શ્રી ગોવિંદભાઈ પટેલ બ્લોગર જગતના મારા નજીકના મિત્રોમાંના એક છે .
ગોવિંદભાઈને બે વાર રૂબરૂ મળવાની તક પ્રાપ્ત થઇ છે અને ફોનથી તો અવાર નવાર દિલથી વાતો કરીએ છીએ .
મારી શ્રી ગોવિંદભાઈ તેમ જ અન્ય બ્લોગર મિત્રો શ્રી રમેશભાઈ પટેલ અને શ્રી આનંદ રાવ લિંગાયત સાથેની રૂબરૂ મુલાકાતની આ રહી એક બોલતી તસ્વીર .

Rameshbhai, Anandrao, Vinodbhai and Govindbhai
ગોવિંદભાઈ સદા હસતા અને હસાવતા માણસ છે એની ખાતરી કરવા માટે એમના બ્લોગ ગોદડિયો ચોરોની પોસ્ટ વાંચવી જોઈએ .
ગોવિંદભાઈ અમેરિકામાં હોવા છતાં ભારતના રાજકારણની બધી ખબર રાખે છે અને એમના જ્ઞાનનો ઉપયોગ એમના બ્લોગની પોસ્ટમાં કરતા હોય છે .
એમના આ ગોદડિયા ચોરામાં ગામડાના માણસોની ગામઠી ભાષામાં આ રાજકારણ કેવું ખીલી ઉઠે છે એ જાણવા અને એમની હાસ્ય શૈલીનો પરિચય કરવા એમની આ બે પોસ્ટ વાંચો .
“ચાય પે ચર્ચા– નકામા ખર્ચા”
ગોદડિયો ચોરો…મચ્છરોની મહાપંચાયત
એમણે લખ્યું છે —-
નામ ગોદડીયો કામ ગરબડ ગોટાળીંયુ ગોદડીયું ગામ
નવરો બેસી નખ્ખોદ વાળી દે એવા આ ગોદડીયા રામ
પાત્રો છે એનાં અવનવાં ને અવળચંદાં ના કરે આરામ
આવો પધારો અમ આંગણીયે હસવાના ના લઇએ દામ

શ્રી ગોવિંદભાઈ એક જાણવા , માણવા અને મળવા જેવી વ્યક્તિ છે .
મારા મિત્ર શ્રી પી,કે.દાવડાજી એ એમની મિત્ર પરિચયની શ્રેણી મળવા જેવા માણસમાં તેઓએ શ્રી ગોવિંદભાઈનો સરસ પરિચય કરાવ્યો છે એ વાંચવા માટે નીચે ક્લીક કરશો .
જાણવા જેવા માણસ- ગોવિંદ પટેલ લેખક- પી.કે.દાવડા
શ્રી દાવડાજીએ એમના લેખને અંતે “નાની આવક પણ મોટું મન. બસ આ જ એક વાત એમને મળવા જેવા માણસ બનાવવા માટે પૂરતી છે.” એ વાક્ય અનુભવે કહી શકું કે બિલકુલ સાચું છે .
વિનોદ પટેલ
=================================
ગોવિંદભાઈની મને ગમતી એક પેરોડી કાવ્ય રચનાનો પણ નીચે આસ્વાદ લો .
નેતાજી તો પરલોક પધાર્યા… કાવ્ય
===============================================================
( રાગ:== વૈષ્ણવ જન તો તેને રે કહીએ…………………………. )
================================================================
નેતાજી તો પરલોકમાં પધાર્યા પરલોકને ફફડાવે રે.
ચિત્રગુપ્તજીને સવાલ પૂછીને હિસાબ સઘળો માંગે રે…….
નેતાજી તો…(૧)
આ તમારો યમરાજ છે કેવો નહી અક્કલનો છાંટો રે
પાડે બેસાડી એ મને જ લાવ્યો શિખામણ એને આપો રે……
નેતાજી તો…(૨)
મોઘી ને એરકંડીશન એવી કારોમાં જ હું ફરનારો રે
પાડે બેસી ને કમર જ દુખી કોલગર્લને તો બોલાવો રે…….
નેતાજી તો…(૩)
ચિત્રગુપ્તજી કહે બધા પશુઓને પૂછી ને પૂછાવ્યું રે
પાડો કે’ હું જ જવાનો કેમ કે એ તો છે મારા જેવા રે……..
નેતાજી તો…(૪)
પાપ પુણ્યના ચોપડા ને મુકો આ બધી ધમાલો રે
ભાગમાં આપણે ધંધો કરીએ કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો રે……..
નેતાજી તો…(૫)
મારા જેવા હોય અહીં તો એમની મીટીંગ બોલાવો ને
એક પાર્ટી અહીં જ બનાવીને મને હાઈકમાંડ બનાવો રે…….
નેતાજી તો…(૬)
ભાષણ કરવાનું કામ જ મારું, એ સર્વેને સમજાવો રે,
સ્વર્ગવાળાને વચનો દેવાના નર્કવાળાને આવકારો રે………
નેતાજી તો…(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું ને તમે ખાધે જ રાખો રે,
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી જરૂરે માફી માગો રે………..
નેતાજી તો…(૮)
કૈક થાય તો ગભરાતા નહી છે રસ્તો મારી પાસે રે
વિષ્ણુને વૈકુંઠ મુકાવશું પક્ષપલટામાં હું પાવરધો રે………
નેતાજી તો…(૯)
ભાષણમાં હું ગાંધી જેવો ને કાર્યે ગબ્બર જેવો રે
ફેશનમાં તો જોની જેવો ને ખાધે પીધે પાડા જેવો રે………
નેતાજી તો…(૧૦)
બદલી અને યોજનાની સાથે, નાણાં ખાતું આપો રે
સ્વર્ગમાંથી નરકમાં ફેરવવાનો કીમિયો તો જુઓ રે ………
નેતાજી તો…(૧૧)
નેતા થઈને સભાઓ ગજવી દહેજ વિરોધી નારો રે
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો લ્હાવો રે……..
નેતાજી તો…(૧૨)
આ બધું જ કરું તમ કાજે પણ શરત મારી સ્વીકારો રે
ચુંટણી ટાણે મને રજા આપી ધરતી પર મોકલાવો રે……..
નેતાજી તો…(૧૩)
હાઈકમાંડ અને પ્રમુખને હું પગે પડી સમજાવું રે
સગા -સબંધીને ટીકીટ અપાવું ફંડ નો લાગ સારો રે………..
નેતાજી તો…(૧૪)
સાભળીને ચિત્રગુપ્તજી બોલ્યા આને હનુમાનને સોંપો રે,
ગદાથી જ ગદડાવો પછી હાડકા તોડી ઉધો લટકાવો રે…….
નેતાજી તો…(૧૫)
આ તો “સ્વપ્ન“ના શમણાની એક રામ કહાણી રે,
સાંભળી છે મેં તો ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે ……
નેતાજી તો… (૧૬)
====================================================================
સ્વપ્ન જેસરવાકર પરાર્થે સમર્પણ
વાચકોના પ્રતિભાવ