વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 18, 2014

( 431 ) “દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન ” / ” ખરાખ્યાન “….. હાસ્ય લેખક- બધિર અમદાવાદી

 

ચાલો આજે આજની પોસ્ટમાં થોડું હસી લઈને હળવા થઈએ  .

વિનોદ વિહારની હાસ્ય યાત્રા શ્રેણીમાં આજે બધિર અમદાવાદી તરીકે પોતાને ઓળખાવતા એક હાસ્ય લેખકનો હાસ્ય લેખ “દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન “

અને એમની એક હાસ્ય કવિતા” ખરાખ્યાન “એમનાં આભાર સાથે આ પોસ્ટમાં રજુ કરી છે .

એમના હાસ્ય લેખોના બ્લોગ કહત બધીરામાં એક હાસ્ય લેખકને શોભે એવી આગવી સ્ટાઈલથી એમણે એમનો પરિચય આ રીતે કાવ્યમાં આપ્યો છે .

About

અમે પ્રતિ-કવિ/ વિ-કવિ/અ-કવિ છીયે…

મળે મફત તો ચાંદ પર પ્લોટ લેવાનો છું,
એક રૂપિયાના ત્રણ અડધા કરું એમાંનો છું!

મનગમતો મૌસમ નહિ જાલિમ જમાનો છું,
રાજા અને રાડીયાનું કરી નાખું એમાંનો છું!

મળે જો શાહરુખ તો બે શબ્દો કહેવાનો છું,
તને મારી ફિલમમાં એક્સ્ટ્રામાં લેવાનો છું!

કચરા કવિ ‘બધિર’ અમદાવાદી

આ હાસ્ય કવિ  વ્યવસાયે એક સીવીલ એન્જીનીયર છે અને ગાંધીનગર નિવાસી છે .

આજની પોસ્ટમાં પીરસેલ હાસ્ય સામગ્રી વાંચી તમારું હૈયું જરૂર હળવું થશે એવી આશા છે .

દેશ વિદેશમાં જાણીતા  હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડએ એમનાં એક હાસ્ય કાર્યક્રમમાં કહ્યું હતું કે —-

હંસી કે મોલ સબ કોઈ લે લે

કોઈ ના દેખે આંસુઓ કે મેલે

તુમ હસોગે તો હસેગી દુનિયા

રોના પડેગા અકેલે અકેલે

કેવી સરસ સમજવા જેવી વાત એમણે કહી  દીધી  આ પંક્તિઓમાં  .

 

વિનોદ પટેલ

 

————————————————-

 

 “દાઢી અને સાવરણી : એક તુલનાત્મક અધ્યયન ” ………..હાસ્ય લેખક- બધિર અમદાવાદી

 

આપણા સમાજમાં દાઢીનું મહત્વ વધતું જાય છે. આજનો જમાનો ઘણો ફાસ્ટ છે. લોકો પાસે દાઢી કરવાનો પણ સમય નથી. કારણ કે દાઢી રોજ કરવી પડે છે. એના માટે પાણી ગરમ કરવું પડે છે. પછી બ્રશ પલાળવું પડે છે. શેવિંગ ક્રીમ લગાડી બ્રશ, ગાલ અને ગળાના ઢોળાવો ઉપર કોઈ ખંજન કે ખીલને ખોટું ન લાગે એ રીતે લગાડવું પડે છે. પછી રેઝરમાં કાર્ટરીજ કે બ્લેડ ભરાવી એજ ખીલને બચાવી રેઝરને બેથી ત્રણ વખત કોઈ ઊભા પાકની લણણી રહી ન જાય તેનું ધ્યાન રાખી ફેરવવું પડે છે. આમ કરવા માટે વીરુ સહસ્ત્રબુદ્ધે સિવાયના લોકોની રોજ પંદર-વીસ મીનીટ બગડે છે. આમાં મોઢું ધોવાનો, લુછવાનો, દાઢીનો સામાન ખરીદવાનો, વોશબેસીન પર ક્યુમાં ઊભા રહેવાનો સમય તો અમે ગણ્યો જ નથી! એટલે જ દાઢી વધારવી એજ ઇષ્ટ છે. એ આજકાલ ફેશનમાં છે, અને કદાચ આજે છે એના કરતાં કાલે વધારે પણ હોય!

ભોજન અને ભાષણ સહિતના મહત્વના કામો દાઢીની સાક્ષીએ થાય છે. દાઢી વધારવાથી સમય અને રૂપિયા બચે એ સિવાય પણ દાઢીના ઘણાં ઉપયોગો છે. દાઢીથી માણસ પુખ્ત લાગે છે. દાઢી વગરના ક્લીનશેવ લોકો બાબા જેવા દેખાતાં હોય છે. એ લોકો સારી એવી ફિલ્ડીંગ ભરે તોયે એમને બાબા ગણીને ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે. દાઢી વધારવાથી ગાલને ઠંડીથી રક્ષણ મળે છે એટલે મફલર નથી પહેરવું પડતું. દાઢીના રંગથી માણસની ઉંમરનો અંદાજ બાંધી શકાય છે અને એથી જ દાઢીવાળા લોકો દાઢી વગરના લોકો કરતાં તમને ઉંમરની બાબતમાં ઓછા છેતરે છે.

દાઢીનો એક ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામ્યો છે જે અમને ખુબ પસંદ છે. આપણે ત્યાં એક કહેવત છે ‘દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી’. આ બતાવે છે કે જરૂર પડે ત્યારે દાઢી સાવરણી તરીકે કામ આપી શકે, પણ સાવરણી દાઢી તરીકે ન ચાલી શકે. કોઈ બાબો મોઢા ઉપર સાવરણીના પીંછા ચોંટાડીને પોતાને પુખ્તવયનો જાહેર નથી કરી શકતો. આમ દાઢી વર્સેટાઈલ છે. સાવરણી નથી. દાઢી દાઢી છે, એ ટૂંકી હોય અને દાઢીધારીને કમરદર્દ ન હોય તો જમીન પર આળોટતા આળોટતા એ દાઢીને સાવરણી તરીકે વાપરી શકે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વની લગભગ પચાસ ટકા જેટલી વસતિ દાઢી પર વાળ ધરાવતી હોય છે અથવા વાળ ઉગવાની સંભાવ્યતા ધરાવતી હોય છે. બાકીના પચાસ ટકામાં મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં દાઢી પર વાળ ધરાવનારી મહિલાઓ આંગળીના વેઢે ગણીશકાય એટલી જ છે. દરેકને દાઢી માટે મમતા હોય એ સ્વાભાવિક છે કારણ કે એ પોતીકી છે. આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આપણે આપણી પોતાની દાઢી પસવારતા હોઈએ છીએ, બીજાની નહિ. એમ કરવાથી વિચારવાની પ્રક્રિયાને વેગ મળતો હોવાનું કહેવાય છે. સાવરણીમા આવું હોતું નથી. સાવરણીને પંપાળવા બેસો તો પછી વાળવાનું રહી જાય. એટલે જે લાડ દાઢીને અનાયાસે મળે છે એ સાવરણી માટે દુર્લભ છે.

ફિલ્મ ‘દુશ્મન’માં રાજેશ ખન્ના કહે છે એ મુજબ મર્દો માટે દાઢી એ ‘ઘર કી ખેતી’ ગણાય છે, સૌ જરૂરત મુજબ પોત પોતાની દાઢી ઉગાડી લેતા હોય છે. આમાં આઉટ સોર્સિંગ થઇ શકતું નથી. જ્યારે સાવરણી જોઈએ તેટલી ખરીદી શકાય છે. લોકો સ્પેરમાં પણ રાખતા હોય છે. દાઢીમાં એ શક્ય નથી. ચહેરા દીઠ એકથી વધુ દાઢી ઉગાડવાનું પણ શક્ય નથી. હા, જાતજાતની નકલી દાઢીઓ રાખી શકાય છે, પણ એ ખરા સમયે એ હાથમાં આવી જાય તો પ્રોબ્લેમ થતો હોય છે એ તમે ફિલ્મોમાં જોયું હશે. એટલે નકલી દાઢીથી સાવધ રહેવું.

દાઢી વધારવાથી પર્સનાલીટી પણ પડે છે. અબ્રાહમ લીન્કને એટલા માટે જ દાઢી વધારેલી. કવિવર ટાગોર, વિનોબા ભાવે, શ્રી અરવિંદો ઘોષને દાઢી વગરના કલ્પી શકો? બાળા સાહેબ ઠાકરે અને અમિતાભ બચ્ચન પણ આખરે દાઢીના શરણે ગયા હતા. પણ દાઢીધારીનો જેટલો માભો પડે છે એટલો સાવરણીધારીનો નથી પડતો એ હકીકત છે. જોકે ‘વિશ્વનાથ’ ફિલ્મમાં શત્રુઘન સિન્હા દાઢી વધારીને વકીલમાંથી ગેન્ગસ્ટર બને છે ત્યારે ક્લીન શેવ મદન પુરી બિચારાનો એમ કહીને કચરો કરી નાખે છે કે ‘દાઢી બઢાનેસે કોઈ ડાકુ નહિ બન જાતા, મૈ બીના દાઢી બઢાએ બરસો સે લોગો કો લૂટતા આ રહા હૂં.’ અને આ સાચી વાત છે, આપણે રાજકારણમાં વગર દાઢીએ લોકોને લૂંટી જનારા જોયા છે. અસ્તુ.

સૌજન્ય – આભાર –કહત બધીરા   

__________________________________

Donkey reading ......

 

” ખરાખ્યાન ”  ( હાસ્ય કવિતા ) ….. કવિ – બધિર અમદાવાદી

આજના ભારતના ચૂંટણી અને રાજકારણમાં ખેલાતી અટપટી રમતોના માહોલમાં નેતાઓ ઉપર કટાક્ષ કરતી આ

હાસ્ય  કવિતા – કટાક્ષિકા આપને જરૂર માણવી ગમશે .

ખરાખ્યાન એટલે એક ગધેડાનું આખ્યાન 

   ખરાખ્યાન

એક ગધેડો કોઈ રાષ્ટ્રીય નેતાનું પોસ્ટર ચાવી ગયો,

અને પછી તો એ ગધનો તાનમાં આવી ગયો!

પળભરમાં એને ત્રણે કાળનું જ્ઞાન થઇ ગયું,

પોતે સાવ ગધેડો નથી એનું એને ભાન થઇ ગયું.

પહેલાં તો એણે એક સારું સ્થાન ગોતી લીધું,

પછી મોજથી જરા આળોટી લીધું,                    

કાન  હલાવી, ખરી પછાડી એ તૈયાર થઇ ગયો,

ગઈ કાલનો ગધેડો પળભરમાં તોખાર થઇ ગયો.

હવે એ જે કંઈ કરે એ જરા સ્ટાઈલથી કરે છે,

પોળ, પાદર છોડી ને સી.જી. રોડ પર ચરે છે.

જ્યારથી એણે ગુલાબી ગાંધી છાપ નો સ્વાદ ચાખ્યો છે,

ત્યારથી આચર-કુચર ચરવાનો ઉપક્રમ બંધ રાખ્યો છે.

ઈંટવાડાથી સાઈટના ફેરા એ કમાન્ડો લઇ ને કરે છે.

હમણાથી એ હોંચી હોંચી ને બદલે માત્ર જાહેર નિવેદન કરે છે.

પછી તો નેતા જેવા નખરા એ શીખી ગયો બે ચાર.

અને એક દિવસ ઉકરડે ચડી ને એણે કર્યો પોકાર.

કહે, હે વૈશાખનંદનો,

આડિયું ફગાવીને સહુ મુક્ત થઇ જાવ,      

દુનિયાભરના ગધેડાઓ, એક થઇ જાવ!

ક્યાં સુધી આપણે માણસોના જુલમ સહીશું?

ક્યા સુધી આ કમરતોડ ભાર વહીશું?

હવે તો ખર અધિકાર પંચ ને અરજી કરીશું,

અને એક દિવસ આપણો હક્ક લઇ ને જ રહીશું.

