વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 19, 2014

( 415 ) મારી કેટલીક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચનાઓ – (મારી નોધપોથીમાંથી-નવનીત )

 SONY DSC

 

“મારી નોધપોથીમાંથી ” એ શ્રેણીમાં મારા વિચાર વલોણાની નીપજ એવી  

મારી સ્વ-રચિત અછાંદસ  કાવ્ય રચનાઓ અગાઉ આ પોસ્ટમાં મૂકી હતી . 

આજની પોસ્ટમાં એવી  જ બીજી કેટલીક સ્વ-રચિત  અછાંદસ પ્રેરક કાવ્ય ક્ન્ડીકાઓ પ્રસ્તુત છે . 

આશા છે આપને એ ગમે . આપનો પ્રતિભાવ અપેક્ષિત છે  . 

વિનોદ પટેલ

———————————- 

અમીર અને ગરીબ 

ગરીબ ચાલે છે માઈલો , ભોજન મેળવવાને  કાજ,

અમીર ચાલે છે માઈલો, ભોજન પચાવવાને  કાજ .

 

ગરીબને વળે પરસેવો બહું કામ કરતી વખતે ,

અમીરને વળે પરસેવો ભોજન કરતી વખતે . 

 

ગરીબને ઓછો ખોરાક સંતોષથી પચી જાય છે,

અમીરને પકવાન પછી પણ સંતોષ  ક્યાં છે ?

 

ગરીબને ઉંઘવા માટે કોઈ પથારીની જરૂર નથી.

અમીરને ઊંઘવા માટે કોઈ પથારી પુરતી નથી.

 

ગરીબને બહું દવાઓ લેવાની જરૂર પડતી નથી,

અમીરને જીવવા માટે દવા સિવાય ચાલતું નથી.

——————————– 

અભિપ્રાય 

કોઈના વિષે તમારો કોઈ અભિપ્રાય આપતાં ખુબ વિચારજો ,

કેમ કે એ વખતે તમારી જાત વિષે પણ તમે કશુક કહી રહ્યા હશો .

 

——————————–

 

ઉંમરલાયક

 

લોકો કહે છે કે હું હવે ખુબ ઉંમરલાયક થઇ ગયો  છું ,

પ્રશ્ન થાય છે , શુ હું ખરેખર ઉંમરને લાયક થયો છું !

———————————- 

એક પ્રાર્થના 

પ્રભુ મને એવી આંખો દેજે કે જે

માણસોમાં પડેલ સર્વોત્તમ સત્વને જોઈ શકે .

પ્રભુ  મને એવું હૃદય દેજે કે જે

માણસોમાં પડેલ નીચ તત્વને માફ કરી શકે .

પ્રભુ મને એવું મન-મગજ દેજે કે જે

લોકોમાં પડેલ ખરાબીને ભૂલી જાય .

પ્રભુ મને એવો આત્મા દેજે કે જે

તારા પ્રત્યેનો મારો વિશ્વાસ ન ગુમાવે .

—————————————- 

સુખ અને શાંતિ 

વનમાં એક હરણું ખુબ દોડી રહ્યું ,સુગંધનું મૂળ શોધવાને, 

દોડી દોડી થાકી ગયું ,મેળવી ન શક્યું , અંતે ભાંગી પડ્યું,

ક્યાંથી મળે સુગંધ બીજે ક્યાય ,એતો હતી એની નાભિમાં ! 

કઈક એવું જ માનવો હર દિન  હર પળ શું નથી કરતા ?

સુખ અને શાંતિ પામવા બહાર બધે ઘાંઘા થઇ દોડતા રહ્યા,

સુખ શાંતિ તો પડી છે ભીતરમાં એ મુદ્દાની વાત જ ભૂલી ગયા !

—————————— 

આનંદ 

આનંદ કોને જોઈતો નથી હોતો ,આનંદ બધાને જ ખપે છે, 

ખરો આનંદ તો કોઈના આનંદમાં આનંદ ઉમેરવાનો છે .

—————————————– 

ફત્તેહ બહું દુર નથી . 

જિંદગી રોજે રોજ વહેતી નદી જેવી છે ,

કોઈની રોકાઈ કદી રોકાવાની નથી .

ખોટી  દલીલબાજી અને ભૂતકાળની ભૂલોની

વ્યર્થ ચિંતાઓ ઉપર વિચાર કરતા રહીને , 

વેડફી દેવા માટે  આ જિંદગી ખરેખર ટૂંકી છે .

 

જીવનમાં જે નથી મળ્યું એનું દુખ રડ્યા વિના , 

જે કઈ પણ  મળ્યું છે એને  આશીર્વાદ માની , 

તમને ચાહતા પ્રેમીજનોની કદર કરતા રહી ,

સૌના પર વ્હાલ વરસાવતા રહી , હસતા રહી ,

માથું ટટ્ટાર રાખી ખુલ્લા દિલે જીવન રાહ ઉપર

અડગતાથી એક એક કદમ માંડતા જાઓ ,

કેમ કે જ્યાંથી તમે અટકી જશો ત્યાંથી કદાચ

તમારા જીવનની ફતેહ બહું દુર નહિ હોય !

 

વિનોદ પટેલ

——————————————-

 

ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

COW & bOY 

ઉપરનું ચિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમના ઈ-મેલમાં મને મોકલ્યું હતું  . 

આ ચિત્ર જોઈને મને જે બે હાઈકુ  ( ફોટોકુ ) રચવાની પ્રેરણા થઇ એને નીચે  પ્રસ્તુત છે 

 

બે ચિત્ર હાઈકુ ( ફોટોકુ )

 

ગાય માતા , આ

 

બાળક માટે જાણે ,

 

બની જનેતા !

——————————

 

ગાયને લોકો

 

માતા કહે એનો આ,

 

જુઓ પુરાવો !

————————

 

હાઇકુની સમજણ ( જેને એની જાણ નથી એમને માટે જ  )

 

•         હાઇકુ એ ત્રણ લીટીનું નાનકડું કાવ્ય છે. હાઈકુ એ જાપાનની દેન છે .

 

•         પહેલી અને ત્રીજી લીટીમાં પાંચ અક્ષ્રર(letter) હોવા જોઈએ

 

•         અને બીજી લીટીમાં સાત અક્ષ્રર.

 

•         અડધો અક્ષ્રર ગણાતો નથી. ( દા.ત. ધ્યાન – ત્રણ નહી પણ બે અક્ષર ગણાય છે )

 

હાઈકુની આ ત્રણ લીટી એવો વિચાર તણખો મૂકી જવી જોઇએ કે કવિ જે વાત

 

વાચક સુધી પહોંચાડવા માંગે છે તે ખૂબ સચોટ છતાં સરળ રીતે કરી શકાય .

 

 

રસ ધરાવનાર મિત્રોને કોમેન્ટ બોક્ષમાં વધુ હાઈકુ ઉમેરી હાથ અજમાવવા માટે નિમન્ત્રણ છે .

 

 

વિનોદ પટેલ