વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 442 ) સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ ……– નવીન બેન્કર ( હ્યુસ્ટન )

હ્યુસ્ટન,યુ.એસ.એ. માં રહીને એમની વિવિધ સાહિત્ય રચનાઓથી ગુજરાતી ભાષાની મુક રીતે સેવા કરનાર સાહિત્યસર્જક,કવિ, ગઝલકાર સુમન અજમેરીનું તાંજેતરમાં અમદાવાદની મુલાકાત દરમ્યાન દુખદ અવસાન થયું .

હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી નવીન બેન્કરનો એમના આ નજીકના મિત્ર સાહિત્યકાર સુમન અજમેરીને સુંદર શબ્દોમાં શ્રધાંજલિ આપતો લેખ આંજની પોસ્ટમાં શ્રી બેન્કર ના આભાર સાથે  પ્રસ્તુત કરું છું . આના ઉપરથી  શબ્દોના શિલ્પી સ્વ. અજમેરીનો પરિચય વાચકોને થશે .

શ્રી નવીન બેન્કર પોતે પણ એક સારા ગજાના સાહિત્યકાર છે.

એમના બ્લોગ –  એક અનુભૂતિ :એક એહસાસ ની આ લીંક 

http://navinbanker.gujaratisahityasarita.org/

ની મુલાકાત લઈ એમાં મુકેલ સાહિત્ય સામગ્રી વાંચવાથી એની પ્રતીતિ થઇ જશે  .

શ્રી નવીન બેન્કર વિનોદ વિહારના નિયમિત વાચક-પ્રસંશક પણ છે અને એમના પ્રતિભાવોથી મને પ્રેરણા

આપતા રહે છે .

હ્યુસ્ટનના સાહિત્ય રસિકોની જાણીતા સંસ્થા ગુજરાતી સાહિત્ય સરિતાના તેઓ એક સક્રિય સભ્ય છે .

એમના આ પ્રસ્તુત લેખમાં એક મિત્ર ગુમાવ્યાનું એમના દિલનું દર્દ જણાઈ આવે છે .

પરમાત્મા સ્વ. સાહિત્યકાર સુમન અજમેરીના આત્માને શાંતિ આપે અને એમના નજીકના

કુટુંબીજનો/સ્નેહીજનોને એમની વિદાયથી આવી પડેલ ખોટ સહન કરવાની શક્તિ બક્ષે .

વિનોદ પટેલ

———————————————————————

 મિત્રો,

આ સાથે , આપણા સદગત મિત્ર, આદરણીય સુમનભાઇ અજમેરીને શ્રધ્ધાંજલિ આપતો એક લેખ મોકલું છું.

આ લેખને અન્ય મિત્રોને ફોરવર્ડ કરશો ?– નવીન બેન્કર

——————————————–

સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ  ……નવીન બેન્કર ( હ્યુસ્ટન )

