પોતાની મહેનત અને બુદ્ધિથી કમાયેલા અબજો ડૉલર પોતાનાં સંતાનોને બદલે સમાજને આપી દેવા એ માટે જિગર જોઈએ અને એ બિલ ગેટ્સમાં છે એ વાતને કોઈ પણ નકારી ન શકે

Bill and Melinda Gates with Warren Buffett
વિશ્ર્વના સૌથી ધનવાન બિલ ગેટ્સ અને તેમનાં પત્ની મેલિન્ડાએ અબજો ડૉલરની સંપત્તિનો ૯૫ ટકા હિસ્સો દાનમાં આપી દેવાનો થોડા દિવસ પહેલાં નિર્ણય લીધા પછી હવે જાહેરમાં કહ્યું છે કે અમે અમારાં સંતાનોને અમારી મિલકતના જોરે નહીં, પણ પોતાની કાબેલિયતથી જીવનમાં સફળતા મેળવતાં જોવા માગીએ છીએ
૭૬ અબજ ડૉલર (૪૬૪૨ અબજ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા જગતના સૌથી શ્રીમંત માનવી અને વિશ્ર્વના પર્સનલ કમ્પ્યુટર સૉફ્ટવેર ક્ષેત્રની સૌથી મોટી કંપની માઇક્રોસૉફ્ટના માલિક બિલ ગેટ્સ પોતાની અજોડ પરોપકારી ભાવના અને વિશ્ર્વભરના પૅરેન્ટ્સ માટે પ્રેરણારૂપ થઈ જાય એવા અમૂલ્ય વિચારો તથા નિર્ણયો માટે થોડા દિવસથી ચર્ચામાં છે.
૫૮ વર્ષના આ દૃષ્ટાંતરૂપ અમેરિકન બિઝનેસમૅન અને મહાન દાનવીરે પત્ની મેલિન્ડા સાથે મળીને સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેઓ પોતાની મોટા ભાગની સંપત્તિ ચૅરિટીમાં આપી દેશે. પોતાની ૯૫ ટકા મિલકત શિક્ષણ, આરોગ્ય, ગરીબી-નિવારણ, પર્યાવરણ, અને બીજા સામાજિક કાર્યો માટે ફાળવી દેવાનો આશય અગાઉ જાહેર કરી ચૂકેલા વિશ્ર્વના આ રિચેસ્ટ કપલે ત્રણ દિવસ પહેલાં કૅનેડાના વૅનકુંવરની એક પરિષદમાં પ્રગટ કરેલા નવા વિચારો તેમની મહાનતાની ફરી ઝાંખી કરાવે છે.
દાનેશ્ર્વરી દંપતી તરીકે ઓળખાતાં બિલ-મેલિન્ડાને ત્રણ સંતાનો છે. મોટી પુત્રી જેનિફર કૅથરિન ૧૮ વર્ષની અને નાની દીકરી ફોએબ ઍડેલ ૧૨ વર્ષની છે. જોકે બે બહેનો વચ્ચે એક ભાઈ પણ છે. બિલ-ગેટ્સનો પુત્ર રૉરી જૉન ૧૫ વર્ષનો છે. વિશ્ર્વનો આ સૌથી ધનિક પરિવાર અમેરિકાના મેડિના શહેરમાં લેક વૉશિંગ્ટનની નજીક આલીશાન બંગલામાં રહે છે. તેમનું નિવાસસ્થાન ૬૬,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે અને એમાં અત્યાધુનિક સગવડો છે.
બિલ ગેટ્સ ૧૯૯૫થી સતતપણે અમેરિકન બિઝનેસ મૅગેઝિન ‘ફૉર્બ્સ’ના વિશ્ર્વની સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં સ્થાન પામે છે. ૨૦૧૩ પહેલાં ઘણાં વર્ષો સુધી તેઓ વિશ્ર્વના સૌથી શ્રીમંત ગણાતા હતા. ૨૦૧૩માં એ લિસ્ટમાં તેઓ બીજા નંબરે આવી ગયા હતા, પરંતુ હવે ફરી મોખરે થઈ ગયા છે.
બિલ અને તેમનાં પત્ની મેલિન્ડા અંગત વાતો અને એમાં ખાસ કરીને પોતાના પરિવારની વાતો જાહેરમાં ક્યારેય નથી કરતા, પરંતુ ગુરુવારે વૅનકુંવરમાં તેમણે એની થોડી ઝલક આપતાં કહ્યું હતું કે ‘અમે અમારી બધી સંપત્તિ માત્ર અમારાં સંતાનો માટે નહીં છોડી જઈએ. અમે અમારી બન્ને પુત્રીઓ અને પુત્રને સંપત્તિને બદલે શિક્ષણ આપવામાં માનીએ છીએ અને એ કામ અમે અત્યારે કરી રહ્યાં છીએ. આવું કરીને અમે તેમને શીખવવા માગીએ છીએ કે તમે અમારી મિલકત પર નિર્ભર રહેવા કરતાં તમારી પોતાની કાબેલિયતને આધારે પગભર થાઓ અને પોતાની અલગ છાપ ઉપસાવો.’
પોતાની મહેનત અને બુદ્ધિથી કમાયેલા અબજો ડૉલર પોતાનાં સંતાનોને બદલે સમાજને આપી દેવા એ માટે જિગર જોઈએ અને એ આ દંપતીમાં છે એ વાતને કોઈ પણ નકારી ન શકે. આ યુગલની પરોપકારી ભાવના ઈશ્ર્વરની દેન જ કહેવાય. પોતાની અઢળક સંપત્તિ જગતના કલ્યાણ માટે આપી દેવાની તેમની હિંમતને દાદ દેવી પડે.
૧૯૭૦ના દાયકા દરમિયાન બિલ ગેટ્સે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો ત્યારે તેમણે, તેમના પરિવારે કે તેમના મિત્રોએ ધાર્યું પણ નહીં હોય કે આ વ્યક્તિ વર્ષો સુધી વિશ્ર્વના સૌથી ધનવાન લોકોમાં મોખરાનું સ્થાન જાળવશે. બિલ ગેટ્સે ૧૯૯૪ની પહેલી જાન્યુઆરીએ મેલિન્ડા સાથે લગ્ન કર્યા હતા. મેલિન્ડા સાથે લગ્નગ્રંથિથી જોડાતાં જ બિલ ગેટ્સનું ભાગ્યચક્ર ફરી ગયું હતું. એ વર્ષથી તેમની સંપત્તિમાં સતતપણે તોતિંગ વધારો થતો ગયો હતો અને સમાજને કરોડો ડૉલરનું દાન કરવાની શરૂઆત પણ તેમણે એ જ વર્ષથી કરી હતી. છેલ્લાં ઘણાં વર્ષાથી બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્ર્વના તમામ ચૅરિટી ફાઉન્ડેશનોમાં સૌથી મોટું છે. બિલ-મેલિન્ડા અત્યાર સુધીમાં ૨૮ અબજ ડૉલર (૧૭૧૫ અબજ રૂપિયા) દાનમાં આપી ચૂક્યા છે અને પોતાનાં સંતાનો માટે સંપત્તિનો માત્ર પાંચ ટકા હિસ્સો રાખીને બાકીની બધી મિલકત ચૅરિટીમાં આપી દેશે. તેમના આ મહાદાનથી વિશ્ર્વની વર્તમાન અને ભાવિ પેઢીના કરોડો લોકોનું કલ્યાણ થશે.
બિલ-મેલિન્ડાને ગુરુવારે પરિષદમાં જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ચૅરિટી ફાઉન્ડેશનોને અબજો ડૉલર આપી દો એ પછી પણ તમારા સંતાનો બિલ્યનેર્સ બની રહે એટલી સંપત્તિ તમારી પાસે છે એટલે તમે એવું કરવાનું પસંદ કરશો કે પછી બીજો કોઈ પ્લાન વિચારી રાખ્યો છે?
બિલ-મેલિન્ડાએ સંયુક્ત જવાબમાં કહ્યું કે ‘ના, અમે અમારાં સંતોનોેને બધી સંપત્તિ આપવાના જ નથી. માતા-પિતાની સંપત્તિ કરતાં પોતાની કાબેલિયત અને પોતાનાં કાર્યો વધુ અર્થપૂર્ણ અને વધુ મહત્ત્વના છે એવી સમજદારી તેમણે કેળવવી પડશે. અમે અમારાં સંતાનોની લાઇફમાં એવી સમતુલા ઊભી કરવા માગીએ છીએ જેમાં તેમને પોતાની રીતે જિંદગી એન્જૉય કરવા મળશે, પરંતુ પોતાના પર પૈસાનો વરસાદ વરસી રહ્યો હોવાથી પોતે કંઈ પણ કરી શકે એવું માનવાથી તેમણે દૂર જ રહેવું પડશે. પૅરેન્ટ્સે બનાવેલા પુષ્કળ પૈસાને કારણે પોતે હવે જીવનમાં કંઈ પણ પ્રવૃત્તિ નહીં કરે તો ચાલશે એવું વિચારવાનું પણ અમારાં સંતાનોએ ટાળવું પડશે. અમે ત્રણેય સંતાનોને અત્યારથી જ કહી દીધું છે કે અમે અમારી મોટા ભાગની સંપત્તિ ગરીબી નિવારણ, શિક્ષણ અને આરોગ્ય જાળવવા સહિતના ચૅરિટીનાં કાર્યો માટે આપી દેવાના છીએ.’
બિલ્યનેર દંપતી બિલ-મેલિન્ડા પોતે સમયાંતરે લાખો ડૉલરનું દાન કરે જ છે, તેઓ વિશ્ર્વના અને ખાસ કરીને અમેરિકાના બીજા બિલ્યનેર્સને પણ ચૅરિટીવર્ક માટે પોતાની મિલકતનો સારો એવો ભાગ આપી દેવાની સલાહ આપે છે. જોકે અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બિલ-મેલિન્ડાએ પહેલાં પોતે પોતાની કરોડોની મિલકત દાનમાં આપી દેવાની જાહેરાત કર્યા પછી બીજાને એનું અનુકરણ કરવાની સલાહ આપી છે.
બિલ અને મેલિન્ડા મોટી પુત્રી જેનિફરને જેન કહીને બોલાવે છે. મેલિન્ડાએ પોતાના વિચારને આચારમાં મૂકવાની શરૂઆત કરી દીધી છે એની એક ઝલક પરિષદને કરેલા સંબોધનમાં કરાવી હતી. મેલિન્ડાએ કહ્યું કે ‘થોડા દિવસ પહેલાં હું જેનને લઈને આફ્રિકાના તાન્ઝાનિયા દેશના પ્રવાસે ગઈ હતી. ત્યાં અમે એક ગામડાંમાં એક પરિવાર વચ્ચે રહ્યાં હતાં. તાન્ઝાનિયાના ગામ્ય જીવનની છોકરીઓ શિક્ષણ મેળવવાની બાબતમાં કેવા અવરોધોનો સામનો કરતી હોય છે એને જેન એ લોકો વચ્ચે રહીને બહુ સારી રીતે સમજી શકી હતી.’
મેલિન્ડાએ પરિષદના મહેમાનોને તાન્ઝાનિયાના પોતાના પ્રવાસની તેમ જ પોતાનાં સંતાનો સાથેની કેટલીક વિડિયો ફિલ્મ અને તસવીરો પણ બતાવી હતી. મેલિન્ડાએ કહ્યું કે ‘ચૅરિટીવર્કની બાબતમાં અમારા જેવો જ દૃષ્ટિકોણ અમારાં સંતાનોનો પણ છે. પોતે પરોપકારનાં કાર્યોને સપોર્ટ આપે છે એવી તેમની તસવીરો તેમની સંમતિ પછી જ હું અહીં તમને બધાને બતાડી રહી છું.’
વાસ્તવમાં બિલ-મેલિન્ડાએ સંતાનોને ચૅરિટીવર્ક તરફ દોરવાની પ્રેરણા અમેરિકાના જ બીજા બિઝનેસમૅન અને દાનવીર વૉરન બફેટ પરથી લીધી છે. બફેટે પણ પોતાની મોટા ભાગની સંપત્તિ ચૅરિટી માટે આપી દેવાનો નિર્ણય લીધો છે તેમ જ સંતાનોને તેમની પોતાની કાબેલિયતને આધારે જીવનમાં સિદ્ધિઓ મેળવવાની સલાહ આપી છે. બફેટની જેમ બિલ-મેલિન્ડા પણ માને છે કે પોતાનાં સંતાનો માટે અબજોની મિલકત છોડી જવી તેમના પરિવાર માટે તેમ જ સમાજ માટે હિતકારી ન કહેવાય.
——————————————
આભાર -સૌજન્ય– શ્રી અજય મોતીવાલા -મુંબઈ સમાચાર

વાચકોના પ્રતિભાવ