વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 20, 2013

( 364 ) ક્રિસમસની અણમોલ ભેટ ….. ( ટૂંકી વાર્તા ) …. લેખક-વિનોદ પટેલ

સને ૨૦૧૩ના વર્ષને વિદાય લેવા માટે માંડ ગણતરીના દિવસો હવે બાકી છે .

અમેરિકામાં બધી જ જગાઓએ ઉત્સાહ અને આનંદ સાથે ક્રિસમસ અને નવા વર્ષ ૨૦૧૪નુ સ્વાગત કરવાની બધી જ તીયારીઓ પુર જોશમાં ચાલી રહી છે . આપણી દિવાળીને યાદ અપાવે એવા ઝગઝગાટથી  ક્રિસમસની ઉજવણી  શરુ થઇ ચુકી છે .શેરીમાં અને મકાનો ઉપર લાઈટના તોરણો ઝળહળી રહ્યાં છે .

સ્ટોરોમાં છેલ્લી ઘડીની ક્રિસમસની ખરીદી કરવા માટે લોકોનાં ઝુંડ ઉમટી રહ્યાં છે . લોકોને જોઈને એમ લાગે કે જાણે એક વિશ્વ મેળો ભરાયો ન હોય !

ક્રિસમસના આવા અનોખા ઉત્સાહ ભર્યા માહોલમાં મારી  એક પ્રસંગોચિત સ્વ-રચિત વાર્તા ” ક્રિસમસની અણમોલ ભેટ “આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમશે .

વિનોદ પટેલ

———————————————

ક્રિસમસની અણમોલ ભેટ    ….. ( ટૂંકી વાર્તા ) ….   

Christmas gift-2

ક્રિસમસના આગલા દિવસે પંદર વર્ષનો એક લબરમૂછીયો કિશોર ડેવિડ રજાનો દિવસ હોઈ દિવસે બપોર પછી ઊંઘતો હતો એમાંથી સફાળો જાગી ગયો.

એને અચાનક યાદ આવ્યું કે એની માતાને આપવા માટે ભેટ ખરીદવાની તો રહી ગઈ ! એની માતા એને હાથ ખર્ચી માટે આપતી હતી એ  પૈસામાંથી બચાવીને ભેગી કરેલ બચતમાંથી માતા માટે એ કોઈ સારી ભેટ ખરીદીને એને સરપ્રાઈઝ આપવા માગતો હતો.

ડેવિડ એની વિધવા મા હેલનનો એની આંખના રતન જેવો વ્હાલો એકમાત્ર પુત્ર હતો.ડેવિડના પિતા જેક્બનું  પાંચ વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું.હેલન એના ઘરની નજીકમાં એક નાની કંપનીમાં પાર્ટ ટાઈમ કામ કરીને ડેવિડના અભ્યાસ અને ઘર ખર્ચની બધી જવાબદારી એકલે હાથે મહા મુશ્કેલીથી નિભાવી રહી હતી.

ક્રિસમસ વખતે બીજાઓની જેમ સ્ટોરમાં જઈને ભેટોની ખરીદી માટે કે ઘરમાં ક્રિસમસ ટ્રી લાવીને ડેવિડને ખુશ કરવા માટે પુરતા પૈસાની સગવડને અભાવે ખરીદી કરી ન શકવાથી એના મનમાં દુખની લાગણી અનુભવતી હતી.

હું થોડીવારમાં આવું છું એમ માતાને કહીને ડેવિડ એના સ્કેટ બોર્ડ ઉપર સવાર થઈને ઘરથી થોડે દુર આવેલા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં માને આપવાની ભેટ ખરીદવા પહોંચી ગયો.

સ્ટોરમાં ક્રિસમસની ખરીદી કરવા માટે ભીડ જામેલી હતી એમાંથી રસ્તો કરતો માને શું ગમશે એનો વિચાર કરતો કરતો સ્ટોરમાં ગોઠવાયેલી બધી વસ્તુઓ ઉપર નજર દોડાવી રહ્યો.

સ્ટોરમાં એક કાળા કલરનો શુટ પહેરેલા એક સુખી જણાતા એક ભાઈને બેબાકળા બનીને ચારે બાજુ નજર દોડાવી રહેલા એણે જોયા . આ ભાઈએ એની નજીક આવેલા ડેવિડને કહ્યું કે એમના  ખિસ્સામાંથી પૈસા,ક્રેડીટ કાર્ડ અને અગત્યના કાગળો સાથેનું એમનું પાકીટ એમના ખિસ્સામાંથી ક્યાંક પડી ગયું છે, એણે ક્યાં ય  જોયું છે? ડેવિડે ના કહેતાં એ  ભાઈએ ડેવિડને એનું કાર્ડ આપ્યું અને પાકીટ એને મળી આવે તો એમાં લખેલ ફોન નંબર ઉપર ફોન કરવા ડેવિડને જણાવ્યું.