અરે તુચ્છ માનવો, તમે અક્કલ વગરના ને ગધેડો કહો છો,

વૈતરું કરનારને અમારો ભાઈ ગણો છો,

અરે, તમારું કઈક તો સરખું સ્ટેન્ડર્ડ રાખો,

હવેથી કોઈ સારા માણસ ને ગધેડો કહેવાનું રાખો!

પછી તો એ માગણીઓનું લાંબુ લિસ્ટ વાંચી ગયો,

સાંભળીને એક એક ગધેડો તાનમાં આવી ગયો!

કેટલાકે તો ગળાને છુટ્ટું જ મુકી દીધુ,

અને ઉચા સાદે મન મુકી ને ભૂંકી લીધુ!

લીસ્ટમાં શું હતું?

હવેથી માલ અને માઈલેજ પ્રમાણે નૂર વસુલાશે,

આપણી ઉપર બેસનારની પણ ટીકીટ લેવાશે.

ડફણાથી એન્કાઉન્ટર કરનાર ને આપણે ઠીક કરીશું,

નહિ તો એને તો સી.બી.આઈ.ની તપાસમાં ફિટ કરીશું.

માણસના ડચકારા પર હવે અમે નહી દોડીએ,

અમારો ચારો ખાઈ જનાર ને અમે નહિ છોડીએ,

અમારા વિશ્વમાં અમારું જ તંત્ર રહેશે,

પોતાને ગમતી ગધેડી પસંદ કરવા માટે દરેક ગધેડો સ્વતંત્ર રહેશે.

હવેથી પહેલી તારીખે હાથમાં પગારનો ચેક હશે,

અને ધોડાની રેસમા આપણો અલગ ટ્રેક હશે,

કહેવતોમાંથી અમારો ઉલ્લેખ દૂર કરાવીશું,

આપણી આગળ લટકાવેલું ગાજર દૂર હટાવીશું.

અરે ‘ખર-સુતો’,

‘ના હું તો ગાઈશ’ નો પાઠ પાઠ્ય પુસ્તકમાંથી રદ થશે,

અને હવે તો એક એક ગધેડો ભૂંકવામાં વિશારદ થશે,

હવે તો આપણને બુલંદ અવાજે ભૂંકતા કોઈ નહિ રોકી શકે,

ન તો આપણને રીવર ફ્રન્ટ પર આળોટતા કોઈ ટોકી શકે,    

પછી તો વાતો, લાતો અને હાકલો ઘણી થઇ,

અને હોકારા પડકારા વચ્ચે સભા પૂરી થઇ.  

એવામાં એક દિવસ એને એક મંત્રીનો ભેટો થયો,

એની સાથેની વાતચીતથી એ ઘણો પ્રભાવિત થયો.

એણે કહ્યું, મને તમારો શાગિર્દ બનાવો,

અને દર પાંચ વર્ષે ચૂંટાવાનો કીમિયો બતાવો!

નેતા કહે, કીમિયો બહુ સરળ છે.

આ દેશની જનતા બહુ ભોટ છે જે વોટ આપ્યા પછી સુઈ જાય છે,

અને એમાંજ આ બંદાનું કામ થઇ જાય છે!

દર ચુંટણીએ એમની આગળ વચનોનું ગુલાબી ગાજર લટકાવી દઉં છું,

અને એમ ને એમજ દર પાંચ વર્ષે ચૂંટાઈ જઉં છું!

સાંભળીને એ ખર નેતા વિચારમાં પડી ગયો,

એના મગજ પર પડેલો પડદો ઉપડી ગયો. 

એને લાગ્યું કે માણસ બની ને ગધેડા બનવું,

એના કરતા તો આપણે ગધેડાજ સારા છીએ…..(૩)

* આડિયું = તોફાની ગધેડા ને કાબુમાં રાખવા માંટે એના ગળામાં લટકાવેલું લાકડું

 ‘બધિર’ અમદાવાદી

———————————————–

સૌજન્ય -આભાર —  કહત  બધિરા   

————————————–

HA...HA....HA....HUMOUR