વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2014

( 458 ) એક ચમચી મેથી, અનેક રોગોમાં થશે લાભ ………..( સંકલિત )

 

રોજ આ રીતે ખાઓ એક ચમચી મેથી,અનેક રોગોમાં થશે લાભ

Methiમેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના બીયા પણ એટલા જ ગુણકારી છે. સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ છે. મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક હોય છે. આ સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે. જેથી આજે અમે તમને મેથી દાણાના અઢળક ફાયદા વિશે જણાવીશું.

– સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં રાહત મળે છે.

– મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને કારણે થતી હાથ-પગની પીડામાં લાભ થશે.

– મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. વાળની સમસ્યાઓ દૂર થાય છે.

– ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.

ડાયાબિટીસ અને મેથી 

– ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

-ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લઈ

એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે.

ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે.

– રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ આરામ મળે છે.

-રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત

થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.

– અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

-સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને

પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

– હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે.

આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

-મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

– મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.

-મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. બે ચમચી મેથી અને બે ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.

સૌજન્ય સુ.શ્રી .પ્રજ્ઞા વ્યાસ, નીરવ રવે ….બ્લોગ

————————————————————

મેથી……   કાવ્ય …–સ્વ.નરહરીભાઈ ભટ્ટ.

કડવી તોયે   મને    મીઠી   લાગી,
આ ઢેબરાંમાં મેથી ગુણકારી લાગી !

શાકને દાળમાં,   કઢીના વઘારમાં;
મઘમઘતા   છમકારે  ન્યારી લાગી !….આ.

મેથીના લાડુ ને મેથીનો પાક ખાઈ,
નરવી,  શીયાળામાં   સારી    લાગી !…..આ.

પાચન વધારતી ને ભુખને જગાડતી;
આંગળીઓને    ચટાડનારી    લાગી !……આ.

ઢીંકણ ને કેડનો, એડી,  ખભાનો,

વાયુ, આમ, ઝટ મટાડનારી લાગી……..આ.

હૃદય-બળ આપે, ઉલટી, શુળ દાબે,
મુખમાં   સુગંધ   આપનારી  લાગી……..આ.

મેથીને રીંગણાંનું શાક, જે શીયાળામાં-
ઉંધીયાને પણ ભુલાવનારી લાગી !….આ.

સુંઠ ને દીવેલ સંગ મેથીનો ઉકાળો,
આમવાતને   તો કટારી   લાગી !!…….આ.

જીર્ણજ્વર, વીષમજ્વર કાઢીને જંપતી,
કાયાને નરવી    કરનારી લાગી………આ.

એના હજાર ગુણ જાણે લે લોર્ડજી !
ચોપડી  એની   ચમત્કારી લાગી !

આ મેથી મને ગુણકારી લાગી !

—————————-

સૌજન્ય- શ્રી જુગલ કિશોર વ્યાસ ….નેટ ગુર્જરી બ્લોગ 

 

 

( 457 ) શ્રી નરેન્દ્ર મોદીનાં અનુગામી ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ

"Vision without action is a day dream, and action without vision is a nightmare " -Anandiben Patel

“Vision without action is a day dream, and action without vision is a nightmare “
-Anandiben Patel

 

ગાંધીનગરના ટાઉન હોલમાં બુધવાર, ૨૧ મે  ૨૦૧૪ ના રોજ ભાજપના વિધાનસભ્યોની બેઠકમાં ગુજરાતના મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે આનંદીબેન પટેલની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી.

આ રીતે ૭૨ વર્ષીય આનંદીબેન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ અને દેશના ઇતિહાસમાં ૧૫ માં મહિલા મુખ્યમંત્રી બને છે .

આનંદી બેન પટેલએ મુખ્યમંત્રી તરીકે નીમાયા એ પછી જે પ્રથમ પ્રવચન આપ્યું એમાં કહ્યું :

નરેન્દ્ર મોદી ગુજરાતને ઘણુ આગળ લઈ ગયા છે
ગુજરાતના વિકાસને અટકવા નહી દઈએ
હું નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગે જ ચાલીશ અને એમણે સ્થાપેલી વ્યવસ્થાનું પાલન કરીશ
ગુજરાતની આશા અપેક્ષા પૂરી કરીશ
પાર્ટીએ મારી પર મૂકેલા વિશ્વાસને આંચ નહિ આવવા દઉં  ..

શ્રી મોદીએ  ૭ ઓક્ટોબર ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાનનું સુકાન સાંભળ્યું હતું . ત્યારથી શરુ કરી,   મે ૨૦૧૪ સુધી ગુજરાતમાં ૧૨ વર્ષ સાત મહિના સુધી મુખ્ય પ્રધાન પદે રહ્યા .આમ લગભગ ૧૩ વર્ષ સતત કાર્યદક્ષ વહીવટ કરીને મોદીએ ગુજરાતને એક  વિકાશશીલ રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી છે .

આ સત્ર દરમિયાન ગુજરાતના ધારાસભ્યોએ  મોદીને ભાવુક વિદાય આપી. મોદીએ આજે ગુજરાત

વીધાનસભાને છેલ્લી વાર સંબોધિત કરી હતી.

ચિત્રલેખાની નીચેની લીંક ઉપર આ પ્રસંગના વિગતવાર અહેવાલ સાથે શ્રી મોદીના વિધાન સભામાં આપેલ

અંતિમ ઐતિહાસિક પ્રવચનનો વિડીયો સાંભળી શકાશે .

 http://www.chitralekha.com/breaking-news/gujarat-cm/

————————————–

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલ ની જીવન ઝરમર …પ્રોફાઈલ

"કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ "કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. " --ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન   શ્રીમતી આનંદીબેન પટેલ

“કાર્ય વિનાની દૂરદર્શિતા, એ દિવાસ્વપ્ન છે
અને દૂરદર્શિતા વગરનું કાર્ય, એ દુઃસ્વપ્ન છે. “
–ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન
શ્રીમતી આનંદીબેન પટેલ “

 

શ્રીમતી આનંદીબેન પટેલનો  જન્મ તારીખ ૨૧ મી નવેમ્બર, ૧૯૪૧ ના રોજ એક લેઉવા પટેલ ખેડૂત પિતાને ત્યાં થયો હતો .

મૂળ વતન : ગામ ખરોડ , તાલુકા વિજાપુર, જીલ્લો મહેસાણા ( ઉત્તર ગુજરાત )

એમના માતા પિતાને ૧૦ સંતાનો – ચાર ભાઈ અને છ બહેનાના વસ્તારી કુટુંબ વચ્ચે એમનો ઉછેર થયો.

આનંદીબેને સ્નાતક સુધીનો અભ્યાસ ખેતીવાડી અને ઘરકામમા મદદ કરતાં કરતાં અડચણો સાથે કર્યો .

અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમ  જ બાળકોના ઉછેરની બેવડી જવાબદારી સાથે એમ.એસ.સી. અને એમ.એડ કર્યું .

એ જમાનામાં જ્યારે પાટીદાર સમાજમાં કન્યા કેળવણી નહિવત હતી ત્યારે શિક્ષક પિતા જેઠાભાઈએ એ એમની છ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું હતું .

જૂન 1960માં તેમણે B.Sc. માં પ્રવેશ લીધો.B.Sc.માં આખી કોલેજમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા પછી તેમણે MSc અને B.Ed નું ભણતર પણ વિસનગરની એમ.એન.સાયન્સ કોલેજમાંથી પુરુ કર્યુ.

તેઓ રાજકારણમાં જોડાયાં એ પહેલાં ૧૯૬૮ થી ૧૯૯૮ એમ ૩૦ વર્ષ સુધી અમદાવાદ આશ્રમ રોડ પર આવેલ મોહિનીબા કન્યા વિદ્યાલયમાં મેથ્સ અને સાયન્સનાં શિક્ષિકા તરીકે અને એ જ સ્કુલમાં ૧૯૮૮ થી ૧૯૯૯ અગિયાર વર્ષ પ્રિન્સીપાલ તરીકે સેવાઓ આપી હતી .

આમ એક શાળામાં શક્ષિકા હતાં ત્યાંથી તેઓ ૧૯૮૮માં રાજકારણમાં પ્રવેશ્યાં અને પછી આગળ વધતાં વધતાં હવે છેક મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યાં છે.

શ્રીમતી આનંદીબેનની આ વેબ સાઈટ  ઉપર એમનો વિગતવાર પરિચય -પ્રોફાઈલ ઉપર ક્લિક કરીને વાંચો .

 યુ-ટ્યુબ વિડીયોમાં આવાં લોખંડી વ્યક્તિત્વ ધરાવતાં શ્રીમતી આનંદીબેનના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય

નીચે ક્લિક કરીને જુઓ/સાંભળો  . 

All about Anandiben Patel Iron Lady , the new Gujarat CM

Watch new Gujarat CM Anandi Ben Patel’s story
 

 

આનંદીબેનના પ્રવચનોના યુ-ટ્યુબ વિડીયોની લીંક

————————————————————–

શ્રી નરેન્દ્ર મોદી એમના ૧૩ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી એને ભારતના એક મોડલ

સ્ટેટ તરીકે વિકસાવીને હવે ભારતના વડા પ્રધાન તરીકે દિલ્હી જાય છે અને એમના ઉત્તરાધિકારી તરીકે શ્રીમતી

આનંદીબેન પટેલ ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્ય પ્રધાન બને છે .

આ ખુશીના પ્રસંગે બન્ને નેતાઓને ખુબ ખુબ અભિનંદન

અને એમનાં સ્વપ્ન સાકાર થાય એ માટે અનેક શુભેચ્છાઓ .

 Anandiben -abhinandan

( 456 ) જા તું ગુજરાતી નથી ……/ क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं? Article by Shirish Dave

એક વિચારક સહૃદયી સાહિત્ય મિત્ર તરફથી એક ફરતી ફરતી ઈમેલ મળી જેમાં કોઈ અજ્ઞાત લેખકનો ” જા તું ગુજરાતી નથી “નામે લેખ હતો.   

આ લેખ મને ગમી જતા જેવો મળ્યો એ જ શબ્દોમાં વાચકોને માટે વાંચવા અને વિચારવા આજની પોસ્ટમાં મુક્યો છે  . —- વી.પ.

જા તું ગુજરાતી નથી !

ચુંટણીમાં ભાજપને ન ભુતો ન ભવિસ્યતી જેવી જે જીત મળી તેનો યશ તમે કોને આપશો ?

લાગે છે કે તે યશના બે જણા પૂરા હકદાર છે :

૧.૨૧મી સદીના ચાણક્ય સમો અતિ બાહોશ, દ્રસ્ટીવાન, રોજ વીસ કલાક સતત કામ કરે તેવો કર્મઠ ને ધાર્યું કરનાર ન.મો. નામે નેતા મળ્યો જે નવ મહિનામાં એકલે હાથે આખા દેશને ઢંઢોળી વળ્યો અને હારેલી, થાકેલી ને નાસીપાસ થયેલી ભારતની જનતાને જગાડી વળ્યો . મતદાન થયું. રેકર્ડ મતદાન. અને પરિણામે તમે જોયું કે આ દેશના અભણગરીબ, આદીવાસી, પછાત નાગરિકોએ, બધા જ ધર્મના મતદાતાએ, મોટા ભાગના સૌ કહેવાતા રીઢા દેશસેવકોને બેરહમીથી ઘરે બેસાડ્યા.  (હજી કામ અધુરું રહ્યું છે; ૨૦૧૯ની ચુંટણીમાં બનવા જોગ છે કે પોતાને કોંગ્રસી કહેનારો એકે જણ લોકસભામાં ન હોય.)

હવે બીજો યશ કોને ?

આ બધાં કામનો યશ જેટલો મોદી અને ભાજપને આપી શકાય

તેટલો જ યશ, કોંગ્રેસ અને તેનાં દસ વરસના શાસન(કુશાસન)ને કોઈ આપે તો તમે સમ્મત થશો ?

આટલું ઢીલુંઢાલું ને નમાલું ને ભ્રષ્ટશાસન તો ભારતે કદી જોયું નહોતું. લોકો ત્રાસેલા. મોદીમાં તેમને વલ્લભભાઇ પટેલ દેખાયા ને તક ઝડપી લીધી.. 

હવે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટ ભાજપના ખોળામાં પડી તેનો યશ કોને ?

તેનો સુયશ પણ બે જણાને ફાળે જાય છે.

સોથી મોટો યશ કોંગ્રેસ પાર્ટીને ફાળે જાય.

Namo -Modi ROKOછેલ્લાં બાર વરસથી નરેન્દ્ર મોદીને ગાળો દઈ દઈને, રોજ સવાર પડે ને નવા નવા મનઘડંત આક્ષેપો તેને માથે આરોપીને, દૂરદર્શનનો આખો કબજો જાણે અર્જુન જુઠવાડીઆ જેવા અડધો ડઝન કોંગ્રેસીઓએ જ લઈ લીધેલો ! લોકોને દુરદર્શન જોતાયે બંધ કર્યા !

તેટલો જ બીજો મોટો હીસ્સો, ગુજરાતના એનજીઓ, કહેવાતા કર્મશીલો, સ્યુડો સેક્યુલારીસ્ટો, સર્વોદયવાદીઓ, માનવતાવાદીઓ, રેસનાલીસટો વગેરેને જાય છે. તેમના દ્વારા ચલાવાતા સામયીકો, પત્રિકાઓ, જેમાં બારબાર વરસથી તેમણે ૨૦૦૨ને આગળ ધરી ન.મો.ને ગાળો ભાંડવાનું નીષ્ઠાપુર્વક ચાલુ રાખેલું. એમનો ફાળોયે નાનો સૂનો નથી.

અને આ ૨૬માંથી ૨૬ બેઠક ભાજપના ખોળામાં : તેમાં ભાજપનો પુરુષાર્થ ઓછો; ઉપરના બેનો સૌથી વધારે.

ચાર ચાર ચુંટણીથી આ બધા આમ જ નીંદા, ટીકા, ગાળનો ધોધમાર વરસાદ વરસાવતા રહેલાં માત્ર નરેન્દ્ર મોદી પર ! આ ‘ગુજરાતી નરવીરો’ને એટલું ભાન ન થયું કે ગુજરાતની જનતા એમને ઘાસ પણ નીરતી નથી ! મોદીએ તો બહુ બહુ ચેતવ્યા કે ‘અલ્યા, મારા પર જેમ જેમ ગાળો અને જુઠા આક્ષેપોનો કાદવ ઉછાળશો તેમ તેમ કમલ બહુ જ ખીલશે .’ પણ માને તો કોંગ્રેસી અને કર્મશીલો શેના ?

ચાલો, થવાનું હતું તે જ થયું ! પણ હજીયે તમે ન ચેતો ને મોદીની માત્ર ભુલો જ શોધવાનું, તેને ગાળો જ દેવાનું ચાલુ રાખશો તો મને શંકા છે કે આનાથીયે વઘારે માઠા દીવસો આવવાના છે. તમારા પોતાના પણ. ‘ઈશ્વર તમારું રક્ષણ કરે’

Namo -gUJARATI

છેલ્લે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ પછી, બાળપણમાં ચા વેચી ખાનારો આ જણ, આખા ભારતમાં અને જગતમાં જે માન પામી રહ્યો છે તે જોઈ તમને જો ગૌરવ ન થતું હોય તો તો,

તમે પોતે જે હો તે, પણ તમને કહું કે

‘જા, તૂ ગુજરાતી નથી..

 

 

——————————-

 क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं?
લેખક- શ્રી  શિરીષ દવે 
ઉપરના ઈ-મેલમાં મળેલ લેખમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એને મળતા વિચારો દર્શાવતા એમના બ્લોગ Third Eye (ત્રીજી આંખ) માં પ્રકાશિત એમના  લેખની લીંક શ્રી  શિરીષભાઈ દવેએ ઈ-મેલમાં મને મોકલી છે  . એમના આભાર સાથે આ લેખને નીચેની લીંક ઉપર વાંચો .
 
———————————————————————————–
इंद्र है , इंद्र है , नरोमें इंद्र है  –  નરોમાં ઇન્દ્ર -નરેન્દ્ર – એક સરસ હિન્દી ગીત યુ-ટ્યુબ વિડીયોમાં
Refreshing Song On Narendra Modi
( Naro Mein Indra )

( 455 ) ખુશ રહો….. સફળ થાઓ……( ચિંતન લેખ )…….. બકુલ બક્ષી

પ્રેરણાત્મક પુસ્તકોના લેખકોમાં ઝિગ ઝિગલર એક અત્યંત જાણીતું નામ છે. એમના પુસ્તક ‘સમથિંગ ટુ સ્માઈલ એબાઉટ’માં જીવનના ઉતાર ચડાવ સામે કેવો અભિગમ અપનાવવો તેનું માર્ગદર્શન અપાયું છે.

આપણી વિચારશૈલી બદલાય તો સમસ્યાઓનો હસતે મોઢે સામનો થઈ શકે છે. ખુશમિજાજ વ્યક્તિ પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાનો સ્વભાવ નથી બદલતી જેથી સફળતાનો માર્ગ સરળ બની જાય છે.

બીજા સાથે સરખામણી કરતા રહેશો તો એમનાથી આગળ ક્યારેય નહીં વધી શકો. ધ્યેય સમકક્ષ થવાનો નહીં પરંતુ આગળ વધવાનો રાખો. સમયને જે મેનેજ કરી શકે છે તેને સમયનો અભાવ નથી નડતો. પ્રતિભાશાળી હોવા કરતાં સમયનો સદુપયોગ કરનાર વધારે સફળ થાય છે. આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ તેના કરતાં આપણા માટે બીજાઓ શું વિચારે છે તે મહત્વનું છે.

બીજાઓની નજરમાં જો આપણે સક્ષમ છીએ તો એ આપણને આગળ વધવામાં પ્રોત્સાહિત કરે છે. કોઈનું નેતૃત્વ લેતાં પહેલાં પોતાની જાતને મેનેજ કરતાં શીખવું જરૂરી છે. જો તમે પોતાની સ્થિતિથી સંતુષ્ટ નથી તો ચિંતા કે ફરિયાદ કરવા કરતાં સ્થિતિને સુધારવાના પ્રયાસ જરૂરી છે. જે કરવાની ઈચ્છા છે એને ભવિષ્ય પર ન છોડી આજથી જ શરૂઆત કરી છે.

કોઈપણ ઉંમરે મોડું નથી હોતું. ચિંતન કરનાર સારું વિચારે છે પણ આ વિચારોને અમલમાં મૂકવા માટે મહેનત જરૂરી છે. ધીમી ગતિની પ્રગતિ પણ એક સ્થળે રોકાઈ જવા કરતાં સારી છે, લોકો તમારા વિચારો નહીં પણ કાર્યથી તમારું મૂલ્યાંકન કરે છે માટે નક્કર કામ પર વધારે ધ્યાન આપો. તમને લાગે કે તમારું સ્વપ્ન સાકાર કરવાની તમારામાં શક્તિ છે તો એને વળગી રહો. પરિસ્થિતિ અનુકૂળ ન હોય પણ તમારી ઈચ્છાશક્તિ બળવાન હશે તો ધીરેધીરે બધું બદલાવા માંડશે.

ખુશ રહેનારા શું નથી એની ફરિયાદ કરવી છોડી દઈ જે છે તેને માણવા પર વધારે ધ્યાન આપે છે. માનવ સ્વભાવ જે જોવા માંગતો હોય તેને જ જુએ છે. નકારાત્મક વિચારો ધરાવશો તો બધું ખરાબ દેખાશે. ડીગ્રી મેળવવાથી ભણતર ભલે પુરું થતું હોય પણ અભ્યાસ કોઈપણ ઉંમરે પુરો થતો નથી.

દરેક વ્યક્તિમાં સફળતાનાં બીજ રહેલાં છે. સફળ વ્યક્તિ બીજાને કંઈક આપે છે અને ઘણું જતું કરે છે. બીજાની ભૂલ પર એવી પ્રતિક્રિયા આપો જાણે એ ભૂલ તમે પોતે કરી હોય અને તમારા ઉપરી પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખો છો. જો ખુશમિજાજ રહી શકશો તો બીજાઓનું પ્રોત્સાહન મળતું રહેશે અને પ્રગતિમાં મદદરૂપ થશે.

bakulbakshi@hotmail.com 

સાભાર…..  દિવ્ય ભાસ્કર … નવી નજરે…. બકુલ બક્ષી……

 

———————————————-    

Click here to read Biography of  ZIG ZIGLAR  on Wikipedia

——————————————————

 આ જોડકણાં જેવું ગીત આમ કાવ્યની દૃષ્ટિએ તો સામાન્ય છે.પણ એનો સંદેશ ખૂબ સરસ છે .

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે..
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

–અજ્ઞાત

———————————

સાભાર -શ્રી દિલીપ સોમૈયા -એમના ઈ-મેલમાંથી

 

( 454 ) ભારતની જનતાએ કર્યો જય જય કાર …… અબકી બાર મોદી સરકાર

NARENDRA MODI …..FROM TEA VENDOR TO PRIME MINISTER OF INDIA

 

ભારતની આમ જનતા જેની ચાતક દ્રષ્ટીએ રાહ રહી હતી એ ૧૬ મી મે ૨૦૧૪ ની સવાર થી બપોરના એક વાગ્યા સુધીમાં લોક્સભાની ચૂંટણીના પરિણામો  જાહેર થઇ ગયાં .

namo-mahendr cartoon-2

આ પરિણામોમાં ભારતની આમ જનતાએ ગુજરાતના એક સપૂત નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ પક્ષ-એનડીએ- એ ૩૩૫ બેઠકો જીતીને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી જેની નોધ ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ટી.વી.,અખબારો અને સોસીયલ મીડિયા -ટ્વીટરમાં લેવાઈ .

દેશભરમાં મોદીનું વાવાઝોડુ ફરી વળ્યું .બિહાર, યુપી, ગુજરાત, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, ઉત્તરાખંડ, દિલ્‍હીમાં પૂરી રીતે કમળ ખીલી ઉઠ્યું  .

વારાણસી અને વડોદરામાં મોદીની તોતીંગ લીડથી વિજય થયો . કોંગ્રેસના અનેક દિગ્‍ગજોને લોકોએ ઘરભેગા કરી દીધા છે.

       કમલ  ચિત્ર : સાભાર -શ્રી મહેન્દ્ર શાહ 

ભારતની જનતાએ ઘણા દશકાઓથી ભારતના રાજકારણ  ઉપર પકડ જમાવી રહેલ વંશવાદ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બિન કાર્યક્ષમ કોંગ્રેસ અને એના સાથી પક્ષોને કારમી હાર આપી ન ભૂલાય એવો પાઠ ભાણાવ્યો  .

ભારતીય લોકશાહીની કમાલ જેવી આ વખતની ચૂંટણીમાં એક બાજુ અનેક ભ્રષ્ટાચાર અને ગેર વહીવટમાં ૧૦ વર્ષ વેડફી દેનાર વગોવાયેલી ચાલુ સરકાર અને ભારતની પિછડી જાતિમાંથી એક ચા વેચનાર સામાન્ય  નાગરિકમાંથી સ્વપ્રયત્ને આગળ વધી સતત ૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહી સ્વચ્છ  વહીવટ કરનાર ભાજપ પક્ષના વડા પ્રધાનના ઉમદવાર શ્રી નરેન્દ્ર મોદીની પસંદગી કરવાની હતી.

ભારતની  આમ જનતાએ ચૂંટણી પહેલાં જ નિર્ણય લઇ લીધો હતો  અને એ નિર્ણયને એમણે એમના મતોમા પરિવર્તિત કરી બતાવ્યો .

ભારતની લોકશાહી પરંપરાનો અને ભારતની આમ જનતાનો આ એક મોટો વિજય છે જેના પડઘા આખાયે વિશ્વમાં ગાજી ઉઠ્યા છે . અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મોદીને ફોન કરીને વિજય માટે અભિનંદન સાથે અમેરિકાની મુલાકાત લેવાનું આમન્ત્રણ પણ પાઠવ્યું છે .  

અમેરિકાની પ્રમુખશાહી લોકશાહીમાં ચૂંટણીની આંતરિક પ્રાઈમરી પ્રક્રિયામાંથી પસાર થઈને એક વ્યક્તિને પ્રેસીડન્ટ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે .ભારતની લોકશાહીમાં વડા પ્રધાનું નામ પક્ષના ચૂંટાએલા સભ્યોએ  નક્કી  કરવાનો સિરસ્તો હોય છે .  પ્રથમવાર  લોકસભાની આ  આખી ચૂંટણી એક જ નામ નરેન્દ્ર મોદી ઉપર જ લડાઈ .પક્ષનો ઢંઢેરો જાણે કે ગૌણ બની ગયો હતો . લોકોનો ચૂંટણીનો નારો હતો અબકી બાર મોદી સરકાર .

આમ લોકો નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકી દેશની હાલત સુધારવા માટે સારી બહુમતીથી એમને ચૂંટીને દિલ્હી મોકલવા માગતા હતા અને ખરેખર એમણે એ કરી પણ બતાવ્યું .

માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં વસતા ભારતીય મૂળના સભ્યોમાં પણ આં ચૂંટણીમા અપૂર્વ રસ દાખવ્યો હતો એ નીચેનો વિડીયો જોવાથી સમજાઈ જશે .

વારાણસી, ભારતથી વોશિંગટન અમેરિકા અને વિશ્વમાં ન.મો…. ન.મો …..

Narendra Modi goes global -વિડીયો જોવા આ લીંક ઉપર ક્લિક કરો

નરેન્દ્ર મોદી આધુનિક ટેકનોલોજી અને સોસીયલ મીડિયામાં સારું એવું જ્ઞાન ધરાવે છે .

નરેન્દ્ર મોદીના ૩૦ લાખ ટ્વીટર ફોલોઅર છે અને ચૂંટણીને લગતી થયેલી કુલ ૫.૬ કરોડ ટ્‍વિટમાંથી દર પાંચ ટ્વિટમાંથી એકમાં મોદીનું નામ હતું.

મોદીએ પણ જીતની ખબર પછી જે પ્રથમ ટ્વિટ કર્યો એ ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં આ હતો ” યહ ભારત કા વિજય વિજય હૈ . અબ અચ્છે દિન આને વાલે હૈ ” આ ટ્વિટએ રી ટ્વિટનો રેકોર્ડ તોડ્યો હતો .

૧૬ મી મેની બપોરે જ્યારે એ નક્કી થઇ ગયું કે ભાજપે સરકાર બનાવવા માટે ૨૭૨ + નો જાદુઈ અંક વટાવી દીધો છે ત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સેક્ટર ૨૨મા રહેતા એમના નાના ભાઈના ફ્લેટમાં ૮ બાય ૮ ની રૂમમાં રહેતાં એમનાં નેવું વર્ષ વટાવી ગયેલ માતા હીરાબેનને પગે લાગી એમના આશીર્વાદ લેવાનું કર્યું હતું .માતાએ એમના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા અને ગળ્યું માં કરાવ્યું હતું એ અદભૂત દ્રશ્ય વારંવાર ટી.વી. ઉપર બતાવાતું હતું.

 

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .

ત્યારબાદ મોદી ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય કમલમ  જઈ બધા કાર્યકરોને મળ્યા હતા પરંતુ ત્યાં એમણે કોઈ પ્રવચન કર્યું ન હતું .

જીત પછીનું પ્રથમ પ્રવચન એમણે ઐતિહાસિક ૫૭૦૦૦૦  રેકોર્ડ મતની બહુમતીથી લોકસભામાં ચૂંટીને મોકલનાર વડોદરાની જનતાની જંગી મેદની સમક્ષ કર્યું હતું અને એમનો આભાર માન્યો હતો.

Narendra Modi Victory Speech – Full Speech

એમના આ પ્રવચનમાં એમણે કહેવાતા સેક્યુલર બુધ્ધીવાદીઓને  છુપો સંદેશો આપી દીધો હતો છે કે એમણે લોકોમાં એમના વિરુદ્ધ જે હિન્દુત્વનું ઝેર અને ડર ફેલાવ્યો હતો એવો કોઈએ કોઈ જાતનો ડર રાખવાની બિલકુલ જરૂર નથી .

શ્રી મોદીએ એમના દેશના વરાયેલા વડા પ્રધાન તરીકેના આ પ્રથમ પ્રવચનમાં એમના પ્રચારમાં અનેકવાર એમણે જે કહ્યું હતું

એમણે ફરી દોહરાવ્યું હતું . “સબકા સાથ , સબકા વિકાસ ”  (with all, development for all)

આ માટે નીચેના વિડીયોમાં એક પ્રશ્ન ઉત્તરમાં મોદી શુ કહે છે એ સેક્યુલર ભારતની પીપુડી વગાડતા પંડિતોએ સાંભળવા જેવું છે .

વિડીયો જોવા માટે નીચેની લીંક ઉપર  ક્લિક કરો .
Modi’s greatest answer to a silliest question – Is there place for Muslims

ભારતની આમ જનતા એ નરેન્દ્ર મોદીમાં જે આશાઓ રાખી છે એ નિભાવવાની મોટી જવાબદારી હવે શ્રી મોદીને શિરે આવી છે . જૂની યુપીએ સરકાર જે ગંદુ ઘર એમને માટે મૂકી ગઈ છે એને બરાબર સાફ સુફ કરી વિશ્વમાં ભારતની છાપને નવો આયામ આપવાનું અને દેશના સર્વાંગી વિકાસનું  મુખ્ય કામ એમણે સૌના સાથ અને સહકારથી કરવાનું છે .

મહેસાણા જીલ્લાના એક ગામ વડનગરમાં કુટુંબ નિર્વાહ માટે ભૂતકાળમાં રેલવેના ડબ્બામાં ચા વેચનાર કિશોરમાંથી પ્રગતિ કરતાં કરતાં આ વિશાળ ભારત દેશના વડા પ્રધાન પદે પહોંચનાર શ્રી નરેન્દ્ર મોદીની આશ્ચર્ય જનક જીવન યાત્રાની તવારીખ નીચેના વિડીયોમાં નિહાળીને એમના લોખંડી વ્યક્તિત્વનો પરિચય મેળવો .

NARENDRA MODI’S INSPIRING BIOGRAPHY –

FROM TEA SELLER TO PM OF INDIA

શ્રી નરેન્દ્ર મોદીએ સક્ષમ વહીવટ કરીને દશ વર્ષમાં ગુજરાતને જેમ દેશનું પ્રથમ નબરનું રાજ્ય બનાવ્યું એ રીતે એમની વડા પ્રધાન તરીકેની નવી જવાબદારીમાં એ ભારત દેશને પ્રગતિના પંથે લઇ જવામાં જ્વલંત સફળતા મેળવે અને પ્રભુ એમને સદા હેમખેમ રાખે એવી હાર્દીક શુભેચ્છાઓ .

શ્રી નરેન્દ્ર મોદી તુમ આગે બઢો … પ્રજા તુમ્હારે સાથ હૈ 

ગાંધી, સરદાર પછી દેશને ગુજરાતે નરેન્દ્ર મોદીની જે સેવા માટે ભેટ આપી છે એ માટે ગુજરાત જરૂર યોગ્ય રીતે ગૌરવ લઇ શકે .

જ્વલંત વિજય માટે અભિનંદન શ્રી નરેન્દ્ર મોદી

આપની કામયાબી માટે અનેક હાર્દીક શુભ કામનાઓ .

વિનોદ પટેલ

( 453 ) આગની જ્વાળાઓમાં ફરી એકવાર ઝડપાયું કેલીફોર્નીયાનું રમણીય શહેર સાન ડિયેગો

આગની જ્વાળાઓમાં ઝડપાએલ  સાન ડિયેગોનાં બે દ્રશ્યો 

અમેરિકાની પશ્ચિમે પેસિફિક સમુદ્રને અડીને આવેલું કેલીફોર્નીયા સૌન્દર્યથી ભરપુર એક રાજ્ય છે . આ રાજ્યના મોટા શહેર લોસ એન્જિલસની નજીક જ પેસીફિક સમુદ્રને કિનારે આવેલું સાન ડિયેગો એ બીજા નંબરનું અગત્યનું જોવા લાયક સ્થળોથી ભરપુર રમણીય શહેર છે .

સાન ડિયેગો શહેર જ્યાં હું રહુ છું ત્યાં વર્ષ દરમ્યાન સરેરાસ તાપમાન ૭૦ ડીગ્રીથી ૭૫ ડીગ્રી વચ્ચે રહેતું હોય છે . એટલા માટે ટ્રાવેલ એન્ડ લીઝર ના વાર્ષિક સર્વે પ્રમાણે સાન ડીયેગોને ઉનાળુ વેકેશન માટેના અમેરિકાના સર્વ શ્રેષ્ઠ શહેર તરીકે એની ગણતરી કરી છે .

સાન ડિયેગો વિશેનો આ વિડીયો જોવાથી એની રમણીયતા અને એના સી વર્લ્ડ જેવા મશહુર જોવા લાયક સ્થળોનો સહેજે ખ્યાલ આવી જશે ,

ઉનાળુ વેકેશન માટે જ્યાં આ સીઝનમાં મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે એ સાન ડિયેગો શહેર છેલ્લા ચાર દિવસથી હાલ હું જ્યારે લખી રહ્યો છું ત્યારે શહેરના નવ વિસ્તારોમાં આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું છે .

નીચેની એ .બી.સી. ન્યુઝ અને સાન ડિયેગોના અખબાર યુનિયન ટ્રિબ્યુનની બે લીંક ઉપર ક્લિક કરીને એમાં મુકેલા વિડીયોમાં આ આગના દ્રશ્યો અને એનો અહેવાલ જાણી શકાશે .  

NINE CONFIRMED FIRE IN SAN DIEGO -ABC NEWS  

COMPLETE FIRE COVERAGE OF SAN DIEGO COUNTY FIRES  -U.T. 

સાન ડિયેગો ઉંચી ટેકરીઓ વચ્ચે વસેલું શહેર છે .કેલીફોર્નીયામાં વરસાદ બહું પડતો નથી . પાણીની ખેંચ રહેતી હોય છે  ઉનાળામાં જ્યારે ગરમી વધુ પડે અને આ સીઝનમાં પવન પણ ફૂંકાતો હોય છે એટલે ટેકરીઓ ઉપર ઉગી નીકળેલા સુકા ઝાંખરા અને ઘાસમાં આગ લાગવાનો ભય વધુ રહેતો હોય છે .પવનને લીધે ફેલાતી આગને કાબુમાં લેવાનું ફાયર બ્રિગેડ માટે બહું મુશ્કેલ બની જતું હોય છે . 

હું જ્યાં રહું છું ત્યાંથી આગ થોડી દુર છે એટલે અમોને બહું ભય નથી . પરંતુ મારો બીજો દીકરો જે સાન ડિયેગોમાં જ રહે છે એના ઘરની નજીકમાં જ આગ આવી ગઈ હતી . શહેરના સતાવાળાઓએ  આપેલ ચેતવણીની નોટીસ મુજબ એના કુટુંબને ઘર છોડી એના ધંધાના સ્થળે થોડો સમય જતા રહેવું પડ્યું હતું . પવનની દિશા બદલાતાં એનું ઘર બચી ગયું હતું અને એ લોકો સહીસલામત ઘરમાં પાછાં આવી ગયાં હતાં . 

કોણ જાણે કેમ સાન ડિયેગો શહેરને વાઈલ્ડ ફાયરનો શાપ લાગ્યો લાગે છે .

આ અગાઉ ઓક્ટોબર ૨૦૦૩માં કેલિફોર્નીયાના ઇતિહાસમાં કદી જોઈ ના  હોય એવી સીડાર ફાયર  તરીકે ઓળખાતી સૌથી મોટી આગનો  સાન ડિયેગો શહેરએ અનુભવ કર્યો હતો . આ વખતે ઈસ્ટ કાઉન્ટીની આગમાં ૩૦૦૦ મકાનો આગની જ્વાળામાં બળીને ભસ્મીભૂત થઇ ગયાં હતાં અને ૧૭ માણસો આગમાં સપડાઈને બળી મૂઆં હતાં . આ આગ વખતે મને અને મારા બે પુત્રોના પરિવારને વ્હાલા ઘરને રામ ભારોસે છોડીને લોસ એન્જેલસ રહેતી મારી દીકરીને ત્યાં આગ કાબુમાં આવી ત્યાં સુધી ત્રણ-ચાર દિવસ માટે રહેવા જવું પડ્યું હતું . શહેરમાં આગ બુઝાતાં જ્યારે સાન ડિયેગો સહીસલામત ઘરમાં પાછા આવ્યા ત્યારે જીવને ટાઢક થઇ હતી .

આવો જ એક બીજો વિચ ક્રીક નામનો વાઈલ્ડ ફાયર સાન ડીયેગોમાં ઓક્ટોબર ૨૦૦૭મા થયો હતો . આ આગમાં લગભગ ૨૦૦૦ મકાનો નાશ પામ્યાં હતાં અને ૧૫ માણસોએ એમના જાન ગુમાવ્યાં હતા .

અમેરિકાના પશ્ચિમ ભાગ , મધ્ય ભાગ અને પૂર્વ ભાગમાં હવામાનમાં જમીન અને આસમાન જેટલો ફેર રહેતો હોય છે . પશ્ચિમમાં સાન ડીયેગોમાં સરેરાસ હવામાન ૭૦-૭૫ ડીગ્રી વચ્ચે રહેતું હોય , વરસાદની અછત હોય ,ત્યારે પૂર્વના રાજ્યોમાં ૫ થી ૧૫ ડીગ્રીએ બરફની વર્ષા થતી હોય , મધ્યમાં ટોર્નેડોનાં તોફાનોમાં મકાનોનો નાશ અને જીવ હાની થતી હોય , તો કોઈ રાજ્યમાં વરસાદથી પુર આવતું હોય  .

આમ અમેરિકામાં ઠેર ઠેર હવામાન છેલ્લા કેટલાંક વર્ષોથી વિચિત્ર રીતે બદલાઈ રહ્યું છે. આ ગ્લોબલ વોર્મિંગની અસરને લીધે થાય છે એવો નિષ્ણાતોનો મત છે . આ બદલાતા રહેતા હવામાનને લીધે કેટલું બધું મિલકતોનું નુકશાન અને જીવ હાની થઇ રહી છે .

અમેરિકામા એના ઉપાય માટેનું કામ રાજકીય પક્ષોના ગ્લોબલ વોર્મિંગ અંગેના મતમતાંતરોના ઝગડામાં ખોરંભે પડ્યું છે  એ કેટલું આશ્ચર્ય જનક કહેવાય ! ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા માટેનાં પગલાં લેવામાં જે ઢીલ થઇ રહી છે એ ખરેખર વખોડવા લાયક છે .

વિનોદ પટેલ