વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 21, 2014

( 399 ) શ્રી પી.કે.દાવડાના બે ચિંતન લેખો

 

P.K.DAVADAસાન હોજે ,બે એરિયાના રહીશ ,૭૬ વર્ષના મારા મિત્ર શ્રી પી.કે.દાવડા એક સારા લેખક અને વિચારક છે .એમના ઘણા લેખો /કાવ્યો અગાઉ આ બ્લોગમાં પ્રગટ થયા છે એટલે વાચકો એમના સાહિત્યપ્રેમથી સુપરિચિત છે .તેઓ અવારનવાર એમના વિચારો એમના ઈ-મેલમાં મિત્રોને જણાવતા રહે છે  .

શ્રી દાવડાજીએ લગ્ન સંસ્થા અંગે એક તાજો જ કોઈ જગાએ પ્રગટ થયો ન હોય એવો ચિંતન લેખ વિનોદ વિહાર માટે એમના ઈ-મેલમાં મોકલી આપ્યો છે .

અગાઉ એમના ઈ-મેલમાં પ્રાપ્ત એમનો બીજો એક લેખ “ભારત દેશની આજની દશા” ને પણ આજની પોસ્ટમાં નીચે મુકવામાં આવ્યો છે એ પણ આપને ગમશે .

આ બન્ને લેખોને આજની પોસ્ટમાં એમના આભાર સાથે નીચે સાનંદ પ્રસ્તુત  છે .

આજની આ પોસ્ટના વિષયમાં આપના વિચારો પ્રતિભાવ રૂપે જણાવશો એવી આશા છે .

વિનોદ પટેલ

—————————————–

Cartoon by Mr. Mahendra Shah -Thanks

Cartoon by Mr. Mahendra Shah -Thanks

લગ્ન સંસ્થા            – લેખક- શ્રી પી.કે.દાવડા

લગ્નપ્રથા ચોક્કસ ક્યારથી શરૂ થઈ એ કહેવું મુશ્કેલ છે. કદાચ સ્ત્રીઓએ ઘણા બધા પુરૂષોના હુમલાથી રક્ષણ મેળવવા એક જ શક્તિશાળી પુરૂષ સાથે સંબંધ બાંધવાની પ્રથા અપનાવી હશે.

લગ્નનો હેતુ છેલ્લી ત્રણ સદીઓમાં ત્રણ વાર બદલાયો છે. ૧૯ મી સદીમાં લગ્નનો અર્થ પ્રેમમાં પડ્યા પછી પરણવાનો ન હતો, અલબત પરણ્યા પછી પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતા. મહદ અંશે લગ્ન કરીને સાથે મળીને રહેવા અને બાળકોને જન્મ આપવા માટે હતા. લગ્ન કુટુંબ બનાવવા માટે થતા. પતિ-પત્ની એકબીજાની મનોવૈજ્ઞાનિક જરૂરીઆતો પ્રત્યે સજાગ ન હતાં , સમાજના નિયમોમાં રહીને કુટુંબ ચલાવવામાં જ એમનું ધ્યાન કેંદ્રીત હતું.

ગામડામાં સ્ત્રી-પુરૂષ બન્નેને કામ કરવું પડતું અને પુરૂષો પણ ઘરકામમાં મદદ કરતા. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ બાદ લગ્ન સંસ્થામાં રોજીંદી જીંદગીમાં કામકાજની ફાળવણી થઈ. પુરૂષ કમાઈ લાવે અને સ્ત્રી ઘર ચલાવે. આ સમયગાળામાં કુટુંબની આર્થિક સ્થિરતાના પાયામાં લગ્ન મહત્વનું પરિબળ હતું. અલબત પ્રેમ કુટુંબ વ્યાપી હતું.

૨૦મી સદીમાં યુરોપના દેશોમાં પ્રેમ કરીને લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ. લગ્નજીવનમાં પ્રેમનું મહત્વ વધી ગયું. “આઈ લવ યુ” કહીને પ્રેમનો એકરાર કરવાનું શરૂ થયું. બીજા બધા પરિબળો સરખા હોય પણ પ્રેમમાં ઉણપ જણાય તો લગ્ન ભાંગી પડવાની શરૂઆત થઈ ગઈ. અલબત પ્રેમની ચોક્કસ વ્યાખ્યા આજ સુધી કોઈ આપી શક્યું નથી. ૧૯૬૦ થી પ્રેમ અને સહવાસનું મહત્વ ખૂબ જ વધી ગયું, પણ સાથે સાથે પતિ અને પત્ની બન્ને પોતપોતાની પ્રગતિ માટે સજાગ થવા લાગ્યા.

આજે ૨૧ મી સદીમાં પતિ-પત્ની માત્ર બન્ને સાથે રહીને બાળકોને જન્મ આપવા ઉપરાંત પોતપોતાની પ્રતિભા શોધવા પ્રયત્નશીલ છે. માત્ર એક જ ઘરમાં સાથે રહેવા ઉપરાંત કંઈક પોત પોતાના માટે આગવું કરી રહ્યા છે. પતિ પત્ની પોત પોતાના માટે પોતાને રસ પડે તેવી પ્રવૃતિ અને કારકીર્દી ઉપરાંત જીવનના અનેક પાસાંઓ  શોધી રહ્યાં છે.

