મુસાફરી અને સામાન

મુસાફરી અને સામાન એક બીજા સાથે જોડાએલાં હોય છે

જેટલો સામાન વધારે એટલી એને સાચવવાની ચિંતા વધારે

સામાનનાં પોટલાંની ચિંતામાં મુસાફરીનો આનંદ ઓછો થઇ જાય છે .

જીવનની આપણી આ મુસાફરીમાં પણ એવું જ છે .

માયાનાં પોટલાં જેટલાં વધારે એટલી મુસાફરી દુઃખદાયક

માયાનાં પોટલાં સાચવવાની ચિંતામાં જીવન મુસાફરી પૂરી થઇ જાય છે

આ પોટલાં એક પછી એક ફેંકતા જઈએ એટલી મુસાફરી સુખદાયક

તો જ હલકા ફુલ થઈને પ્રભુના દરબારમાં પહોંચી જવાય

પણ આ માયાનાં પોટલાં છોડવા માટે કેટલા જણ તૈયાર છે !

૬. સંજોગો

માણસ એ સંજોગોનો ગુલામ છે .

સંજોગો માણસને બનાવે છે કે બગાડે છે .

વિપરીત સંજોગો જ એનું ઘડતર કરે છે

સંજોગોથી હારી જાય એ જીવનની બાજી હારી જાય છે .

તમારા સંજોગો એ તમારી સાચી ઓળખ નથી

સંજોગોને માણસ પ્રયત્નોથી બદલી શકે છે

ઘટનાઓના આક્રરા ઘા શરીરે ભલે પડે

જીવન સંજોગો મનને ભલે પીડ્યા કરે

કોઈ પણ સંજોગ તમને હરાવી ન જાય

એવું મજબુત જીવન જીવવા પ્રયત્ન કરો .