Suman Ajmeri- Photo courtesy- Gujarati Sahity Sarita

Suman Ajmeri-
Photo courtesy- Gujarati Sahity Sarita

ગઇકાલે બપોરે ચાર વાગ્યે, હ્યુસ્ટન સાહિત્ય સરિતાના એક સાહિત્યપ્રેમી મિત્રને ત્યાં ચર્ચા-વાર્તાલાપ દરમ્યાન એ મિત્રએ કહ્યું-‘ આપણી સંસ્થામાં ખરેખર સાહિત્યસર્જક, કવિ, ગઝલકાર કેટલા ? અને…સર્વાનુમતે, જે નામો આવ્યા એમાં સુમન અજમેરી પ્રથમ નંબરે હતા. એ વખતે અમને કોઈને સુમનભાઇ અમદાવાદ ગયા છે, બિમાર છે અને ત્યાં એમણે છેલ્લા શ્વાસ લીધા છે એની  ખબર ન હતી.
સુમન અજમેરી મારાથી છ વર્ષે મોટા. ૧૯૩૫ની ચોથી સપ્ટેમ્બરે અમરેલી જીલ્લાના વાવેરા ગામે જન્મેલા શ્રી. સુમનભાઇ વ્યવસાયે શિક્ષક, લેક્ચરર, પ્રોફેસર. શૈક્ષણિક ક્ષેત્રે ૪૨ વર્ષ સેવા આપીને નિવૃત્ત થયેલા. સૌ પ્રથમ સુમનભાઇને અમદાવાદ ખાતે, ગુજરાત સમાચાર પ્રેસ પાસે આવેલા તેમના નિવાસસ્થાને ૩૫ વર્ષ પહેલાં મળેલો. અને..એ પછી, અમારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની મીટીંગોમાં અવારનવાર એમની કૃતિઓ અને વિદ્વત્તાનો અમને લાભ મળતો.
એમનાં કાવ્યોને સમજવાનું મારું ગજૂ નહીં. પણ એમના વાર્તાસંગ્રહો ‘દાવ તારો,દાવ મારો’, ‘તાતા પાની’, ‘કેટરીના, ‘તલાશ’,  વગેરે મેં વાંચેલા. ‘માણસનું ચિત્ર કંડારતા કાવ્યો’ તથા આદિલ મન્સૂરિ વિશેનું એમનું એક પુસ્તક પણ મને તેમણે મોકલેલા. એમની બાય પાસ સર્જરિ કરાવેલી ત્યારે, થોડા વર્ષો પહેલાં, હ્યુસ્ટનની મેમોરિયલ હોસ્પિટલના બિ્છાનેથી ફોન કરીને મને બોલાવેલો અને તેમની કેટલીક હસ્તપ્રતો મને સારા અક્ષરે લખી, મઠારી અને ગુજરાતના વિવિધ સામયિકોમાં મેઇલ કરવા આપેલી. સાથે દરેક સામયિકના તંત્રીશ્રીના નામ-સરનામા અને અંગત પત્રો પણ ખરા જ. મને યાદ છે કે ૩૩ સરનામા હતા. અને એ પોસ્ટ કરવા માટે પોસ્ટેજના પૈસા પણ આગ્રહ કરીને મારા ખમીસના ઉપલા ખિસ્સામાં એમણે મૂકી દીધેલા. મને એ કૃતિઓ સારા અક્ષરે લખી, ઝેરોક્ષ કરી, સરનામાવાળા પરબીડીયા કરી, પોસ્ટ ઓફીસમાં જઈ, લાઇનમાં ઉભા રહી, વજન કરાવીને  મેઇલ કરવામાં અઠવાડીયુ લાગી ગયેલું.
પછી તો હોસ્પિટલમાં  બપોરના સમયે મારે અવારનવાર જવાનું થતું, એમના પત્ની કવિતાબેન સાથે પણ કાવ્યો અંગે, પુસ્તકો અંગે વાતો થતી. વીસ વર્ષના આ સંબંધ દરમ્યાન, અમે મીટીંગોમાં મળતા, ફોન પર કલાકો સુધી વાતો કરતા પણ એક જ શહેરમાં રહેવા છતાં અમે પરસ્પરના નિવાસસ્થાને જઈ શક્યા ન હતા. છેલ્લા થોડા સમયથી એમના દીકરાને ત્યાં ફોન કરતાં, મોટેભાગે તો એમના પત્ની સાથે જ , સુમનભાઇના ખબરઅંતર પુછવાનું થતું.
