વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 17, 2014

( 414 ) માતાની ભૂલો પુત્ર માફ કરી દે છે, પિતાની નહીં……(મૅન ટુ મૅન)….- લેખક- શ્રી સૌરભ શાહ

 
બીજા સૌ સંબંધોમાં પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો કરોળીયાના જાળાના તંતુઓ જેવા નાજુક હોય છે  .
મુંબઈ સમાચારમાં પ્રગટ લેખ “માતાની ભૂલો પુત્ર માફ કરી દે છે, પિતાની નહીં” માં જાણીતા લેખક શ્રી સૌરભ શાહે એક પિતા અને પુત્રના નાજુક સંબંધો ઉપર જે વિશ્લેષણ કર્યું છે એ  વિચારવા જેવું છે  . 
આ લેખમાં આપણા લોકપ્રિય દેશ નેતાઓ જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈના પિતા-પુત્ર તરીકેના સંબંધોનાં પણ ઉદાહરણો રજુ કરી પોતાની વાતને પુષ્ટિ આપી છે .
લેખક શ્રી સૌરભ શાહ અને મુંબાઈ સમાચારના આભાર સાથે આજની પોસ્ટમાં મુકેલ ઉપરોક્ત લેખ આપને જરૂર ગમશે એવી આશા છે .
વિનોદ પટેલ
————————————————————————
 માતાની ભૂલો પુત્ર માફ કરી દે છે, પિતાની નહીં.
(મૅન ટુ મૅન)….- લેખક- શ્રી સૌરભ શાહ 
Pita- putr
 * શ્રવણ જેવા દીકરાની ઈચ્છા રાખનારા કેટલા પિતાઓએ પોતાનાં માબાપની કાવડ ઊંચકી હતી?
* દરેક પિતાને પોતાના પુત્ર માટે હૃદયના છાને ખૂણે થોડોક રોષ, થોડોક અસંતોષ રહેવાનો.
 પિતા જ્યારે સાઈઠમી કે પાંસઠમી વર્ષગાંઠે એમના ધંધા – વ્યવસાય – રોજગારમાંથી નિવૃત્તિ લઈ લે છે ત્યારે સંતાનો રાતોરાત મોટાં થઈ જાય છે. પિતા કમાવાની ચિંતામાંથી નિવૃત્ત થઈ જાય છે, પુત્રની પ્રવૃત્તિ બમણી થઈ જાય છે. નિવૃત્ત પિતાની અને પોતાનાં સંતાનોની બેઉની આર્થિક ચિંતા એને માથે આવી પડે છે.   પિતા અને પુત્ર વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ? અને વાસ્તવમાં કેવા હોય છે? વિદેશમાં વરસમાં એકવાર ફાધર્સ ડે ઉજવાય છે. આપણે ત્યાં રોજેરોજ ખુદ ભગવાનને માતાપિતાનો દરજ્જો આપતી પ્રાર્થનાઓ સવારસાંજ ગવાય છે અને ક્યારેક છાપાઓમાં જાહેરખબરો પણ છપાય છે: મારો દીકરો મારા કહ્યામાં નથી, કોઈએ એની સાથે વ્યવહાર કરવો નહીં.
મા વિશે કવિતાઓ લખાઈ, લેખો લખાયા, નિબંધો અને વાર્તાઓ અને નવલકથાઓ પણ લખાયાં. પોતાની માની વાત કરતાં કરતાં ગળગળા થઈ જતાં વૃદ્ધોને પણ કોઈ એવું કહેતું નથી કે આ લાગણીવેડા છે. પણ પિતા વિશે ઓછું બોલાતું હોય છે, ઓછું લખાતું હોય છે અને જો લખાયબોલાય તો ભારે સંયમિત રહીને લાગણી પ્રગટ થતી હોય છે. પિતા વિશેની વાતોમાં લાગણી કરતાં પણ વધારે આદર હોય છે. આદર ન હોય ત્યારે ફરિયાદ હોવાની. માની ભૂલો પુત્ર માફ કરી શકે છે, માને મજબૂરીઓ હતી એવું વિચારી શકે છે. પિતાએ મજબૂરી હોવા છતાં કોઈ રસ્તો કેમ ન કાઢ્યો એવી ફરિયાદ થતી હોય છે.
નાનપણમાં દરેક સંતાનને શ્રવણની વાર્તા સંભળાવવામાં આવે છે. આ વાર્તા કહીને માબાપ અંદરખાનેથી ઈચ્છા રાખે છે કે શ્રવણની જેમ અમારો દીકરો પણ વૃદ્ધાવસ્થામાં અમારી સંભાળ લે. પોતાના ખભે કાવડ ઊંચકીને ભલે જાત્રાએ ન લઈ જાય પણ કમ સે કમ એની કારમાં મોટા મંદિર કે હવેલી કે દેરાસર સુધી તો મૂકી જાય. કાર ન હોય તો પણ વાંધો નહીં, ર્કિશા-બસનું ભાડું ખર્ચવામાં કચકચ ન કરે.
