વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 4, 2014

(374 ) મારી બે અછાંદસ કાવ્ય રચનાઓ – મારી નોધપોથીમાંથી –નવનીત ……

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી મારી બે સ્વ-

રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે .

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  .

વિનોદ પટેલ —

_____________________________________ 

ફુલ અને માનવ

કુદરતની આ કેવી અજબ છે કમાલ કે 

એક કળીમાંથી રંગીન પુષ્પ ખીલી ઉઠે

આખો બગીચો પુષ્પોથી મ્હોરાઈ ઉઠે .

માનવોમાં પણ બાળક રૂપી પુષ્પ કળી ખીલીને

યથા સમયે એક સુંદર માનવ-પુષ્પ બને .

આ પ્રકૃતિની લીલામાં અનેક રંગ બેરંગી ફૂલો

લાંબી ટૂંકી જિંદગી લઈને આવેલાં આ પુષ્પો

ખીલતાં અને પછી સમય થતાં ખરી જતાં .

એમ જ આ જગતમાં જાત ભાતના માનવો

લાંબી ટૂંકી જીવન દોરી લઈને આવેલા એ સૌ  

જીવનમાં સારું કે બુરું કાર્ય કરી સમય થતાં

જગતની વિદાય લઈને ચાલી જતાં હોય છે .

જેમ ફૂલો હોય છે બે જાતનાં –

સુગંધવાળાં અને સુગંધ  વિનાનાં ,

એવુ જ માનવ પુષ્પનું પણ  –

સદ્કાર્યોથી જન જીવન સુગંધિત બની જાય છે  

દુષ્કાર્યોથી સમાજ-બગીચામાં દુર્ગંધ ફેલાય છે !

  એકલતા

જીવનમાં સંજોગો એવો મોડ પણ લે છે ,

જ્યારે જીવનસાથી વિદાય લઇ લે છે ,

અર્ધાંગના જતાં અર્ધું અંગ રહી જાય છે !

શરીર -મનથી એકલા પડી જવાય છે !

શરૂમાં અચાનક આવેલી એકલતા જરૂર ખૂંચે છે

ત્યારબાદ… જેનો બીજો કોઈ ઉપાય નથી

એને સહન કર્યે જ છુટકો એમ મન મનાવી 

જાત સાથે સમજણ થઇ જાય છે .

ધીરે ધીરે એકલતા પચવા લાગે છે

મનને ગમતી ચીજોમાં જીવ પરોવીને

એકલતા સાથે મૈત્રી સંબંધ બંધાય છે

શરીરથી એકલા ભલે હો પણ મનથી નહી

એકલા હોવું  અને એકલતા એ એક નથી

જાત સાથે વાતો કરવાની પણ એક મજા છે !

એમાંથી જ આવું કોઈ સર્જન થઇ જાય છે !

મને મારી જાત સાથે હવે ફાવી ગયું છે ,

મને મારી સોબત હવે ગમવા માંડી છે .

હું હવે એકલો નથી ,

પ્રભુ અને મારી મૈત્રી જામી ગઈ છે

જીવ અને જીવન માટેનું એ ઓસડ બની ગઈ છે

મિત્રો, રખે મારી દયા ખાતા,

એકલતા હવે મને પચી ગઈ છે !

એકલતા હવે મને ફાવી ગઈ છે !

એકલતા હવે મને ગમી ગઈ છે !

વિનોદ પટેલ 

________________________________

HA ...HA....HA....

હાસ્યેન સમાપયેત – નવા વર્ષની રમુજ  

Chiman -new year cartoon >>>>> નવા વર્ષનો એકજ સંકલ્પ <<<<<

* ન બોલવામાં નવ ગુણ!     * બોલે એના બોર વેચાય!

[ ચિત્ર પ્રાપ્તિ; સનત પરીખ…..શબ્દ સજાવટઃ ચીમન પટેલ ચમન ‘ ]

(૦૩ જાન્યુ.’૧૪)

આભાર- શ્રી ચીમન પટેલ ચમન  અને શ્રી સનત પરીખ

_____________________________

ઉપરનું ચિત્ર જોઇને – મારું એક ચિત્ર હાઈકુ 

સ્ત્રી પંખીઓના 

શોરમાં , પુરુષોની

બોલતી બંધ !

વિનોદ પટેલ