વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 23, 2014

( 417 ) વસંત ઋતુ ઉપર એક હાઈકુ – રચયિતા – શ્રી ચીમનભાઈ પટેલ “ ચમન “

 

હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ “ ચમન “ તરફથી એમના ઈ-મેલમાં નીચેનું ચિત્ર હાઈકુ –ફોટોકું- પ્રાપ્ત થયું છે .

એમના આભાર સાથે આ ચિત્ર હાઈકુ નીચે પ્રસ્તુત છે  .

Vasant- Chiman Patel

શ્રી ચીમનભાઈ વિનોદ વિહારના વાચકોને માટે સુપરિચિત છે .

અગાઉ એમનાં કાવ્યો,હાસ્ય લેખો ,હાઈકુ રચનાઓ વિગેરે સાહિત્ય આ બ્લોગમાં પ્રગટ થયા છે .

વસંત આવી ,

પાંગર્યા  પાન વૃક્ષે –

દિલ ઉદાસ !!

–ચીમન પટેલ “ચમન “

આ હાઈકુ દેખીતી રીતે જ વસંત ઋતુના આગમન ઉપરની એક હાઈકુ રચના છે એમાં ના નહીં પણ પરંતુ એ કવિના દિલની પણ કોઈ વાત કહી જાય છે  .

વસંત ઋતુ આવે એટલે કુદરતમાં નવી ચેતના આવે છે  . આ ચિત્રમાં બતાવ્યું છે એમ વૃક્ષે વૃક્ષે પાન પાંગરવા લાગે છે .કોયલના ટહુકાથી વાતાવરણ સંગીતમય બની જાય છે .આમ સૌને માટે વસંત ઋતુનું આગમન દિલમાં આનંદ જગાવે છે . એટલે આપણને સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે આ હાઈકુના રચયિતાના દિલમાં ખુશીને બદલે ઉદાસી શાની છે ?

છેલ્લા બે એક વર્ષથી  શ્રી ચીમનભાઈ એમનાં ધર્મ પત્નીની  વિદાય પછી એકલતાની લાગણી અનુભવી રહ્યા છે . જો તેઓ હયાત હોત તો વસંત ઋતુની તાજગી તેઓ સજોડે માણી શક્યા હોત .

આમ કુદરતમાં વસંતને લીધે આવેલી તાજગી કદાચ એમના જીવન સાથીનું એમને સ્મરણ કરાવતું હોય અને એટલે એમના દિલમાં ઉદાસીની લાગણી ઉત્પન્ન થઇ  હોય  .

આ તો  મારું એક અનુમાન જ છે .કવિના દિલની આ ઉદાસી શાની છે એનો ખરો ખુલાસો તો આ હાઈકુના રચયિતા જ કરે તો આપણને ખરી  ખબર પડે !

 એમના બ્લોગમાં પ્રસિદ્ધ  આ ત્રણ હાઈકુ પણ એમના દિલનો આવો જ

ઉદાસીનો ભાવ વ્યક્ત  કરે છે !

વગાડ્યો બેલ,
ખોલશે અંદરથી એ;
ઘરતો સૂનું!!

———————

એની નજર,
ચીરી ગઇ દિલને;
આપી અશાંતિ!

——————-

આખા ઘરમાં
તારી એક આ છબિ
જીવાડે મને.   

ચીમન પટેલ ‘ચમન’
(૧૩ ડિસેમ્બર’૧૩)

———————————–

શ્રી ચીમનભાઈના બ્લોગ “चमन” के फूल ની આ લીંક ઉપર એમના હાસ્ય લેખો , કાવ્યો, હાઈકુ

રચનાઓ વિગેરે રસિક સાહિત્ય વાંચી શકાશે .