દરેક પિતાને પોતાની વધતી જતી ઉંમરે આર્થિક અસલામતી વિશે વિચારીને પુત્રની જિંદગી માટે ફફડાટ થતો હોય છે. દરેક પિતા પોતે જિંદગીમાં ન કરી શકેલાં કામ દીકરો કરી બતાવે એવાં સપનાં જુએ છે. દરેક પિતા ઈચ્છા રાખે છે કે પોતે કરેલી ભૂલો દીકરો ન કરે. પુત્રમાં રહેલાં દુર્ગુણોને જોઈને સમજુ પિતા વિચારે છે: મારા જ દુર્ગુણો અત્યારે બિલોરી કાચ તળેથી દેખાઈ રહ્યા છે. દરેક પિતાને પુત્ર માટે પ્રગટપણે પારાવાર પ્રેમ અને હૃદયના કોઈ છાને ખૂણે થોડોક રોષ, થોડોક અસંતોષ રહેતો હોય છે.
પુત્ર માટે પિતા એ મફત લૉજિંગ – બોર્ડિંગની સુવિધા આપતી વ્યક્તિથી કંઈક વિશેષ છે. કિશોર ઉંમર સુધી દરેક પુત્ર એન્જિન ડ્રાઈવર અથવા પિતા જેવો થવા માગે છે. મોટા થયા પછી પુત્ર પિતા કરતાં જુદો બનવા માગે છે. દરેક પુત્રને પિતા માટે પ્રગટપણે અસંતોષ અને રોષ તથા હૃદયના કોઈ છાને ખૂણે પારાવાર પ્રેમ રહેતો હોય છે. દરેક પુત્રની એક જ પ્રાર્થના હોય છે: મારા પિતા કરતાં હું વધારે સારો પિતા બનું અને મારા પિતાના પુત્ર કરતાં મારો પુત્ર વધુ સારો પુરવાર થાય!
ઓગણત્રીસ વર્ષની ઉંમર સુધી જવાહરલાલ નેહરુની રાજકીય તેમ જ જાહેર પ્રવૃત્તિ નહિવત્ હતી. ૧૯૧૯માં ગાંધીજીએ રૉલેટ બિલનો વિરોધ કરવા સત્યાગ્રહસભા સ્થાપી, સત્યાગ્રહની આ યોજના વિશે જવાહરલાલે પહેલવહેલીવાર છાપામાં વાંચ્યું ત્યારે એમના ઉત્સાહનો પાર ન રહ્યો. કાયદા તોડવા, જેલમાં જવું વગેરેનાં પરિણામોનો એમણે ભાગ્યે જ વિચાર કર્યો હતો અને વિચાર આવ્યો ત્યારે પરિણામની કશી પરવા નહોતી કરી.
પિતા મોતીલાલ નેહરુ જવાહરની આ નવી આવી રહેલી પ્રવૃત્તિની વિરુદ્ધ હતા. સંખ્યાબંધ માણસો જેલમાં જાય તેથી સરકાર પર એવું તે વળી શું મોટું દબાણ આવી જવાનું છે એવું મોતીલાલ નેહરુ માનતા. ઉપરાંત મનમાં પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય તો ખરું જ. ઘણા દિવસ સુધી પિતાપુત્ર વચ્ચે આ ધર્મસંકટ ચાલ્યું. જવાહરલાલ પોતાના નિર્ણયમાં અડગ રહ્યા અને ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાઈ ગયા. બહુ પાછળથી જવાહરલાલને ખબર પડી કે આ નિર્ણય લેવાઈ રહ્યો હતો એ જ ગાળા દરમિયાન પિતાએ એમના રૂમમાં પલંગ છોડીને જમીન પર સૂવાનું શરૂ કરી દીધું હતું. કારણ? જવાહરને જેલમાં જવું પડે તો ત્યાં પથારી મળવાની નહોતી. પિતા ખાતરી કરી લેવા માગતા હતા કે રોજ જમીન પર સૂઈ જઈએ તો ઊંઘ આવે કે નહીં. પંડિતજીએ આત્મકથામાં આ પ્રસંગ લખ્યો છે.
મોતીલાલ નેહરુ શ્રીમંત હતા અને જવાહરલાલ શ્રીમંત બાપના વંઠેલા પુત્ર જેવા ઉછાંછળા બની શક્યા હોત. ખાધીપીધે સુખી ઘરનાં છોકરાંઓથી માંડીને ખૂબ શ્રીમંત વર્ગનાં સંતાનો સુધીનાં સૌ કોઈના માટે આ એક પાઠ છે. સંતાનો કરતાં વધારે મોટો પાઠ માબાપ માટે છે. ઘરનું વાતાવરણ, કુટુંબના સંસ્કારો અને ખાનદાનની રીતરસમ બાળકોનું ઘડતર કરવામાં ઘણો મોટો ભાગ ભજવે છે.
જવાહરલાલ સ્વાતંત્ર્યની લડતમાં જોડાશે એવું નક્કી થઈ ગયા પછી શ્રીમંત અને નામાંકિત વકીલ મોતીલાલ ભોંય પર સૂઈ જવાનું નક્કી કરે છે. આજનો શ્રીમંત અને વગદાર પિતા શું કરે? પુત્ર માટે મોંઘો વકીલ રોકીને કોર્ટમાં આગોતરા જામીન મેળવવાની અરજી કરે. મોતીલાલ પોતે (તે વખતે) માનતા હતા કે ગાંધીજીના સત્યાગ્રહનો કોઈ અર્થ સરવાનો નથી. એ વખતે આ એમની દૃઢ માન્યતા હતી. દરેક પિતાને પોતાની માન્યતા રાખવાનો હક્ક છે. પણ અહીં પિતાએ પુત્રના એ હક્કને પણ સ્વીકાર્યો અને સ્વીકાર્યો એટલું જ નહીં, લડતમાં દીકરાને જેલ થશે ત્યારે પોતે વગ વાપરીને એને છોડાવી લાવવાને બદલે જેલમાં જવા દેશે એવું પણ વિચાર્યું. પોતાના મતાગ્રહથી વિરુદ્ધ જઈ રહેલા પુત્ર માટેનું વાત્સલ્ય જમીન પર સૂઈ જવાની એક નાનકડી વર્તણૂકમાંથી કેટલી ભવ્ય રીતે પ્રગટ થાય છે.
મોરારજી દેસાઈનાં લગ્ન ૧૯૧૧ની સાલના ફેબ્રુઆરી મહિનામાં થયાં. મોરારજીભાઈના નાનાએ એમને પૂછ્યા વિના ગજરાબહેન સાથે એમનું વેવિશાળ નક્કી કરી નાખ્યું હતું. વેવિશાળની વિધિ થઈ ગયા પછી મોરારજીભાઈને એ વિશે જાણ કરવામાં આવી હતી. લગ્નના બે દિવસ અગાઉ યુવાન મોરારજી પડોશના ઘરે બેઠા હતા. સાંજના સાતેક વાગ્યાનો સમય હતો. પિતા રણછોડજીએ જમવા માટે હાક પાડી. મોરારજી તરત જ ઘરે ગયા અને જેવા ઘરના પાછળના ભાગમાં જમવા માટે ગયા ત્યાં જ ઘર પાસેના કૂવામાં કોઈક પડ્યું છે એવી બૂમ પડી. પિતા રણછોડજી કૂવામાં પડ્યા હતા. બહાર કાઢવા તરત કોઈ માણસો મળ્યા નહીં પણ આ આત્મહત્યા હતી એ તો સ્પષ્ટ હતું એવું મોરારજીભાઈએ આત્મકથામાં નોંધ્યું છે.
પિતાના આપઘાત વિશે ચિંતન કરતાં મોરારજીભાઈએ લખ્યું છે કે પિતા એકદમ સ્વાભિમાની અને શાંતિપ્રિય હતા. કોઈની નિંદામાં કે ખટપટમાં પડતા નહીં. કોઈની સાથે વેરઝેર પણ નહીં. ઘરમાંય કોઈની જોડે કલેશ થયો હોવાનું ચિહ્ન નહીં, પણ મૃત્યુના દોઢેક વર્ષ પહેલાં એમને મેલન્કોલિયા નામનો મનમાં ભારે ડિપ્રેશન અને હતાશા ફેલાવતો રોગ થઈ ગયો હતો, જેને કારણે એ બિલકુલ મૌન અને ગમગીન રહેતા. મોરારજીભાઈનાં લગ્ન લેવાઈ ગયા હતા એટલે વેવાઈના આગ્રહથી ત્રીજે દિવસે નિર્ધારિત મુહૂર્તે લગ્ન પાર પડ્યાં. પિતાના મૃત્યુના બે જ દિવસ પછી પુત્રે ચોરીમાં બેસીને નવવધૂનો હાથ પકડવો પડે ત્યારે પુત્રના હૃદયમાંના વિષાદની કલ્પના કરો. કાળાધબ્બ આનંદનો આ કિસ્સો તમને ડિપ્રેશનમાં ધકેલી દે એવો છે.
પિતા અને પુત્ર વચ્ચેની લાગણી શબ્દો દ્વારા સીધેસીધી ભાગ્યે જ વ્યક્ત થતી હોય છે. આ સંબંધો ક્યારેક આવા કોઈ પ્રસંગો કે કિસ્સાઓની, હકીકતોમાં બયાન થતા હોય છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જેવાં અનેક કાવ્યો અને બીજા વિશાળ સાહિત્ય દ્વારા માતૃત્વની મહત્તા આપણે ખૂબ ગાઈ પણ એમાં પિતૃત્વ સાઈડલાઈન થઈ ગયું. દરેક પિતા, પિતા બનતાં પહેલાં એક પુત્ર હોય છે. પુત્ર તરીકે અનુભવેલી પોતાના પિતા માટેની લાગણીઓ, સારીખોટી તમામ લાગણીઓ, જાણેઅજાણે પોતાના પુત્ર સાથેના વ્યવહારમાં વ્યક્ત થતી હોય છે. કેટલાક લોકો પોતાના પિતા સાથે કેવી રીતે વર્તવું એ પુત્ર પાસે શીખતા હોય છે.