
ભારતના ભાજપ પક્ષના 13 મા વડા પ્રધાન માનનીય શ્રી અટલ બિહારી બાજપાઈ જેમની તબિયત હાલ નાદુરસ્ત છે , તેઓ એક કુશળ રાજકીય નેતા ઉપરાંત એક સારા કવિ પણ છે , એ બહું ઓછા લોકો જાણતા હશે .
શ્રી અટલજીની એક હિન્દી કવિતા એક મિત્રના ફેસ બુક પેજ ઉપર વાંચેલી જે મને બહું ગમી ગઈ હતી એ નીચે પ્રસ્તુત છે .
આજે જ્યારે ચૂંટણીનાં પડઘમ અને શોર બકોર શાંત થઇ ગયો છે અને ભાજપ પક્ષના જ એક બીજા લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર મોદી ,જેઓ પણ એક સારા કવિ છે ,એમણે ભારતના૧૫મા વડા પ્રધાન તરીકે ભારતના શાશનની શુભ શરૂઆત કરી દીધી એવા માહોલમાં અટલજીની નીચેની કવિતા બહું જ અર્થપૂર્ણ અને સમયોચિત છે . આજના સમયને પણ એ લાગુ પડે છે. જાણે કે આ કાવ્ય દ્વારા નવી મોદી સરકારને ટકોરા બંધ સંદેશ આપે છે કે દેશમાં હજુ કેટલું કરવાનું બાકી છે .
અટલજીના હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ પણ કાવ્યના ચિત્ર નીચે મુક્યો છે .

ગુજરાતી અનુવાદ
કોણ કૌરવ, કોણ પાંડવ ? ………( હિન્દી કાવ્ય )……. અટલ બિહારી બાજપાઈ
કોણ કૌરવ , કોણ પાંડવ
એ આજે એક અકળ સવાલ છે
બન્ને પક્ષે જુઓ
મામા શકુનીના કપટની
કેવી માયાજાળ છે !
ધર્મરાજા જેવાઓ પણ આજે
જુગારની લત મુકતા નથી
પાંચ માણસે આજે જુઓ
દ્રૌપદી કેવી અપમાનિત છે .
આજે કોઈ સાચો કૃષ્ણ રહ્યો નથી
એટલે
મહાભારત તો થવાનું જ
કોઈ રાજા બને છે
ગરીબોના નશીબમાં તો રોવાનું જ છે !
વિનોદ પટેલ
ઉપરના કાવ્યના પરિપેક્ષમાં ભારતના જ મુંબઈ શહેરનાં આ બે ચિત્રો જુઓ .
કેટલો બધો વિરોધાભાસ !
એક બાજુ છે દેશના ધન કુબેર મુકેશ અંબાણીનો જગતનો પ્રથમ નબરનો૧ બીલીયન ડોલરની કિંમતનો ૨૭ મજલાનો મહેલ . રહેનાર ફક્ત પાંચ જણ
અને
બીજી બાજુ છે મુંબઈ શહેરની પાઈપોમાં કામ ચલાઉ ઘર કરી રહેતાં
માંડ પેટ ભરી જિંદગી બસર કરતા અગણિત નગ્ન દેહી દરિદ્ર જનો .
આ ચિત્ર જોઈને મારા મનના દર્પણમાં પ્રતિબિબિત મારા વિચારો મારી
નીચેની રચનામાં વ્યક્ત કરેલ છે .
ગાઈએ છીએ છાશ વારે ,
ઊંચા અવાજે ,તાના ખીંચ કે ,
મેરા દેશ મહાન , મેરા દેશ આઝાદ ,
પણ આ તસ્વીર શુ કહી રહી છે ?
કેટલો બધો વિરોધાભાસ ,
એકબાજુ ,
ઊંચા મહેલો, ધનનું વરવું પ્રદર્શન ,
બીજી બાજુ
પાઈપોમાં પણ રહેવાની નહી જગા
એક સવાલ
દરિદ્ર જનતા ક્યારે જોશે આઝાદી કે અમન
દેશના લાંચિયા વહીવટદારો પાસે
છે આનો કોઈ જવાબ ?
યાદ આવે આજે
કવિ ઉમાશંકરની આ અમર પંક્તિઓ ……
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
વિનોદ પટેલ
———————————————————-

આ બાજુના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેશ ૧૯૪૭મા આઝાદ થયો એ પછી ૧૪ વડા પ્રધાનોએ એમાં જણાવ્યા પ્રમાણેના સમયકાળ દરમ્યાન ભારત દેશની ધુરા સંભાળીને વિદાય લીધી છે .
એમાં મોટા ભાગના સમયમાં કોંગ્રેસ સરકારનું શાશન હતું .એ મળેલ સમય દરમ્યાન આ સરકારોએ ગરીબી હટાઓની વાતો કરવા સિવાય એ માટે નક્કર આંખે દેખાય એવું શુ કર્યું?
એક બે અપવાદ સિવાય મોટા ભાગના દેશ નેતાઓએ ભ્રષ્ટાચાર આચરી એમના માટે અને એમનાં સગાંઓ વ્હાલાં માટે તો ઘણું કરી ગયા છે પણ દેશની હજુ પણ ગરીબીમાં સબડતી આમ જનતાના ઉત્કર્ષ માટે શુ કર્યું ?
આઝાદીનાં ફળ શુ આમ જનતા સુધી પહોંચ્યાં છે ?
રાષ્ટ્રપિતા ગાંધીજીની દેશની આઝાદીની કલ્પના જુદી હતી .તેઓ કહેતા હતા કે જ્યાં સુધી આઝાદીનાં ફળ દેશના છેવાડાના માણસ- દરિદ્ર નારાયણ – સુધી પહોંચે નહિ ત્યાં સુધી દેશ ખરા અર્થમાં આઝાદ થયો ના ગણાય .
અને એટલા માટે જ ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખી લોકોને દેશ સેવાના કામમાં લાગી જવા સલાહ આપી હતી .
આજે તો બિચારા ગાંધીનું રૂડું નામ વટાવીને યેન કેન પ્રકારેણ સતાની ખુરશી ઉપર ચડી બેસવા વંશ પરંપરાથી આતુર હોય છે .
શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ યાદ આવે …
ગાંધીજી
કેવો તુ કિમતી હતો સસ્તો,બની ગયો
બનવું હતું નહીં ને શિરશ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.
હવે દેશની ધુરા ૧૫મા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ
સંભાળી છે . શરૂઆત તો એમણે આશા જન્માવે એવી
કરી છે .પરંતુ એની ખરી કસોટી તો શ્રી મોદી એમના
સ્વપ્ન પ્રમાણે દેશના વિકાસનાં ફળ આમ જનતા સુધી
પહોંચાડવામાં સફળ થાય છે કે નહી એના ઉપરથી જ
થવાની છે .
આજ તો એમને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવીએ
અને એ કસોટીનાં પરિણામોની રાહ જોઈએ .
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