વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 15, 2014

(379 ) મારા ૭૮મા જન્મ દિવસે જીવન વિષે થોડુંક ચિંતન -મનન

મારો યુવાવસ્થાનો ફોટો- 1967    ………                       મારો હાલનો ફોટો -2014

સદા વહી રહેલા જીવન પ્રવાહની આ અજબ કમાલ છે

વૃધ્ધાવસ્થામાં ચહેરાનો નકશો કેટલો બદલાઈ જાય છે !

૧૫મી જાન્યુઆરી, ૨૦૧૪ એટલે મારો ૭૮ મો જન્મ દિવસ. ઉતરાયણ પછીનો વાસી ઉતરાયણનો પણ દિવસ . મકરસંક્રાંતિના પતંગોત્સવનો આનંદ અને જન્મ દિવસ- કેવો સુંદર સુમેળ !

મારી ભાતીગર જીવન યાત્રાનાં ૭૭ વર્ષ પુરાં કરીને ૭૮ મા વર્ષમાં જ્યારે હું આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં રમતા જીવન અંગેના કેટલાક વિચાર મંથનોને શબ્દ રૂપે આજની પોસ્ટમાં રજુ કરું છું.

સમય સમયનું કામ કર્યે જાય છે . દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે એની સાથે નિયતિએ જે આવરદા નક્કી કર્યો હશે એમાંથી એક વર્ષ ઓછું પણ થાય છે ! જીતની બઢતી હૈ યહ જિંદગી ઇતની હી કમ હોતી હૈ જિંદગી !

મારી જિંદગીના આ તબક્કે જ્યારે હું ભૂતકાળ તરફ નજર દોડાવું છું , જીવનના ચિત્રપટ ની ટેઇપને રી-વાઈન્ડ કરું છું, ત્યારે જીવનમાં જુદા જુદા તબક્કે અનુભવેલ ધૂપ અને છાંવ ના કેટલા ય પ્રસંગો નજરે દેખાય છે .

મારા જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું છે અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર આનંદ પૂર્વક ચાલતી રહી છે .

જીવનમાં સંઘર્ષ અને પડકારોનો સામનો કરવામાંથી નવી શક્તિ પ્રાપ્ત થતી હોય છે .પડકારો સામે હારી જવું એટલે જીવનમાં નિરાશાને આમંત્રણ આપવા બરાબર છે .નિરાશા માણસને અંદરથી ખોખલો બનાવી દે છે .

મને અનુભવે સમજાયું છે કે ગમે એવા વિપરીત સંજોગો હોય પણ મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ એના પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે .

જીવનમાં આપણને મુંઝવી નાખે એવી પરિસ્થિતિઓ અને પીડાઓ સહન કરવાની આવે એવા પ્રસંગોએ કવિ રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ યાદ કરવા જેવી છે .

આપણાં દુઃખનું કેટલું જોર?

નાની એવી જાતક વાતનો નહીં મચાવીએ શોર!

નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર…

જીવનનું ગણિત તો બધાજ ગણતા હોય છે પણ જીવનના ગણિતના દાખલાનો જવાબ બધાનો એક સરખો નથી હોતો . પોતાની આવડત અને બુદ્ધિ પ્રમાણે સૌ દાખલાનો  સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે .

જીવનનો દાખલો એ રીતે ગણવો જોઈએ કે જેથી મરણનો જવાબ સાચો આવે !

જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિ જરૂરી હોય છે . નકારત્મક વિચાર કરનાર કહેશે આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે તો સકારત્મક વિચાર કરનાર કહેશે કે ભલે ચાર દિનની છે પણ ચાંદની તો છે !

માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ એ કેવું જીવ્યો એ મહત્વનું છે .કોઈએ સાચું કહ્યું છે કે આપણે જીવનમાં વર્ષો ઉમેરવાના નથી પણ વર્ષોમાં જીવન ઉમેરવાનું છે .

દરેક મનુષ્ય જન્મથી જ એના પોતાના આગવા ગુણો અને શક્તિઓ લઈને જન્મ્યો હોય છે અને જીવન દરમ્યાન એમાં એની જીવવાની રીત પ્રમાણે એમાં વધારો કે ઘટાડો થતો રહે છે .

એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે સરખામણી થઇ શકતી નથી અને એ કરવી પણ ઠીક પણ નથી .દરેક મનુષ્યના જીવનનું ધ્યેય જ્ઞાનની પ્રાપ્તિ હોય છે . અને આ જ્ઞાનની ખોજ બહારથી નહીં પણ આપણી અંદરથી કરવાની હોય છે .આપણે આપણા આત્માની ખોજના ગુરુ બનવાનું છે .

જન્મ, બાળપણ ,તરુણાવસ્થા, યુવાવસ્થા ,પ્રૌઢાવસ્થા , વૃધ્ધાવસ્થા અને મૃત્યું એ જીવનના સાત મુખ્ય પડાવો છે .

જિંદગીની મુસાફરી માટે આપણી આ શરીર અને આત્માની ગાડી જન્મ નામના સ્ટેશનેથી ઉપડે છે અને ઉંમરના જુદા જુદા તબક્કે વિવિધ અનુભવો કરાવતી છેવટે મૃત્યુના અંતિમ સ્ટેશને જઈને અટકી જાય છે .

આપણને આખી જિંદગીમાં જે નથી સમજાતું તે ઘણીવાર જીવનની ઢળતી સંધ્યાએ સમજાતું હોય છે અને જિંદગી ખરેખર શું છે એ ખરેખર સમજાય છે ત્યારે ઘણું માંડું થઇ ગયું હોય છે .

સમજીને પહેલેથી જો પાળ બાંધી હોય તો આ જીવન મુસાફરી અને એનો અંત સુખરૂપ બને છે . કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સરસ કહ્યું છે કે ” સાજ સજાવવામાં અને સૂર મેળવવામાં જ મારો બધો સમય વીતી ગયો ,જેથી જે જીવન સંગીત હું ગાવા માટે આવેલો તે તો વણ ગાયું જ રહી ગયું !”

આપણી આ જિંદગી નદીના વહેતા વહેણ જેવી છે .રસ્તામાં આવતા અવરોધો નદીને ડરાવતા નથી .આ નદી વચ્ચે આવતા અવરોધોને એક બાજુ કરીને એમાંથી પોતાનો માર્ગ કરીને આગળ વધતી રહે છે .એનું અંતિમ લક્ષ્ય એના જન્મદાતા સમુદ્રને મળવાનું હોય છે .સમુદ્ર નજીક આવતો જાય એમ એના વહેણ ઠાવકાં અને શાંતિથી વીશાળ પટમાં ખળ ખળ વહેતાં હોય છે.

આપણે પણ આ નદીમાંના પાણીના બુંદ જેવા છીએ પણ જ્યારે બુંદ સાગરને જઈને મળે છે ત્યારે બુંદ એક મહાસાગરનું રૂપ ધારણ કરી લે છે .

” જલમેં કુંભ, કુંભમેં જલ હૈ , બાહર -ભીતર પાની

ફૂટા કુંભ ,જલ જલ હી સમાયા , યહ તથ કહા ગિયાની.”

એક અજ્ઞાત કવિના હિન્દી કાવ્યની પ્રેરક ક્ન્ડીકાનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં આપું છું .

ઘડી દર ઘડી એનાં રૂપ બદલી રહી છે આ જિંદગી

કોઈક સમયે છાંય તો કોઈક સમયે તાપ છે જિંદગી

દરેક પ્રાપ્ત પળને મન ભરીને જીવીલો આ જિંદગીમાં

કેમકે આવો સમય કદાચ કાલે આવે કે ન પણ આવે !

પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે મને અપાર શ્રધા છે.મને હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે અને હાલ પણ એની કૃપાની અનુભૂતિ કરી રહ્યો છું ..આ અંગે મારી આ રચના અત્રે પ્રસ્તુત કરું છું .

શ્રધ્ધા !

જીવનમાં એવું કોઈ કામ કે એવો કોઈ પ્રશ્ન એવો કઠિન નથી

જેને હું ને મારો ભગવાન ભેગા મળીને ઉકેલી ના શકીએ .

ભગવાનની કૃપા અને મનમાં જો હોય પુરુષાર્થની ભાવના

ગમે એવું મુશ્કેલ કામ સરળ બની જાય ,એમાં નવાઈ ના !

ભગવાનની પ્રાર્થના મન મંદિરને સ્વચ્છ રાખે છે ,મનને મજબુત બનાવે છે . પ્રભુ સાથેનો અંતરનો સંવાદ અર્જુનની જેમ પ્રભુ સાથે સખા ભાવની અનુભૂતિ કરાવે છે .

God is never more than a prayer away,
He guides me safely day by day,
No matter how smooth or rough this day,
God is with me each step of the way.

આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતારશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
– ગની દહીંવાલા

અંતમાં , આજ દીન સુધીની મારી જીવન સફરને સહ્ય અને આહલાદક બનાવનાર તથા અમેરિકામાં નિવૃતિના જીવન સંધ્યાના આ સોનેરી કાળને રસિક અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો ,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અને મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો આજે મારા ૭૮મા જન્મ દિવસે હૃદયથી આભાર માનું છું.

મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના આ મને ગમતા એક અવતરણ સાથે વિરમું છું .

“દરરોજ સો વખત હું મારી જાતને યાદ અપાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન, અન્ય હયાત અને દિવંગત લોકોના પરિશ્રમ પર આધારિત છે અને તેથી મેં જે કંઈ  મેળવ્યું છે અને મેળવી રહ્યો છું તે રીતે બીજાને આપવા માટે મારે મહેનત કરવી જોઈએ.”- –આઈન્સ્ટાઈન

                                                                             —— વિનોદ આર. પટેલ

________________________________________

ત્રણ સંતાનોના ૬ પૌત્રો-પૌત્રીઓ સાથે ૨૦૧૧ની ક્રિસમસ ઉજવતા

દાદા વિનોદભાઈ

Grandpa with grand kids -3

ઘણું લઇ લીધું તો ઘણું પ્રભુએ જીવનમાં આપ્યું પણ છે,

અહીં ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું છે !

_____________________________

હાસ્યેન સમાપયેત- રમુજી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

 

કોર્ટમાં લલ્લુ અને લીલીનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો . 

જ્જ સાહેબે કહ્યું :” તમારા કેસમાં તમને છૂટાછેડા મળી શકે એમ છે …પણ એક 

    મુશ્કેલી છે ….  તમારે ત્રણ બાળકો છે … તો એની વહેંચણી કેવી રીતે કરશો ?

આ સાંભળીને લીલી ઊભી થઇ અને લલ્લુ સામે જોઈને બોલી :

“ચાલો ઊભા થાવ…. આવતાં વરસે  ફરીથી કેસ દાખલ કરીશું ! ”  

——————————————————-

Smile-a cute baby's smile

 Smile..!!!…It does not cost a cent and can make

a person’s day!

 “It takes seventeen muscles to smile and

forty-three to frown