વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 19, 2014

( 455 ) ખુશ રહો….. સફળ થાઓ……( ચિંતન લેખ )…….. બકુલ બક્ષી

પ્રેરણાત્મક પુસ્તકોના લેખકોમાં ઝિગ ઝિગલર એક અત્યંત જાણીતું નામ છે. એમના પુસ્તક ‘સમથિંગ ટુ સ્માઈલ એબાઉટ’માં જીવનના ઉતાર ચડાવ સામે કેવો અભિગમ અપનાવવો તેનું માર્ગદર્શન અપાયું છે.

આપણી વિચારશૈલી બદલાય તો સમસ્યાઓનો હસતે મોઢે સામનો થઈ શકે છે. ખુશમિજાજ વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનો સ્વભાવ નથી બદલતી જેથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે.

બીજા સાથે સરખામણી કરતા રહેશો તો એમનાથી આગળ ક્યારેય નહીં વધી શકો. ધ્યેય સમકક્ષ થવાનો નહીં પરંતુ આગળ વધવાનો રાખો. સમયને જે મેનેજ કરી શકે છે તેને સમયનો અભાવ નથી નડતો. પ્રતિભાશાળી હોવા કરતાં સમયનો સદુપયોગ કરનાર વધારે સફળ થાય છે. આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ તેના કરતાં આપણા માટે બીજાઓ શું વિચારે છે તે મહત્વનું છે.

બીજાઓની નજરમાં જો આપણે સક્ષમ છીએ તો એ આપણને આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે. કોઈનું નેતૃત્વ લેતાં પહેલાં પોતાની જાતને મેનેજ કરતાં શીખવું જરૂરી છે. જો તમે પોતાની સ્થિતિથી સંતુષ્ટ નથી તો ચિંતા કે ફરિયાદ કરવા કરતાં સ્થિતિને સુધારવાના પ્રયાસ જરૂરી છે. જે કરવાની ઈચ્છા છે એને ભવિષ્ય પર ન છોડી આજથી જ શરૂઆત કરી છે.

કોઈપણ ઉંમરે મોડું નથી હોતું. ચિંતન કરનાર સારું વિચારે છે પણ આ વિચારોને અમલમાં મૂકવા માટે મહેનત જરૂરી છે. ધીમી ગતિની પ્રગતિ પણ એક સ્થળે રોકાઈ જવા કરતાં સારી છે, લોકો તમારા વિચારો નહીં પણ કાર્યથી તમારું મૂલ્યાંકન કરે છે માટે નક્કર કામ પર વધારે ધ્યાન આપો. તમને લાગે કે તમારું સ્વપ્ન સાકાર કરવાની તમારામાં શક્તિ છે તો એને વળગી રહો. પરિસ્થિતિ અનુકૂળ ન હોય પણ તમારી ઈચ્છાશક્તિ બળવાન હશે તો ધીરેધીરે બધું બદલાવા માંડશે.

ખુશ રહેનારા શું નથી એની ફરિયાદ કરવી છોડી દઈ જે છે તેને માણવા પર વધારે ધ્યાન આપે છે. માનવ સ્વભાવ જે જોવા માંગતો હોય તેને જ જુએ છે. નકારાત્મક વિચારો ધરાવશો તો બધું ખરાબ દેખાશે. ડીગ્રી મેળવવાથી ભણતર ભલે પુરું થતું હોય પણ અભ્યાસ કોઈપણ ઉંમરે પુરો થતો નથી.

દરેક વ્યક્તિમાં સફળતાનાં બીજ રહેલાં છે. સફળ વ્યક્તિ બીજાને કંઈક આપે છે અને ઘણું જતું કરે છે. બીજાની ભૂલ પર એવી પ્રતિક્રિયા આપો જાણે એ ભૂલ તમે પોતે કરી હોય અને તમારા ઉપરી પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો. જો ખુશમિજાજ રહી શકશો તો બીજાઓનું પ્રોત્સાહન મળતું રહેશે અને પ્રગતિમાં મદદરૂપ થશે.

bakulbakshi@hotmail.com 

સાભાર…..  દિવ્ય ભાસ્કર … નવી નજરે…. બકુલ બક્ષી……

 

———————————————-    

Click here to read Biography of  ZIG ZIGLAR  on Wikipedia

——————————————————

 આ જોડકણાં જેવું ગીત આમ કાવ્યની દૃષ્ટિએ તો સામાન્ય છે.પણ એનો સંદેશ ખૂબ સરસ છે .

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે..
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

–અજ્ઞાત

———————————

સાભાર -શ્રી દિલીપ સોમૈયા -એમના ઈ-મેલમાંથી