Daily Archives: મે 29, 2014
ભારતમાં દિલ્હીમાં જ્યારે જ્યારે સતા બદલાય છે અને નવો પક્ષ સતા સંભાળે છે ત્યારે એ જોવામાં આવ્યું છે કે જૂની સરકારમાં પ્રધાનોને માટે રહેવા માટે જે મકાનો ફાળવ્યાં હોય એને ખાલી કરવામાં આનાકાની કે વિલંબ સતાનો સ્વાદ ચાખી ગયેલા કેટલા રાજકારણીયો તરફથી થતો હોય છે .
આવા લોકો માટે સત્તા એ સેવા કરવાનું નહી પણ મેવા ખાવાનું સાધન હોય છે એ ભારતીય રાજકારણની એક બલિહારી છે .
આજના રાજકીય માહોલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ સ્વ. ચંદ્રકાંત બક્ષીનો એક સુંદર લેખ મને ગમતાં નીચે પ્રસ્તુત કર્યો છે એ તમને પણ ગમે એવો છે .
આ લેખ વાંચતા જેને માટે સદા બહાર બક્ષી સાહેબ જાણીતા હતા એ એમની તેજાબી કલમનો પણ અહેસાસ થાય છે .
વિનોદ પટેલ
—————————————————
ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો…….——ચંદ્રકાંત બક્ષી
હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એક વાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે
– ચંદ્રકાંત બક્ષી
ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે.
હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી. હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે. પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે.
————————————–
સૌજન્ય/આભાર- સ્વ. ચન્દ્રકાન્ત બક્ષી, મુંબઈ સમાચાર
——————————————————————————————-
શ્રી નરેન્દ્ર મોદી અંગે ગત લોકસભાની ચૂંટણીમાં એમના વિરુદ્ધમાં ઘણું ઘણું બોલાયું, લખાયું અને કહેવાતા પંડિતોએ ટી .વી. પ્રોગ્રામોમાં પણ પુષ્કળ ઝેર ઓક્યું હતું .
નરેન્દ્ર મોદી વિષે એમ કહેવાય છે કે એમના ઉપર એમના વિરોધીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોથી ગભરાયા વિના એ પથ્થરોનાં પગથીયા બનાવી એમની મંઝીલ તરફ ઉપર ચઢતા જાય છે .
સોનાને જેમ વધુ તપાવો અને ટીપો એમ ઘરેણાંનો ઘાટ સરસ બનતો હોય છે એવું જ એમનું બન્યું છે .
લોકોએ એમની ચા વેચનાર તરીકે મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો તો એમણે દેશભરમાં ચાય પર ચર્ચાની ઝુંબેશ શરુ કરી અને ચૂંટણીના પ્રચારમાં એક નવી લહેર ઊભી કરી દીધી .
શ્રી મોદીએ એમની એક પ્રચાર સભામાં કહ્યું હતું કે મારા વિરોધીઓ મારી ઉપર કાદવ ઉછાળવામાં કોઈ કચાસ રાખતા નથી પણ એમને ખબર નથી કે એ કાદવમાંથી જ અંતે કમળ ખીલી ઉઠવાનું છે . કેટલો આત્મ વિશ્વાસ !
કહેવાતા દેશ વિદેશના બુદ્ધિવાદીઓ નરેન્દ્ર મોદીના સાચા વ્યક્તિત્વને સમજવામાં ખરેખર ઉણા ઉતર્યા છે .
આ સંદર્ભમાં સુશ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ નીરવ રવેમાં એમના સુપુત્ર શ્રી પરેશભાઈ વ્યાસ લિખિત એક લેખ ચાય પે ચર્ચા મને ગમતાં એ બન્નેના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .
વિનોદ પટેલ
————————————————————
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
-નયન હ. દેસાઈ
“હું તમને વચન આપું છું કે 21મી સદીમાં નરેન્દ્ર મોદી ક્યારેય પ્રાઇમ મિનિસ્ટર નહીં બની શકે… પણ જો એણે અહીં ચા વેચવી હોય તો આપણે એને માટે જગ્યા ફાળવીશું.” ચૂંટણી પહેલાં ભૂંડાબોલાં કોંગી નેતા મણિશંકર અય્યર કોંગ્રેસ અધિવેશનમાં આમ બોલ્યા અને ચાય પે ચર્ચા ચાલી, એવી તો ભાઇ ચાલી. અને ચૂંટણીનાં અંતે ચા વિષેની આ વિવાદી ટિપ્પણી કોંગ્રેસને સરવાળે મોંઘી પડી. કોંગ્રેસનું નામું મંડાઇ ગયું. અનેક દિગ્ગજો હાર્યા.
ખુદ મણિશંકર પોતાની ચૂંટણીમાં ચોથા ક્રમે રહ્યા. મયલાદુથુરાઇ લોકસભા મતવિસ્તારનાં 5.12 લાખ મતોનાં મતદાન પૈકી એમને માત્ર 58 હજાર મત મળ્યા. એક સમયનો ચા વેચતો છોકરો નામે નમો લોકચાહનાની સુનામી પર સવાર થયો અને વિરોધીઓને તહસનહસ કરતો ગયો. રાહુલ ગાંધી હવે મનોમંથન કરે છે કે ચાહ બરબાદ કરેગી હમે માલુમ ન થા ! વિખ્યાત અભિનેત્રી ઓડ્રી હેપબર્ન માનતા કે “જ્યારે તમારી સાથે એવા કોઇ ન હોય કે જેના માટે તમે ચા બનાવી શકો, જ્યારે તમારી કોઇને જરૂરિયાત જ ન રહે તો સમજવું કે જીવન પૂરું થયું.” રાગાકા રાજકીય જીવનકા ક્યા હોગા? પણ આપણાં કવિ નયનભૈ કહે છે કે કંઇ ન બને ત્યારે પણ ચા મંગાવવી જરૂરી છે. રાજકારણ મારું કપ ઓફ ટી(Cup of Tea) નહોતું.
——————————————————–
સૌજન્ય/આભાર- સુશ્રી .પ્રજ્ઞાબેન વ્યાસ, શ્રી પરેશ વ્યાસ
વાચકોના પ્રતિભાવ