સુમનભાઇ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરનાર, શબ્દના પૂર્ણ સમયના આરાધક હતા. તેમણે શબ્દ અને કેવળ શબ્દની જ માળા જપી છે. છાંદસ-અછાંદસ કાવ્યો, ગઝલો, ગીતો, બાળકાવ્યો, કિશોરકાવ્યો, ખંડકાવ્યો, સોનેટો વાર્તાઓ, વિવેચનો, પ્રસ્તાવનાઓ, ઘણું ઘણું લખ્યું છે. એમના બે-ત્રણ પુસ્તકોની પ્રસ્તાવના લખવાનો તેમણે મને પણ પ્રેમાગ્રહ કરેલો, પણ હું એ માટે મારી લાયકાત ન સમજતો હોવાથી મેં મારી અસમર્થતા પ્રગટ કરી હતી. મારા અને એમની વચ્ચે કોઇ સામ્ય હોય તો એ વૃત્તાંત- અહેવાલ લેખન નું ક્ષેત્ર હતું. તેઓ શબ્દની વિધાયક શક્તિના તરફદાર હતા. શબ્દમાં માનવના ધર્મ, કર્મ, ઇમાન, ઇબાદત હોવાની તેમને શ્રધ્ધા હતી, ૧૯૭૦ની આસપાસમાં, ગુજરાત સમાચાર પ્રકાશિત અને યશવંત મહેતાના સંપાદન હેઠળ પ્રગટ થતા ‘શ્રીરંગ’ ડાયજેસ્ટ્ના કોઇ અંકમાં મારી ટૂંકી વાર્તા ‘મઝહબ ‘ પ્રગટ થયેલી ત્યારે એમણે મને પત્ર પણ લખેલો એવું સ્મરણ છે.
કવિતા એ એમના લેખનનો મુખ્ય વિષય રહ્યો હતો. કાવ્યની બધી પ્રવર્તમાન શૈલીઓમાં તેમણે રચનાકાર્ય કરેલું છે. તેઓશ્રી કાવ્યશાસ્ત્રના દરેક ક્ષેત્રમાં દક્ષતા અને ગહન આંતરસુઝ ધરાવતા સફળ સર્જક હતા. એમના કાવ્યોનો ઉપાડ, ભાવનિરુપણ પ્રાસ, લય, ઢાળ…બધું જ પ્રભાવક છે. ગીતોમાં પણ પ્રણય, રાષ્ટ્રપ્રેમ, અને ચિંતન જેવું વિષય-વૈવિધ્ય ઉડીને આંખે વળગે છે. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના કેટલાક નવા નવા કવિઓએ તેમની અને  જનાબ અબ્દુલ રઝાક મેઘાણી ( રસિક મેઘાણી ) પાસેથી છંદનું જ્ઞાન મેળવીને પોતાની કાવ્યસમૃધ્ધીને વિકસાવી છે. આજકાલ ઘણાં ગઝલો લખે છે, શાયરીઓ લખવાની તો જાણે એક ફેશન થઈ ગઈ છે. ઇન્ટરનેટના ઉપયોગ પછી અને બ્લોગ સાહિત્યનો વપરાશ થતાં, આ ક્ષેત્રે ઘણું લખાય છે અને ઇ-મેઇલ મારફતે મોકલાય છે પણ, ગઝલના આંતરસ્વરુપ અંગેની સભાનતા જે સુમનભાઇના લખાણોમાં જોવા મળતી હતી એ, આજના મોટાભાગના સર્જકોમાં જોવા મળતી નથી. ગઝલના મિજાજની પરંપરાનો કાળજીપૂર્વકનો અભ્યાસ , શીખાઉ ગઝલકારોના સર્જનમાં જણાતો નથી.
શબ્દસાધનાની ધૂણી ધખાવીને સિધ્ધીના શિખરો સર કરનાર, અસાધારણ સર્જકપ્રતિભા ધરાવતો એક પીઢ, સાચો સાહિત્યકાર, કવિ, ગઝલકાર હવે આપણી વચ્ચે નથી રહ્યો એનું તીવ્ર દુઃખ હું અનુભવું છું.
છેલ્લે એક વાત લખ્યા વગર મારાથી રહેવાતું નથી. હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની દરેક મીટીંગમાં એમને પોતાની કૃતિ વાંચવા માટે જે સમયમર્યાદા પાળવી પડતી એ ઓછી જ લાગતી. મને કાયમ કહે-‘ નવીનભાઇ, કો-ઓર્ડીનેટરને કહો ને કે એકાદ વખત એક મીટીંગ ખાસ મારી કૃતિઓ અને વિશેષ તો ‘ખંડકાવ્ય’ રજૂ કરવા માટે  રાખે.’. અને..હું એમને કહું કે સુમનભાઇ, તમારું ખંડકાવ્ય સમજી શકે કે પચાવી શકે એવા કાવ્યરસિકો આમાં  ભાગ્યે જ એકાદ-બે હશે. એટલે એ વાત પડતી મૂકો.’
ખંડકાવ્ય વાંચવાની તેમની એ ઇચ્છા અધૂરી જ રહી ગઈ.
પરમકૃપાળુ પરમાત્મા આટલું અપાર સાહિત્યસર્જન કરનાર સાચા કવિના
આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
નવીન બેન્કર. (હ્યુસ્ટન)
 
  Navin Banker                                  .
713-955-6226
http://navinbanker.gujaratisahityasarita.org/
============================================

સ્વ. સુમન અજમેરીની કાવ્ય/ગઝલ પ્રસાદી

ગુલે ગુલે થઈ ગઈ જવાની જંગ માગે છે

ન’તો જાણ્યો કદી એવો રવાની રંગ માગે છે

——————————–

  ધૂળનું ઘર, ધૂળના પથ,ધૂળ મિસૃત  ખાનપાન

   ધૂળમાં  રગદોળી  આ   શ્વાસની  સૌ  બાંધણી

પ્રો સુમન અજ્મેરી 

————————————-

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

——————

સૌજન્ય- ગુગલ

=================================

વેબ ગુર્જરી બ્લોગમાં ….

સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ

અહીં ક્લિક કરીને વાંચો

6 responses to “( 442 ) સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ ……– નવીન બેન્કર ( હ્યુસ્ટન )

 1. Anila Patel એપ્રિલ 29, 2014 પર 11:32 એ એમ (AM)

  Prabhu emana atmane shanti arpe evi mar hardik prarthana.

  Like

 2. Ramesh Patel એપ્રિલ 29, 2014 પર 11:34 એ એમ (AM)

  સુમનભાઇ ગુજરાતી ભાષાને સમૃધ્ધ કરનાર, શબ્દના પૂર્ણ સમયના આરાધકને
  ભાવભરી શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. dee35 એપ્રિલ 30, 2014 પર 7:35 એ એમ (AM)

  પ્રભુ તેમના આત્માને ચીર શાંતી આપે તેવી હાર્દીક પ્રાર્થના.

  Like

 4. chandravadan મે 1, 2014 પર 5:30 એ એમ (AM)

  After Navinbhai sent an Email informing of Suman Ajmeri, I replied>>>

  સુમન અજમેરીને અંજલી !

  “સુમન”નામનું પુષ્પ હ્યુસ્ટનમાં મહેકી,

  અમેરીકા અને વિશ્વમાં મેહેક એની દીધી !

  આજે, એ પુષ્પ નજરે નથી તો શું ?

  એની મહેકથી આજે છે સૌ હૈયે ખુશી !

  યાદ કરો સાહિત્યભંડારનો વારસો જે આપ્યો એમણે,

  એવી યાદમાં, સુમન અજમેરીને અમરતા દીધી છે સૌને !

  ચંદ્ર રૂબરૂ મળ્યો કે નહી, એવી નથી આ વાત,

  એમને ખરી “શ્રધ્ધાજંલી” અર્પણ કરવાની છે આ વાત !

  પરિવારમાં જરૂર ખોટ હશે એમની આજે,

  દર્દ એમના રૂંધાશે એમની મીઠી યાદમાં હંમેશા !

  ……ચંદ્રવદન

  તારીખ એપ્રિલ,૨૯,૨૦૧૪
  Vinodbhai,
  Nice of you to publish as a Post.
  May his Soul Rest in Peace !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai…Hope to see you for the NEW Posts @ my Blog !

  Like

 5. pravina Avinash જૂન 4, 2014 પર 3:26 પી એમ(PM)

  પરમાત્મા સદગત સાહિત્યકાર શ્રી. સુમન અજમેરીના આત્માને શાંતિ આપે.

  Like

 6. Pingback: ( 477 ) નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ. ……. — દેવિકા ધ્રુવ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: