વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 447 ) ”કુતરાનું ગુમડું” ……( વાર્તા ) ……. લેખક શ્રી આનંદરાવ લિંગાયત

 
અ anand-rao-lingayat-editor-gunjan-magazine-

Anandrao Lingayat-Editor-GUNJAN Magazine-

જાણીતા વાર્તા લેખક અને મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ એમની ઈ-મેલમાં મને મોકલેલ એક સત્ય ઘટનાત્મક સંવેદનશીલ વાર્તા  –  ”કુતરાનું ગુમડું” આજની પોસ્ટમાં રજુ કરી છે .

આ વાર્તા મોકલતાં તેઓ લખે છે  “મિત્રો, નાનપણમાં અનુભવેલી ઘટનાઓ હવે જુદી જ દ્રષ્ટીએ નજર આગળ આવે છે .આ સાથે મોકલેલ  ”કુતરાનું ગુમડું” ..એવી . એક ઘટના છે. “— આનંદ રાવ

લોસ એન્જલસ , કેલીફોર્નીયા નિવાસી શ્રી આનંદરાવ એમની ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ સાહિત્ય સર્જન અને

અન્ય સામાજિક સેવાના કામોમાં પ્રવૃતિશીલ છે .

છેલ્લા વીસેક વર્ષથી તેઓ ગુંજન નામનું સામયિક એકલે હાથે ચલાવી રહ્યા છે . એમના ત્રણ વાર્તા સંગ્રહોની

જાણીતા સાહિત્યકારોએ પ્રસંશા કરી છે .

અગાઉ વિનોદ વિહારની ૨૪મી ફેબ્રુઆરી ,૨૦૧૨ ની પોસ્ટમાં એમની એક વાર્તા ” હું ,કબીર અને મંગળદાસ ” 

સાથે શ્રી આનંદરાવનો પરિચય કરાવવામાં આવ્યો છે એને  અહીં ક્લિક કરીને વાંચો .

શ્રી આનંદરાવ માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પણ એમણે સ્થાપેલ મહાત્મા ગાંધી લેપ્રસી ફાઉંડેશન અન્વયે

ગુજરાતમાં રક્તપિત્તથી પીડિત લોકો તથા અપંગજનો માટે ઉમદા સેવા બજાવી રહ્યા છે.

અહીં અમેરિકાનો લગભગ ૪૫ વર્ષનો વસવાટ હોવા છતાં તેઓ પોતાના વતનના લોકોને ભૂલ્યા નથી અને

ભારતની અવાર નવાર મુલાકાત લઈને ગુજરાતના દુરના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સેવા સંસ્થાઓની

મુલાકાતો લઈને લોકસેવા માટે પણ સમય આપે છે.

વિનોદ પટેલ

————————————————————————————————————-

 ”કુતરાનું ગુમડું” ……( વાર્તા )   અંગે …….

ગુજરાતના નાનકડા ગામ સાવદામાં આનંદરાવનો જન્મ થયો છે .સન ૧૯૬૯માં અમેરીકા લોસ

એન્જેલસ,કેલિફોર્નિયામાં આવીને સ્થિર થયા એ પહેલાં ગુજરાતમાં ભાલ નળકાંઠા

વિસ્તારમાં શિક્ષક તરીકે એમણે કામ કર્યું છે .

એટલે એમને ગ્રામ્ય જીવનનો વિશદ અનુભવ છે  .  ”કુતરાનું ગુમડું” વાર્તામાં એમણે ગામની ભાગોળે આવેલ

બસ સ્ટેન્ડ ઉપર દુખી કુતરાની સારવાર કરતા જોડા સાંધનાર એક મોચીનું જે દ્રશ્ય જોયું એની વાત એમની

આગવી શૈલીમાં રજુ કરી છે .

વાર્તાને અંતે લેખક જે કહે છે . ” મોચીની સક્રિય “એમ્પથી ” અને મારી નિષ્ક્રિય ”  સિમ્પથી ” એ ઘણું સુચક છે .