એવું નથી કે પતિ પત્ની લગ્નમાંથી પહેલા કરતાં કંઈ વધારે મેળવવાનો પ્રયત્ન કરે છે, તેઓ માત્ર એમા મનોવિજ્ઞાનિક ફેરફાર ઈચ્છે છે. તેઓ પોતાની ભૌતિક જરૂરિયાતો જેટલું જ મહત્વ મનોવિજ્ઞાનિક સંતોષને આપે છે. આજના લગ્નોમાં બન્ને પોતાની કારકીર્દી, શોખ અને ઈચ્છાઓમાં મદદગાર થાય એવી વ્યક્તિ શોધે છે.

લગ્નના આર્થિક અને સામાજીક કારણો તો મૂળમાં રહ્યા જ, પણ જીવનમાં સુખ શાંતિ માટે પ્રેમ અને સહચાર ઉપર ભાર મૂકાયો છે. સફળ લગ્ન જીવન માટે પતિ-પત્ની બન્ને માટે, સામી વ્યક્તિની જરૂરિયાત સમજી લઈ, એમાં મદદરૂપ થવાની ઈચ્છા એ જરૂરી તત્વ બન્યું છે. આ તત્વ અગાઉની જરૂરીઆતો કરતાં વધુ જટીલ અને વધારે સમજ માગી લે છે.

આજના સફળ લગ્નો અગાઉના સફળ લગ્નો કરતાં ઘણા સારાં છે, પણ સફળ બનવા માટે અઘરાં છે. એમા ઉદારતા અને સમર્પણની ભાવના ખૂબ જ જરૂરી છે. આવા લગ્નો સફળ બનાવવા માટે ઘણો સમય, સહકાર, પ્રેમ અને મનોવિજ્ઞાન જરૂરી છે.

આજે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે કારણ કે પતિ-પત્ની એકબીજા સાથે ઓછો સમય ગુજારે છે, કેમ કે એમની કારકીર્દી વધારે સમય માગે છે. પ્રેમ પ્રદર્શિત કરવા અને મનોવૈજ્ઞાનિક ટેકો આપવા પૂરતો સમય નથી. આજે તમારા સાથી તમારી જરૂરીઆતો સમજી ન શકે તો તે શી મદદ કરી શકે? તું મને સમજવાની કોશીશ કર (Try to understand me), આ સંવાદ જ વધારે જોવા મળે છે. ખૂબ જ ભણેલા અને કારકિર્દીમાં ખૂબ જ આગળ વધેલાઓમાં લગ્ન સંસ્થા તૂટી પડવાના ભયસ્થાન ઉપર આવી જાય છે.

-પી.કે.દાવડા

______________________________ 

ભારત દેશની આજની દશા                               લેખક- પી.કે.દાવડા

ભારતમાં પરિસ્થિતિ આટલી ખરાબ અગાઉ ક્યારે પણ ન હતી. દરેક સ્તરે, સરકારી નોકરો હવે ખુલ્લેઆમ લાંચ રૂશવત માગે છે. નેતાઓ કરોડો રૂપિયા ખાઈ જાય છે અને પકડાઈ જઈશું તો શું થસે એની જરાએ પરવા કરતા નથી.

સુપ્રીમ કોર્ટની દોરવણીની અણદેખી કરવામાં આવે છે. ગુનાખોરી વધતી જાય છે, અને સ્ત્રીઓની સુરક્ષા ઘટતી જાય છે. કાયદા કાનુનનો જાણે કોઈને ભય જ રહ્યો નથી.

સરકારમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા વડા પ્રધાન, દેશને દોરવણી આપવાને બદલે પોતે જ શ્રીમતિ સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ કામ કરે છે; માત્ર એટલું જ નહિં, રાહુલ ગાંધીના માર્ગદર્શન નીચે કામ કરવાની પણ તૈયારી દર્શાવી છે!!

 આજે દેશમાં યોગ્યતા અને પ્રામાણિકતાની કિંમત ઘટવા લાગી છે અને ઓળખાણ અને લાગવગની બોલબાલા છે. ભણેલા યુવાનો બેકાર છે જ્યારે નેતાઓના પુત્રો મહત્વના સ્થાને સ્થાપિત થયા છે.

સંસદનું મુખ્ય કામ કાયદા બનાવવાનું અને સરકારના કામકાજ પર નજર રાખવાનું છે. આજે સંસદ થોડાક જ કાયદા બનાવે છે, મોટા ભાગનો સમય સંસદના કામકાજમાં બાધા નાખવામાં ગાળે છે.

એક પણ ક્ષેત્ર એવું બચ્યું નથી જેમા કરોડોના ગોટાળા ન થયા હોય. સારી યોજનાઓ અમલમાં આવતાં જ એમા ગોટાળાની શરૂઆત થઈ જાય છે. દા.ત. ગરીબોને મફત અનાજ આપવાની યોજના હોય તો એના ઓળખ પત્રો આપવા માટે ગરીબો પાસેથી પૈસા માગવામાં આવે છે; એટલું જ નહિં, મોટા ભાવના ઓળખ પત્રો બેનામી તૈયાર કરી, અમલદારો અને નેતાઓ એ અનાજ લઈ બજારમાં વેચી નાખે છે.

આજે દેશની જે દશા છે એમાંથી બહાર આવવાનો હાલમાં તો કોઈ રસ્તો દેખાતો નથી.

————————————- 

એક ચિત્ર હાઈકુ – ચિત્રકુ !

Dog Assistant

Dog Assistant

હાઈકુ 

સુખ દુઃખમાં  

સાથે જે રહી શકે 

એ સાચો મિત્ર !

વિનોદ પટેલ 

———————————————–

(શ્રી પી. કે. દાવડાના વિનોદ વિહારમાં આજ સુધી પ્રગટ બધા લેખો/કાવ્યો વિગેરે સાહિત્ય

આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .)