વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 426 ) અમેરિકન હાસ્ય લેખક આર્ટ બુશવાલ્ડ (Art Bushwald) ની બે રમુજી કૃતિઓ …લેખક- મોહમ્મદ માંકડ

 
 
Art Buchwald ( 1925 –, 2007)

Art Buchwald
( 1925 –, 2007)

 

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જન્મેલા લેખક આર્ટ બુશવાલ્ડ (Art Bushwald: 1925-2007) અમેરિકન હાસ્ય લેખકોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અમેરિકામાં હાસ્ય લેખકોનો તૂટો નથી, પરંતુ બુશવાલ્ડ એમની વિશિષ્ટ શૈલીને કારણે ખાસ સ્થાન ધરાવે છે. અહીં તેમની બે કૃતિઓ આસ્વાદ માટે રજૂ કરી છે  .

કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

     અહીં ક્લિક કરી  આર્ટ બુશવાલ્ડ (Art Bushwald નો પરિચય વાચો

અમે પતિ-પત્ની કેરોલ કેનિંગના સંગીતના કાર્યક્રમ ‘હેલો ડોલી’માં ગયેલાં. પાત્રોની વેશભૂષા, મંચની સજાવટ, કાર્યક્રમની રજૂઆત કે તેના સંગીત વિશે પ્રશંસા સિવાય કંઈ કહેવાનું નથી, પરંતુ ઓડિયન્સ વિશે ખાસ કરીને પાછળ બેઠેલી સ્ત્રી વિશે ઘણું જ કહેવું પડે તેમ છે. એણે તો અમારા માટે આખા કાર્યક્રમની મજા જ મારી નાખી.

પાછળ બેઠેલી બોલકણી સ્ત્રી ત્રાસદાયક હતી. દરેક શો ઉપર, ગીત ઉપર કોમેન્ટ કર્યાં કરતી અને એમાંય જ્યારે જ્યારે મિસ કેનિંગ કોઈ ગીત ગાતી ત્યારે એ એના પતિ આગળ એના વિશે ‘રનિંગ કોમેન્ટરી’ આપતી. “કેટલું અદ્ભુદ ગાય છે નહીં? કેટલી સુંદર ગમી જાય એવી છે નહીં? એનો ડ્રેસ તો જુઓ કેટલો સરસ છે! અને આ ગીત તો બહુ સરસ છે.” વગેરે વગેરે એટલું બોલતી રહી કે ઇન્ટરવલ પડયો ત્યાં સુધી અમે અહીં શું સાંભળવા આવ્યાં હતાં (અને શું સાંભળ્યું!) એ જ ખબર ન પડી.

મેં મારી પત્નીને કહ્યું, “આ સ્ત્રી મને ગાંડો કરી દેશે.”
મારી પત્નીએ તરત જ ચેતવણીના સૂરે કહ્યું, “જો જો, એની સાથે કોઈ એવું વર્તન ન કરતા.”
“હું એને મારી નાખું તોય એ ખરાબ વર્તન ન ગણાય.”
પત્નીએ ધમકીભર્યા સ્વરે કહ્યું, “ચૂપ રહો હવે!”

મેં કહ્યું, “હું એને મોઢે જ મૂંગાં રહેવાનું કહી દેવાનો છું.”

પત્નીએ કહ્યું, “ખબરદાર, એવું કાંઈ કરતા નહીં.”

“કેમ નહીં?”
“તમારે લીધે મારે મુશ્કેલી ઊભી થશે.”

“હું એને ચૂપ રહેવાનું કહું એમાં તને શાની મુશ્કેલી? તારી ઉપર એને ખોટું થોડું લાગે?”

પત્નીએ કહ્યું, “તમે કહેશો તો એમાં તમારું જ ખરાબ દેખાશે.”

“એ સ્ત્રીએ આપણી આજુબાજુના દરેકનો કાર્યક્રમ જોવાનો આનંદ હરામ કરી નાખ્યો છે એટલે હું એને કાંઈ કહીશ તો એનાથી મારું કાંઈ ખરાબ નહીં દેખાય, ઊલટું બધાં મારો આભાર માનશે અને હું બહાદુર કહેવાઈશ.”

“એમ કરીને તમે મારો કાર્યક્રમ બગાડશો.”

“અને કાંઈ નહીં કહેવાથી મારા કાર્યક્રમની મજા બગડશે તેનું શું? તમને બૈરાંઓને હંમેશાં એમ જ લાગે છે કે તેમના પતિ તેમને તકલીફમાં મૂકી દેશે! તું પોતે કોઈ જગ્યાએ ખરીદી કરતી વખતે આવી કોઈ ચિબાવલીને ધક્કો મારી કાઉન્ટર ઉપર પહોંચી જતાં અચકાતી નથી તો અહીં કેમ આનો પક્ષ લે છે!”

“કારણ કે હું જાણું છું કે એનાથી બોલ્યા વિના રહી શકાતું નથી.” પત્નીએ નાકનું ટીચકું ચડાવતાં કહ્યું.

“તો મારાથી પણ એને કહ્યા વિના નથી રહી શકાતું. તું એમ માને છે કે એનો પતિ જ એને ચૂપ કરશે?”

“હું કાર્યક્રમ દરમિયાન કાંઈ બોલું તો તમે મને ચૂપ રહેવાનું કહો ખરા?”

મેં કહ્યું, “હા, ચોક્કસ કહું.”

“એ જ બતાવે છે કે તમારા સંસ્કાર કેવા છે!”
“એની સાથે પાછળ બેઠેલી ‘બોલકણી’ને શું સંબંધ?”

“એને કાંઈ કહો અને એ તમારા ગાલ ઉપર તમાચો મારે તો મને એમાં નવાઈ નહીં લાગે.”

ઇન્ટરવલ પૂરો થયો અને અમે બધાં અમારી સીટ ઉપર ગોઠવાયા.
જેવી મિસ કેનિંગ મંચ પર આવી, એવું જ પેલી સ્ત્રીએ શરૃ કર્યું.

મેં પાછળ ફરીને જોયું અને કહ્યું, “તમે મહેરબાની કરીને બોલવાનું બંધ કરશો, તો અમે બધાં પણ સંગીત સાંભળી શકીએ.”

એ સ્ત્રી લાલ પીળી થઈ ગઈ, પણ મારી પત્ની જેટલી લાલ પીળી નહીં.
તે સ્ત્રીએ તેના પતિને ફરિયાદ કરી, “જ્યોર્જ, પેલા માણસે મારું અપમાન કર્યું.”
મારી પત્નીએ મને કાનમાં ધીમાં અવાજે કહ્યું, “લો હવે, લેતા જાવ!”

મેં જોયું એનો પતિ છ ફૂટ એક ઇંચનો અને બસો રતલથીય વધુ હશે. કાર્યક્રમ પૂરો થયા પછી બે બાજુ વચ્ચેના સાંકડા રસ્તે તે અમારી પાછળ પાછળ જ આવતો હતો.

જેવા અમે દરવાજા પાસે પહોંચ્યાં, એવો જ જ્યોર્જે મારા ખભા ઉપર હાથ મૂક્યો. મેં ચોંકીને તેની સામે જોયુ.

તેણે કહ્યં, “તમારો ખૂબ જ આભાર. મારી પત્નીને કાંઈ કહેવાની મારી તો હિંમત જ નહોતી.”

———————————————-

(૨)

દરેક પુરુષની પાછળ કોઈ ને કોઈ સ્ત્રીનો ફાળો હોય છે એ વાત જેટલી અમેરિકાના પ્રમુખને લાગુ પડે છે એટલી જ મને પણ લાગુ પડે છે. મારી પત્નીએ દરેક બાબતમાં હંમેશાં મને સહકાર આપ્યો છે. હજુ ગઈ કાલ રાતની જ વાત કરું. મારા ઘરનો વીમો ઊતરાવવા માટે મેં બધી જ કાર્યવાહી પૂરી કરી. મેં બધી ઘરવખરીની કિંમત આકારીને અંદાજે લખી હતી. વીમા એજન્ટ તેની સાથે એક નિષ્ણાતને લઈને કિંમતની ચકાસણી કરવા આવ્યો. મેં બતાવેલી કિંમત વધુ પડતી નહોતી પણ વાજબી હતી તેથી મને હતું કે મારી બતાવેલી કિંમત એ લોકો સ્વીકારી લેશે.

સૌ પ્રથમ તેમણે દીવાની એક જોડ (એટલે બે દીવા) બતાવીને મને કહ્યું, “આ જોડની કિંમત તમે ૧૦૦ ડોલર બતાવી છે.”

મારી પત્ની તરત એ સાંભળીને બોલી, “અરે, એ જોડી તો માર્કેટમાંથી મેં ફક્ત ૩૦ ડોલરમાં જ ખરીદી હતી.”

આથી મેં આકારેલી ૧૦૦ ડોલરની કિંમત પર છેકો મારીને નિષ્ણાતે તે દીવાની જોડી સામે ૩૦ ડોલર લખી દીધું.

હું ખસિયાણો પડી ગયો. પત્ની સામે જોઈને મેં લૂલો બચાવ કર્યો, “અરે, એ તો હું ભૂલી જ ગયો.”

પછી મેં એજન્ટની સામે જોઈને કહ્યું, “સામે છે એ ટેબલ મેં ૧૫૦ ડોલરમાં ઇંગ્લેંડમાંથી ખરીદ્યું હતું.”

મારી પત્નીએ ફરી મને યાદ અપાવી કે, “તમે કેમ ભૂલી જાઓ છો! તમે લાવ્યા હતા એ ટેબલ તો આપણા દીકરા જોએલે ક્યારનું તોડી નાખ્યું છે.” એણે એજન્ટને કહ્યું, “જોએલ, ઘરમાં કોઈ વસ્તુ સાજી નથી રહેવા દેતો.”

મેં નારાજ થઈને પત્નીને કહ્યું, “બધું થોડો તોડી ફોડી નાખે છે?”

મારી પત્નીએ વળતો જવાબ આપ્યો, “તમે પોતે જ કાલે રાત્રે એવું કહેતાં હતા અને એમ પણ કહેતાં કે જોએલ નથી ભાંગતો એ અમારી દીકરીઓ કોની અને જેનિફર તોડી નાખે છે.”

વીમાના એજન્ટે તરત જ નોંધ કરી કે, “ત્રણ બાળકો છે જે બધી જ ભાંગતોડ કરે છે.”

મારી હાલત તો ખૂબ જ કફોડી થઈ ગઈ. મેં મારી પત્નીને સિગારેટ સળગાવવા માટે દીવાસળીની પેટી લાવવા માટે કહ્યું.

મારી પત્નીએ તરત જ કહ્યું, “એ તો જોએલ લઈ જઈને રમતો હશે. એને હજાર વાર ના પાડી છે છતાં એ દીવાસળીથી રમવાનું બંધ જ નથી કરતો.”

વીમા એજન્ટે પોતાની ડાયરીમાં તરત જ ટપકાવી લીધું કે, “એમના દીકરાને દીવાસળીથી રમવાની ટેવ છે.”

મેં વાતનો વિષય બદલતા કહ્યું, “આ સોફાસેટના મેં ૩૦૦ ડોલર આપ્યા છે.”

મારી પત્ની તરત જ મારી મદદે આવી ગઈ. તેણે કહ્યું કે, “સોફાની તમારી વાત સાચી છે પણ છોકરાંઓએ ચોકલેટ ખાતાં તેને બગાડયો હતો એટલે મેં આપણી કામવાળી પાસે તેને સાબુના પાણીથી ધોવરાવ્યો. પણ સાબુ એવા પ્રકારનો કામવાળીએ વાપર્યો કે સોફામાં બધે કાણાં કાણાં થઈ ગયાં છે.”

વીમા નિષ્ણાતે તરત જ મેં લખેલી ૩૦૦ ડોલરની રકમ ઉપર લીટો મારી દીધો અને તેની કિંમત માત્ર ૯૮ ડોલર લખી દીધી.

“આ એક મારું પ્રિય આફ્રિકન શિલ્પ છે અને તે ખરેખર ખૂબ જ સુંદર અને કીમતી છે. એની કિંમત ૪૮૦ ડોલર લખેલી છે.” મેં કહ્યું.

મારી પત્ની એકદમ ઉત્સાહપૂર્વક બોલી, “આ શિલ્પ તો મારાથી જ તૂટી ગયું હતું, પરંતુ મેં એના બે ટુકડાને એટલી સરસ રીતે સાંધી દીધા કે તમને ક્યાંય તિરાડ પણ નહીં દેખાય.”

છેવટે બધું પતાવીને વીમા એજન્ટ વિદાય લઈ રહ્યા હતા ત્યારે દરેક વખતે મારી મદદે, મારી પડખે ઊભી રહેતી મારી પત્ની ખુશ થઈને બોલી, “તમે અમારા ઘરનો વીમો ઉતાર્યો એ ઘણી જ ખુશીની વાત છે. અમારે તો શું છે કે આગનો કે ચોરી થવાનો કોઈ ડર નથી. માત્ર મકાન જૂનું છે એટલે પાણીની પાઇપમાંથી પાણી ટપક્યા કરે છે. બસ, વધુ ડર પાણીનો છે.”

છેવટે વીમા એજન્ટે એ પણ ટપકાવી લીધું કે, “ઘરની પાણીની બધી જ પાઇપ કટાઈને તૂટી ગયેલી છે.”
વીમો ઉતરાવવા માટે મારો જે ઉત્સાહ હતો એના પરિણામની તમે કલ્પના કરી શકશો?
——————————————————

૮૫ વર્ષના જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડનો પરિચય વિડીયોમાં

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર નાં સૌજન્યથી  શ્રી મોહમ્મદ માંકડ નો પરિચય વિડીયોમાં મેળવો .

5 responses to “( 426 ) અમેરિકન હાસ્ય લેખક આર્ટ બુશવાલ્ડ (Art Bushwald) ની બે રમુજી કૃતિઓ …લેખક- મોહમ્મદ માંકડ

 1. Hemant એપ્રિલ 11, 2014 પર 10:46 એ એમ (AM)

  Thank you for sharing light moment ; we all should have to laugh at least 10 minutes a day to release all kind of stress and ultimate to enhance our life longevity …….Hemant Bhavar

  Like

 2. Anila Patel એપ્રિલ 11, 2014 પર 11:54 એ એમ (AM)

  Aaje be hasy krutio vachvani maja aavi Pan niyam pramane vonodbhaini hasy kruti hasyen samapayet vachava na mali.

  Like

 3. pragnaju એપ્રિલ 11, 2014 પર 12:38 પી એમ(PM)

  મા શ્રી મોહમ્મદ માંકડ સાહેબની કેલિડોસ્કોપ – કોલમ નિયમિત વાંચતા અને પેપર કટીંગ સંઘરતા !
  આજનો પ્રેરણાદાયી લેખ વાંચી આનંદ થયો

  Like

 4. pravinshastri એપ્રિલ 11, 2014 પર 1:58 પી એમ(PM)

  મને તો આવું જ વાંચવું ગમે. વિનોદભાઈ હંમેશાં સ્વચ્છ વિનોદી થાળ પીરતા રહે છે. આરોગ્યની દૃષ્ટિએ હાસ્ય જરૂરી છે. પહેલી ઓપેરા હાઉસની વાત જાણીતી છે. બીજી વાતથી હું અજાણ હતો. મજા આવી.

  Like

 5. chandravadan એપ્રિલ 12, 2014 પર 10:49 એ એમ (AM)

  ૮૫ વર્ષના જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડનો પરિચય વિડીયોમાં

  ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર નાં સૌજન્યથી શ્રી મોહમ્મદ માંકડ નો પરિચય વિડીયોમાં મેળવો .
  Vinodbhai,
  Nice Post !
  Viewed the Video on Mohamad Mankad….So happy to see & know Mr. Mankad.
  I salute him !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: