” Yoga synchronises the mind,body and soul.” —Narendra Modi
સંદેશ.કોમમાં એક સમાચાર —-
“ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કામ શરૂ કરતા-વેત જ સંસદના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી દીધી છે અને જણાવ્યું છે કે ‘મને પગે લાગવાનું બંધ કરી દો, અને સંસદમાં નિયમીત હાજરી આપો’
ઉપરના સમાચાર અને શ્રી મોદીએ વડા પ્રધાનના શપથ લીધા એ દિવસથી જ સુરાજ્ય માટે પ્રધાનો અને અમલદારો માટે આચાર સંહિતા બનાવીને જે રીતે કામકાજ શરુ કરી દીધું છે એના સમાચારો ઉપરથી મને એક પેરડી/ કટાક્ષ લેખ લખવાની મનમાં પ્રેરણા થઇ. એના ફળ સ્વરૂપે એક પેરડી લેખ નીચે પ્રસ્તુત છે .
આશા છે મારો આ નવો પ્રયોગ તમને ગમે .
વિનોદ પટેલ
—————————————————————————-
( 469 ) સરકારી શાળાના એક નવા હેડ માસ્તર ! …….. ( પેરડી લેખ )
ગામની સરકારી શાળાનું નવું સત્ર તાજું જ શરુ થયું હતું . શાળાના ઘંટનો ટકોરો પડતાં જ બધા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાંથી દોડતા દોડતા વર્ગમાં પોત પોતાની જગાએ ગોઠવાઈ ગયા . આવું આ શાળામાં અગાઉ કદી બન્યું ના હતું . હકીકતમાં આ શાળાના વિદ્યાર્થીઓ તો તોફાનો કરવા , બધું રફે દફે કરવા , મોડા આવવા અને શાળાની વસ્તુઓને ચોરીને ઘેર લઇ જવાં માટે પંકાયા હતા . વિદ્યાથીઓ ગ્રુપમાં વહેંચાઈ જઈને એકબીજા સાથે જગડતાં હતાં.
આ જાતની ગામની કુખ્યાત નિશાળમાં અચાનક આવેલ ફેરફારનું કારણ એ હતું કે આ શાળામાં નરેશભાઈ નામના એક નવા શિક્ષક હેડ માસ્તર તરીકે જવાબદારી સંભાળી હતી .
આ નરેશભાઈ આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા પહેલાં એક દુરની શાળામાં ૧૩ વર્ષ સુધી આદર્શ શિક્ષક તરીકેની સુંદર કામગીરી બજાવી વિદ્યાથીઓમાં અને શિક્ષણ જગતમાં પ્રિય થઇ ગયા હતા .
એમનું કામ જોઈને જ ગામની પંચાયતે એક ઠરાવ પસાર કરીને નરેશભાઈને ગામની શાળાના હેડ માસ્તર તરીકે નિમણુંક કરી હતી .આ નવા હોંશિયાર હેડ માસ્તર શાળાની બગડેલી છાપને સુધારશે એવી આશાઓ સાથે ગ્રામ પંચાયતે એમને આ જવાબદારી આપી હતી .
આ નવા હેડ માસ્તરે આવ્યા એ દિવસથી જ એમની કામ કરવાની આગવી સ્ટાઈલથી વિદ્યાર્થીઓમાં અને બીજા શિક્ષકોમાં એક ધાક પાડી દીધી હતી .પહેલા જ દિવસે એમણે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક સંયુક્ત સભા બોલાવી અને સ્પષ્ટ શબ્દોમાં સૌને ચીમકી આપતાં કહ્યું :
“જુઓ , આ ગામની પંચાયતે મને અહીં સારું કામ કરી બતાવીને શાળાની જે બહાર ખરાબ આબરુ છે એને સુધારવા માટે બોલાવ્યો છે .
મને જાણવા મળ્યું છે કે મારી પહેલાં મહેતો મારે ય નહી અને ભણાવે ય નહી એવા મુગા દાઢીવાળા હેડ માસ્તર મનોહરભાઈ હતા જે હંમેશાં બહાર ગામનાં એક શિક્ષિકાબેન મોનીયાજી કહે એમ કામ કરતા હતા .એ વખતે તમને બધાને બહું મજા પડી ગઈ હતી .શાળાના પીરીયડમાંથી ગાપચી મારીને બહાર રખડવાની, મોડા આવવાની અને અંદર અંદર ઝગડા કરવાની જે ટેવ પડી છે એ હવે મારા વહીવટમાં હું જરાયે નહિ ચલાવી લઉં .”
શિક્ષકોને ઉદ્દેશીને પણ હેડ માસ્તર નરેશભાઈએ કહ્યું :
” આપણે સૌએ સાથે મળીને આ શાળાની ગયેલી આબરુને પાછી લાવવાની છે .
હું જૂની શાળામાં હતો ત્યારથી જ દરરોજ રાત્રે ગમે એટલો મોડો સુતો હોઉં પણ સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું. એક કલાક માટે યોગ અને ટ્રેડ મિલ ઉપર દોડીને શરીર અને મનને કામ કરવા માટે હંમેશાં સતેજ રાખું છું . તમારે પણ વહેલા ઉઠી સવારે સમય પહેલાં કામે ચડી જવાનું છે .તમે જો સમયસર નહિ આવો તો તમે વિદ્યાર્થીઓને સમયસર આવવાનું કેવી રીતે કહી શકશો .
આ શાળામાં સુધારો કરવા માટે મેં જે ૧૦૦ દિવસનો રોડ મેપ કાર્યક્રમ નક્કી કર્યો છે એનું ચુસ્ત પણે પાલન થાય એવી મારી ઈચ્છા છે . એમાં તમારે મને પુરો સહકાર આપવાનો છે . સબકા સાથ , સબકા વિકાસ .
બસ આજે આટલું જ . બધા પોત પોતાના વર્ગમાં જઈને કામે લાગી જાઓ .”
બધાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને આ નવા હેડ માસ્તર નરેશભાઈની ની વાત ગળે ઉતરી ગઈ હોય એમ લાગ્યું .એમના મનમાં ગેડ બેસી ગઈ કે નવા સાહેબની કામ કરવાની આ નવા પ્રકારની રીત ગામની આબરુ અને શાળાના ભલા માટે જ છે .
પરંતુ ગામમાં ચૌદાશીયા અને દરેક સારી વાતમાં પણ વાંક જોવાની ટેવ વાળા માણસોનો તોટો નથી હોતો. આવા દ્વેષીલા માણસો કહેવા માંડ્યા કે આ નવા માસ્તર એકદમ બદલાવ લાવવાની મોટી મોટી વાતો કરે છે પણ બધું રાતો રાત ઓછું બદલાવાનું છે .
શિક્ષકો અને વિદ્યાર્થીઓ શરૂ શરૂમાં એમનાથી અંજાશે પણ જો જો ને ધીમે ધીમે તેઓ પણ જુના હેડ માસ્તર વખતે હતા એવા જાડી ચામડીના થઇ જવાના છે .
હેડ માસ્તર જાતે એકલા છે પણ બીજા શિક્ષકો કઈ એમના જેવા બાવા નથી . એમને એમનું કુટુંબ હોય છે . જોઈએ છીએ કેટલા દીવસ એમનું ચાલવાનું છે.નવું નવ દહાડા પછી બધું ઠેરનું ઠેર થઇ જવાનું છે !
એમ વહેલા ઉઠી , વહેલા આવીને વધારે કામ કરવાથી હંમેશાં સારું અને બહું કામ કરી શકાય એવું ઓછું છે !”
પરંતુ આ હેડ માસ્તર નરેશભાઈને આવા વાંક દેખા માણસોની કોઈ ચિંતા નથી .એતો એમના નિર્ધાર કરેલ લક્ષ્ય પ્રમાણે પહેલા દિવસથી જ શાળાની કાયા પલટ કરવાનાં કામમાં મચી પડ્યાં છે . જૂની શાળામાં હતાં ત્યારે પણ આવા વાંક દેખા લોકોએ એમને પજવવામાં બાકી રાખ્યું ન હતું પણ નીલકંઠની જેમ એ ઝેરને પચાવી કામ કર્યે જવાનું એમના સ્વભાવમાં જ વણાઈ ગયું છે .
શાળા છૂટી એટલે કેટલાક તોફાની વિદ્યાર્થીઓ અગાઉની ટેવના માર્યા સાહેબ આગળ સારી છાપ અને ચાપલુસી કરવા એમના પગે પડવા માંડ્યા .
હેડ માસ્તર સાહેબ બે કદમ પાછા પડી જઈને એમને ચીમકી આપતાં કહ્યું ” જુઓ, તમારે મને પગે પડીને ચાપલુસી બતાવવાની કોઈ જરૂર નથી .
તમારી પહેલાંની આ ખોટા મસ્કા મારવાની ટેવ હવે છોડી દેવાની છે . મને એ જરાયે પસંદ નથી . જે કામ કરે એ જ માણસ મને તો ગમે .તમારે તો મારી આજ્ઞાનું પાલન કરીને તમને આપેલું લેશન વર્ગમાં નિયમિત હાજરી આપીને પુરું કરવાનું છે .બરાબર ભણવાનું છે . હું જ્યાં સુધી ગામની આ શાળામાં હેડ માસ્તર છું ત્યાં સુધી તમારી લાલિયા વાળી હવે ચાલવાની નથી “
શાળાના વિદ્યાર્થીઓ પણ હવે આ નવા સાહેબને બરાબર ઓળખી ગયા છે કે એમની હાજરીમાં પહેલાં જેવું બખડજન્તર ચાલવાનું નથી .
બધાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે નિયમિત રીતે સમય પહેલાં જ શાળામાં આવી જાય છે . શાળાના પીરીયડમાંથી ગાપચી માર્યા વિના પોતપોતાનું કામ કરતા થઇ ગયાં છે .
નવા હેડ માસ્તર આખો દીવસ શાળાની જ ચિંતામાં જ હોય છે . કલાક બે કલાક પહેલાં જ એ શાળામાં હાજર થઇ કામમાં લાગી જાય છે અને શાળા છૂટે એ પછી કલાકો શાળામાં બેસી કામ કરતા દેખાતા હોય છે .
આવા કામગરા અને શાળાની રાત દીવસ ચિંતા કરતા હેડ માસ્તરની અસર બીજાઓ ઉપર પડવાની જ છે . ગામના લોકોને ખાત્રી થઇ ગઈ છે કે નવા હેડ માસ્તર નરેશભાઈના વહીવટમાં ગામ માટે અને ગામની શાળા માટે સારા દિવસો જરૂર જોવા મળશે .
આજે તો આ ગામ અને આજુબાજુના ગામોના લોકો આ નવા હેડ માસ્તર નરેશભાઈએ શરુ કરેલા કામ યજ્ઞથી ગેલમાં આવી ગયાં છે અને નવા સાહેબનાં ચોરે અને ચૌટે આજે ગુણગાન થઇ રહ્યાં છે .
હવે એ જોવાનું છે કે આ સૌ લોકોએ નવા હેડ માસ્ટરમાં રાખેલ આશાઓ અને વિશ્વાસને ખરો પાડવામાં તેઓ કેટલા દરજ્જે સફળ થાય છે !
વિનોદ પટેલ
———————————————————————————————————-
ઉપરની પેરડીને મળતી જ આવતી વાત નીચેના કાર્ટૂન વિડીયોમાં કરી છે .
વાચકોના પ્રતિભાવ