વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 10, 2014

(409 )વિચાર વિસ્તાર..(.કાવ્યાસ્વાદ )…. શ્રી વિજય શાહ / ” એશા એક ખુલ્લી કિતાબ” ..એક લઘુ નવલકથા

Vijaykumar Shah

Vijaykumar Shah

હ્યુસ્ટન નિવાસી સાહિત્યકાર અને લેખક મિત્ર શ્રી વિજયભાઈ શાહ નેટ જગતમાં ખુબ વંચાતા એમના નીચેના ત્રણ બ્લોગોનું સંપાદન કરી ઘણાં વર્ષોથી વાચકોને રસ પડે એવી સરસ સાહિત્ય પ્રસાદી પીરસી રહ્યા છે .

www.vijaydshah.com  – વિજયનું ચિંતન જગત

www.gujaratisahityasarita.org   –ગુજરાતી સહિત્ય સરિતા

www.gadyasarjan.wordpress.com  –સહિયારું સર્જન – ગદ્ય

આ બ્લોગોની મુલાકાત લેતાં જણાશે કે ગુજરાતી ડાયસ્પોરાના આ અદના સર્જકે એમની વર્ષો જૂની સાહિત્ય યાત્રા દરમ્યાન જે અઢળક સાહિત્ય સામગ્રી અને પુસ્તક પ્રકાશન દ્વારા જે સાહિત્ય સેવા બજાવી છે એ અભિનંદનીય છે .

એમનાં ઘણાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે અને વાચકોમાં વખણાયાં છે .

હ્યુસ્ટનમાં સાહિત્ય પ્રેમીઓ દ્વારા વર્ષોથી ગુજરાતી સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરતી  સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરિતા”ની નિયમિત ભરાતી બેઠકોમાં એ આગળ પડતો ભાગ લઈને માર્ગદર્શન પુરું પાડે છે .

શ્રી વિજયભાઈ દર સપ્તાહે એમણે ગત સપ્તાહ દરમ્યાન એમના બ્લોગોમાં જે વેબ કામ કર્યું હોય એ મિત્રોને ઈ-મેલથી વાંચવા મોકલી આપે છે . આ સાહિત્ય વાંચવા જેવું હોય છે .

એમની તારીખ ૫મી માર્ચ ૨૦૧૪ની ઈ-મેલમાં એમણે એમના વિશાળ વાચન દરમ્યાન ગમેલી કાવ્ય ક્ન્ડીકાઓ ઉપર ચિંતનશીલ વિચાર વિસ્તારની એક પુસ્તિકા મોકલી હતી એ મને ખુબ ગમી .

આ પુસ્તિકામાં એમણે જે કાવ્યાસ્વાદ કરાવ્યો છે અને ચિંતનશીલ વિચારો રજુ કર્યાં છે એ મનન કરવા જેવા અને પ્રેરક છે .

આ પુસ્તીકામાંથી પસંદગીની  કેટલીક ચિંતન પ્રસાદી નીચે પ્રસ્તુત છે .

——————–

ત્રણ વાના મુજને મળ્યાં,

હૈયું, મસ્તક અને હાથ,

બહુ દઇ દીધું નાથ!

જા, ચોથું નથી માંગવુ.

ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી જેવા કવિ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ જેમ વધુ વિચારીયે તેમ સમજાય કે આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે. ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું . ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા, આવનારી આફતોથી માર્ગ કાઢવા મસ્તક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ .સંવેદનાઓને ઝીલવા માટે ‘જા ચોથુ નથી માંગવુ ‘કહેતો આદમ ખરેખર સંતોષી અને સ્વનિર્ભર પ્રભુ સંતાન માણસ હતો. શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી-દલીલ શક્તિ  અને જે છે તેના કરતા વધુ માટે માણસ તેનો અધિકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુ… જુઓ કવિ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતાં લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંગતી તમને વધુ જોવા મળશે. ખૈર! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે.. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યાયમાં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે.

—————

અંતે રાખ

એટલુ જ યાદ રાખ

કારેલીબાગ સ્મશાનની દિવાલ ઉપર આ બે લીટી વાંચી ક્ષણ ભર માટે તો હું અટકી ગયો. રાગ અને દ્વેષ, તારુ અને મારુ કરતા આ જીવન ઝંઝાળે ફસાયેલા આપણે સૌ બસ એક જ ક્ષણ જો વિચારીયે તો મન સંસારની અસારતા ઉપર વિચારતા વિચારતા એમ જ કહેશેને..

સાથી બે જ ધર્મ અને કર્મ
જિંદગીનો એટલો જ છે મર્મ
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે,
પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે,
અને મહેફિલોનો તકાજો અલગ છે
-હિમાંશુ ભટ્ટ (ડલાસ)

કેટલી સાચી વાત! પ્રેમ પ્રદર્શનનાં પ્રકારો બદલાય..પ્રથમ પ્રેમ જે આવેગ અને ઉન્માદ સભર હોય તે સમય જતા ઝરણું જેમ નદી અને પછી મહાનદી બની સમુદ્રને મળે તે દરેક તબક્કનો ફેર ગંગોત્રી થી શરુ થયેલ ગંગા જ્યારે સમુદ્ર પાસે મળે તે જોતા ખબર પડે.પ્રેમ એ કદી પ્રમેય નથી કે જેને વારંવાર સાબિત કરવો પડે પણ પ્રેમ માવજ્ત માંગતો છોડ જરુર છે અને તેથી જ લાગણી સાથે જ્યારે સમજણ મળે ત્યારે થોડીક ગંભીરતા જરુર ભળે.તેના પોતના માન અને અરમાન જુદા છે

તેથી જ તો દરેક મહેફિલો ( પ્રસંગો)માં તેનો તકાજો અલગ છે.

———————–

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક

ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.

અનીલ જોશી

સાવ સીધી સાદી ઘટના ફુગ્ગો ફુલ્યો અને ફુટી ગયો. આ વાત ને જીવન સાથે સાંકળી શકે તેવો ઉર્મિશીલ કવિ અનીલ જોશીની આ પંક્તિ બહું ઉંચી રીતે વ્યક્ત કરી છે. જિંદગી બસ એક ફુગ્ગો જેમાં જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તેનુ ઉર્ધ્વગમન અને તરલતા. જેવી મૃત્યુની ઠેસ વાગી અને હવા થૈ ગઇ મૂક. આ એવી પંક્તિ છે જે વાંચતાજ મનને ચૉટ વાગે અને તત્વજ્ઞાન જાગે. જિંદગીની ક્ષુલ્લકતા, ક્ષણ ભંગૂરતા સમજાઇ જાય.

આ વિચાર વિસ્તારની આખી પુસ્તિકા નીચેની પી.ડી.એફ. ફાઈલ ઉપર ક્લિક કરીને વાંચી શકાશે .

વિચાર વિસ્તાર – લેખક- શ્રી વિજય શાહ ( હ્યુસ્ટન )

———————————————

” એશા એક ખુલ્લી કિતાબ” ..એક લઘુ નવલકથા

Esha- novel

” એશા એક ખુલ્લી કિતાબ” . એ લઘુ નવલ બે લેખકોનું સહિયારું સર્જન છે .આ કથા છે એશા અને રોહિતની .એશાનું પાત્રાંકન અમદાવાદથી રાજુલબેન શાહ કરે છે અને ડૉ. રોહિતનું પાત્રાંકન હ્યુસ્ટનથીવિજયભાઈ શાહ કરે છે .

તારીખ 8 માર્ચ ,૨૦૧૪ના એમના નીચેના ઈ-મેલથી શ્રી વિજયભાઈએ ઉપરની એક લઘુ નવલકથા મોકલતાં લખે છે .

મિત્ર

આ અઠવાડીયાનાં વેબ કામ માં આપની માંગણી મુજબ એક લઘુ નવલકથા આપને વાંચવા માટે બીડી છે. સહિયારા સર્જન પુસ્તક માં થી લેવાયેલી આ લઘુ નવલ ” એશા એક ખુલ્લી કિતાબ”આશા છે કે આપને ગમશે.એક કરતા વધુ લેખકો દ્વારા લખાયેલ જીવન સંધ્યા પછીનો આ બીજો પ્રયોગ હતો જેમાં તકનીકી વિકાસે મોટો ફાળો ભજવ્યો હતો.

ગત અઠવાડીયે મુકેલ મારું કાવ્યાસ્વાદ ઘણા મિત્રોને ગમ્યું તે જણાવવા બદલ આપ સૌનો દીલી

આભાર.

Vijay Shah વિજય શાહ

vijaykumar.shah@gmail.com

 

આ આખી લઘુ નવલ નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

Eshaa ek khulli Kitaab- Rajul Shah & Vijay Shah

” એશા એક ખુલ્લી કિતાબ” ..એક લઘુ નવલકથા —રાજુલ શાહ અને વિજય શાહ

આજની આ પોસ્ટ માટે હું શ્રી વિજયભાઈ શાહ અને રાજુલબેન શાહનો ખુબ આભારી છું .

વિનોદ પટેલ