કાર્ડને ખિસ્સામાં મુકીને ડેવિડ સ્ટોરમાં ફરીને માતાને ભેટ આપવા માટે એક સુંદર ડીઝાઈન વાળી બહું કીમતી નહીં એવી ગ્રીન કલરની આકર્ષક જણાતી ગ્લાસની પ્લેટ પસંદ કરી.એ મનમાં ખુશ થયો કે માને એ ભેટ જરૂર ગમશે.ગ્રીન પ્લેટ લઈને એ સ્ટોરના ચેક આઉટ કાઉન્ટર પર ગયો અને પૈસા આપવા માટે ખિસ્સામાં જેવો હાથ નાખ્યો એવો એને ધ્રાસકો પડ્યો કે સ્ટોરમાં પહોંચવાના અત્યંત ઉત્સાહમાં એ પૈસાનું વોલેટ તો ઘેર જ ભૂલી ગયો છે !નિરાશ થઈને વિચારવા લાગ્યો કે હવે હું શું કરવું? ઘેર પાછા જઈને વોલેટ લઈને પાછા આવવાનો સમય ન હતો કેમ કે સ્ટોર બંધ થવાની તૈયારીમાં જ હતો અને આવતીકાલે તો ક્રિસમસ હતી એટલે આજે જ ખરીદી કરવી પડે .

સ્ટોરની  બહાર નીકળીને એક ઝાડ નીચે નિરાશ વદને એક બેંચ ઉપર બેસી વિચારતો બેસી રહ્યો. સ્ટોરમાં જતાં આવતાં માણસોને થોડી મદદ કરવાની આજીજી કરવાનો પણ એક વિચાર એના મનમાં આવ્યો . આમ વિચારતો ડેવિડ જેવો એના બુટની દોરી બાંધવા નીચે નમ્યો તો બેંચ નીચે  એક પાકીટ પડેલું એણે જોયું.પાકીટ હાથમાં લેતાં એને તરત જ ખ્યાલ આવી ગયો કે આ પાકીટ સ્ટોરમાં જેમણે કાર્ડ આપ્યું હતું એ પેલા કાળા શુટ પહેરેલા ભાઈનું જ હોવું જોઈએ .ડેવિડે પાકીટ ખોલીને એમાંના ડ્રાઈવર લાયસન્સ ઉપરના નામને પેલા ભાઈએ આપેલ કાર્ડ સાથે સરખાવીને ખાતરી કરી લીધી કે પાકીટ એ ભાઈનું જ હતું.

ડેવિડે તરત જ કાર્ડમાં દર્શાવેલ નંબર પર સ્ટોરમાં દાખલ થતા એક ગ્રાહકને વિનંતી કરીને એમના સેલ ફોન ઉપરથી પેલા ભાઈને ફોન કરીને એને પાકીટ મળ્યું છે એવા ખબર આપ્યા.એ ભાઈ પાર્કિંગ લોટમાં હતા અને એમની ગાડીમાં બેસીને જવાની તૈયારીમાં જ હતા .ડેવિડે જણાવેલી જગાએ આવી પહોંચેલા પેલા ભાઈને ડેવિડે એમનું પાકીટ આપી દીધું. પાકીટ મળતાં તેઓ ખુશ થઇ ગયા .

આ પાકીટના માલિકે એને ખોલીને તપાસ્યું તો અંદર બધું જ બરાબર હતું. કશું ય ચોરાયું ન હતું. અંદર ચારસો ડોલરની નોટો હતી એ પણ પણ અકબંધ હતી.ડેવિડ પાકીટ આપીને પાછો વળતો હતો ત્યારે આ ભાઈએ ડેવિડના ખભા ઉપર પ્રેમથી હાથ મૂકી ઉભો રાખ્યો, અને એને કહ્યું :”ક્રિસમસની આ રજાઓની સીઝનમાં તારી ઉમરનો છોકરો આ રીતે આટલી બધી રકમનો મોહ ત્યજીને પાકીટ પાછું સુપ્રત કરે એવું ભાગ્યે જ બને. તું કોઈને ખબર પણ ન પડે એમ એમાંથી પૈસા કાઢી લઈને પાકીટ હતું ત્યાં મુકીને જતો રહી શક્યો હોત.”

ડેવિડની પ્રમાણીકતાથી  ખુશ  થઈને  એ ભાઈએ એને શાબાશી આપી અને ૨૦ ડોલરની પાંચ નોટો એને ઇનામ તરીકે આપી.

ડેવિડે પ્રથમ તો  એ રકમ  સ્વીકાવા  માટે થોડી આનાકાની કરી પરંતુ એ ભાઈના અતિ આગ્રહથી અને એની માતા માટે હજુ ભેટ ખરીદવાની તો હજુ બાકી છે એ યાદ આવતાં સો ડોલરની નોટો ખિસ્સામાં મુકીને મનમાં ખુશીથી ઉછળતો ડેવિડ સ્ટોર તરફ દોડ્યો કેમ કે સ્ટોર બંધ થવાનો સમય થઇ ગયો હતો.

સ્ટોરમાં પહેલાં જે જગ્યાએથી એણે ગ્રીન કલરની ગ્લાસની પ્લેટ પસંદ કરી હતી એ જ જગ્યાએ પહોંચી ગયો.પ્લેટ અને એને પેક કરવા માટે બોક્ષ,વિગેરેની ખરીદી  કરીને ડેવિડ પોતાના સ્કેટ બોર્ડ ઉપર સવાર થઈને ખુશ થતો બે હોઠથી સીટી વગાડતો વગાડતો ઘેર જઈને ચુપચાપ પોતાની રૂમમાં જઈને આવતીકાલે  ક્રિસમસના દિવસે એની પ્રિય માતાને આપવાની સરપ્રાઈઝ  ભેટને સારી રીતે પેક કરવાના કામમાં લાગી ગયો.

બીજે દિવસે ક્રિસમસના આનંદિત માહોલમાં ડેવિડે માને એનું ગીફ્ટ પેક આપતાં કહ્યું :”મોમ, મેરી ક્રિસમસ ,થીસ ઇઝ માય ક્રિસમસ ગીફ્ટ ટુ યુ “.

ડેવિડની માતા હેલનના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એના એકના એક વ્હાલા દીકરાની  જિંદગીની આ પહેલી જ ભેટ હતી. એના મનમાં થયું કે હું તો હજુ ડેવિડ માટે કોઈ ભેટ લાવી શકી નથી અને એ મારા માટે ભેટ ખરીદી લાવ્યો !  માતાએ પેકેટ ખોલીને પોતાની ભેટ જોઈ અને ખુશ થતાં બોલી ઉઠી :” દીકરા મારા ,મને આવી સુંદર પ્લેટ  ગમશે એ તને કેવી રીતે ખબર પડી! વળી,આ ભેટ ખરીદવાના પૈસા તું લાવ્યો ક્યાંથી?”

એ વખતે ડેવિડે એ સ્ટોરમાં ગયો ત્યારે સ્ટોરમાં શું બન્યું એની બધી જ વાત માતા હેલનને કરી .ડેવિડે એને મળેલું પાકીટ પેલા ભાઈને પાછું આપ્યું એથી માને ખુબ ખુશી થઇ.

ડેવિડને માએ પ્રેમથી બાથમાં લઇ લીધો .

આ સમયે માતા હેલનને ડેવિડના પિતા અને પોતાના મૃત પતિની યાદ આવી જતાં એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. હેલનને યાદ આવ્યું કે દરેક ક્રિસમસ વખતે એના પતિ ભૂલ્યા વિના ડેવિડ માટે અને એને માટે પસંદ કરીને સ્ટોરમાંથી કેવી  સુંદર ભેટ લાવીને આપતા હતા . એ વખતે ઘરમાં ક્રિસમસનો કેવો ઉલ્લાસ છવાઈ જતો હતો.

આ પ્રમાણે વિચાર કરતી માના અંતરના ઉંડાણમાંથી એક અવાજ ઉઠ્યો કે પેલા કાળા કોટ વાળા ભાઈનું રૂપ લઈને ક્રિસમસના એન્જલ(દેવ દૂત) બનીને સ્વર્ગમાંથી આવેલા એના પતિ જ હોવા જોઈએ !  એમણે જ આ દેવ દૂત મારફતે સો ડોલર મોકલીને ડેવિડ માટે અને પોતાના માટે  ક્રિસમસની ભેટ મોકલી આપી છે .

હૈયામાં ધરબાયેલો પ્રિય પાત્ર પ્રત્યેનો પ્રેમ મનને ક્યાં ને ક્યાં લઇ જતો હોય છે ! પ્રેમમાં મગ્ન મનના તરંગોની કોઈ હદ કે સીમા હોય છે ખરી !

ડેવિડની માતાને માટે ડેવિડે અત્યંત પ્રેમથી આપેલ ગ્રીન કલરની ગ્લાસની પ્લેટની આ અણમોલ ક્રિસમસ ભેટ એના દુખી મનને શાંતિનો લેપ કરતું જીવનભરનું સંભારણું બની ગઈ છે.

માતાએ પુત્રની આ ભેટને હેતથી જાળવીને પોતાને રોજ નજરે પડે એવી જગ્યાએ એક કાચના નાના કબાટમાં ગોઠવી દીધી છે.ડેવિડની આ ક્રિસમસની ભેટ માતાને ડેવિડ અને એના મૃત પિતાના પ્રેમની સ્મૃતિને સદા તાજી રાખે છે.

ધર્મમાં અપાર શ્રધા ધરાવતી માતા હેલનના મનમાં દ્રઢ વિશ્વાસ થઇ ગયો છે કે ક્રિસમસના સમયે દુખી જનોને ભેટ પહોંચાડવા માટે વિવિધ સ્વરૂપે ઈશુ ભગવાન જમીન ઉપર ઉતરી આવીને એની મેજીકલ લીલાઓ બતાવીને દુખીઓના અંધકાર ભર્યા જીવનમાં પ્રકાશની લકીર મૂકી જતા હોય છે !