વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 9, 2014

( 408 ) આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે શ્રી નરેન્દ્રભાઇ મોદીના પુસ્તક ‘સાક્ષીભાવ’ નો લોકાર્પણ વિધિ

શ્રી નરેન્દ્ર મોદીના કાવ્ય સંગ્રહ ”સાક્ષી ભાવ ” નું મુખ પૃષ્ઠ

ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપના વડા પ્રધાન પદના પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજકીય નેતા હોવા ઉપરાંત એક સારા લેખક અને કવિ પણ પણ છે .લગભગ ૩૦ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે નિયમિતપણે તેઓ હંમેશા ‘મા’ આદ્યશક્તિને સંબોધન કરીને ડાયરી લખતા હતા.આ ડાયરીમાંની પ્રાર્થનાઓનું એમના અંતરમનની યાત્રારૂપે લખાયેલ પુસ્તક ‘સાક્ષીભાવ’ ના નામે ઈમેજ પબ્લીકેશન મુંબઈ દ્વારા પ્રકાશિત થયું છે .

આ પુસ્તકનું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં શુક્રવાર તા. ૭ મી માર્ચ ર૦૧૪ના રોજ યોજાએલ સમારંભમાં કરવામાં આવ્યું હતું .

નરેન્દ્ર મોદીને પ્રજાએ હંમેશાં રાજનેતા તરીકે જોયા છે, પરંતુ તેમનું આધ્યાત્મિક વલણ ક્યારેય લોકો સમક્ષ આવ્યું નથી જે આ પુસ્તકમાં સ્પષ્ટપણે નિરૃપણ કરાયું છે.

ઇમેજ પબ્‍લીકેશન મુંબઇના ઉપક્રમે પ્રકાશિત અને આયોજીત આ લોકાપર્ણ સમારોહમાં ગુજરાતના જાણીતા વિચારક અને લેખક ડૉ . ગુણવંતભાઈ શાહે સુંદર પ્રવચન કર્યું હતું  .

પ્રવચનને અંતે  કહ્યું હતું કે “મારે એક બોલ્ડ સ્ટેટમેન્ટ કરવું છે કે મિસ્ટર નરેન્દ્ર મોદી પર જ્યારે જ્યારે હુમલા થાય છે ત્યારે તેમનામાં પડેલું ઉત્તમોત્તમ તત્ત્વ બહાર આવે છે. “

 

શ્રી શ્રી રવિશંકરજીએ શ્રી મોદીના સાક્ષીભાવ પુસ્તકના વિમોચન સમારંભમા પ્રવચન કરતાં કહ્યું હતું કે “હાલ આશા ગુમાવી બેઠેલા દેશના હજ્જારો યુવાનોમાં આ પુસ્તકથી આશાનો સંચાર થશે.

દેશના કમળને એક શેરની જરૂર હતી, તે તો મળી ગયો. હવે આ શેરમાં પણ એક કમળ ખીલ્યું છે.”-શ્રી શ્રી રવિશંકરજી

આ પ્રસંગે અંતે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ પોતે ૩૬ વર્ષના હતા અને રાજકારણમાં પ્રવેશ સુદ્ધાં નહોતો કર્યો તે સમયે લખાયેલી આ ડાયરી કેવી રીતે પુસ્તકાકારે રજૂ થઈ રહી છે તેનું વિવરણ કરતાં કહ્યું કે, ‘રાજકારણમાં આવતા પહેલાંની આ વાતો છે. મને વિશ્વાસ છે કે વાચક જે મને છાપા દ્વારા ઓળખે છે તે મને હવે મારા દ્વારા ઓળખશે.   મને લાગે છે કે આ ૩૦ વર્ષ પૂર્વે છપાયું હોત તો સારું હતું. એ વખતે આને સાદી, સીધી સાહિ‌ત્યિક નજરે જોવાત. હવે આમાંથી શું શું નીકળશે તે ખબર નથી.”

શ્રી નરેન્દ્ર મોદીએ ‘સાક્ષીભાવ’ ના પ્રકાશન અંગે વધુમાં કહ્યું કે પોતે ૩૬ના હતા ત્યારનું લખાણ હવે જ્યારે પોતે ૬૩ના છે ત્યારે પ્રસિદ્ધ થઈ રહ્યું છે . લગભગ રપ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની ભીનાશ તરીકે અંતરમનની યાત્રારૂપે આ પુસ્તકમાં વર્ણવી છે. “

શ્રી મોદીએ જણાવ્યા પ્રમાણે  ડાયરીનાં કેટલાંક પાનાંનો તો તેઓએ સ્વયં નાશ કર્યો હતો એટલે કે બાળી નાખ્યાં હતાં, કારણ કે તેઓ એવું માનતા હતા કે આ તો માત્ર મારા મનની વાતો છે, જે ડાયરી માટે જરૃરી નથી.

પરંતુ એમના એક સાથી પ્રચારકના આગ્રહથી જે પાનાઓ બચ્યા એમાંથી ૯૦ પાનાંનું આ પુસ્તક ‘સાક્ષીભાવ’ ના નામે કલર ફોટા સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે .આ પુસ્તક એમણે એમના આ સાથીને અર્પણ કર્યું છે .

આ સમારંભમાં “સાક્ષીભાવ ” પુસ્તકમાંથી કેટલાંક પાનાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું .

સ્વ. શ્રી સુરેશ દલાલે આ પુસ્તકને સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરીરૂપે લખાયેલી કાવ્યાત્મક પ્રાર્થના ગણાવી છે.

ઇમેજ પબ્‍લીકેશન મુંબઇના ઉપક્રમે યોજાએલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યકારો અને શુભેચ્છકોથી અમદાવાદ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .

આ આખા પ્રસંગને આવરી લેતો નીચેનો વિડીયો જોવા જેવો છે . આ વિડીયોમાં શ્રી ગુણવંતભાઈ શાહ તેમ જ  આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીનું પ્રવચન અને અંતે શ્રી નરેન્દ્ર મોદીએ કરેલું પ્રસંગોચિત પ્રવચન સાંભળવાનો લ્હાવો લેવા જેવો છે . કલાક ઉપરાંતના સમયનો આ વિડીયો થોડી ધીરજ રાખી સમય આપી જોશો એવી આશા છે.

શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગની નીચેની લીંક ઉપર આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ તસ્વીરો સાથે વાંચો .

Sri Sri Ravi Shankar launches ‘Sakshibhaav’ written by Narendra Modi  

Sakshibhaav

ઈમેજ પબ્લીકેશન , મુંબાઈ પ્રકાશિત આ ‘સાક્ષીભાવ’ પુસ્તકમાં ૯૦ પાનાંનો સમાવેશ કલર ફોટા સાથે કરવામાં આવ્યો છે. મોદીએ લખેલી ડાયરી અક્ષરસઃ તેમાં ઉતારવામાં આવી છે. આ પુસ્તકની કિંમત રૂપિયા ૭૫૦ મૂકવામાં આવી છે.

‘સાક્ષીભાવ’- ઈ બુક વાંચવાની લીંક 

http://www.narendramodi.in/ebooks/sakshibhaav