કોઈ દુખી માણસ કે જનાવરને જોઈને હૃદયમાં માત્ર સહાનુભૂતિની લાગણી થાય એને સિમ્પથી કહેવાય અને જો

એને માટે હૃદયમાં એવી સંવેદના જાગે કે આ દુખ દુર કરવાના પગલાં લેવા સક્રિય બનીએ

તો એ એમ્પથી કહેવાય .

સહાનુભૂતિ-સિમ્પથી  નિષ્ક્રિય  હોય છે , એમ્પથી- સંવેદના સક્રિય હોય છે . એ બે માં આટલો ફેર છે.

કોઈએ સાચું કહ્યું છે .

 “ડૂબતી વ્યક્તિ સાથે સહાનુભૂતિ તેને ડૂબવા દેવામાં નહીં પરંતુ બચાવવા માટે દાખવવી જોઈએ”–અજ્ઞાત

આ  ”કુતરાનું ગુમડું” વાર્તાનો બોધપાઠ આ છે .

આ વાર્તા મોકલવા માટે હું શ્રી આનંદરાવનો આભાર માનું છું .

વિનોદ પટેલ

————————————————–

”કુતરાનું ગુમડું” ….. લેખક –શ્રી આનંદરાવ લિંગાયત

 

અમારા ગામની ભાગોળે  આવેલા બસ સ્ટેન્ડ ઉપર જે જોયેલું અને અનુભવેલું એની આ વાત છે. ગામડેથી શહેરમાં જવા માટે આ સ્ટેન્ડ ઉપરથી બસો મળતી. ધૂળના ગોટા ઉડાડતી બસ આવે એટલે અંદર ઘૂસવા પડાપડી થતી. ક્યારેક અંદર ઘૂસવા મળતું. નહીંતર કંડકટરની કૃપાથી સળિયો પકડીને બહારના પગથિયા ઉપર ઊભા ઊભા જ મુસાફરી કરવાની.

હાઇસ્કૂલ પાસ થયા પછી નોકરી મેળવવા માટે હું આકાશ પાતાળ એક કરતો હતો. ક્યાં ય કશો પત્તો લાગતો જ નહોતો. હાઇ સ્કૂલના શિક્ષણની કોઈ કિંમત જ નથી એ સત્ય ત્યારે જ સમજાયેલું. રોજી-રોટી કમાવાની મારી આ શરૂઆત હતી. સરકારી ખાતામાં નોકરી મેળવવા માટે કેવી કેવી ઓળખાણ અને લાગવગ જોઇએ તે પણ સમજાવા માંડ્યું હતું. ખાનગી વેપારીઓની દુકાનોમાં તો એમનાં સગાં સંબંધીઓ જ ભરાઈ ગયેલાં હોય. નોકરી માટેનાં બધાં બારણાં ખખડાવીને રોજ સાંજે ઘરે આવું ત્યારે માબાપ રાહ જોઈને બેઠાં હોય કે દીકરો પાંચ પૈસા કમાય એવી કોઈ નોકરીના સારા સમાચાર લાવ્યો છે કે ? પણ હું તો ભયાનક નિરાશા લઈને જ ઘરે આવતો. માએ પીરસેલી એ થાળીમાંથી શાક રોટલો ખાવાનું મન પણ ના થાય.

એ દિવસો પણ વીતી ગયા.

મને શહેરની એક ખાનગી શાળામાં નોકરી મળી ગઈ. ચાર ધોરણ સુધીની શાળા હતી. મને પગાર રોકડા રૂપિયામાં અપાતો પણ કાગળ ઉપર મારે ત્રણ ગણા પગાર ઉપર સહી કરી અાપવી પડતી. હું બહુ ખુશીથી સહી કરી આપતો  . … એમ જ ચાલે.

પેન્ટ, બુશશર્ટ, ચંપલ તથા ખિસ્સામાં રૂમાલ. આ મારો વટવાળો પોષાક. એ શર્ટને ‘બુશ-શર્ટ’ કેમ કહેતા હશે તે મને હજી પણ ખબર નથી. બસની રાહ જોતાં ક્યારેક કોઈક બાંકડા ઉપર બેસવાનું થાય તો રૂમાલ પાથરીને બેસતો. પછી જરૂર પડ્યે એ જ રૂમાલથી મોં અને ગરદન ઉપરનો પસીનો લૂછતો. આરોગ્યશાસ્ત્રનું કંઈ ખાસ ભાન નહોતું.

એક દિવસ હું એકાદ કલાક વહેલો બસ સ્ટેન્ડ ઉપર આવી ગયો. મારે થોડું કામ હતું. ચંપલ નવાં લીધેલાં હતાં. એની નીચે તળિયામાં ટાયરનાં સોલ નંખાવવાં હતાં. શહેરના ડામરના રસ્તા ઉપર તળિયાં વધારે ઘસાય. આ ટાયરનાં સોલ નંખાવવાથી ચંપલનું અાયુષ્ય લાંબું થતું.

બસ સ્ટેન્ડ પાસે બહુ મોટો, જૂનો લીમડો હતો. એના થડ સાથે કંતાનનો ટૂકડો બાંધી એના છાંયડામાં એક મોચી બેસતો. કામ ધંધો ના હોય એવા બીજા બેત્રણ માણસો પણ ત્યાં બેસીને મોચી સાથે ગામ ગપાટા કરતા હોય. ચાની એક લારી પણ હતી. એક લારી ઉપર પરચૂરણ વસ્તુઓ લઈને એક બાઈ બેસતી. સૌનું ગૂજરાન ચાલતું.

મોચી પાસે સૌથી વધારે કામ રહેતું. એની બાજુમાં બેચાર જૂનાં બૂટ ચંપલની જોડી પડી રહેતી. જુદી જુદી સાઈઝના ટાયરના ટૂકડા રાખતો. જોડાં પલાળીને પોચાં કરવા માટે પાણીની ડોલ પણ બાજુમાં પડી રહેતી. અને સાથે એનાં ઓજારો હોય. મારાં ચંપલ નીચે સોલ નાખવાના ભાવતાલ નક્કી થઈ ગયા. બન્ને ચંપલ એને સોંપીને હું ત્યાં છાંયડે ઊભો રહ્યો.

એટલામાં ત્યાંથી એક કૂતરું પસાર થયું. મોચીની નજર એના ઉપર પડી. બાજુમાં નવરા બેઠેલા એના મિત્રોને એણે કહ્યું : ‘અલ્યા, હાહરુ અા કૂતરું બે તૈણ મહિનાથી રિબાય છે. એના કાન પાછળનાં ગૂમડામાં જીવડાં પડી ગયાં છે. એને પકડીને એનો કંઈક ઇલાજ કરીએ. જાવ, એને પટાઈ ફોસલાઈને અહીં લઈ આવો.’

પેલા મિત્રોએ રોટલાના બેચાર ટૂકડા હાથમાં લીધા અને કૂતરા પાસે ગયા. એક ટૂકડો નાખ્યો. પછી બીજો જરા દૂર નાખ્યો. એમ નાખતા નાખતા એને છેક લીમડા પાસે લાવ્યા. ધીમે રહી મોચીએ કહ્યું : ‘હવે એ ભડકીને ભાગી ના જાય એ રીતે એકદમ ઝડપથી એના આાગલા અને પાછલા ટાંટિયા પકડીને નીચે પાડી બરાબર દાબી રાખો.’

તરત જ પેલા બન્ને જણાએ કૂતરાના પગ પકડીને નીચે પાડ્યું અને બરાબર દાબી રાખ્યું. કૂતરું બરાબરની રાડો પાડતું હતું. મોચીએ બાજુમાં પડેલા ટીનના ડબલામાંથી ઘાસતેલ લઈ એક ગાભો પલાળ્યો અને પેલા કીડા ઉપર ધીમે ધીમે એ ઘાસતેલ નીચોવ્યું. કીડા મરવા લાગ્યા. લીમડાની સૂકી સળી લઈને ધીમે ધીમે મોચીએ એ બધા કીડા નીચે ખેરવવા માંડ્યા. કીડા નીકળી ગયા પછી ફરી થોડું ઘાસતેલ ઘા ઉપર રેડ્યું અને એક મોટો ગાભો લઈ એ ઘા ફરતે પાટો બાંધી દીધો. હવે ઘા ઉપર માખીઓ પણ નહીં બણબણે. કૂતરાને જાણે હાશ થઈ. એની રાડારાડ ઓછી થઈ. એના પગ છોડ્યા એટલે તરત બેઠું થઈ ગયું. મોચીએ પોતાના ડબ્બામાંથી એને રોટલાનો મોટો ટૂકડો આપ્યો અને વહાલથી પંપાળ્યું. મોચીનો આભાર માનતો હોય એમ કૂતરાની પૂંછડી પટપટી.

મનમાં મને દયા આાવતી − ‘બીચારું કૂતરું’ અને નાકે રૂમાલ દાબીને આ બધું જોતો ઊભો હતો.

પછી તરત મોચીએ મારાં સોલ નાખી આપ્યાં. પૈસા ચૂકવી હું ચાલતો થયો.

બીજા દિવસે બસ પકડવા હું આવ્યો ત્યારે પેલું કૂતરું ત્યાં જ મોચી પાસે બેઠું હતું.

મોચીની સક્રિય ‘એમ્પથી’; મારી નિષ્ક્રિય ‘સિમ્પથી’ !

− આાનંદ રાવ

 સંપર્ક :

e.mail : gunjan_gujarati@yahoo.com

————————————–

શ્રી આનંદરાવ સાથેની એક યાદગાર તસ્વીર

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

From left- Rameshbhai , Anandrao , Vinodbhai, Govindbhai

આ ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું ક્યાં , ક્યારે અને ક્યા સંજોગોમાં મિલન થયું એની વાત અગાઉ વિનોદ વિહારની

પોસ્ટ નંબર ૨૮૨માં કરી છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

( 282 ) લોસ એન્જેલસ , કેલિફોર્નીયાના ચાર સાહિત્ય પ્રેમી મિત્રોનું પુન: મિલન

 

One response to “( 447 ) ”કુતરાનું ગુમડું” ……( વાર્તા ) ……. લેખક શ્રી આનંદરાવ લિંગાયત

 1. pragnaju મે 5, 2014 પર 11:40 એ એમ (AM)

  ખૂબ સરસ પ્રેરણાદાયી વાત
  આ લખાણ દ્વારા એ અંદરની શક્તિ જગાડવાનો જ પ્રયાસ છે, કોઈ સોલ્યુશન આપવાનો ઉદ્દેશ નથી. સમજવામાં સરળ લાગે માટે ઉદાહરણ લઈએ છીએ. કરવું અઘરું છે, ચોક્કસ પણ એનાં પરિણામો ખૂબ મીઠાં છે, ચાખવા જેવાં છે. હવે જો આટલું સમજાય તો ખ્યાલ આવશે કે બીજા પ્રત્યે કરુણા લાવવી હોય તો સૌ પ્રથમ મારામાં કરુણા હોવી જોઈએ. મારા પ્રત્યે પણ હું કરુણા ભાવ રાખી શકું? હા, તો જ બીજાને અપાશે ને? પહેલાં હું ભરાઉં પછી બીજાને ભરું.
  અત્યારે તો આટલું પાકું કરીએ કે સામી વ્યક્તિ ક્યાંક દુઃખી, ઘવાયેલી છે. એને એકલતા પણ આલતી હોય.બહારથી એ કંઈ પણ બતાવે, એના પ્રત્યે મારો કરુણા-ભાવ રાખું. એની સ્થિતિ-પરિસ્થિતિ પ્રત્યે ‘એમ્પથી’ રાખું. એને સાંભળું એ ન બોલે તો એવું વાતાવરણ બનાવું કે એ બોલે ને હું સાંભળું.
  એને જ્યારે મારી જરૂર હોય ત્યારે જ મદદ, સહારો આપું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: