વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 20, 2014

(383 ) એક જ વ્યક્તી વગર સારા જગ સુના લાગે… ● ચીંતનની પળે ● –કૃષ્ણકાન્ત ઉનડકટ

આ માણસો પણ ખરા છે ! લગ્ન પહેલાં તેઓ પ્રેમ કરવાના સોગંદ ખાશે અને લગ્ન બાદ સોગંદ ખાવા જેટલો પણ પ્રેમ કરશે નહીં ! –શીડની શેલ્ડન

Happy old couple

Happy old couple

માણસ અને જીન્દગીની વાત છેડાય ત્યારે લોકો કહે છે કે, ‘એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે.’ સાવ સાચી વાત છે. માણસ એકલો આવે છે અને એકલો જાય છે. કારણ કે આવવું અને જવું માણસના હાથની વાત નથી. બીજી એક સાચી વાત એ છે કે માણસ એકલો જન્મે છે, એકલો મરે છે; પણ એકલો જીવી શકતો નથી.

બે ઘડી વીચાર કરો કે તમે જે શહેરમાં રહો છો એ આખા શહેરને ખાલી કરીને, તમને એ શહેરમાં એકલા છોડી દેવાય તો તમારી શી હાલત થાય ? નગરમાં ભટકો અને કોઈ જ સામું ન મળે તો ? એકલતા બહુ જ ડરામણી ચીજ છે. કોઈ દુર જાય ત્યારે એવો અહેસાસ થાય છે કે જાણે આખું નગર ખાલી થઈ ગયું !

હમણાં એક વડીલને મળવાનું થયું. તેમની ઉંમર ૭૦થી વધુ તો હશે જ. યુગાન્ડાથી તેઓ આવ્યા હતા. રાતનો સમય હતો. ઘરમાં ઘણા લોકો હતા. બધા જ લોકો હસીને વાતો કરતા હતા. ડીનર વખતે પીત્ઝા મંગાવ્યો. પીત્ઝાનો ટુકડો લેતી વખતે આ વડીલના અસ્તીત્વ ઉપર જાણે ઉદાસી ઉતરી આવી. એક બાઈટ લીધું અને એમનાથી બોલાઈ જવાયું કે, ‘સરલાને પીત્ઝા બહુ ભાવતો.’ બચેલો ટુકડો પાછો મુકી દઈ તેમણે આંખો બંધ કરી દીધી. પાંપણો નીચે પાણી જેવું કંઈક દેખાયું. કોઈનો મુડ ન બગડે એટલે તેઓ બાથરુમમાં મોઢું ધોવા ચાલ્યા ગયા. તેમનાં વાઈફના અવસાનને બે વરસ થઈ ગયાં હતાં. ‘સોરી,’ કહીને તેમણે કહ્યું કે, ‘અમે પંચાવન વરસ સાથે રહ્યાં. આ પંચાવન વરસ તો જાણે પાંચ દીવસની જેમ વીતી ગયાં. તેના વગર આ બે વરસ બે ભવ જેવાં લાગ્યાં છે.’ આ વૃદ્ધના ચહેરાની કરચલીઓ વચ્ચે ધબકતી સંવેદના બધાંને સ્પર્શી ગઈ. સામે બેઠેલા લોકોમાં દોઢ વરસ પહેલાં પરણેલું એક કપલ હતું. એક પણ શબ્દ બોલ્યા વગર બન્નેએ એકબીજાનો હાથ પકડી લીધો. એક બીજા સાથે આંખો મેળવી. આંખોથી પણ અસરકારક સંવાદ સધાઈ જતા હોય છે !

તમારી પાસે આવી કોઈ વ્યક્તી છે ? ક્યારેય એવો વીચાર આવ્યો છે કે આ એક વ્યક્તી જો ન હોય તો જીન્દગીનો મતલબ શો રહે ? એ વ્યક્તીની તમને કેટલી દરકાર છે ? ઘણા લોકો એવા હોય છે જેમને જ્યારે છીનવાઈ ગયાનું ભાન થાય ત્યારે જ પોતાની પાસે કંઈક બહુ મુલ્યવાન હતું એનો અહેસાસ થાય છે.

એક દંપતી હતું. લગ્નને લગભગ દસેક વરસ થયાં હતાં. એક દીવસ પત્ની બીમાર પડી. ડૉક્ટર પાસે મૅડીકલ ચૅકઅપ્સ કરાવ્યાં. ખબર પડી કે પત્નીને ગંભીર બીમારી છે. પતીને સામે બેસાડીને ડૉક્ટરે કહ્યું કે, ‘તમારાં પત્ની પાસે હવે વધુમાં વધુ એક વર્ષ છે.’

બસ, એક જ વર્ષ ! પતીએ નક્કી કર્યું કે આ એક વરસ દરમીયાન હું મારી પત્નીને ખુબ જ પ્રેમ કરીશ. તેનો પડ્યો બોલ ઝીલીશ. તેનું પુરું ધ્યાન રાખીશ. પત્નીને પણ સમજાયું કે તેનો પતી તેની ખુબ જ કૅર કરવા લાગ્યો છે. એક મહીના પછી પત્નીએ કહ્યું કે, ‘આટલો પ્રેમ પહેલાંથી કર્યો હોત તો ! આટલી કૅર પહેલાંથી કરી હોત તો ! આપણાં દસ વર્ષ મને દસ જીન્દગી જેવાં લાગત. તું સારો છે. મને કોઈ ફરીયાદ નથી. છતાં એવું થાય છે કે માણસને કેમ ત્યારે જ કોઈની કીંમત સમજાય છે, જ્યારે તે ગુમાવી દેવાનું થાય છે !’

પ્રેમ કરવા માટે કોઈ સમય, કોઈ દીવસ, કોઈ તક કે કોઈ અવસરની રાહ ન જુઓ. ‘જો ભી હૈ, બસ યહી ઈક પલ હૈ.’ પ્રેમ, લાગણી, સ્નેહ અને હુંફ નસીબદાર લોકોને મળે છે. તમારી પાસે એવા લોકો હોય તો તેની કદર કરો. તમે પોતે, જો કોઈ માટે એવી વ્યક્તી હો તો તમારા પ્રીયજનના પ્રેમનું સન્માન કરો. તમારી તે વ્યક્તીને કહો કે, ‘તું છે તો બધું છે; કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકલો. તારા વગર આખું જગ સુનું !’ તમારા આ પ્રીયજનને દુર ન જવા દો.

જે આજે ભરપુર પ્રેમ નથી કરી શકતો તે પાછળથી ભરપેટ પસ્તાતો રહે છે. ચાલી ગયેલી આજ ક્યારેય પાછી આવતી નથી અને ચાલી ગયેલી વ્યક્તી પણ…

આભાર- સૌજન્ય –સંડે-ઈ–મહેફીલ  બ્લોગ-:શ્રી ઉત્તમભાઈ ગજ્જર 

————————————————-

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

સન્તાસિંહ – અરે બનતા , ભાભીનું શું નામ છે ?

બનતાસિંહ – ગુગલ કૌર

સન્તાસિંહ  -ગુગલ ! કમાલ છે . આવું તો કઈ નામ હોય !

બનતાસિંહ –  એનું ગુગલ નામ બિલકુલ સાર્થક છે .

સન્તાસિંહ- કેમ ,કેવી રીતે ?

સન્તાસિંહ – કેમ કે એને જ્યારે એક પ્રશ્ન પૂછીએ તો એના 

વીસ જવાબ મળતા હોય છે !