અગાઉ વિનોદ વિહારની પોસ્ટ નંબર ૪૪૨ માં હ્યુસ્ટન નિવાસી મારા મિત્ર શ્રી નવીન બેન્કર લિખિત સ્વ. સુમન અજમેરીને શ્રધ્ધાંજલિ અર્પતો એક સુંદર લેખ પોસ્ટ કરવામાં આવ્યો હતો .
શ્રી નવીનભાઈના બ્લોગમાં પ્રગટ કૃતિઓ અને અને એમની હ્યુસ્ટનની સામાજિક પ્રવૃતિઓમાં જે ઉલટથી તેઓ ભાગ લઇ રહયા છે એના અહેવાલોથી જે તેઓ ઈ-મેલમાં મોકલતા રહે છે એનાથી હું વાકેફ છું . તેઓ મારા આ બ્લોગમાં પ્રગટ પોસ્ટ વાંચીને અવારનવાર એમના પ્રોત્સાહિત પ્રતિભાવો પણ લખતા રહે છે .
શ્રી નવીન બેન્કર નો વિસ્તૃત પરિચય કરાવતો એક લેખ હ્યુસ્ટનથી સુ. દેવિકાબેન ધ્રુવએ સુંદર શબ્દો અને શૈલીમાં લખીને એમના પ્રથમ ઈ-મેલથી મોકલતાં લખ્યું —
વિનોદભાઈ,
હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવના નમસ્તે.
પહેલી જ વાર ઈ મેઈલ લખી રહી છું તેથી નવાઈ લાગશે.બરાબર ને?
ખાસ તો તમારા બ્લોગ પર વ્યક્તિ પરિચય લખો છો તેથી નવીનભાઈ બેંકર વિશેનો પરિચય લખ્યો છે તે આપને મોકલી આપુ છું. યોગ્ય રીતે યોગ્ય જગાએ મૂકશો.
દેવિકા ધ્રુવ
દેવિકાબેને લખી મોકલેલ મારા મિત્ર શ્રી નવીનભાઈ વિશેનો માહિતીપૂર્ણ અને પ્રેરક લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .
આ લેખમાં તેઓએ શ્રી નવીનભાઈની ૭૩ વર્ષની સંઘર્ષમય જીવન યાત્રાની રસિક ઝાંખી કરાવી છે એ વાંચવા જેવી છે . આ લેખમાં એક ભાઈ પ્રત્યેનો એક બહેનનો પ્રેમ પણ જણાઈ આવે છે.
જીવન સંધ્યાએ પણ ખુબ પ્રવૃતિશીલ રહેતા શ્રી નવીનભાઈની એક જાણીતા સાહિત્યકારની કલમે લખાયેલ રંગીન જીવન ઝરમર તમને વાંચવી જરૂર ગમશે .
વિનોદ પટેલ
——————————————————–
નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.
— દેવિકા ધ્રુવ
NAVIN BANKER
નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા-રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક-સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.
“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,
સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.”
એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ-ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે.
આજે તેમના ભીતરમાં ડોકિયું કરી વિશેષ પરિચય કરીએ.
૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણા ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય. નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટા. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં આ છોકરો અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતો.પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાના ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતો.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતો. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !
આર્થિક સંકડામણોની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયા . સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા-નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. આજે પણ તેમને લાગે છે કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.
બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઇનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો.
૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકા લેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યા- ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા, એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.
નવીનભાઈ કહે છે તેમ તેમની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ છે.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે.તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે તેમની કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને જકડનારી રહી છે.
૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે ડઝનેક એકાંકીઓ અને કેટલાક ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે.
૧૯૭૯માં અમેરિકા આવ્યા . ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ-વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ-ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા .પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧-૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી! ૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઇનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.
નવીનભાઈને એક કામ અતિ પ્રિય રહ્યું છે અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો નવીનભાઇના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો! મન્નાડે, આશા ભોંસલે, અનુ મલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર, અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિ ઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ ! આમાનાં ઘણા કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઇન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઇ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ જેટલાં અહેવાલો લખ્યા છે. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.
૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન-પત્રથી નવાજ્યું છે. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’ કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો છે.
૨૦૧૩માં તેમના લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયાં અને પત્ની કોકિલા સાથે પ્રસન્ન દાંપત્ય માણી રહ્યા છે. મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! હજી આજે ૭૩ વર્ષે પણ ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા, સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે, વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદના પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો હવે કરે છે. કારણ કે, દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવે છે. આ છીપલાં પણ કેવાં ? ખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ? -કશું નહિ !
ઇન્ટરનેટ પર તેમનો એક બ્લોગ પણ છે. બ્લોગનું નામ છે-
“મારાં સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં એમણે ખુલ્લાં કર્યાં છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યાં છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી. પોતાના ભાઈ-બહેનો પ્રત્યેનું વહાલ પણ અનન્ય છે. તેમાંની એક હું હોવાનું ગૌરવ અનુભવું છું. આજે આ વિશેષ પરિચય લખીને મારી કલમને અને પૂ. સ્વ.માને ધન્ય સમજું છું.
વાચકોના પ્રતિભાવ