વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 6, 2014

(391 ) લોક નાયક જય પ્રકાશ નારાયણ (જે.પી.) ની કલ્પનાનું ભારત —પી.કે.દાવડા

 

વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ થયેલા એમના લેખો /કાવ્યો /ચિંતન લેખોથી વાચકો જેમને બરાબર ઓળખે છે એવા મારા મિત્ર શ્રી પી.કે. દાવડાએ એમના તારીખ ૩ જી ફેબ્રુઆરી ૨૦૧૪ના ઈ-મેલમાં જે.પી. ની કલ્પનાનું ભારત એ નામનો એક વાંચવા અને વિચારવા જેવો લેખ લખી મોકલ્યો છે .

Jayprakash Narayan-2૨૬ મી જૂન ૧૯૭૫ ની સવારે ઈંદીરા ગાંધીએ આપાતકાલની જાહેરાત કરી જયપ્રકાશ નારાયણ ( જે.પી.)ની ધરપકડ કરી એમને  જેલમાં પૂર્યા ત્યારે ૧૩૯ દિવસની કેદ દરમ્યાન જે.પી. રોજ પોતાના વિચારો લખતા એ એમની Prison Diary નામથી બહાર પડેલ પુસ્તકમાં એમની કલ્પનાના ભારત વિશે એમણે વિચારો વ્યક્ત કર્યાં છે . આ પુસ્તકનો અભ્યાસ કરીને શ્રી દાવડાએ એનો સારાંશ આ લેખમાં આપવાનો સફળ પ્રયત્ન કર્યો છે.

આ લેખને એમના આભાર સાથે આજની પોસ્ટમાં સાનંદ પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .  આ લેખ વાચકોને ગમશે અને જે.પી. વિષે વધુ જાણવા માટે પ્રેરશે એવી આશા છે .

ભારતીય સ્વતંત્રતા સેનાની,એક વખતના સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ (જે.પી.) ને કોણ નહીં ઓળખતું હોય ! ભારતને ૧૯૪૭માં સ્વરાજ્ય મળ્યું એ પછી ઘણા વર્ષો  સુધી કોંગ્રેસ પક્ષની સરકારો રચાઈ અને એના વહીવટમાં ભ્રષ્ટાચાર સહિતનાં અનેક દુષણો ઘર ઘાલી ગયાં છે એ સુવિદિત છે .

જેને જે.પી. પુત્રીવત માનતા હતા એ તત્કાલીન પ્રધાનમંત્રી  ઇન્દિરા ગાંધીની આપખુદ નીતિઓ સામે ૧૯૭૦મા એમણે વિપક્ષનું નેતૃત્વ કર્યું .

ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી જાહેર કરી ત્યારે જે.પી.એ કોંગ્રેસની જોહુકમી સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવી અને ૧૯૭૪માં બિહારમાંથી સંપૂર્ણ ક્રાંતિની ઘોષણા કરી ,જેલ વાસ ભોગવ્યો . લોકોમાં અનોખી જાગૃતિ પેદા કરી પરિણામે જેના મુળીયાં ઊંડાં ગયાં હતાં એ કોંગ્રેસ સરકાર અને એના નેતા ઇન્દિરા ગાંધી એમ બન્નેની ચૂંટણીમાં કારમી હાર થઇ . દેશમાં સૌ પ્રથમવાર કોંગ્રેસ વિહોણી જનતા-આમ આદમી-ની સરકાર શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ નીચે રચાઈ શકી .

જય પ્રકાશ નારાયણએ કોઈ પણ હોદ્દાની ખેવના કદી ન રાખી હતી  . આવા અદના લોકનાયક અને સેવાભાવી નેતા આજે લગભગ ભૂલાઈ ગયા છે એ કેવું દુખદ કહેવાય .

આજે દેશમાં ભૂતકાળની કોંગ્રેસ સરકારો વખતની જે પરિસ્થિતિ હતી એમાં કોઈ સુધારો દેખાતો નથી પરિણામે આવી રહેલ લોક ચુનાવમાં ઇતિહાસનું પુનરાવર્તન થાય એવાં બધાં જ ચિન્હો હાલ જણાઈ રહ્યાં છે !

વિનોદ પટેલ

——————————————————

જયપ્રકાશ નારાયણ ( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ - ૮મી ઓક્ટોબર, ૧૯૭૯)

જયપ્રકાશ નારાયણ ( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ – ૮મી ઓક્ટોબર, ૧૯૭૯)

લોક નાયક જય પ્રકાશ નારાયણ (જે.પી.) ની કલ્પનાનું ભારત      —પી.કે.દાવડા

P.K.DAVADA

P.K.DAVADA

૨૬ મી જૂન ૧૯૭૫ ની સવારે ઈંદીરા ગાંધીએ આપાતકાલની જાહેરાત કરી જયપ્રકાશ નારાયણ ( જે.પી.)ની ધરપકડ કરી હતી. ૧૩૯ દિવસની કેદ દરમ્યાન જે.પી. રોજ પોતાના વિચારો લખતા, જે પછીથી Prison Diary તરીકે પ્રસિધ્ધ થયા. મોટાભાગના લખાણ અંગ્રેજીમાં હતા, થોડા લખાણ હીંદીમાં પણ લખેલા.  ૯ મી નવેમ્બરે એમણે એમની કલ્પનાના ભારત વિશે જે લ્ખ્યું હતું, તેનો સારાંશ આપવાનો મેં અહીં પ્રયત્ન કર્યો છે.

મનુષ્યની જરૂરીઆતો ભૌતિક અને આધ્યામિક એમ બે પ્રકારની હોય છે. સામાન્ય માણસની ભૌતિક જરૂરીઆતોમાં ખોરાક, કપડાં અને રહેઠાણનો સમાવેશ થાય છે. ખોરાક સાદો, સ્વાદિષ્ટ, પૂરતો અને આરોગ્યપ્રદ હોવો જરૂરી છે. વસ્ત્રો ઉપયોગી, સ્વચ્છ અને એનો સ્પર્શ શરીરને ગમે એવાં હોવાં જોઈએ. એ કૃત્રિમ કાપડમાંથી બનેલા અને ફેશનવાળા ન હોવાં જોઈએ. ઘર મનુષ્યને રહેવા લાયક હોવાં જોઈએ, એટલે કે પૂરતા હવા-ઉજાસ વાળા, ટાઢ-તડકા અને વરસાદ સામે રક્ષણ આપે એવાં હોવાં જોઈએ. બીજી બધી ભૌતિક જરૂરીઆતો માટે પણ આ જ ધોરણ હોવું જોઈએ.

સાથે સાથે એ પણ જરૂરી છે કે માણસે સંતોષી બનવું જોઈએ. સામાન્ય માણસ માટે જીવનની પાયાની ભૌતિક જરૂરતો મળવી અને એમાં સંતોષ રાખવો એ જ આધ્યાત્મ છે.નૈતિકતા અને આધ્યાત્મીકતા માટે, આર્થિક, સામાજીક અને રાજકીય સમાધાન, અને સ્વચ્છ પર્યાવરણ જરૂરી છે. પ્રગતિ જરૂરી છે પણ કઈ પ્રગતિ? કેવી પ્રગતિ? કોના માટે પ્રગતિ?

આ પ્રશ્નોનો સ્પષ્ટ ઉત્તર મળવો જરૂરી છે. ભૌતિક જરૂરિયાતોના સમાધાન વગર આધ્યાત્મિક પ્રગતિ શક્ય નથી.

ગામડાં, નગર અને શહેરો વિષે વિચારવું જરૂરી છે. નાના નાના ગામોને ભેગા કરી, Infrastructure વાળા કસબા ઊભા કરી શકાય. મોટા ગામોમાં રોજગાર માટે નાના ઉદ્યોગો શરૂ કરી શકાય.

આદીવાસી ઈલાકા, પર્વતીય ઈલાકા અને વનપ્રદેશોને અલગ ઓળખ આપીને તેમનો વિકાસ સાધી શકાય. મોટા શહેરોના શક્તિ બહારના વસ્તિવધારાને રોકવા ઉપનગરો વિકસાવી શકાય.

ગામડા, નગરો અને શહેરોને જોડતી સડકો એ વિકાસની પ્રાથમિક જરૂરીઆત છે, કારણ કે પ્રત્યેક નાગરિકને બેંક, હોસ્પિટલ અને ઉચ્ચ શિક્ષણ માટેની સંસ્થાઓ ઉપલબધ્ધ કરાવવાનો આ એક જ માત્ર માર્ગ છે. આ બધું જબરજસ્તીથી લોકો ઉપર લાદી ન શકાય, એમનો સાથ લઈને જ આમ કરવું શક્ય છે.

માણસ એ આર્થિક ઉન્નતિના પાયાનું એકમ છે. પ્રત્યેક માણસને રોજગાર ઉપલબ્ધ કરાવ્યા વગર આર્થિક ઉન્નતિ શક્ય નથી. પ્રત્યેક કુટુંબમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ કમાતી હોવી જોઈએ.

આના માટે ગ્રામઉદ્યોગો, લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વિજ્ઞાનિકોએ આવા ઉદ્યોગો માટેની શોધખોળમાં પ્રયત્નો કરવા જોઈએ. ગામડાઓમાં અને નગરોમાં આવા ઉદ્યોગોની તાલિમ માટે વ્યવસ્થા હોવી જોઈએ. આવા ઉદ્યોગોની માલિકી નીજી, કુટુંબની કે સહકારી હોઈ શકે. વધુમાં વધુ માણસોને રોજગાર આપી શકે એવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી જોઈએ. ન્યુનતમ મજૂરી વ્યાજબી જીવન ધોરણ પર આધારિત હોવી જોઈએ. ભારે ઉદ્યોગો ખનગી કે સરકારી માલિકીના હોઈ શકે.

રાજકીય માળખું પાયાના અધિકારોવાળા પ્રજાસત્તાક તંત્રવાળું હોવું જોઈએ. આવા માળખામાં સત્તાનું વિકેંદ્રીકરણ ખૂબ જ જરૂરી છે. સાંસ્કૃતિક બાબતોમાં હરેક કોમને સવતંત્રતા હોવી જરૂરી છે પણ આમાં અથણામણો ટાળવાના પ્રબંધો હોવા જોઈએ.

શિક્ષણક્ષેત્રે ખેતી, ગ્રામોદ્યોગ, અર્થતંત્ર, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રને પ્રાધાન્ય આપવું જોઈએ. સામાજીક માળખામાં ગ્રામસભા અને લોક અદાલતોનો સમાવેશ પણ હોવો જોઈએ.

આ બધા ફેરફાર ઉપરથી ઠોકી બેસાડવાથી નહિં થઈ શકે. આના માટે જનમાનસ બદલવા સ્વયંસેવકોની ફોજ ઊભી કરવી પડશે , લોકોને આના ફાયદાની સમજ આપવી પડશે અને લોકો આ ફેરફારો કરવામાં સક્રીય મદદ કરે એવું વાતાવરણ પણ તૈયાર કરવું પડશે  એક સંપુર્ણ ક્રાંતિ કરવી પડશે .

-પી. કે. દાવડા

—————————————

ગરીબોના બેલી –  લેખક- પી.કે.દાવડા ( ઈ-વિદ્યાલય- જીવન ચરિત્રો)

 આ બ્લોગના કોલમમાં જેનો લોગો મુક્યો છે એ ઈ-વિદ્યાલય બ્લોગમાં એના જીવન ચરિત્રો વિભાગમાં શ્રી પી.કે.દાવડા લિખિત જે..પી.નું જીવન ચરિત્ર – ” ગરીબોના બેલી ” એ નામે ભાગ -૧ અને ભાગ-૨ માં

આ લીંક ઉપર વાંચો .

————————————–

સ્વ. જય પ્રકાશ નારાયણની જીવન ઝરમર વિકિપીડિયાની આ લીંક ઉપર