વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 20, 2014

( 432 ) શ્રી પી.કે. દાવડાની કાવ્ય પ્રસાદીનો આસ્વાદ

બે એરિયા સાહિત્ય બેઠકમાં એમની રચના રજુ કરતા શ્રી પી.કે. દાવડા

બે એરિયા સાહિત્ય બેઠકમાં એમની રચના રજુ કરતા શ્રી પી.કે. દાવડા

આજની પોસ્ટમાં શ્રી પી.કે. દાવડા તરફથી

ઈ-મેલમાં પ્રાપ્ત કાવ્ય રચનાઓ 

એમના આભાર સાથે  સાનંદ પ્રસ્તુત કરેલ છે  .-

વિનોદ પટેલ 

—————————————–

(મંદાક્રાન્તા)

આજે મારે લખવી કવિતા, કોઈ શબ્દો સુઝેના,

કાવ્યો માટે વિષય  મળવો  હોય એમાં જરૂરી,

(સ્રગ્ધરા)

વાણી વિલાસનો આ સમય, વિષયની આજ કોને પડી છે?

આજે  લોકો  કવિતા, વિષય વગર, ભાષા રચાવી લખે છે.

(ભુજંગી)

વિચારો વહે આજ મારા છંદોમા

લખું આજ સારી કવિતા પદોમા.

(લલિત)

સમજશે નહીં આ પેઢી બાપડી!

અરર  કેટલું  સ્તર નીચે ગયું?

વગર  છંદની  લોક   વાંચશે ,

અગર ના ગમે, Delete દાબશે .

ફિકર કાં કરે, ના લોક વાંચશે

તરત એ  પછી Critic માપશે ,

હરદિને  નવા  અરથ કાઢશે

હરદિને  નવા બ્લોગ છાપશે

-પી. કે. દાવડા

————————————-

  ન લખવાના બહાના

લખો  લખો,  લેખ  લખો  તમારે;

બ્લોગો ઘણાં છે, કોઈ તો સ્વીકારે.

પણ  શું  લખું? કંઈપણ  સુઝે ના,

મને  બીક  લાગે કે લોકો હસે ના.

ભૂતકાળ  મારો  હતો સાવ  સાદો,

ભૂતકાળ  સામે  સૌને  છે  વાંધો!

છે  ભવિષ્ય  મારું  થોડું  જ બાકી,

તાકી રહ્યો છું, પણ ગયો છું થાકી;

હવે,  વર્તમાનમા હું દોડી રહ્યો છું,

બસ  એક સફળતા શોધી રહ્યો છું;

બસ તે  પછી મારા  લેખો વંચાસે,

સાદા શબદનો પણ ગુઢ અર્થ થાસે.

ભરાસે બધા બ્લોગ મારા જ લેખથી,

કોંમેન્ટ પણ થાતા હશે અતિ વેગથી.

ક્યારે  આ  સપના  પૂરા  થવાના?

કે આ બધા ન લખવાના બહાના?

-પી. કે. દાવડા

———————————————

દાવડાજીના ઉપરનાં કાવ્યો પછી એમનો આ ટચુકડો ગદ્ય ખંડ પણ માણો .

તમને જરૂર ગમશે .

——————————————-

તક…તક….તક……….તર્રરરરર……

થોડા દિવસ પહેલા હું એક ગામડામાં ગયો હતો. સાંજે તળાવ નજીક ફરતો હતો ત્યારે

જોયું કે એક ભરવાડ એની ભેંસોને પાણી પાઈ રહ્યો હતો .

પાણી પીતી ભેંસો સામે જોઈને એ બોલતો હતો, તક….તક….તક…..તર્રરરરર…..

મને હસવું આગી ગયું, આ ભેંસો શું સમજતી હશે?

આજે મને લાગે છે કે ભેંસોને નહિં મને કહેતો હતો, તક….તક…..તક…..તર્રરરરર…..

ઈશ્વરે મને ત્રણ તક આપી. પહેલી તક બાલ્યાવસ્થા, જેમાં સારા સંસ્કાર અને સારૂં

શિક્ષણ પ્રાપ્ત કરવાની તક આપી.

બીજી તક યુવાઅવસ્થા જેમાં અર્થોપાદન અને કુટુંબ બનાવવાની તક આપી.

