વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(386)સાચું જીવન નિવૃત્તિ પછી શરૂ થાય છે…… ગુરુવાણી – વિશ્વામિત્ર

માણસ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી ફરજિયાત કરવી પડે એવી પ્રવૃત્તિઓનો ગુલામ હોય છે. અગિયારથી પાંચની સિસ્ટમ માણસની યુવાનીનાં શ્રેષ્ઠ વર્ષો ખાઈ જાય છે. શ્રાવણ મહિનામાં પવન શોર મચાવતો હોય, વર્ષાબિંદુઓનું નર્તન મનને લોભાવતું હોય, થોડાક મહિનાઓ પર જ લગ્નથી જોડાઈને ઘરે આવેલી પત્ની સાથે ટપકતાં વૃક્ષો નીચે પલળવાની મજા માણવા નીકળી પડવાની ઇચ્છા જાગે છે પરંતુ અફસોસ… અગિયારના ટકોરે ઓફિસમાં પહોંચવું પડે છે. શ્રાવણને માણી શકતો નથી, પત્ની એકલી એકલી ઘરમાં બેસીને હૈયાવરાળ ઠાલવે છે. ‘તેરી દો ટકિયાં કી નૌકરી મેં, મેરા લાખોં કા સાવન જાયે!’

માણસની નિવૃત્તિ વય પંચાવન વર્ષે હોવી જોઈએ એવું હું હૃદયપૂર્વક સમજું છું, આમ કરવાના બે લાભો છે. ક્રૂર સિસ્ટમમાં કેદ થયેલો જીવ થોડો વધુ મુક્ત,નિર્બંધ જિંદગીનો આનંદ માણી શકે અને બેરોજગાર યુવાન-યુવતીઓને રોજી-રોટી કમાવાની તક મળે. 

સાચું જીવન નિવૃત્તિ પછી શરૂ થાય છે. નિવૃત્તિ પછી પણ નિવૃત્ત નહીં થઈ શકતા જીવો કમનસીબ છે અને કોઇ અભિશાપની સજા ભોગવી રહ્યા છે એમ સમજવું. જેમને જિંદગીને મહત્તમ કક્ષાએ માણવી હોય એમણે નિવૃત્તિની રાહ જોવી પડે છે.

હું યુનિર્વિસટીમાંથી નિવૃત્ત થયો પછી એક સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થામાં જોડાવા માટેની દરખાસ્ત પ્રાપ્ત થયેલી. મેનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું, માગો તે પગાર અને ઇચ્છા થાય ત્યારે આવવાનું, ઇચ્છા થાય ત્યારે નીકળી જવાનું! માણસની સ્વતંત્રતાની કેટલી કિંમત મુકાય? જો બે ટંક શાંતિથી ભોજન લઇ શકાય એટલા પૈસા ભગવાને આપ્યા હોય તો માણસ સિત્તેર કે પંચોતેરમા વર્ષે કોઇ સંસ્થામાં અગિયારથી પાંચની સિસ્ટમમાં ફરીથી ગૂંગળાવાનું શા માટે પસંદ કરે? હું એક યુનિર્વિસટીના પ્રોફેસરને ઓળખું છું, એમણે નિવૃત્તિ પછી પણ પોતાની ઓફિસ ખાલી નથી કરી. ઝંખના(વાસના) એવી છે કે, યુનિર્વિસટી મને માનદ્ વેતન સાથે થોડાં વધુ વર્ષ સેવા કરવાની તક આપશે! ઘરે પૌત્ર, પૌત્રી છે, એમને ખોળામાં બેસાડીને રમાડવાની, બાગમાં ફરવા અને રમવા માટે લઇ જવાની સુવર્ણ તક સાંપડી છે, પરંતુ સાહેબથી સોનાનું પાંજરું છૂટતું નથી.

ગિજુભાઇ બધેકાએ લખ્યું હતું કે, ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર વેપારની ગડમથલ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે અને તારા બાળક સાથે રમ. ઘડીભર ભાઇબંધ-મિત્રોને છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર પ્રભુ-ભજનને પણ છોડી દે ને તારા બાળક સાથે રમ. 

સોલ ગાર્ડન અને હેરોલ્ડ બ્રેચરે એક પુસ્તક લખ્યું જેનું શીર્ષક છે ‘Life is uncertain… Eat dessert First.’ જિંદગી અનિશ્ચિત છે, પહેલાં મિષ્ટાન્ન આરોગવાનું રાખો, મિષ્ટાન્ન એટલે મનગમતી પ્રવૃત્તિઓ, સૌથી મહત્ત્વનું અને સૌથી વધારે ગમતું કામ. જિંદગી અનિશ્ચિત છે. એ કટુ સત્ય નિવૃત્ત થયેલા મિત્રો માટે વધારે સાચું છે. પૈસા ભેગા કરવા દોડતા રહેવું, પદ અને પ્રતિષ્ઠાનો મોહ રાખવો એ બધું યૌવનની પાંખો વીંઝાતી હોય ત્યાં સુધી યોગ્ય છે પરંતુ સાંઠ અને સિત્તેરની વય પછી તો આપણી નજર માત્ર પસંદગીની અગ્રિમતાઓ પર સ્થિર થવી જોઇએ.

ગયા અઠવાડિયે વરિષ્ઠ નાગરિકોની સભામાં સંબોધન કર્યા પછી મેં એક પ્રશ્ન ઉછાળ્યો, તમારામાંથી કેટલા મિત્રો પૂર્ણકાલીન નોકરી કે ધંધામાં વ્યસ્ત છે? લગભગ અઢીસો મિત્રો ત્યાં ઉપસ્થિત હતા. સત્તાવીસ આંગળીઓ ઊંચી થઇ. મેં બીજો પ્રશ્ન રજૂ કર્યો. આ સત્તાવીસમાંથી કેટલા મિત્રો એવા છે કે જેમણે આજીવિકા માટે કામ કરવું જ પડે એવું છે?આખી સભામાં માત્ર ચાર સભ્યો એવા હતા કે જેમણે આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા લાચારીથી કામ કરવું પડતું હતું. બાકી રહેલા ત્રેવીસનું શું?તેઓ જે પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય એ પ્રવૃત્તિ એમને મનગમતી હોય તો પણ એ ફરજ પૈસા અને પગાર સાથે જોડાયેલી હોવાથી પેલા ત્રેવીસ જણને એમાંથી નિર્ભેળ આનંદ પ્રાપ્ત થાય એવી સંભાવના ખૂબ ઓછી છે.

નિવૃત્તિ પછીનું શેષ જીવન તો બિલકુલ અનિશ્ચિત હોવાનું. ઓછી મદિરા હોય અને ગળતો જામ હોય ત્યારે શાણો માણસ પહેલું કામ જામને હોઠો સુધી પહોંચાડવાનું કરે કે બીજું કંઇ? નિવૃત્તિ પછી આપણી અગ્રિમતા કઈ હોઈ શકે? વહેલી સવારે ફરીથી દોડીને ટ્રેન પકડી બોસની સેવામાં હાજર થઇ જવાની? જે ત્રીસમા કે ચાળીસમા વર્ષે કર્યું એ જ જો સિત્તેરમા વર્ષે પણ કરવાનું હોય તો ધિક્કાર છે એવી જિંદગીને.

ડેવીડ પોસન your self a break’માં નોંધે છે, માણસે વૃદ્ધાવસ્થામાં સ્ટ્રેસ જન્માવે એવી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઇએ. નિવૃત્તિ પછી નિવૃત્ત થવાને બદલે પૈસા, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવાના મોહમાં ઘણીબધી જવાબદારીઓ આપણે માથે મારનારો હોદ્દો સ્વીકારીએ તો હાર્ટએટેકથી કે ઊંચાં બ્લડપ્રેશરથી અચાનક લાંબી યાત્રાએ નીકળી પડવાની તૈયારી રાખવી પડે.

નિવૃત્તિ પછી માણસે શું કરવું અને શું છોડવું તે નક્કી કરવા માટે પોતાની ઉંમરનો આદર જાળવીને નિર્ણયો લેવા પડે. ગયા અઠવાડિયે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં નેવું ટકા વરિષ્ઠ નાગરિકોએ પોતાની અગ્રિમતાઓ નીચેના ક્રમમાં દર્શાવી. 

-સ્વાસ્થ્યની જાળવણી. 

-પ્રભુસ્મરણ, ધર્મપુસ્તકોનું વાંચન અને કથાશ્રવણ. 

-પરિવારજનો સાથે સમય પસાર કરવો. 

-સમવયસ્ક મિત્રો સાથે પ્રવાસ-પર્યટને જવું. 

-વયસ્ક નાગરિકોનાં મંડળોમાં હાજરી આપવી. 

પ્રસન્નતા પ્રેરે એવું તારણ એ છે કે, ખૂબ ઓછા-દસ ટકા-વરિષ્ઠ નાગરિકો રૂપિયા કમાવા નોકરી-ધંધે જવાનું કે સત્તા મેળવવા ઊંચું પદ મેળવવાનું પસંદ કરે છે. આખી જિંદગી, નિવૃત્ત થયા ત્યાં સુધી જે કામ કર્યું એ કામ નિવૃત્તિ પછી નહીં સ્વીકારવું એ શેષ જીવન શ્રેષ્ઠ રીતે પસાર કરવાનો એક માત્ર વિકલ્પ છે.

છોડવા જેવાં આ કામો કયાં છે? કાવાદાવા ખેલવા, વિરોધીઓને માત કરવા, પ્રપંચ રચવો, ઇર્ષા-અદેખાઇમાં રાચવું, પોતાની લીટી લંબાવી શકવાની આવડત ન હોવાથી બીજાની લીટીને ભૂંસતા રહેવું, સૌની સાથે લડાઈ-ઝઘડો કરતા રહેવું એ બધાં કામો માણસે નિવૃત્ત થતાંની સાથે જ છોડી દેવાં જોઇએ.

સાચું જીવન નિવૃત્તિ પછી શરુ થાય છે  …

જો જીવતાં આવડે અને માણતાં આવડે તો…!

——————————————–

સૌજન્ય- સંદેશ . કોમ 

 

 

4 responses to “(386)સાચું જીવન નિવૃત્તિ પછી શરૂ થાય છે…… ગુરુવાણી – વિશ્વામિત્ર

 1. સુરેશ જાની જાન્યુઆરી 28, 2014 પર 10:15 એ એમ (AM)

  ન્યાં કણે તો પ્રાથમિક શાળા પહેલાંનું બાળપણ પાછું મળી જ્યું સે !!
  કોઈ માસ્તર નૈ; કોઈ લેસન નૈ અને તોય ગોવાયેલા ને ગોવાયેલા !!

  Like

 2. Ramesh Patel જાન્યુઆરી 28, 2014 પર 11:52 એ એમ (AM)

  ખૂબ જ મનનીય વિષય..જીવન બાબતની સૂઝ.

  આ વિષય પર…અલગ અલગ પરિસ્થિતિએ અલગ વાતો જાણવા મળે. આપણે નિવૃત પણ સંસાર ક્યાં નિવૃત્ત? સર્વે પોતપોતાની રીતે ગૂંથાયેલા..તમારી સાથે બેસવા માટે કોને સમય છે..અમેરિકામાં?

  આ પરિસ્થિતિનું કારણ..તો કહે એક જણની નોકરી ચાલુ હોય તો ઈનસ્યુરન્સની ચીંતા નહીં. બાળકોને અભ્યાસ કરવા શાળાએ લઈ જવા ને લાવવા…એક સરસ મજાનો મોકો , બાળપણમાં ખોવાઈ જવાનો

  મળે છે..એ એક ભાઈ લાખેણો છે. ખરી મજા સમાયંતરે હસીખુશીથી જીંદગી માણી લઈએ એજ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. ગોવીન્દ મારુ જાન્યુઆરી 28, 2014 પર 3:12 પી એમ(PM)

  સાચે જ, જો જો જીવતાં આવડે અને માણતાં આવડે તો સાચું જીવન નીવૃત્તી પછી શરુ થાય છે …!
  પરભુસ્મરણ, ધર્મપુસ્તકોનું વાંચન અને કથાશ્રવણનો દંભ કરવાને બદલે વીશ્વના 81 દેશોમાં હું રૅશનલ વીચારો વહેતા કરીને પરભુસ્મરણ, ધર્મપુસ્તકોનું વાંચન અને કથાશ્રવણ કરનારાઓ કરતાં સારું અને સુંદર અને નીવૃત્તી જીવન માણી રહ્યો છું…

  Like

 4. pragnaju જાન્યુઆરી 29, 2014 પર 2:38 એ એમ (AM)

  જો જીવતાં આવડે અને માણતાં આવડે તો…!

  સુંદર સાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: