વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 3, 2014

(373 ) ઝૂંપડપટ્ટીમાંથી ઊઠતી બાળ-સુગંધ ………લેખિકા- શ્રીમતી અવંતિકા ગુણવંત

શિક્ષણ માટેની ધગશ અને જીવન પ્રત્યેનો અભિગમ સૌ બાળકોમાં પ્રસરવો જરૂરી છે …

     આંગણની તુલસી – અવંતિકા ગુણવંત

Jankiખીલતાં પુષ્પો જેવાં બાળકો પ્રફુલ્લિતપણે વિકસે, કેળવણી પામે એટલા માટે આપણા દેશમાં બાળમજૂરી અટકાવવાના કાયદાઓ બન્યા છે.‘ચાઈલ્ડ રાઈટ એક્ટ’ અમલમાં આવ્યો અને આપણા જેવાને રાહત લાગી હતી કે ઝૂંપડપટ્ટીનો બાળક ભણશે, ગણશે ને સારો નાગરિક બનશે, સભ્ય સમાજનો હિસ્સો બનશે, એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. પણ કાયદાથી બાળકોનું શોષણ અટક્યું છે? દરેકેદરેક બાળક કેળવણી પામ્યું?

પ્રાથમિક શિક્ષણ નિ:શુલ્ક છે, ફરજિયાત છે, સરકાર લાખો રૂપિયા ખરચે છે, યોજનાઓ ઘડે છે, પણ અક્ષરજ્ઞાનનો દર કેટલો વધ્યો છે?

પ્રશ્ર્ન થાય છે કે શાળા – મહાશાળામાં નિશ્ર્ચિત અભ્યાસક્રમ પ્રમાણે ભણેલા લોકોને શિક્ષિત ગણી શકાય? મન અચકાય છે. શિક્ષિત માનવીની વ્યાખ્યામાં આપણને બીજું ઘણું બધું અપેક્ષિત છે, તે અપેક્ષા સંતોષાતી નથી.

વાસ્તવિક રીતે જોતાં શિક્ષણ એક સંસ્કાર પ્રક્રિયા છે, બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા. એટલે શિક્ષણ – આપણે જાણીએ કે સ્કૂલના સમય પછીના અવકાશના સમયમાં બાળક ક્યાંક નોકરી કરે છે અને એના કુટુંબને મદદ કરે છે, પોતાના ઘરને પોતાની જાત દ્વારા ઉપર ઊઠવામાં મદદ કરે છે. ઘરને ટેકો કરે છે. આવાં બાળકોની કહાણી સાંભળીને આપણને આનંદ થાય છે, આવાં બાળકોને મજૂર ન ગણી શકાય, પણ ભવિષ્યનો એક આશાસ્પદ નાગરિક ગણાય.

રાજકોટની ઝૂંપડપટ્ટીમાં રહેતી જાનકી આવી જ એક કથા છે, તેના પિતા તે નાની હતી ત્યારે જ અવસાન પામ્યા છે. તેનાથી મોટા બે ભાઈઓનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ અલગ રહે છે. જાનકી તેની મા સાથે રહે છે. જાનકી બપોરની સ્કૂલમાં ભણે છે. જ્યારે તેની પરીક્ષા હોય છે ત્યારે અભ્યાસ કરવા એ સવારના ૪ વાગે ઊઠે છે.

રોજ સવારે છ વાગે પોતાનું દૈનિક કામ પતાવીને લગભગ સવારે સાત વાગે સાઈકલ લઇને તે સુખીસંપન્ન લોકોનાં ઘરનાં કચરાપોતું કરવા અને વાસણ માંજવા જાય છે, ત્યાં ઝપાટાબંધ કામ પતાવી અગિયાર વાગે તે કલાસ ભરવા જાય છે. સાડાબારે કલાસમાંથી છૂટીને ઘેર જઈને ખાવાનું બનાવી જમીને પાછી સાઈકલ પર સ્કૂલે જાય છે,સાંજે છ વાગે છૂટીને ઘેર જઈને સીવણકામ કરે છે, પછી રસોઈ કરીને જમીને પાછું સીવણકામ કરે છે અને રાત્રે અગિયાર વાગે પથારીમાં પડતાં જ એની આંખ બંધ થઈ જાય છે.

જાનકીનું સ્વપ્ન છે ડૉક્ટર બનવાનું, પણ તેના બંને ભાઈઓ અને તેના મામા જાનકી ડૉક્ટર બને કે આગળ ભણે તેવું ઈચ્છતા જ નથી. તેઓ એક જ વાત કરે છે કે વાંચતા-લખતાં આવડ્યું એટલે બહુ થયું, અમારે એની પાસે નોકરી નથી કરાવવાની.

આવી જ એક બીજી જાનકીની વાત છે. તે નેપાળી છે, સાત સભ્યોનું તેનું કુટુંબ છે. આ જાનકીના પપ્પા દુબાઈ કમાવા ગયા છે. જાનકી એની મા અને ભાઈબહેનો સાથે રાજકોટની ઝૂંપડપટ્ટીમાં કંતાનના ઝૂંપડામાં રહે છે. જાનકીનાં પપ્પા-મમ્મી ઈચ્છે છે કે દીકરી સારું ભણે. જાનકી અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એની સ્કૂલમાં ધનિક માબાપનાં સંતાનો આવે છે પણ જાનકી જરાય લઘુતાગ્રંથિ નથી અનુભવતી. તે એટલી સુઘડ અને ચોક્સાઈવાળી કે આ દીકરી ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય તેવું લાગે જ નહિ.

તે સ્કૂલેથી આવીને જમીને હોમવર્ક કર્યા પછી ત્રણ કિલોમીટર દૂર કૉમ્પ્યુટર ક્લાસમાં જાય છે. સાંજે પાંચ વાગે છૂટીને ત્યાંથી બે કિ.મી. દૂર ડાન્સિંગ ક્લાસમાં જાય છે. ત્યાંથી સાત વાગે છૂટે છે અને જમ્યા પછી એનું બાકી રહેલું હોમવર્ક પતાવી રાત્રે દસ વાગે સૂએ છે.

જાનકી ૧૪ વરસની છે એના જીવનની કેડી એ વિશ્વનીડમ્ – જીતુ રેહાનાના સંગે કંડારી રહી છે. એને એનો જીવનમાર્ગ સ્પષ્ટ દેખાય છે. જાનકી અને એના જેવી બીજી બાળાઓના વિકાસની જવાબદારી વિશ્ર્વનીડમે લીધી છે. આપણે પણ એમાં સહકાર આપી શકીએ. 

— અવંતિકા ગુણવંત ( એમનો પરિચય અહીં વાંચો.  )

સૌજન્ય- મુંબાઈ સમાચાર

——————————————–

ઉપરના લેખના અંતમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જીતુ-રેહાના સચાલિત

વિશ્વનીડમ્ , Vishvanidam સંસ્થા વિષે શ્રી સુરેશભાઈ જાનીના

બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ની

આ લીંક ઉપર માહિતી મેળવો .

———————————————————————-

ઉપરના શ્રીમતી અવંતિકાબેન ગુણવંતના ઝુંપડપટ્ટીમાં ઉછરીને શિક્ષણ મેળવવા મથતાં

આશાસ્પદ ગરીબ બાળકોની કથાના અનુસંધાનમાં નીચે રજુ કરેલો વિડીયો વધુ પ્રકાશ ફેંકે છે .

   સાતમાં  ધોરણમાં અભ્યાસ કરતો ગરીબ સ્થતિનો બાળક ભગવાનને એક પત્ર લખીને

પોતાની કેફીયતો કેવી રીતે રજુ કરે છે એ એક પ્રવક્તાને મુખે સાંભળો .

Letter to God (in Gujarati)

Janki-2

(આ ફોટાને મોટી સાઈઝમાં જોવા માટે એના ઉપર કિલક કરો.)

ફોટો સૌજન્ય- શ્રી વિપુલ દેસાઈ

———————————————

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા -જોક

HA ...HA....HA....

નાથુભાઈ એક બુક વાંચતાં વાંચતાં રોવા લાગ્યા.

એમને રોતા જોઈ એમનાં બા એ એમને પૂછ્યું :

બા- નાથુ, બેટા કેમ રુઓ છો?

નાથુભાઈ – બા ,આ બુકનો અંત બહુ ખરાબ છે.

બા- કઇ બુક?

નાથુભાઈ – બેંકની પાસબુક !

____________________________________