અને આ ત્રીજી અને આખરી તક જે સમાજે મને સાચવ્યો તે સમાજને કંઈક પાછું

આપવાની તક આપી છે, ત્યાર બાદ તર્રરરરર….. તો નક્કી જ છે.

-પી. કે. દાવડા

———————————————

આભાર દર્શન

મારાં ધર્મ પત્ની સ્વ.કુસુમ્બેનની ૨૨ મી પુણ્યતિથી નિમિત્તેની તારીખ ૧૪ મી એપ્રિલ ,૨૦૧૪ ની આ પોસ્ટ

ના જવાબમાં ઘણા મિત્રોએ બ્લોગમાં અને ઈ-મેલથી એમના સહાનુભૂતિપૂર્ણ પ્રતિભાવો દર્શાવ્યા છે .

આ તમામ મિત્રોનો એમની લાગણી અને પ્રેમ માટે હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું .

હોંગકોંગ નિવાસી શ્રી ઉમેશભાઈ દેસાઈએ એમના ઈ-મેલ પ્રતિભાવ સાથે એક સુંદર ફૂલના ફોટોમાં આ પોસ્ટને

અનુરૂપ હાઈકુ મુકીને એમનો પ્રતિભાવ આપ્યો છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .

Girish Desaai -Haiku-Kusum

એમના પ્રતિભાવમાં ઉમેશભાઈએ લખ્યું હતું કે ” દુઃખનું ઓસડ દહાડા છે ” એવું જે  મેં પોસ્ટમાં

લખ્યું હતું એ એમના મતે બરાબર નથી .

ખરો પ્રેમ હોય એ કોઈ પણ સમયે તાજો જ રહે છે . જે વ્યક્તિ હયાત નથી એની યાદ જતી નથી પણ હંમેશાં

હૃદયમાં ભરેલી રહે છે  . એમના હાઈકુનો આ ભાવ છે .

( ચિત્રના ખૂણામાં જે ઝાંખા અક્ષર છે  એ આ હાઈકુ છે )

ફોટોકુ

ક્યાં ખાલી હતો

ભરચક ભરેલો

યાદો એ તારી

ઉમેશ દેસાઈ ( હોંગકોંગ )

શ્રી ઉમેશભાઈ  દેસાઈ ના  ફોટોકું વેબ ગુર્જરી બ્લોગમાં નિયમિત જોવા મળે છે .

————————————————–

મારા મતે હાઈકુ એ ચિત્રકાવ્ય છે — ધીરુ પરીખ

ગુજરાતી સાહિત્યમાં ધીરુ પરીખ એક લેખક , સંપાદક અને કવિ તરીકે ખુબ જાણીતા છે .

મૃતપ્રાય માસિકો “કુમાર” અને  “કવિલોક” ને સજીવન કરવા માટે ધીરુ પરીખને સૌ યાદ કરશે .

ધીરુ પરીખ હાઈકુ કાવ્ય પ્રકાર અંગે એમના એક ઇન્ટરવ્યુમાં  જણાવે છે કે —-

“૧૯૬૬ પછી સ્નેહરશ્મિ જાપાનીસ કાવ્ય પ્રકાર હાઈકુને ગુજરાતીમાં લાવ્યા.

મને પણ હાઈકુમાં રસ પડ્યો. મારા મતે હાઈકુ એ ચિત્રકાવ્ય છે.

પણ લોકો એને મુક્તક સમજે છે. હાઈકુમાં ૧૭ શબ્દોનો સમન્વય છે. મારું એક હાઈકુ છે,

મૂછ હલાવે
વંદો, પાછળ સ્થિર
ગરોળી ટાપે

આ એક ચિત્ર છે. પણ તેમાં ગૂઢ અર્થ રહેલો છે કે સમાજમાં મૂછ ઉપર તાવ દેતા મનુષ્ય તારી

પાછળ પણ મૃત્યુ ટાંપીને બેઠું છે.

મેં મારા હાઈકુઓનો સંગ્રહ ‘આગિયા’ના નામે પ્રગટ કર્યો છે. કારણ કે અંધારામાં આગિયા

ચમકીને બંધ થાય છે.

મારા હાઈકુ “કુમાર” અને અન્ય પ્રકાશનોમાં પહેલાં પ્રગટ થયા અને તેને

‘આગિયા’ સંગ્રહમાં સમાવિષ્ટ કરેલા છે.”

—ધીરુ પરીખ

—————————————–

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,

-વિવેક  ટેલર