વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 27, 2014

( 478 ) આપણને સુખ ક્યારે, ક્યાં અને કેવી રીતે મળે છે?……યે જો હૈ ઝિંદગી….. ગીતા માણેક

Sukh-Gitaજ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા, પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ

યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક


થોડા વખત પહેલા મુંબઈમાં બે દિવસના વર્કશોપનું આયોજન થયું હતું. નામ હતું એનું અન્તર્યાત્રા અર્થાત ભીતરની યાત્રા. આ અન્તર્યાત્રાના સૂત્રસંચાલક કંચન બબ્બરે પહેલા જ દિવસે ત્યાં હાજર રહેલાઓને પહેલો સવાલ પૂછ્યો. તમારા જીવનનો હેતુ શું છે? તમે જીવનમાં શું પ્રાપ્ત કરવા ઇચ્છો છો? (આ સવાલ આપણે પણ પોતાને પૂછી શકીએ)

કેટલાક લોકોએ જવાબ આપ્યો અમે આત્મસાક્ષાત્કાર કરવા માગીએ છીએ. કેટલાંકે કહ્યું અમે સ્વથી પરિચિત થવા માગીએ છીએ. એકાદ-બે યુવાનો ઈમાનદાર હતા તો તેમણે કહ્યું કે અમારે તો પૈસાદાર થવું છે, અંબાણીઓ જેવા સફળ થવું છે, મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ જેવી કારમાં ફરવું છે, બંગલામાં રહેવું છે.

જો તમને આ પ્રશ્ર્ન પૂછવામાં આવે અથવા તમે પોતાને આ પ્રશ્ર્ન પૂછ્યો હશે તો દરેકનો જવાબ અલગ-અલગ આવ્યો હશે કે મારા લગ્ન થઈ જાય, મને પુત્રપ્રાપ્તિ (પુત્રી તો ભાગ્યે જ કોઈ ઝંખતું હશે) થઈ જાય, મારા ધંધામાં બરકત આવે, મારા છૂટાછેડા થઈ જાય, મારા દીકરાને અમેરિકાના વિઝા મળી જાય, મારી દીકરીના ઓસ્ટ્રેલિયામાં લગ્ન થઈ જાય, મારી પાસે હીરાનો નેકલેસ હોય, મને ઓસ્કર નહીં તો ફિલ્મફેઅર, નોબેલ નહીં તો જ્ઞાનપીઠ અને નહીં તો રોટરી ક્લબનો તો ઍવોર્ડ મળી જાય, ભાડાના ઘરમાંથી પોતાની માલિકીના ફ્લેટમાં રહેવા જાઉં… યાદી લાંબી થઈ શકે છે.

આ વર્કશોપના સૂત્રસંચાલકે કહ્યું બધાનો જવાબ ખોટો છે. આવું સાંભળીને આંચકો લાગે એ સ્વાભાવિક હતું. કદાચ તમને પણ લાગ્યો હશે, પરંતુ શાસ્ત્રનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે ખરેખર તો આપણા આ બધા લક્ષ્ય પાછળનો હેતુ એક જ છે અને એ છે સુખ મેળવવાની આકાંક્ષા. હા, શક્ય છે કે આપણે એ સુખ મેળવવા જુદી-જુદી વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થિતિઓ સુધી જઈએ પણ મૂળમાં આપણને બધાને જોઈએ છે એક જ વસ્તુ-સુખ. દરેક વ્યક્તિને પોતાનું સુખ અલગ-અલગ જગ્યાએ છે એવું લાગે છે. કોઈને પોતાનું સુખ પૈસામાં, કોઈને પુત્રમાં, કોઈને નોકરીમાં, કોઈને પ્રતિષ્ઠા કે ખ્યાતિમાં, કોઈને ફેસબુક પર કેટલા લાઈક મળે છે એમાં તો કોઈને દિલ્હીમાં વડા પ્રધાનપદની ખુરશીમાં તો કોઈને એ ખુરશી પર પોતાને યોગ્ય લાગતી વ્યક્તિને બેસાડવામાં સુખ મળશે એવું લાગે છે. આ વખતે ભાજપ અને ખાસ તો તેનું કેમ્પેઈન કરનારાઓએ માનવીની સુખ માટેની આ ઝંખનાની નસ બરાબર પકડી અને એક આભાસ ઊભો કર્યો કે બસ, ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી આવી જશે એટલે દેશમાં સુખ જ સુખ થઈ જશે. દિલ્હીથી સુખની ગંગા વહેવા માંડશે અને સૌ દેશવાસીઓ ખોબેખોબા ભરી-ભરીને એમાંથી સુખ પી શકશે.

ખેર, આપણી વાત પર પાછા આવીએ તો શાસ્ત્રો કહે છે કે માનવીને સુખ જોઈએ છે અને એ પણ કેવું? જે સદૈવ એટલે કે હરહંમેશ હોય, બધી વસ્તુઓમાંથી મળે, જે સર્વત્ર હોય એટલે કે હું ક્યાંય પણ હોઉં પણ મને સુખ મળતું રહે, મારું સુખ કોઈ પર નિર્ભર ન હોય મતલબ કે કોઈ આવે તો હું સુખી થાઉં અને કોઈ જાય તો હું દુ:ખી થાઉં, મને પૈસા મળે તો હું સુખી અને ન મળે તો દુ:ખી તો એનો મતલબ એ થયો કે મારું સુખ પૈસા પર નિર્ભર છે. સારરૂપે કહીએ તો આપણે બધા એવું સુખ શોધતા હોઈએ છીએ જે સદૈવ, સર્વ વસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર હોય.

કહેવાય છે કે આવું સુખ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે અને દરેક માનવીને એ મળી શકે છે પણ એના માટે એક લાંબી અન્તર્યાત્રા કરવી પડે છે. આ સુખ પામવા માટેની ચાવીઓ અને રસ્તાઓ સંત, મહાત્મા કે જ્ઞાનીજનો આપી શકે છે.

પરંતુ પ્રશ્ર્ન એ ઉપસ્થિતિ થાય છે કે તો પછી જીવનમાં આપણે અનેકવાર જે સુખ અનુભવ્યું છે એ શું ખોટું હતું? આપણે જીવનમાં ઘણી વાર સુખી થયા છીએ, દુ:ખી વધુ થઈએ છીએ એ જુદી વાત, પણ જ્યારે-જ્યારે સુખ અનુભવ્યું એ આપણો સુખનો અનુભવ શું એક ભ્રમણા હતી? ના, એવું બિલકુલ નથી. આપણે જે-જે ઘડીએ સુખ અનુભવ્યું હતું એ સુખની અનુભૂતિ તો સત્ય હતી પણ આપણે અમુક-તમુક વસ્તુ કે વ્યક્તિ અથવા પરિસ્થિતિને કારણે આપણે સુખી થયા હતા એવું માનવું એક ભ્રમણા હતી એવું કહી શકાય.

આને બીજા શબ્દોમાં મૂકીએ તો માની લો કે પરેશ નામનો એક એકદમ ગરીબ છોકરો છે. તેને લાગે છે કે જો તેની પાસે એક કાર હોય તો તે સુખી થઈ જાય. ધારો કે પરેશે ખૂબ મહેનત કરી, નસીબે તેને સાથ આપ્યો અને તેને સારા પગારની નોકરી મળી ગઈ, બેન્કે તેને કાર લેવા માટે લોન પણ આપી. પરેશ એક નવીનક્કોર કાર લઈ આવ્યો. કારને હાર પહેરાવી, તેની સામે રસ્તા પર શ્રીફળ વધેરીને તેણે કાર સ્ટાર્ટ કરી. હનુમાનજીના મંદિરે લઈ ગયો. પરેશ ખુશખુશાલ થઈ ગયો. તેને લાગ્યું કે તેને તેનું સુખ મળી ગયું. વીક-એન્ડમાં તે પરિવારને લઈને લોનાવલા કે પછી કોઈ રિસોર્ટમાં લઈ ગયો. આપણે એમ ન કહી શકીએ કે પરેશે કાર મેળવીને જે અનુભવ્યું એ સુખ નહોતું પણ શું ખરેખર પરેશને એ સુખ કારમાંથી મળ્યું હતું?

બીજો એક દાખલો લઈએ. હેમા હનીમૂન પર સ્વિત્ઝરલેન્ડ ગઈ હતી. ત્યાં તેના પતિના ખભા પર માથું ઢાળીને હાથમાં હાથ પરોવીને હેમાએ પહાડની પાછળ ધીમે-ધીમે અલોપ થઈ જતા સૂર્યને જોયો હતો ત્યારે હેમાને સૌથી વધુ સુખ થયું હતું. હેમાનું સુખ તેની ભ્રમણા હતી?

એક વાર્તા વાંચી હતી કે એક વૃદ્ધ રાજાની રાણી રાજ્યના યુવાન અને હેન્ડસમ સેનાપતિ સાથે પ્રેમમાં પડી. રાજા ખૂબ જ ગિન્નાયા અને તેમણે બંનેને ફાંસી આપવાનું નક્કી કર્યું પણ તેમના સમજદાર પ્રધાને રાજાને સલાહ આપી કે આવું કરશો તો પ્રજાની સહાનુભૂતિ પ્રેમીઓ તરફ રહેશે અને લોકો તમને ધિક્કારશે. પ્રધાનની સલાહ મુજબ રાજાએ તેની રાણી અને તેના પ્રેમીને એક રૂમમાં પૂરી દીધા. એ રૂમમાં બાથરૂમ કે શૌચાલય નહોતું. થોડાક કલાક તો પ્રેમીપંખીડાઓને લાગ્યું કે અત્યારસુધી ચોરીછૂપીથી મળવું પડતું હતું. થોડા કલાક પ્રેમાલાપ અને એવું બધું ચાલ્યું પણ થોડા જ દિવસોમાં તો બંને એકબીજાના દુશ્મન બની ગયા અને એકબીજાને ધિક્કારવા માંડ્યા. તેમના શરીરમાંથી દુર્ગંધ આવવા માંડી. જે પ્રેમી અને પ્રેમિકા એકબીજા વિના જીવી નહોતા શકતા તે એકબીજાને મારવા તૈયાર થઈ ગયા હતા. જે પ્રેમી અને પ્રેમિકા સુખનું કારણ હતા તે જ દુ:ખદાયક બની ગયા. તો શું તે પ્રેમી અને પ્રેમિકાને અગાઉ એકબીજા પાસેથી સુખ મળતું હતું એ તેમની ભ્રમણા હતી?

કેટલીક વ્યક્તિઓ કહે છે કે અમુક ગાયકને અમે સાંભળીએ કે અમુક ગીત સાંભળીએ, અમુક પુસ્તક વાંચ્યુ ત્યારે સુખની અનુભૂતિ થઈ હતી, કેટલાંકને પાણીપુરીમાંથી કે ચોક્કસ બ્રાન્ડની ચોકલેટ કે મેન્ગો આઇસક્રીમ ખાઈને સુખની અનુભૂતિ થાય છે. હવે આ બધાં જ ઉદાહરણોમાં બધાને સુખની અનુભૂતિ થઈ હતી એ સત્ય છે. તેમનો અનુભવ તેમના માટે હકીકત છે. પરેશે મારુતિ અલ્ટો કાર લીધી તો એમાં તેને સુખ થયું હતું, પણ દરેક વ્યક્તિને શું મારુતિ અલ્ટો કાર મળવાથી સુખ થઈ શકે? જેની પાસે મારુતિ અલ્ટો હોય તેને મર્સિડીઝમાં પોતાનું સુખ લાગે. બીજી વાત, પરેશને મારુતિ અલ્ટોમાંથી કેટલા દિવસ સુખ મળશે? જો મારુતિ અલ્ટોમાં જ પરેશનું સુખ હોય અને પરેશને ફરજ પાડવામાં આવે કે તેણે મારુતિ અલ્ટો કારમાં જ ખાવાનું, સૂવાનું, રહેવાનું તો શું એ મારુતિ અલ્ટો તેના સુખનું કારણ બની રહેશે?

હેમાને સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત જોવામાં સુખ લાગ્યું હતું, પણ જો હેમાને કહેવામાં આવે કે તેણે સ્વિટ્ઝરલેન્ડમાં જ રહેવાનું છે અને દરરોજ સાંજે સૂર્યાસ્ત જોવાનો છે તો હેમાને એમાંથી સુખ મળશે? જેમને પાણીપૂરી ખાવાથી સુખ થતું હોય તેમને કહેવામાં આવે કે તમને હવેથી રોજ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, સ્નેક્સમાં પાણીપૂરી જ આપવામાં આવશે તો શું તેને પાણી પુરીમાંથી સુખ મળશે?

આ બધાનું તારણ એટલું જ કે આપણને સુખ આપણે માનીએ છીએ એ વસ્તુઓમાંથી, વ્યક્તિઓ પાસેથી કે સ્થિતિઓમાંથી નથી મળતું. આપણે જે અનુભવીએ છીએ એ સુખ ભ્રમણા નથી એ તો સત્ય જ છે, પણ ભ્રમણા છે આપણી એ માન્યતા કે આપણને સુખ અમુક વસ્તુ, વ્યક્તિ કે સ્થિતિમાંથી પ્રાપ્ત થયું.

ઉપર જણાવેલાં બધાં જ ઉદાહરણોમાં તે-તે વ્યક્તિને એ-એ સંજોગો અને વસ્તુઓમાંથી સુખની અનુભૂતિ થઈ હતી. જેવી આપણને પણ અનેક વાર થાય છે પણ એ સુખનો સ્ત્રોત એ વસ્તુમાં નથી એટલું તો હવે સ્પષ્ટ થઈ જ ગયું હશે. તો પછી સુખ ક્યાં હતું?

વેલ, આપણે પોતે જ્યારે-જ્યારે સુખનો અનુભવ કર્યો હતો ત્યારે એક્ઝેક્ટલી શું થયું હતું એને રિવાઇન્ડ કરીશું તો આ સવાલનો જવાબ મળી જશે. આપણને જ્યારે-જ્યારે સુખનો અનુભવ થાય છે ત્યારે એ ક્ષણ પૂરતું આપણું મન થંભી જાય છે. આપણા મનની બધી જ દોડ અટકી જાય છે અને જ્યારે-જ્યારે એવું થાય છે ત્યારે-ત્યારે આપણને સુખની અનુભૂતિ થાય છે. આ બાબત તરફ આપણે પોતે ધ્યાન નથી આપતા અને એવું કરવાનું આપણને કોઈ શીખવતું પણ નથી. એટલે જિંદગીભર આપણે એ વસ્તુઓ, વ્યક્તિઓ કે સ્થિતિઓ ફરી-ફરી ઝંખતા રહીએ છીએ જ્યાંથી આપણને સુખ મળ્યું હતું. જેમ કે તીખું ચટાકેદાર ખાવાથી સુખની અનુભૂતિ થાય છે એવું આપણા મનમાં એટલી હદે ઠસી ગયું હોય છે કે આપણે એ સુખ મેળવવા વારંવાર એ વાનગીઓ ખાઈ-ખાઈને તબિયત બગાડી બેસીએ છીએ અને જ્યાં આપણે સુખ મેળવવા જતા હતા ત્યાંથી દુ:ખ લઈને આવીએ છીએ.

જ્યારે એ સમજણ આવે છે કે સુખ તો મનના થંભી જવાથી મળે છે અને બહારની વસ્તુઓ તો મનને ક્ષણભર માટે પણ ઓગાળી દેવા માટેનું નિમિત્ત છે ત્યારે આપણે સુખ શોધવા બહાર નથી દોડતા પણ અન્તર્યાત્રાના માર્ગ પર નીકળી પડીએ છીએ, કારણ કે સુખ આપણી ભીતર જ છે એનું જ્ઞાન થઈ જાય છે. એક વાર મનને થંભાવી દેતા આવડી જાય તો પછી જ્યારે, જે ઘડીએ, જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં સુખ જ સુખ થઈ પડે છે. મનને થંભાવીને સદૈવ, સર્વવસ્તુમાંથી, સર્વત્ર, શુદ્ધ અને સ્વતંત્ર સુખ પામવાની યુક્તિ તો કોઈ જ્ઞાની સંત, સદ્ગુરુ, મહાત્મા કે યોગી જ આપી શકે.

 સૌજન્ય—મુંબઈ સમાચાર 

——————————————————–

 

“The time to be happy is now.

The place to be happy is here.

The way to be happy is to make

others so.”

~Robert G. Ingersoll