જ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા, પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ
યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક
થોડા વખત પહેલા મુંબઈમાં બે દિવસના વર્કશોપનું આયોજન થયું હતું. નામ હતું એનું અન્તર્યાત્રા અર્થાત ભીતરની યાત્રા. આ અન્તર્યાત્રાના સૂત્રસંચાલક કંચન બબ્બરે પહેલા જ દિવસે ત્યાં હાજર રહેલાઓને પહેલો સવાલ પૂછ્યો. તમારા જીવનનો હેતુ શું છે? તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા ઇચ્છો છો? (આ સવાલ આપણે પણ પોતાને પૂછી શકીએ)
કેટલાક લોકોએ જવાબ આપ્યો અમે આત્મસાક્ષાત્કાર કરવા માગીએ છીએ. કેટલાંકે કહ્યું અમે સ્વથી પરિચિત થવા માગીએ છીએ. એકાદ-બે યુવાનો ઈમાનદાર હતા તો તેમણે કહ્યું કે અમારે તો પૈસાદાર થવું છે, અંબાણીઓ જેવા સફળ થવું છે, મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ જેવી કારમાં ફરવું છે, બંગલામાં રહેવું છે.
જો તમને આ પ્રશ્ર્ન પૂછવામાં આવે અથવા તમે પોતાને આ પ્રશ્ર્ન પૂછ્યો હશે તો દરેકનો જવાબ અલગ-અલગ આવ્યો હશે કે મારા લગ્ન થઈ જાય, મને પુત્રપ્રાપ્તિ (પુત્રી તો ભાગ્યે જ કોઈ ઝંખતું હશે) થઈ જાય, મારા ધંધામાં બરકત આવે, મારા છૂટાછેડા થઈ જાય, મારા દીકરાને અમેરિકાના વિઝા મળી જાય, મારી દીકરીના ઓસ્ટ્રેલિયામાં લગ્ન થઈ જાય, મારી પાસે હીરાનો નેકલેસ હોય, મને ઓસ્કર નહીં તો ફિલ્મફેઅર, નોબેલ નહીં તો જ્ઞાનપીઠ અને નહીં તો રોટરી ક્લબનો તો ઍવોર્ડ મળી જાય, ભાડાના ઘરમાંથી પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા જાઉં… યાદી લાંબી થઈ શકે છે.
આ વર્કશોપના સૂત્રસંચાલકે કહ્યું બધાનો જવાબ ખોટો છે. આવું સાંભળીને આંચકો લાગે એ સ્વાભાવિક હતું. કદાચ તમને પણ લાગ્યો હશે, પરંતુ શાસ્ત્રનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે ખરેખર તો આપણા આ બધા લક્ષ્ય પાછળનો હેતુ એક જ છે અને એ છે સુખ મેળવવાની આકાંક્ષા. હા, શક્ય છે કે આપણે એ સુખ મેળવવા જુદી-જુદી વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થિતિઓ સુધી જઈએ પણ મૂળમાં આપણને બધાને જોઈએ છે એક જ વસ્તુ-સુખ. દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે એમાં તો કોઈને દિલ્હીમાં વડા પ્રધાનપદની ખુરશીમાં તો કોઈને એ ખુરશી પર પોતાને યોગ્ય લાગતી વ્યક્તિને બેસાડવામાં સુખ મળશે એવું લાગે છે. આ વખતે ભાજપ અને ખાસ તો તેનું કેમ્પેઈન કરનારાઓએ માનવીની સુખ માટેની આ ઝંખનાની નસ બરાબર પકડી અને એક આભાસ ઊભો કર્યો કે બસ, ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી આવી જશે એટલે દેશમાં સુખ જ સુખ થઈ જશે. દિલ્હીથી સુખની ગંગા વહેવા માંડશે અને સૌ દેશવાસીઓ ખોબેખોબા ભરી-ભરીને એમાંથી સુખ પી શકશે.
ખેર, આપણી વાત પર પાછા આવીએ તો શાસ્ત્રો કહે છે કે માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું? જે સદૈવ એટલે કે હરહંમેશ હોય, બધી વસ્તુઓમાંથી મળે, જે સર્વત્ર હોય એટલે કે હું ક્યાંય પણ હોઉં પણ મને સુખ મળતું રહે, મારું સુખ કોઈ પર નિર્ભર ન હોય મતલબ કે કોઈ આવે તો હું સુખી થાઉં અને કોઈ જાય તો હું દુ:ખી થાઉં, મને પૈસા મળે તો હું સુખી અને ન મળે તો દુ:ખી તો એનો મતલબ એ થયો કે મારું સુખ પૈસા પર નિર્ભર છે. સારરૂપે કહીએ તો આપણે બધા એવું સુખ શોધતા હોઈએ છીએ જે સદૈવ, સર્વ વસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર હોય.
કહેવાય છે કે આવું સુખ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે અને દરેક માનવીને એ મળી શકે છે પણ એના માટે એક લાંબી અન્તર્યાત્રા કરવી પડે છે. આ સુખ પામવા માટેની ચાવીઓ અને રસ્તાઓ સંત, મહાત્મા કે જ્ઞાનીજનો આપી શકે છે.
પરંતુ પ્રશ્ર્ન એ ઉપસ્થિતિ થાય છે કે તો પછી જીવનમાં આપણે અનેકવાર જે સુખ અનુભવ્યું છે એ શું ખોટું હતું? આપણે જીવનમાં ઘણી વાર સુખી થયા છીએ, દુ:ખી વધુ થઈએ છીએ એ જુદી વાત, પણ જ્યારે-જ્યારે સુખ અનુભવ્યું એ આપણો સુખનો અનુભવ શું એક ભ્રમણા હતી? ના, એવું બિલકુલ નથી. આપણે જે-જે ઘડીએ સુખ અનુભવ્યું હતું એ સુખની અનુભૂતિ તો સત્ય હતી પણ આપણે અમુક-તમુક વસ્તુ કે વ્યક્તિ અથવા પરિસ્થિતિને કારણે આપણે સુખી થયા હતા એવું માનવું એક ભ્રમણા હતી એવું કહી શકાય.
આને બીજા શબ્દોમાં મૂકીએ તો માની લો કે પરેશ નામનો એક એકદમ ગરીબ છોકરો છે. તેને લાગે છે કે જો તેની પાસે એક કાર હોય તો તે સુખી થઈ જાય. ધારો કે પરેશે ખૂબ મહેનત કરી, નસીબે તેને સાથ આપ્યો અને તેને સારા પગારની નોકરી મળી ગઈ, બેન્કે તેને કાર લેવા માટે લોન પણ આપી. પરેશ એક નવીનક્કોર કાર લઈ આવ્યો. કારને હાર પહેરાવી, તેની સામે રસ્તા પર શ્રીફળ વધેરીને તેણે કાર સ્ટાર્ટ કરી. હનુમાનજીના મંદિરે લઈ ગયો. પરેશ ખુશખુશાલ થઈ ગયો. તેને લાગ્યું કે તેને તેનું સુખ મળી ગયું. વીક-એન્ડમાં તે પરિવારને લઈને લોનાવલા કે પછી કોઈ રિસોર્ટમાં લઈ ગયો. આપણે એમ ન કહી શકીએ કે પરેશે કાર મેળવીને જે અનુભવ્યું એ સુખ નહોતું પણ શું ખરેખર પરેશને એ સુખ કારમાંથી મળ્યું હતું?
બીજો એક દાખલો લઈએ. હેમા હનીમૂન પર સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી. ત્યાં તેના પતિના ખભા પર માથું ઢાળીને હાથમાં હાથ પરોવીને હેમાએ પહાડની પાછળ ધીમે-ધીમે અલોપ થઈ જતા સૂર્યને જોયો હતો ત્યારે હેમાને સૌથી વધુ સુખ થયું હતું. હેમાનું સુખ તેની ભ્રમણા હતી?
એક વાર્તા વાંચી હતી કે એક વૃદ્ધ રાજાની રાણી રાજ્યના યુવાન અને હેન્ડસમ સેનાપતિ સાથે પ્રેમમાં પડી. રાજા ખૂબ જ ગિન્નાયા અને તેમણે બંનેને ફાંસી આપવાનું નક્કી કર્યું પણ તેમના સમજદાર પ્રધાને રાજાને સલાહ આપી કે આવું કરશો તો પ્રજાની સહાનુભૂતિ પ્રેમીઓ તરફ રહેશે અને લોકો તમને ધિક્કારશે. પ્રધાનની સલાહ મુજબ રાજાએ તેની રાણી અને તેના પ્રેમીને એક રૂમમાં પૂરી દીધા. એ રૂમમાં બાથરૂમ કે શૌચાલય નહોતું. થોડાક કલાક તો પ્રેમીપંખીડાઓને લાગ્યું કે અત્યારસુધી ચોરીછૂપીથી મળવું પડતું હતું. થોડા કલાક પ્રેમાલાપ અને એવું બધું ચાલ્યું પણ થોડા જ દિવસોમાં તો બંને એકબીજાના દુશ્મન બની ગયા અને એકબીજાને ધિક્કારવા માંડ્યા. તેમના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. જે પ્રેમી અને પ્રેમિકા એકબીજા વિના જીવી નહોતા શકતા તે એકબીજાને મારવા તૈયાર થઈ ગયા હતા. જે પ્રેમી અને પ્રેમિકા સુખનું કારણ હતા તે જ દુ:ખદાયક બની ગયા. તો શું તે પ્રેમી અને પ્રેમિકાને અગાઉ એકબીજા પાસેથી સુખ મળતું હતું એ તેમની ભ્રમણા હતી?
કેટલીક વ્યક્તિઓ કહે છે કે અમુક ગાયકને અમે સાંભળીએ કે અમુક ગીત સાંભળીએ, અમુક પુસ્તક વાંચ્યુ ત્યારે સુખની અનુભૂતિ થઈ હતી, કેટલાંકને પાણીપુરીમાંથી કે ચોક્કસ બ્રાન્ડની ચોકલેટ કે મેન્ગો આઇસક્રીમ ખાઈને સુખની અનુભૂતિ થાય છે. હવે આ બધાં જ ઉદાહરણોમાં બધાને સુખની અનુભૂતિ થઈ હતી એ સત્ય છે. તેમનો અનુભવ તેમના માટે હકીકત છે. પરેશે મારુતિ અલ્ટો કાર લીધી તો એમાં તેને સુખ થયું હતું, પણ દરેક વ્યક્તિને શું મારુતિ અલ્ટો કાર મળવાથી સુખ થઈ શકે? જેની પાસે મારુતિ અલ્ટો હોય તેને મર્સિડીઝમાં પોતાનું સુખ લાગે. બીજી વાત, પરેશને મારુતિ અલ્ટોમાંથી કેટલા દિવસ સુખ મળશે? જો મારુતિ અલ્ટોમાં જ પરેશનું સુખ હોય અને પરેશને ફરજ પાડવામાં આવે કે તેણે મારુતિ અલ્ટો કારમાં જ ખાવાનું, સૂવાનું, રહેવાનું તો શું એ મારુતિ અલ્ટો તેના સુખનું કારણ બની રહેશે?
હેમાને સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત જોવામાં સુખ લાગ્યું હતું, પણ જો હેમાને કહેવામાં આવે કે તેણે સ્વિટ્ઝરલેન્ડમાં જ રહેવાનું છે અને દરરોજ સાંજે સૂર્યાસ્ત જોવાનો છે તો હેમાને એમાંથી સુખ મળશે? જેમને પાણીપૂરી ખાવાથી સુખ થતું હોય તેમને કહેવામાં આવે કે તમને હવેથી રોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સમાં પાણીપૂરી જ આપવામાં આવશે તો શું તેને પાણી પુરીમાંથી સુખ મળશે?
આ બધાનું તારણ એટલું જ કે આપણને સુખ આપણે માનીએ છીએ એ વસ્તુઓમાંથી, વ્યક્તિઓ પાસેથી કે સ્થિતિઓમાંથી નથી મળતું. આપણે જે અનુભવીએ છીએ એ સુખ ભ્રમણા નથી એ તો સત્ય જ છે, પણ ભ્રમણા છે આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું.
ઉપર જણાવેલાં બધાં જ ઉદાહરણોમાં તે-તે વ્યક્તિને એ-એ સંજોગો અને વસ્તુઓમાંથી સુખની અનુભૂતિ થઈ હતી. જેવી આપણને પણ અનેક વાર થાય છે પણ એ સુખનો સ્ત્રોત એ વસ્તુમાં નથી એટલું તો હવે સ્પષ્ટ થઈ જ ગયું હશે. તો પછી સુખ ક્યાં હતું?
વેલ, આપણે પોતે જ્યારે-જ્યારે સુખનો અનુભવ કર્યો હતો ત્યારે એક્ઝેક્ટલી શું થયું હતું એને રિવાઇન્ડ કરીશું તો આ સવાલનો જવાબ મળી જશે. આપણને જ્યારે-જ્યારે સુખનો અનુભવ થાય છે ત્યારે એ ક્ષણ પૂરતું આપણું મન થંભી જાય છે. આપણા મનની બધી જ દોડ અટકી જાય છે અને જ્યારે-જ્યારે એવું થાય છે ત્યારે-ત્યારે આપણને સુખની અનુભૂતિ થાય છે. આ બાબત તરફ આપણે પોતે ધ્યાન નથી આપતા અને એવું કરવાનું આપણને કોઈ શીખવતું પણ નથી. એટલે જિંદગીભર આપણે એ વસ્તુઓ, વ્યક્તિઓ કે સ્થિતિઓ ફરી-ફરી ઝંખતા રહીએ છીએ જ્યાંથી આપણને સુખ મળ્યું હતું. જેમ કે તીખું ચટાકેદાર ખાવાથી સુખની અનુભૂતિ થાય છે એવું આપણા મનમાં એટલી હદે ઠસી ગયું હોય છે કે આપણે એ સુખ મેળવવા વારંવાર એ વાનગીઓ ખાઈ-ખાઈને તબિયત બગાડી બેસીએ છીએ અને જ્યાં આપણે સુખ મેળવવા જતા હતા ત્યાંથી દુ:ખ લઈને આવીએ છીએ.
જ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ, કારણ કે સુખ આપણી ભીતર જ છે એનું જ્ઞાન થઈ જાય છે. એક વાર મનને થંભાવી દેતા આવડી જાય તો પછી જ્યારે, જે ઘડીએ, જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં સુખ જ સુખ થઈ પડે છે. મનને થંભાવીને સદૈવ, સર્વવસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર સુખ પામવાની યુક્તિ તો કોઈ જ્ઞાની સંત, સદ્ગુરુ, મહાત્મા કે યોગી જ આપી શકે.
અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ૪૪૨ માં હ્યુસ્ટન નિવાસી મારા મિત્ર શ્રી નવીન બેન્કર લિખિત સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ અર્પતો એક સુંદર લેખ પોસ્ટ કરવામાં આવ્યો હતો .
શ્રી નવીનભાઈના બ્લોગમાં પ્રગટ કૃતિઓ અને અને એમની હ્યુસ્ટનની સામાજિક પ્રવૃતિઓમાં જે ઉલટથી તેઓ ભાગ લઇ રહયા છે એના અહેવાલોથી જે તેઓ ઈ-મેલમાં મોકલતા રહે છે એનાથી હું વાકેફ છું . તેઓ મારા આ બ્લોગમાં પ્રગટ પોસ્ટ વાંચીને અવારનવાર એમના પ્રોત્સાહિત પ્રતિભાવો પણ લખતા રહે છે .
શ્રી નવીન બેન્કર નો વિસ્તૃત પરિચય કરાવતો એક લેખ હ્યુસ્ટનથી સુ. દેવિકાબેન ધ્રુવએ સુંદર શબ્દો અને શૈલીમાં લખીને એમના પ્રથમ ઈ-મેલથી મોકલતાં લખ્યું —
વિનોદભાઈ,
હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે.
પહેલી જ વાર ઈ મેઈલ લખી રહી છું તેથી નવાઈ લાગશે.બરાબર ને?
ખાસ તો તમારા બ્લોગ પર વ્યક્તિ પરિચય લખો છો તેથી નવીનભાઈ બેંકર વિશેનો પરિચય લખ્યો છે તે આપને મોકલી આપુ છું. યોગ્ય રીતે યોગ્ય જગાએ મૂકશો.
દેવિકા ધ્રુવ
દેવિકાબેને લખી મોકલેલ મારા મિત્ર શ્રી નવીનભાઈ વિશેનો માહિતીપૂર્ણ અને પ્રેરક લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .
આ લેખમાં તેઓએ શ્રી નવીનભાઈની ૭૩ વર્ષની સંઘર્ષમય જીવન યાત્રાની રસિક ઝાંખી કરાવી છે એ વાંચવા જેવી છે . આ લેખમાં એક ભાઈ પ્રત્યેનો એક બહેનનો પ્રેમ પણ જણાઈ આવે છે.
જીવન સંધ્યાએ પણ ખુબ પ્રવૃતિશીલ રહેતા શ્રી નવીનભાઈની એક જાણીતા સાહિત્યકારની કલમે લખાયેલ રંગીન જીવન ઝરમર તમને વાંચવી જરૂર ગમશે .
વિનોદ પટેલ
——————————————————–
નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.
— દેવિકા ધ્રુવ
NAVIN BANKER
નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા-રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક-સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.
“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.”
એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ-ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે.
આજે તેમના ભીતરમાં ડોકિયું કરી વિશેષ પરિચય કરીએ.
૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણા ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટા. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં આ છોકરો અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતો.પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાના ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતો.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતો. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !
આર્થિક સંકડામણોની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયા . સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા-નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. આજે પણ તેમને લાગે છે કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.
બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઇનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો.
૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકા લેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યા- ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા, એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.
નવીનભાઈ કહે છે તેમ તેમની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ છે.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે.તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે તેમની કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને જકડનારી રહી છે.
૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે.
૧૯૭૯માં અમેરિકા આવ્યા . ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ-વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ-ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા .પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧-૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી! ૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઇનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.
નવીનભાઈને એક કામ અતિ પ્રિય રહ્યું છે અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો નવીનભાઇના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો! મન્નાડે, આશા ભોંસલે, અનુ મલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિ ઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ ! આમાનાં ઘણા કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઇન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઇ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ જેટલાં અહેવાલો લખ્યા છે. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.
૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન-પત્રથી નવાજ્યું છે. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’ કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો છે.
૨૦૧૩માં તેમના લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયાં અને પત્ની કોકિલા સાથે પ્રસન્ન દાંપત્ય માણી રહ્યા છે. મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! હજી આજે ૭૩ વર્ષે પણ ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા, સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે, વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદના પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો હવે કરે છે. કારણ કે, દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવે છે. આ છીપલાં પણ કેવાં ? ખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ? -કશું નહિ !
ઇન્ટરનેટ પર તેમનો એક બ્લોગ પણ છે. બ્લોગનું નામ છે-
“મારાં સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં એમણે ખુલ્લાં કર્યાં છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યાં છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી. પોતાના ભાઈ-બહેનો પ્રત્યેનું વહાલ પણ અનન્ય છે. તેમાંની એક હું હોવાનું ગૌરવ અનુભવું છું. આજે આ વિશેષ પરિચય લખીને મારી કલમને અને પૂ. સ્વ.માને ધન્ય સમજું છું.
નામ ગોદડીયો કામ ગરબડ ગોટાળીંયુ ગોદડીયું ગામ નવરો બેસી નખ્ખોદ વાળી દે એવા આ ગોદડીયા રામ પાત્રો છે એનાં અવનવાં ને અવળચંદાં ના કરે આરામ આવો પધારો અમ આંગણીયે હસવાના ના લઇએ દામ
શ્રી ગોવિંદભાઈ એક જાણવા , માણવા અને મળવા જેવી વ્યક્તિ છે .
મારા મિત્ર શ્રી પી,કે.દાવડાજી એ એમની મિત્ર પરિચયની શ્રેણી મળવા જેવા માણસમાં તેઓએ શ્રી ગોવિંદભાઈનો સરસ પરિચય કરાવ્યો છે એ વાંચવા માટે નીચે ક્લીક કરશો .
શ્રી દાવડાજીએ એમના લેખને અંતે “નાની આવક પણ મોટું મન. બસ આ જ એક વાત એમને મળવા જેવા માણસ બનાવવા માટે પૂરતી છે.” એ વાક્ય અનુભવે કહી શકું કે બિલકુલ સાચું છે .
વિનોદ પટેલ
=================================
ગોવિંદભાઈની મને ગમતી એક પેરોડી કાવ્ય રચનાનો પણ નીચે આસ્વાદ લો .
ફેસ બુક મિત્રો દ્વારા એમના પેજ ઉપર પોસ્ટ થયેલ કે મિત્રો દ્વારા ઈ-મેલમાં પ્રાપ્ત થયેલ ક્યારેક કોઈ ચિત્રો જોઈએ છીએ ત્યારે એ ચિત્ર કઈક બોલતું હોય , એક મુંગો સંદેશ આપી જતું હોય એમ મનમાં થાય છે .
અંગ્રેજીમાં એક વાક્ય છે A picture speaks thosand of words એ બિલકુલ સાચું છે .
માણસના ચહેરાનું ચિત્ર એની લાગણીઓ અને મનોભાવનું દર્પણ હોય છે .
એક હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે એમ ” મનકી બાત બતા દેતે હૈ અસલી, નકલી ચહેરા “
એક મિત્ર તરફથી ઈ-મેલમાં મળેલ નીચેનું ચિત્ર જોતાં જ મને ગમી ગયું અને મિત્રોને પણ
શેર કર્યું -વહેંચ્યું- હતું .ખાસ કરીને આ ચિત્રનો જે મુક સંદેશ છે એ લાજવાબ છે .
એનું શિર્ષક મેં આપ્યું .. હાથીના દાંત !
આ ચિત્ર એમ કહેવા માગે છે કે માણસો મૂળભૂત રીતે દંભી હોય છે .
એમનામાં ઘર કરી ગયેલ દંભનું આ ચિત્ર એક આબાદ ઉદાહરણ છે .
એક મણની શિખામણ પણ અધોળનું યે આચરણ નહિ .
ભારતના આજના રાજનેતાઓને એ આબાદ લાગુ પડે છે .
આ નેતાઓ બીજાઓને શિખામણના પાઠ ભણાવવાના બદલે પોતે જ એનો અમલ
કરવાનું શરુ કરે તો કેટલું સારું .
એક કહેવત છે એમ હાથીને ચાવવાના દાંત અને દેખાડવાના દાંત જુદા જુદા હોય છે .
મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાની એ આ ચિત્ર જોઈને અંગ્રેજીમાં જે કોમેન્ટ લખી મોકલી એ કેટલી સાચી છે !
Very typical picture.
Maybe it reflects the psyche of the whole mankind.
We talk and preach – what we don’t practice !!
શ્રી જુગલકીશોરભાઈ વ્યાસે એમની ખાસિયત મુજબ ટૂંકમાં લખ્યું –
વાહ, શું સંદેશો છે !! – જુ.
———————————————————–
ફ્રિમોન્ટ , કેલીફોર્નીયા વાસી હમઉમ્ર અને સહૃદયી મિત્ર એમની નેટ યાત્રા દરમ્યાન જોયેલું અને ગમેલું કોઈ ચિત્ર
મને પણ જોવા ઈ-મેલમાં અવારનવાર મોકલે છે .
તેઓ આ ચિત્રને અનુરૂપ એ ચિત્રનું નામ પણ આપે છે જે મને ગમે છે .
દા.ત. એમની એક તાજી ઈ-મેલમાં એમણે ” ચાલો સાથે મળીને પ્રાર્થના કરીએ ”
એ નામ સાથે આ ચિત્ર મોકલ્યું છે .
આ ચિત્ર જોઈને મારા મનમાં જે વિચારો આવ્યા એ મેં એમને જણાવ્યા હતા એ કઈક આ મતલબના હતા .
એક બાળક અને કુતરા જેવું પ્રાણી એ પુખ્ત વયના મનુષ્યો કરતાં એમના આચાર
અને વિચારમાં ખુબ નિર્દોષ હોય છે .
તેઓ નિર્દોષ હોય છે એટલે પ્રભુનાં લાડકવાયાં હોય છે . કોઈવાર થાય છે ,
એક પુખ્ત વયના માનવી કરતાં બાળકો અને પશુઓમાં વધુ માનવીય ગુણો હોય છે .
ઉપર ચિત્રમાં બતાવ્યાં છે એવાં આ બે નિર્દોષ પ્રભુનાં બાળકો જગતની અટપટી ખટપટોથી
અજાણ છે એટલે જ એમની કરેલી પ્રાર્થના પ્રભુને વહેલી પહોંચે છે અને એને એ વહેલી સાંભળે પણ છે .
જુઓ આ કુદરતના બાળકો વચ્ચે સખાભાવ પણ કેવો અદભૂત છે .
એક સાથે હાથ જોડી એક ચિત્તે જોડા જોડ પ્રાર્થના કરવામાં કેવાં મગ્ન થઇ ગયાં છે !
કુદરત તારી લીલા કેવી અજ્બો ગજબ છે .
એક પ્રાણી અને એક માનવીને પ્રેમના તારથી કેવી જોડી દે છે !
વાચકોના પ્રતિભાવ