વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 7, 2014

કોલેજની ફી માટે મા-બાપને કોર્ટમાં ઘસડી જતી ૧૮ વર્ષની એક અમેરિકન છોકરી ( અમેરિકન સમાજ દર્પણ )

કોઇપણ દેશના અખબારો, ટેલીવિઝન  અને અન્ય આધુનિક સમાચાર ઉપકરણોમાં પ્રગટ થતી ઘટનાઓ એના સમાજ જીવનનું પ્રતિબિંબ પાડતી હોય છે .

અમેરિકાના સમાજ જીવનની આરસીમાં આ સમાચાર માધ્યમો દ્વારા એવા કેટલાયે બનાવો પ્રતિબિબિત થતા હોય છે જે વાંચીને  કે જોઈને આપણને આશ્ચર્ય ઉપજે  અને મનમાં થાય કે આવું તો ફક્ત અમેરિકામાં જ બની શકે !

અમેરિકામાં ઘણા માબાપો એમના સંતાનો પાસેથી સામાન્ય રીતે એવી અપેક્ષા રાખતા હોય છે કે તેઓ ૧૮ વર્ષના થાય એટલે એમની સ્કુલ અને કોલેજની ફી માટેનો બંદોબસ્ત એમણે કરવો જોઈએ . સરકાર પણ ફીની મદદ લોનથી કરતી હોય છે .ઘણા માબાપ સંતાનોની કોલેજ ટ્યુશન ફી માટે બચત પણ કરતા હોય છે .

અમેરિકામાં ઘણાં બાળકો હાઈસ્કુલથી જ  સ્વતંત્રતાને નામે સ્વછંદતા અને ડ્રગ જેવી કુટેવોનો શિકાર બનતા હોય છે .આવા સંજોગોમાં જો માબાપ  એમના બાળકો પાસેથી એમના સારા ભવિષ્ય માટે  ઘરમાં પાયાના નિયમોનું પાલન કરાવવા અને શિસ્ત પળાવવા જાય તો એમને કેવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે એને ઉજાગર કરતી નીચેની ન્યુ જર્સીમાં બનેલ એક સત્ય ઘટનામાંથી જાણવા મળશે .

આ સત્ય ઘટનામાં ન્યુ જર્સીની એક હાઈસ્કુલ સીનીયર છોકરી રચેલ કેન્નીગે એના પેરન્ટ્સ ઘરમાં એને ત્રાસ આપે છે ,એને ઘરમાંથી કાઢી મૂકી છે અને સ્કુલ અને કોલેજની ફી આપતા નથી વગેરે ઘણી માગણીઓ રજુ કરી વકીલ રોકીને એના માતા-પીતા સામે ન્યુ જર્સીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે . આ બનાવ  હાલ ટી.વી. અને સમાચારોમાં ચકચાર જગાવી રહ્યો છે .

છેલ્લા સમાચારો પ્રમાણે માર્ચ ૪,૨૦૧૪ ના દિવસે ન્યુ જર્સીની ફેમીલી કોર્ટના જજે એવો ચુકાદો આપ્યો હતો કે રેચલ કેન્નીગના માતા પિતા રચેલએ માગેલ હાઈસ્કુલની ફી , મહીને ૬૦૦ ડોલરનું એલાઉન્સ , એટર્નીની ફી અને બીજા ખર્ચાઓ આપવા બંધાયેલા નથી  .

ન્યુ જર્સીના જજે ચુકાદો આપતાં એવી ટીકા કરી હતી કે ” શુ આપણે આ દેશમાં એવો શિરસ્તો પાડવા માંગીએ છીએ કે પોતાનાં બાળકો ઘરમાં શિસ્ત પાળે અને ઘરના પાયાના નિયમોનું પાલન કરાવવા માટે પેરન્ટસ કશું કહી ન શકે અને સતત ભયના ઓથાર નીચે રહે !” 

રચેલના માબાપે એણે માગેલ કોલેજની ફી આપવી જોઈએ કે નહિ  એનો ચુકાદો જજે એપ્રિલ ૨૨, ૨૦૧૪ સુધી મુલતવી રાખ્યો હતો .

નીચેની લીંક ઉપર આ બનાવના વિષે ફોટાઓ સાથે સમાચાર વાંચી શકાશે

A New Jersey Girl Is Suing Her Parents To Pay For Her College Tuition

આ બ્લોગમાં એક નવી કેટેગરી ” અમેરિકન સમાજ દર્પણ ” હેઠળ અવાર નવાર આવી સત્ય ઘટનાઓ વિષેના લેખ પોસ્ટ કરવામાં આવશે . વાચકોને પણ તેઓ આવી જાણવા જેવી અમેરિકન જન સમાજમાં બનતી સત્ય ઘટનાઓ વિષે લખી મોકલવા આમંત્રણ છે .

વિનોદ પટેલ