વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(368 )જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા વિષે કાવ્ય સંકલન

આ અગાઉની પોસ્ટ (365 ) શા માટે તમારે જવું છે અમેરિકા ? — વિનોદ ભટ્ટ / આ અબ લૌટ ચલે …..ભવેન કચ્છી –માં રસ દાખવીને જે વાચકોએ એમના પ્રતિભાવોમાં વિચારો વ્યક્ત કર્યા છે એ સૌનો અત્રે આભાર માનું છું .

આ પોસ્ટને અંતે જણાવ્યું હતું હતું એમ જન્મભૂમી ભારત અને કર્મભુમી અમેરિકા વિષે  ઈ-મેલ  તથા નેટ જગતમાંથી પ્રાપ્ત અમેરિકાની તરફેણ કરતી અન્રે એની ટીકા કરતી  કેટલીક કાવ્ય રચનાઓ ને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરવામાં આવી છે .

આશા છે આપને એ માણવી ગમશે  .

વિનોદ પટેલ

_________________________

ગઝલકાર આદમ ટંકારવીના અમેરિકા અંગેના પુસ્તક “અમેરિકા રંગ ડોલરિયો” ના અંતે એમણે અમેરિકાના એમના અનુભવોને આધારિત કેટલીક સુંદર ગઝલો લખી છે. એ ગઝલોમાંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે રજુ કરેલ છે .

આ અમેરિકા વિરોધાભાસ છે

ક્યાં ઠરીને બેસવાનું ભાગ્યમાં

આ અમેરિકાનો અધ્ધર શ્વાસ છે

એને અડકીને તું સોનું થઇ ગયો,

દોસ્ત,તારો દેશ પણ મિડાસ છે.

ઉપર ઉપરથી બધું ચકચકિત

કિન્તુ અંદરથી બધું બિસ્માર છે

એમની આંખોમાં ઉમળકો નથી

ને અહીં મારો હરખ માતો નથી

જ્યાં જુઓ ત્યાં બધે વન-વે જ  છે

ને નીકળવાનો કોઈ રસ્તો નથી

અહીનો પીઝા કે વતનનો રોટલો

એ બધી ચર્ચા હવે બેકાર છે

મારું હાળું એ જ સમજાતું નથી

આપણી આ જીત છે કે હાર છે. 

કોઈ કહે :માથાનો દુખાવો છે તું

કોઈ કહે : તું બામ છે અમેરિકા

દોડીને તને ભેટવામાં જોખમ છે

દુરથી તને પ્રણામ છે અમેરિકા!

– આદમ ટંકારવી

સારી રીત નથી

એવુ ય નથી કે વતન માટે મને પ્રિત નથી

હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી

ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ  

શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.

મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,

હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.

અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના  

અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.

સ્ંતાનોના ઉછેરીકરણનો ય અહીંયા હોય છે હિસાબ કિતાબ

અહીયા ભારતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી

બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા

સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.

પ્રેમ , વિશ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી

ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી

દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયામાં

હે પ્રભુ  મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી

– જયકાંત જાની ( USA)

એમના આકાશદીપ બ્લોગમાં એક એકથી ચડીયાતી કાવ્ય રચનાઓ અવિરત રીતે રજુ કરી રહેલ મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલે એમની નીચેની કાવ્ય રચનામાં એમના વતન ઝુરાપાની લાગણીઓનો ઉભરો ઠાલવ્યો છે. કાવ્યને અંતે તેઓ અરજ કરે છે કે ભલા થઈને ” વતનની મીઠી વાતો તમે ના છેડજો”

 

વતનની મીઠી વાતો તમે ના છેડજો

 

ઠેક્યા દરિયા ને અમે પૂગ્યા પરદેશ  

છોડ્યા વતનના રે વ્હાલ  

દામદામ સાહેબીની વાતોમાં ડૂબી  

સોન પીંજરે પૂરાયા રે લાલ  

એની વેદનાના સાંભળજો હાલ!

 

જમવાનાં નોંતરાં ના દેશો આ દેશ,

મારા હૈયાને લાગશે રે ઢેસ  

ભાણે બેસી ને જમવાની મજા,

વ્હાલા! ખોઈ અમે આવી પરદેશ

 

વતનની વાત તમે ના છેડજો 

પરદેશની આકરી લાગે આ વેઠજો  

કેવી મળતી હૂંફ આંગણાંના તાપણાએ,

ને વાતોના તડાકા, વિસરાયા આ દેશ

 

વાતાનુકૂલિત ઓરડે થાતા મૂંઝારા,

ઝૂરે મારું નાનું હૃદિયું આવી પરદેશ

 

મેળામાં મહાલવાની વાત ના છેડજો 

પરદેશની આકરી લાગે આ વેઠજો

 

કોયલના ટહુકાએ ટહુકે મારો દેશડો,

ને મેઘલો નચવે, મોરલા ને તાનમાં  

સંગેમરમરના પથ્થર સમ આજ હું,

સંવેદનાના સૂરો ખોળું પરદેશમાં

 

પાદરની ભભૂતિની વાત ના છેડજો

પરદેશની આકરી લાગે આ વેઠજો  

છે છે ઘણુંય આ મસ્તાના દેશમાં,

નથી જડતા દાદા દાદી એના વેશમાં!

 

બાપથી સવાયા એ ખોળાના હેતડાં,

ખોયાં ને રોયા અમે આવી પરદેશમાં

 

હાય ! હેલોમાં ડૂબાડી અમે પ્રીતજો  

વતનની મીઠી વાતો તમે ના છેડજો

 

રમેશ પટેલ

( આકાશ દીપ )

 

 

અમેરિકા વિષે લખાયેલ હ્યુસ્ટનના દેવિકાબેનની  એક સુંદર રચના

આ નગર જુઓ

શિસ્તના શાસન થકી આ ચાલતું નગર જુઓ,

આભની વીજળી સમું આ આંજતું નગર જુઓ.

પૂર્વની રીતો અને વે’વારથી જુદું ઘણું,

માનવીને યંત્ર માંહે શારતું નગર જુઓ.

રાત દિ’ આઠે પ્રહર ડોલરની દોડધામમાં,

આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.

દૂરથી સોહામણું ને પાસથી બિહામણું,

દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !

શાખ મોટી મોભની તિજોરી ખાલી ખાલી આ,

દાણ વીમાને પથારે કાંપતું નગર જુઓ.

લાકડાના લાડુ જેવી ખેંચતી પછાડતી,

જીન્દગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.

-દેવિકા ધ્રુવ

સૌજન્ય- http://aasvad.wordpress.com/2013/07/13/e-373/

Harnish Jani
Harnish Jani

ન્યુ જર્સી નિવાસી, ૭૩ વર્ષના મિત્ર શ્રી હરનીશ જાની ગુજરાતી સાહિત્યમાં ખુબ જ જાણીતા  હાસ્ય લેખક છે . એમનાં હાસ્ય લેખોનાં જે બે પુસ્તકો “સુધન ” અને ” શુશીલા ” છપાઈને બહાર પડ્યા છે  એ બન્ને પુસ્તકો  વિવિધ  પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે  .

ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી શ્રી હરનીશભાઈનો પરિચય  અહીં ક્લિક કરીને વાંચો  . 

તેઓએ એમના જીવનનાં લગભગ ૩૩ વર્ષ ભારતમાં અને લગભગ ચાર દાયકા અમેરિકામાં વિતાવ્યા છે એટલે એમના હાસ્ય લેખોમાં એમના બે દેશોના અનુભવોને તેઓ એમની આગવી હાસ્ય-વ્યંગની શૈલીમાં વણી લેતા હોય છે . એમનાં નીચેનાં બે કાવ્યોમાં અમેરિકા-ભારત અંગે ચાલતી ચર્ચાઓમાં એમણે નીખાલસતાથી એમના અનુભવ આધારીત  સ્પષ્ટ  વિચારો રજુ કર્યા છે  .અહીં વધુ સમયથી રહેતી ઘણી વ્યક્તિઓ  કદાચ એમાં સમ્મત થશે  . 

એમની નીચેની બે કાવ્ય રચનાઓ ઘણા બ્લોગોમાં પોસ્ટ થઇ છે .

આ કાવ્યો અને એમાં વ્યક્ત થયેલ એમના વિચારો તમોને જરૂર ગમશે .

ફોર્થ ઓફ જુલાઈ

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.

વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું વતન છે આ તો

ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.

બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .

સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.

જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.

કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

કબર ખોદાઇ ગઇ છેતમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ.

(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)

મગરનાં આંસુ

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.

વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદણાં રડવાં ઠીક નથી.

લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પ છી,

અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,

ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવાં ઠીક નથી..

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,

મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવાં બંધાતાં હોય ત્યાં,

ભારતીય માબાપોની સેવા કરતાં ‘શ્રવણો’ની વાતો ઠીક નથી.

મહારાજો, બાબાઓ, લાલુઓ, ‘ઠાકરે’ઓ-અને “ભાઇ”ઓ નો.

દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.

પાછા પહોંચી જાવ ત્યાં ! કોઇ રોકે નહી,

પણ

મગરના આ આંસુ, ઠીક નથી.

હરનિશ જાની-યુ.એસ.એ.

____________________________

લગભગ ૩૫ વર્ષથી હ્યુસ્ટન, અમેરિકામાં રહેતાં કવિયેત્રી પ્રવિણાબેન કડકિયા

એમના નીચેના કાવ્યમાં શું કહે છે એ વાંચો .

હવે ફાવી ગયું છે

વર્ષોનાં વહાણાં વાયા હવે આ દેશમાં મને ફાવી ગયું છે

સવાર પડેને નિયંત્રણવાળી  જીંદગી મને ફાવી ગઈ છે

એમ ન માનશો મારી માતૃભૂમિને મેં વિસારે પાડી છે

તેની યાદોમાં રાચી મોજ માણવાનું મને ફાવી ગયું છે

ચોપાટીની ભેલને પાણી પૂરીની યાદ કદીક આવે છે

પણ ટાકોને  પિઝ્ઝા ખાવાની મોજ મને ફાવી ગઈ છે

મિત્રો સાથે સિનેમા ને નાટકની મીઠી સંગત સતાવે છે

હવે અમેરિકામાં દર મહિને જોવા જવાનું ફાવી ગયું છે

મંદિર સત્સંગ ગીતા જ્યાં દોહ્યલાં અને દુષ્કર  થયા છે

દર અઠવાડિયે સત્સંગ ભજનમાં જવું હવે ફાવી ગયું છે

સગા વહાલાં તહેવાર ટાણે સહુ હવાખાવાચાલી જાય છે

કુટુંબ  મિત્રો સાથે ટાણા  ઉજવવાનું હવે ફાવી ગયું છે

પશ્ચિમની હવાથી વટલાઈ જ્યાં દેશે ભુલથાપ ખા્ધી છે

પશ્ચિમમાં આપણી સંસ્કૃતિ જાળવવાનું હવે  ફાવી ગયું છે

-પ્રવીણાબેન  કડકીયા ( હ્યુસ્ટન )

મન માનસ અને માનવી 

____________________________

ઉપસંહાર  

ફ્રિમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે. દાવડા એમની જિંદગીનાં ૭૫ વર્ષ ભારતમાં વિતાવીને બે વર્ષ પહેલાં જ  અમેરિકામાં કાયમી એમના પરિવારજનો સાથે રહેવાનો નિર્ણય કરીને દેશમાં બધું સમેટીને આવ્યા છે .

P.K.DAVADA
P.K.DAVADA

અહીં એમની નિવૃતિના  સમયમાં સાહિત્ય પ્રવૃતિમાં વ્યસ્ત રહે છે .

તાંજેતરના એમના એક ઈ-મેલમાં તેઓ લખે કે —

આજે આપણો શિક્ષિત વર્ગ બદાયુન જેવી જીંદગી જીવે છે. આજે બેંગલોરમાં, આવતી કાલે લંડનમાં, પરમદિવસે કુપરટીનોમાં.

જ્યાં ઘાસ લીલું દેખાય ત્યાં ચરવા નિકળી પડે છે. દરેક જગ્યાએ અલગ સંસ્કૃતિ, અલગ કાયદા-કાનુન, અલગ ખાનપાન અને અલગ ઋતુમાન,અને છતાંય ઉંચી આવક આ બધી વસ્તુઓને ગૌણ બનાવી દે છે. મને લાગે છે કે પંકજ ઉધાસની “ચીઠ્ઠી આઈ હૈ” સાંભળીને રડી પડવાના દિવસો જતા રહ્યા છે. વોનેજથી મફત ફોન થાય છે અને છ સેકંડમાં પત્ર (ઈ-મેઈલ) પહોંચી જાય છે ત્યારે દેશ અને વિદેશ વચ્ચે અંતર ક્યાં રહ્યું? અને એટલે જ મેં આ કવિતા લખી હતી..

વતન

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,

મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.

વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

કાર,   ડોલર,  બંગલાના  મોહમાં  અટવાઈ  પડ્યા,

હાલ  જોવા બાળકોના, અમે  પણ અમેરિકા ગયા,

મોહી પડ્યા ચકાચોંધથી, અમેરિકામાં સ્થાયી થયા.

વતન કેવું?  વાત કેવી?  અતીતને  ભૂલી   ગયા,

કહ્યું, શાણા  થઈ, છોડો  વતનની  ખોખલી વાતું,

જયાં સુખ છે, સગવડ છે, વતન તો એજ છે સાચું.

પી.કે.દાવડા( ફ્રિમોન્ટ, કેલીફોર્નીયા )

______________________________________

અગાઉ આ બ્લોગની એક પોસ્ટમાં મુકેલ અમેરિકા વિષેનો મારો લેખ નીચે ક્લિક કરીને વાંચશો  .

અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? 

મારા મિત્ર ડૉ. જગદીશ જોશીના બ્લોગ સંબંધોને સથવારે માં આ વિષયમાં એમણે પોસ્ટ કરેલા એમના

બે લેખો  સ્વદેશ ? અને સુખ-સગવડ ? માં એમણે એમના જે વિચારો રજુ કર્યાં છે એ પણ

વાંચવા જેવા છે .

______________________

હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે.

એને કદી ભૂલશો નહિ.

જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે.

આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત

રહી આગળ ધપતી રહેશે.

– પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે બસ,

એને કારણે આ ધરતીમાં રે’વું ગમે છે!

– કરસનદાસ માણેક

7 responses to “(368 )જન્મભૂમિ ભારત અને કર્મભૂમિ અમેરિકા વિષે કાવ્ય સંકલન

 1. P.K.Davda ડિસેમ્બર 28, 2013 પર 9:43 એ એમ (AM)

  અને આમ જન્મભૂમિ-કર્મભૂમિની ચર્ચા ચાલ્યા જ કરશે….ચાલ્યા જ કરશે…ચાલ્યા જ કરશે!!!

  Like

 2. pravinshastri ડિસેમ્બર 28, 2013 પર 11:42 એ એમ (AM)

  મોટેભાગે આ વ્યથા પાકી ઉમ્મરે સંતાનો પાછળ આવેલા વયસ્કોની જ છે. એઓ ભારતમાં હોય ત્યારે અમેરિકા અને અમેરિકામાં હોય ત્યારે ભારતની ઝંખનામાં જાતને પીડી રહ્યા છે. મન મારીને રહેલા પીડાતા જ રહેશે.

  Like

 3. pravinshastri ડિસેમ્બર 28, 2013 પર 11:45 એ એમ (AM)

  ભારત પીયરીયું …અને અમેરિકા સાસરીયું….કોને ગમાડું ને કોને વખાણું?

  Like

 4. chandravadan ડિસેમ્બર 28, 2013 પર 12:39 પી એમ(PM)

  દુધમાં સાકર ભળી જાય તેવી રીતે અમેરીકામાં ભળી જવું….અમેરીકામા “સારૂ કે નબળુ”ના વિચારોમાં રહીને ભારતમાં ગાળેલા જીવન વિષે સંભારણા કરતા રહેવું એ જ “મુર્ખાઈ” !

  અનેક તરફથી વિચારો પોસ્ટ દ્વારા જાણ્યા.

  સરસ પોસ્ટ છે !

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo@ Chandrapukar !

  Like

 5. Vinod R. Patel ડિસેમ્બર 28, 2013 પર 3:07 પી એમ(PM)

  જેમનું એક કાવ્ય આ પોસ્ટમાં છે એ પ્રવિણાબેનએ એમના ઈ-મેલમાં આજ વિષયમાં એક બીજી એમની કાવ્ય

  રચના મોકલી છે એ પણ ગમે એવી છે . નીચે એ કાવ્ય વાંચો .

  Tthanks Vinodbhai.

  આ તમને કદાચ ગમે !

  જ્યાં સુધી ગગનમાં સૂરજ અને ચાંદ ચમકે છે

  ત્યાં સુધી દિલમાં માતૃભૂમિ અને કર્મભૂમિ ધબકે છે

  ગંગા અને જમુનામાં સતત પાણી વહેતું રહે છે

  આ જીવનમાં સતત વતનની યાદ આવતી રહે છે

  સંસ્કાર અને પરંપરા વિચાર પૂર્વક આચરણમાં છે

  તેથી તો ભારત તેના સંસ્કાર માટે જગે ચર્ચાય છે

  આડંબર અને અહંકારનો છાંટો ક્યાં દેખાય છે

  માત્ર આપણી સંસ્કૃતિનું ગૌરવ સહુને વરતાય છે

  પૂર્વ અને પશ્ચિમમાં આંખે ઉડીને વળગે ફરક છે

  છતાં પણ બંનેનું સુભગ મિલન આહલાદક છે.

  બસ હવે તો જ્યાં છીએ ત્યાં ધુણી ધખાવી છે

  આજે અંહી કાલે આપણી જીંદગાની કહાની છે

  પ્રવીણા અવિનાશ
  http://pravinash.wordpress.com/

  Like

 6. Ramesh Patel ડિસેમ્બર 30, 2013 પર 2:44 પી એમ(PM)

  વ્યથા છે..કથા છે ને કર્મભૂમિની મીઠી દેન છે. આતો મનની માયા..પળે પળે રંગ બદલે..પણ ભાવતો છલકે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: