વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 23, 2013

(366)મારું અમદાવાદ જવા માટેનું આકર્ષણ અને ત્યાંનો કાર્યક્રમ-નવીન બેન્કર

 હુસ્ટન રહેતા શ્રી ચીમનભાઈ પટેલે એમના મિત્ર શ્રી નવીન બેન્ક્રર નો એક સરસ લેખ “મારું અમદાવાદ જવા માટેનું આકર્ષણ અને ત્યાંનો કાર્યક્રમ” ઈ-મેલથી મોકલ્યો છે .

આ લેખને આ અગાઉની પોસ્ટ (365 ) શા માટે તમારે જવું છે અમેરિકા ? — વિનોદ ભટ્ટ / આ અબ લૌટ ચલે …..ભવેન કચ્છી ના અનુસંધાનમાં વાંચવા જેવો છે .  

શ્રી નવીનભાઈ મૂળ અમદાવાદના વતની છે અને ઘણા વર્ષોથી ચીમનભાઈની જેમ તેઓ પણ હ્યુસ્ટનના નિવાસી છે . ૭૩ વર્ષના નવીનભાઈ ગુજરાતી સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે .

એમણે લેખન-પ્રવ્રુતિ -૧૯૬૨ થી શરુ કરી હતી .એમનું પ્રદાન- ૧૩ પોકેટબુક્સ નવલકથાઓ…૨૦૦થી વધુ ટુંકી વાર્તાઓ…ફીલ્મ અને નાટ્યકલાકારોની મુલાકાતો..નાટ્ય અવલોકનો ગુજરાત ટાઈમ્સ, નયા પડકાર, સંદેશ,મુંબઈ સમાચાર..જન્મભુમિ-પ્રવાસી જેવા સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ થઇ છે .

એમના ગુજરાતી બ્લોગ  http://navinbanker.gujaratisahityasarita.org માં એમના લેખો વાંચવાથી ગુજરાતી ભાષા ઉપરની એમની પકડનો ખ્યાલ આવશે .

એમના આ બ્લોગમાં એમના જીવનનાં સંસ્મરણો વાંચવા  ખુબ જ  રસિક છે .

આ પોસ્ટમાં મુકેલો એમનો લેખ મારા જેવા અમદાવાદીઓ કે જેઓ અમદાવાદમાં ઘણાં વર્ષો રહ્યા છે એમને ખુબ જ પસંદ પડશે .

વિનોદ પટેલ

_____________________________________

મારું અમદાવાદ જવા માટેનું આકર્ષણ અને ત્યાંનો કાર્યક્રમ-નવીન બેન્કર

ભારત ગયા વગર આપણને બધાંને કોઇ ને કોઇ કારણથી ગયા વગર ચાલે તેમ નથી. એટલે, આપણે ત્યાંના ભ્રષ્ટાચારી કર્મચારીઓની અડફેટે ન ચડી જઇએ એનો ખ્યાલ રાખીને, ઓછામાં ઓછી વસ્તુઓ લઈને, શક્ય હોય ત્યાં સુધી,માત્ર એક જ હેન્ડબેગ લઈને જવું જોઇએ. ‘માંઇ ગઈ’ લોકોને આપવાની ગીફ્ટો અને જુના ગાભા. આપણા ચાર જોડી સારા કપડાં અને ટ્રાવેલર્સ ચેક કે ક્રેડીટ કાર્ડ લઈને જવાનું અને સડસડાટ કસ્ટમ અને ગ્રીન ચેનલમાંથી નીકળી જવાનું. આ છે સુખી થવાનો સરળ રસ્તો. પણ…આપણા સ્પાઉઝ આ સમજે ખરા ? 

મને અમદાવાદ જવાનું આકર્ષણ શું છે , ખબર છે  ?
ચંદ્રવિલાસના ગરમા ગરમ અને તાજા ફાફડા-જલેબી અને પપૈયાની ચટણી.
‘આઝાદ’ના  પુરીશાક અને અથાણું. 
ફેમસ દાળવડા…
 એમ . જે. લાયબ્રેરી અને વિવિધ પ્રકાશકોની દુકાનોમાં જઈને મારી પસંદગીના પુસ્તકો ખરીદવા- રોકડેથી દસ ટકા ડીસ્કાઉંટમાં. ડાયસ્પોરા લેખકો ( એટલે કે અમેરિકામાં વસતા લેખકો ) ના પુસ્તકો હું અમદાવાદમાંથી રુપિયાના છાપેલા ભાવમાં ખરીદવા પસંદ કરું છું.
ગુજરી બજારમાં -રવિવારે સવારના પહોરમાં- જઈને, જુના પુસ્તકોના , મેગેઝીનોના ઢગલા ફેંદવા અને અપ્રાપ્ય પુસ્તકો સસ્તામાં ખરીદવા.
જીલેટ અને વિલ્કિન્સન બ્લેડોના પેકેટો…કાન ખોતરવાની ત્રાંબાની સળીઓ…કાંસકા..લારીઓમાં મળતા સ્ટીકરો..જેવી મારે કામની વસ્તુઓ સ્ટ્રીટ લેવલે ખરીદવી….’બાટા’ના બુટ્સ અને ચંપલો..
ફિલ્મોની ડીવીડીઓ, ગુજરાતી નાટકોની ડીવીડીઓ, ગીતોની સીડીઓ, ખરીદવી…
બપોરના સમયે ગુજરાતી સમાજના હોલમાં યોજાતા સેમિનારો, પ્રવચનોનો લાભ લેવો…
અમેરિકાના વસવાટ દરમ્યાન જે જે લેખકોના લખાણો ગમ્યા હોય, અને જેમની સાથે મેં ફોનથી અગર ઇ-મેઇલના માધ્યમથી પરિચય કેળવ્યો હોય એ બધાં ને, ઘેર જઈને મળવું અને જ્ઞાનમાં વધારો કરવો.. આ વખતે, ઉત્તમ ગજ્જર, ગોવિંદ મારુ, કવિશ્રી. અનિલ ચાવડા, કટારલેખક  રોહિત શાહ, ચીનુ મોદી, કાજલ ઓઝા-વૈદ્ય, શ્રીમતિ રાજુલ શાહ વગેરે મારા લીસ્ટમાં છે.
અમદાવાદના રોકાણ દરમ્યાન જેટલા પણ ગુજરાતી નાટકો જોવાય એટલા જોવાનો મારો નિયમ છે. મારી બપોર સાહિત્ય પરિષદના કાર્યાલયમાં અને સાંજ ઠાકોરભાઇ દેસાઇ હોલની બુકીંગ ઓફીસમાં  વીતતી હોય છે. મોર્નીંગ શોમાં કન્સેશન દરે દર્શાવાતી નવી નવી ફિલ્મો તો ખરી જ.મોટેભાગે તો હું લાલ બસ, બી આર.ટી બસ કે નાછૂટકે રીક્ષામાં જ મુસાફરી કરું છું. આ વખતે અશક્તિને કારણે કદાચ હું  બસનો ઉપયોગ ટાળી દઈશ અને રીક્ષામાં જ ફરીશ.
 
આમાંથી એકે ય કાર્યક્રમમાં મારી ધર્મપત્નીનો સાથ મને નથી મળતો.  એનો સવારનો સમય કામવાળીઓની પાછળ પાછળ ફરીને કપડાં, વાસણ અને કચરાપોતાં કરાવવામાં જ વીતે છે. બપોરે બાર પછી ઘરની બહાર નીકળે અને એમનું કાર્યક્ષેત્ર   ઢાલગરવાડ…રતનપોળ…માણેકચોક….મંદીરોની માતાઓ…મંદીરોની બહાર ફૂટપાથ પર વેચાતી સ્ત્રી-વિષયક બુટીઓ, માળાઓ, ચાંલ્લા…જ્યોતિષની પુસ્તિકાઓ…ભવિષ્યકથનની બુકલેટો…મેક્સીઓ…જાણીતા લેડીઝ ટેઇલરોને ત્યાં સીવવા આપેલા બ્લાઉઝ અને ચણીયાની ઉઘરાણી માટે ધક્કા ખાવામાં અને એની લાડકી ‘ દીકરીઓ’ સાથે સુખઃદુખની વાતો કરવામાં  જ વીતતી હોય છે…
 
મારી ઇચ્છા હોય કે ન હોય, મારે એની સાથે, શ્રીનાથજી, કેમ્પના હનુમાન, સાળંગપુરના હનુમાન, બળિયાકાકાનું લાંભાનું મંદીર, શીરડીના સાંઇબાબા,ભદ્રકાલી માતા..અંબાજીમાતા, વગેરે સ્થળોએ જવું જ પડે નહિંતર એની ધાર્મિક લાગણીને ઠેસ પહૉચે. આ વખતે તો મેં એને કહી દીધું છે કે હવે શ્રીનાથજી અને શીરડીના સાંઇબાબા….નો મોર…યુ ગો એલોન…આઈ ડોન્ટ કેર…બાકીના લોકલ ભગવાનો માટે એક દહાડો રીક્શા કરીને બધે લઈ જઇશ…
 
પાછા ફરતી વખતે એની ત્રણ બેગો  મસાલા, ચણીયાઓ, મેક્સીઓ, લોકોના સંપેતરાઓથી ફુલ હોય છે. મારી એક બેગ પણ એ જ લઈ લે. મારી એક બેગ અને હેન્ડબેગમાં પુસ્તકો મૂકવાની જગ્યા ન હોય એટલે મારે તો નવરંગપુરાની પોસ્ટ ઓફીસે જઈને, પારસલો બનાવડાવીને પોસ્ટ મારફતે જ પુસ્તકો લાવવાના. પ્લેનમાં વાંચવા માટે, એકાદ બે ફિલ્મી મેગેઝીનો કે કાજલ ઓઝા-વૈદ્યની કોઇ લેટેસ્ટ તેજાબી નવલકથા હેન્ડબેગમાં રાખવાની.
 
એટલે કોઇ સંપેતરુ આપવાની વાત કરે ત્યારે મારું માથુ ફરી જાય. કે…હું સાલો મારા પ્રિય પુસ્તકો મારી બેગમાં ન લઈ જઇ શકતો હોઉં અને તમારા લબાચા લઈ જઉં ???….નો વે….
 
કેટલીક વખત આપણે પત્ની પ્રત્યેની લાગણીને કારણે, નમતું જોખતા હોઇએ છીએ  તો ક્યારેક ‘બળ્યું..કકળાટનું મ્હોં  કાળુ’. કેટલાક અણગમતા સમાધાનો આપણે બધાએ નાછૂટકે પણ કરવા પડતા હોય છે. સમાધાનકારી વલણ ,એ અનિવાર્યતા નહીં, પણ મજબૂરી છે. ઘણીવાર તો આવા વખતે મનની શાંતિ ડહોળાઇ જતી હોય છે.
 
મારી ઉંમરના, જુના મિત્રોમાંના મોટાભાગના તો મરી પરવાર્યા છે. જે હયાત છે એ બધા દાદાઓ અને નાનાઓ થઈ ચૂક્યા છે અને એમની સાથે જૂવાનીમાં જે મઝાઓ માણી હતી એની વાતો પણ એમને કરવી ગમતી નથી અને આંખે જાડા કાચના ચશ્મા પહેરીને, પૌત્રોને રમાડતા હિંચકા પર ઝૂલવામાં અને છોકરાઓની વહુઓને શીખામણો આપતા થઈ ગયા છે. એ લોકોને મળવામાં મને હવે કોઇ દિલચશ્પી રહી નથી. જૂવાનીમાં જે છોકરીઓ પર લાઇનો મારી હતી એ બધી પણ હવે ‘દાદીઓ’ બની ગઈ છે અને આર્થરાઇટીસ કે થાઈરોઈડના દર્દોના શિકાર બનીને, સાંબેલા જેવા બાવડાઓ વાળી થઈ ગઈ છે…( હું પણ ક્યાં શમ્મીકપૂર જેવા ઝુલ્ફા વાળો હેન્ડસમ જુવાન રહ્યો છું ! )…એટલે હવે મને અમદાવાદમાં જુના મિત્રોને મળવા જવાનું ગમતું નથી.
છતાં…મારું  ઘર છે અને ખુબસુરત યાદો છે એટલે અમુક અમુક સમયાંતરે એ બધું વધુ એક વખત જોઇ અને અનુભવી લેવાની જિજીવિષા ત્યાં ખેંચી જાય છે…’વધુ એક વખત’ શબ્દ એટલા માટે લખું છું કે હવે મારી ઉંમર પોણો સો ની કરીબ પહોંચી રહી છે અને કોણ જાણે આ મુલાકાત છેલ્લી પણ હોય !!
 
બાકી…લખચોરાશીના ફેરામાં, ફરી માનવ-અવતાર લેવાની ચોઇસ હોય તો મારે જન્મ તો હ્યુસ્ટનમાં જ લેવો છે અને ફરવા માટે અમદાવાદ જ જવું છે.
આઇ લવ હ્યુસ્ટન….એન્ડ….આઇ લાઇક અમદાવાદ ફોર ફ્યુ ડેઝ.
 
નવીન બેન્કર
૨૧ ડીસેમ્બર ૨૦૧૩ 
Navin Banker
Houston
713-955-6226
JAGAT KAJI BANINE TU VAHORI NAA PIDA LEJE