ગાંધી અને લવલેટર્સ ! ગાંધીજી કસ્તૂરબાને પ્રેમપત્ર લખે ! ! ઘણાને કદાચ આ વાત જલ્દી માન્યામાં ના આવે એવું બની શકે !
Mohandas K.Gandhi and Kasturba Gandhi – Photo of 1902 in South Africa .
દેશની આઝાદી અને દેશ સેવા જેમનો એક ધર્મ બની ગયો હતો એવા મહાત્મા ગાંધી એમના દેશ સેવાના કાર્યોમાં ગળાડૂબ રહેતા હોવા છતાં સમય કાઢીને જ્યાં હોય ત્યાંથી અવાર નવાર કસ્તુરબાને પત્રો લખી એમના પ્રત્યેની એમના હૃદયની લાગણી વ્યક્ત કરતા હતા .
ગાંધીજી અને કસ્તુરબા એટલે એક આદર્શ પતિ-પત્નીના સંબંધોની મિશાલ .
આ પત્રોમાં ગાંધીજીને કસ્તુરબા પ્રત્યે કેવો હૃદયનો પ્રેમ છલકાતો હતો એની વાત ગાંધીજીના આવા કેટલાક પ્રેમ પત્રોનું ઉદાહરણ આપીને શ્રી તેજસ વૈદ્ય શ્રી વિપુલ કલ્યાણીના નેટ મેગેઝીન ઓપીનીયનમાં પ્રથમ પ્રગટ અને વિનોદ વિહારની આજની પોસ્ટમાં ફરી પ્રસ્તુત એમના લેખમાં કરી છે .
લેખક તેજસભાઈ કહે છે એમ આ દરેક પત્ર ગાંધીજીના પરિપક્વ પ્રેમનો દસ્તાવેજ છે.
આજના માહોલમાં ગાંધીજી અને દેશ માટે આપેલ એમનો ત્યાગ અને અને બલિદાન વિસરાતાં જાય છે ત્યારે એમના અદભૂત વ્યક્તિત્વની આવી અજાણી બાજુઓનો પરિચય થતો રહે એ જરૂરી છે .
આશા છે આપને પણ આ લેખ વાંચી ગાંધીજી અને કસ્તુરબાના પ્રેમ સંબંધો અંગે જાણીને એમના સુખી દામ્પત્ય જીવનની ઝાંખી કરવાનું ગમશે .
આજની પોસ્ટ માટે લેખક શ્રી તેજસ વૈદ્ય ,ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચાર માટે ઉત્સાહથી કાર્ય રત એવા લંડન નિવાસી મિત્ર શ્રી વિપુલભાઈ કલ્યાણી અને એમના ઓપીનીયન મેગેજીનનો હું ખુબ આભારી છું .
Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel
is also seen looking at this memorable scene of love between this great couple !
ગાંધીજી વળી કસ્તૂરબાને પ્રેમપત્ર લખે! આવો સવાલ જો થતો હોય તો બાએ બાપુને લખેલા કોઈ પણ પત્રને ઉઠાવીને સહેજ બારીકાઈથી વાંચજો. એ દરેક પત્ર પરિપક્વ પ્રેમનો દસ્તાવેજ છે.
કસ્તૂરબા અને ગાંધીજીનું જીવન આપણે સામાજિક કે રાજકીય રીતે જ જોયું છે. પાઠયપુસ્તકોથી લઈને ઇતિહાસ ગ્રંથોમાં તેમનું એ રીતે જ આકલન થયું છે. પણ … બા અને બાપુના જીવનના તાણાવાણામાં સુંદર લવસ્ટોરી પણ હતી. ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્રો, બંને વચ્ચેના પ્રસંગો, ચણભણમાં પ્રેમપદાર્થ પ્રગટ સૂક્ષ્મ સ્વરૂપે સમાયેલો છે .
ગાંધીજીના જે કાંઈ સિદ્ધાંત કે સત્યાગ્રહ હતા તે ગાંધીજીના હતા, કસ્તૂરબાના નહોતા. કસ્તૂરબાને તો એક સાદું ગૃહસ્થ જીવન જીવવું હતું. કસ્તૂરબાને ક્યારે ય મહાન બનવાની કે દેશને આઝાદ કરવાની ધખના નહોતી. તે છતાં ય તેમણે બાંસઠ વર્ષ સુધી ગાંધી ચીંધ્યા જીવતરે કસોટીભર્યું જીવન ગાળ્યું. તેમની સહજવૃત્તિ બાપુને અનુકૂળ થવાની હતી. એને આપણે પ્રેમ નહીં તો બીજં શું કહીશું?
“બા, આ સાથે અકોલાથી આવેલ કાગળ છે. તું મજામાં હશે. કાલે બંને છોકરીઓના વિવાહ છે. તારી ગેરહાજરી સઉને સાલે છે. કન્યાદાન મારે દેવાનું છે અને તે તારી ગેરહાજરીમાં.” (૦૬.૦૨.૨૯)
“બા, તેં મને બરાબર ચિંતામાં નાખી દીધો. તારી તબિયત વિશે આ વખતે મેં ચિંતા ભોગવી એવી કદી નથી ભોગવી. આજે દેવદાસનો તાર આવ્યો એટલે નિરાંત વળી. મારી ચિંતાનું કારણ તો તને મેં દુઃખી છોડી હતી એ હતું. હું સારું કરવા ગયો ને તને દુઃખ થયું પછી તો તું ભૂલી. પણ હું કેમ ભૂલું? માંદી તો હતી જ. ઈશ્વરે કૃપા કરી લાગે છે.” (૧૨.૧૦.૩૮)
“બા, તારે વિશે ખબર મળ્યા કરે છે. દેવદાસ તારી રાવ પણ ખાય છે કે તું ખૂબ નબળી થઈ ગઈ છે છતાં ઊઠબેસ કર્યા કરે છે. દાક્તર કહે તે માનવું જોઈએ. ઝટ સાજી થઈ જાય તો સહુ ચિંતામુક્ત થઈએ.” (૧૩.૧૦.૩૮)
“બા, તું મારા કાગળ ન હોવાની ફરિયાદ કરે છે. આજ તારી ટપાલ નથી. એ કેમ? અહીં તો બધું ઠીક જ ચાલે છે. ફિકર કરવાનું કંઇ કારણ નથી.”(૨૩.૦૨.૩૯)
ઉપર જે ટુકડા વર્ણવ્યા છે તે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્ર છે. લવલેટર્સ વિશે આપણા મનમાં એક ચોક્કસ ફ્રેમ હોય છે. આછા ગુલાબી રંગના રોમેન્ટિક કાગળ હોય. એના પર અક્ષર મંડાયેલા હોય.એને પાછું એવા જ રોમેન્ટિક પરબીડિયામાં બીડેલું હોય. ટપાલી પણ પોસ્ટ કરવા જાય ત્યારે તેના મનમાં વિચાર ઝબકે કે છોકરા કે છોકરીનું ઠેકાણે પડી ગયું છે અને આ તો નક્કી પ્રેમપત્ર જ છે.સામેનું પ્રિય પાત્ર જ્યારે પરબીડિયું ખોલે ત્યારે અંદરથી કાગળની સાથે સુકાયેલા ગુલાબની પાંદડીઓ પણ નીકળે. કેટલાંક ઉત્સાહી તો વળી પ્રેમ પરબીડિયું મોકલે ત્યારે લેટરની અંદર પરફ્યૂમ પણ છાંટે!
ટૂંકમાં, લવલેટર તો આવા જ હોય એવી એક પ્રચલિત ફ્રેમ આપણા મનમાં છે. અલબત્ત, આમાં કંઈ ખોટું નથી. આ એક અદ્દભુત ઘટના છે. વર્ષો પછી જ્યારે બંને પાત્ર ફરી એ પત્રો ઉઘાડે ત્યારે એમાં ગુલાબની પાંખડીઓ સાવ કરચલી થઈ ગઈ હોય ને સ્પ્રેની સુગંધ ભલે ઊડી ગઈ હોય પણ એની અસર તો બંને માટે આજીવન તાજી જ હોય છે.હવે મુદ્દાની વાત. પ્રેમપત્રના આ પ્રચલિત કોચલા અને વ્યાખ્યાની બહાર પણ પતિ-પત્ની વચ્ચે એકબીજાંની કાળજી અને ઝીણું ઝીણું જતન લેતા જે પત્રો લખાય એ પણ પ્રેમપત્ર જ છે. એ રીતે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા તમામ પત્ર પ્રેમપત્ર છે.
એ દરેક પત્રમાં ઝીણું ઝીણું જતન ઝળકે છે. બાપુ દેશભરમાં રખડતા હોય તો ય બાને પત્ર લખવાનું ચૂકતા નથી. અરે, રસપ્રદ વાત તો એ છે કે ગાંધીજીએ મોડી રાત્રે તેમ જ મળસ્કે પત્રો લખ્યા છે.
જુઓ, કેટલાક નમૂના.
“બા, સવારના ૩.૩૦ થયા છે ગુરુવાર છે.(૨૯.૦૩.૩૪)”,
“બા, આજે શુક્રવાર છે. તારો કાગળ હજુ નથી મળ્યો. સવારના ૩ વાગવાનો વખત છે.”(૦૬.૦૪.૩૪),
“બા, સવારના ૪ થવા આવ્યા છે. આંખમાં ઊંઘ છે.”(૨૭.૦૪.૩૪)
તમામ પત્રોમાં બા પ્રત્યે ખૂબ વહાલ ઝળકે છે. ક્યારેક તો એમ લાગે કે બાપુ પોતે બા પાસે હાજર નથી અને હાજરી પુરાવવા પત્ર લખે છે. દરેક પત્ર બાપુની બા પ્રત્યેની કાળજી દર્શાવે છે. કાળજી એ પ્રેમનું વ્યક્ત સ્વરૂપ નથી તો શું છે? ‘કાળજી’ શબ્દ કદાચ ‘કાળજા’ પરથી તો નહીં આવ્યો હોય ને!
વાચકોના પ્રતિભાવ