વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 6, 2014

( 483 ) મળવા જેવા માણસ… શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા…..પરિચય ….આલેખન …શ્રી પી.કે.દાવડા

 શ્રી .પી.કે.દાવડા એ આ પહેલાં એમના ‘મળવા જેવા માણસ’ ની  પરિચય શ્રેણીની લેખ માળામાં જે ૨૧ જણના પરિચય લેખો લખ્યા છે તેઓ બધા પુરુષો હતા .

આ પરિચય લેખ માળામાં ૨૨મો લેખ લખીને પ્રથમવાર  તેઓએ એક મહિલા શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા  નો સરસ પરિચય કરાવ્યો છે .

આ લેખ એમણે મને ઈ-મેલથી મોકલ્યો એને વી.વી.ની આજની પોસ્ટમાં મુકતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

————————————————————-

શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા   

paru-kપારૂબહેનનો જન્મ ૧૯૬૮ માં અમદાવાદમાં સુખી, સંસ્કારી અને આદર્શવાદી અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા નરેન્દ્ર્ભાઈની ટેલીફોન ખાતામાં નોકરી હતી. માતા જ્યોતિબહેન ઉપરાંત કુટુંબમાં નાની બહેન કાનનનો સમાવેશ થતો હતો. બન્ને દિકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે માતા-પિતાએ શક્ય એ બધું જ કર્યું.પારૂબહેને અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી “અમૃત જ્યોતિ” અંગ્રેજી મીડિયમની શાળામાં દાખલ થઈ વિદ્યાપ્રાપ્તિની શરૂઆત કરી. આ શાળા, એ વખતની સામાન્ય શાળાઓ કરતાં અલગ હતી. અહીં ભણતર ઉપરાંત બાળકની પ્રતિભા નિખારવા (Personality Development) ઉપર ખાસ લક્ષ આપવામાં આવતું. આ શાળામાં રહી, માત્ર ૧૨ વર્ષની વયે પારૂબહેને વિવિધ પ્રાર્થના અને શ્ર્લોકોની સાથેસાથે ઈશાવાસ્ય અને ભૃગુવલ્લી જેવા ઉપનિષદ કંઠસ્થ કર્યા હતા અને બીજી પ્રવૃત્તિઓ જેવીકે મેડિટેશન, યોગા, હોર્સ રાઈડિંગ , સ્કેટિંગ , ડાન્સિંગ, ડ્રામેટીક્સમાં પણ નિપૂર્ણતા મેળવી. ૯ મા ધોરણમાં ભારત નાટ્યમનો સાત વર્ષનો કોર્સ પૂર્ણ કરીને અમદાવાદના ટાગોરહોલ માં આરંગેત્રમ કર્યું. સાથે સાથે કરાટે શીખવાનું પણ ચાલુ કર્યું પણ તેમાં બહુ ફાવટ ન આવવાથી એક વર્ષ કરીને છોડી દીધું .

પારૂબહેનને વાંચનનો ખુબજ શોખ હતો. એમણે સ્કૂલ લાઈબ્રેરીની અનેક બુક્સ વાંચી નાખી હતી, એટલું જ નહિં પણ ઘરે અને પડોશમાં આવતા તમામ ન્યુઝ પેપર અને મેગેઝીન પણ વાંચતા.૧૨ માં ધોરણમાં એમના પિતાની બદલી વડોદરા ખાતે થઈ. વડોદરામાં ૧૨માં ધોરણ સાયન્સનો અભ્યાસ પૂરો કરી વડોદરાની ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં એડમીશન લીધું. અહીં એમણે ઈતર પ્રવૃતિમાં સ્વીમીંગ શીખી લીધું. કોલેજમાં એમણે ચાઇલ્ડ ડેવેલપમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું અને ફાઈનલ વર્ષમાં યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા.

 

કોલેજના વર્ષો દરમ્યાન વિવિધ પ્રોજેક્ટ્સ , assingnments અને પરીક્ષાઓમાં અતિ ઉજ્જ્વલ દેખાવને કારણે પ્રોફેસરો, HOD અને ડીન ઉપર એક આગવી છાપ છોડી. હજી ભણવાનું પુરૂં નહોતું થયું તે દરમ્યાન એક અનોખો બનાવ બન્યો. વડોદરાની મેડિકલ કોલેજમાંથી M.D.(Skin & VD) ડીગ્રી મેળવેલા ડો. ક્રિષ્ણકાંતને પારૂબહેન ગમી ગયા. ડોકટરનો અને પારૂબહેનના કુટુંબનો પારીવારિક સંબંધ તો હતો, તેથી વાત આગળ વધારવામાં બહુ અડચણ ન આવી. ભણવાનું ચાલુ હતું છતાંયે સગપણ અને લગ્ન થઈ ગયા. ગ્રેજ્યુએટ લેવલનું ભણવાનું તો પુરૂં થયું, પણ પ્રોફેસરો, ડીન વગેરેના અતિ આગ્રહ છતાં, પરિણીત જીવનની કેટલીક મર્યાદાઓને માન આપી, એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમીશન ન લીધું. ફેકલ્ટી તો પારૂબેનને વધુ અભ્યાસ માટે સ્કોલરશીપ આપી ઈંગ્લેંડ મોકલવા પણ તૈયાર હતી, પણ એમણે એ ઓફર નકારી દીધી.

 

લગ્નબાદ એમના સસરા અને એમના પતિના જોબ અલગ અલગ શહેરોમાં હોવાથી, શરુઆતના બે વર્ષ રાજકોટમાં પતિ-પત્નીએ Nuclear Family નું જીવન ગુજાર્યું. એ દરમ્યાન એમને રાજકોટની પ્રખ્યાત શાળા એમ.વી.ધુલેશિયા સ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરીની સામે ચાલીને ઓફર આવી, જે એમણે સહર્ષ સ્વીકારી. એ સમયગાળા વિશે પારૂબહેન કહે છે, “નવું ઘર , નવી જવાબદારી , નવી જોબ, નવો ઉમંગ અને ઉત્સાહ, બધુંય સાથે નીભાવાનું મુશ્કેલ તો હતું પણ અમે બેજ હતા , હોમ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટના નવા નવા experiment થતા ગયા અને ધીરેધીરે ફાવી ગયું.સ્કૂલમાં પણ ખુબ મન લગાવીને કામ કરતી. અહી લાઈબ્રેરી ખુબ મોટી હતી તે ઉપરાંત કોઈ પણ બુક ઓર્ડર કરીને મંગાવાની છૂટ હતી. શીખેલું બધુજ અમલમાંમુકવાના પૂર્ણ પ્રયાસ સાથે નવા નવા સુજાવ અને પ્રવૃતિઓ આપતી રહેતી. અહી મારા વાંચનનો શોખ કામ લાગતો હતો recent advances in education અંગે ખુબ નવું નવું વાંચી અને અમલમાં મુકવાના પ્રયાસ કરતી રહેતી, અને તે બધું સ્કુલ મેનેજમેન્ટને યોગ્ય લાગતું અને તેથી યથા યોગ્ય બદલાવ થતા ગયા, અને ત્યાંપણ મારી એક સરસ ઈમેજ ઘડાતી ચાલી.”

 

ત્યારબાદ એમની દિકરી ૠજુતાનો જન્મ થયો અને એમના સસરાની નિવૃતિને લીધે Nuclear family નું Joint family માં પરિવર્તન થયું . તે અંગેની સર્વે જવાબદારીઓ તેઓએ હંમેશા ખુબજ મનથી લાગણી અને પ્રેમથી નીભાવી છે .  આ સમય દરમ્યાન તેમના પતિ ડો ક્રિષ્ણકાંતને આગળ અભ્યાસ અર્થે લંડન જવાનું પણ ગોઠવાયું સંજોગોને વશ થઈ પારૂબહેને શાળામાંથી એક વર્ષ માટે છૂટ્ટી લીધી. એક વર્ષ પછી પાછી જોબ ચાલુ થઇ ગઈ, સ્કુલમાં પણ નવી નવી જવાબદારીઓ સોંપાતી ચાલી અને પ્રગતિ ચાલુ રહી, સ્કુલની પણ અને એમની પણ! સ્કુલનેમાટે જરૂરી એવા સેમિનાર્સ , ટ્રેનીંગ વર્કશોપ્સ, ડિસટન્ટ લર્નીંગ કોર્સ વિગેરે એમણેસફળતાપૂર્વક પુરા કર્યા. આ દરમ્યાન કોમપ્યુટર વાપરવાનું પણ શીખી લીધું.

 

સ્કુલ ની પ્રગતિ ખુબ ઝડપી હતી નવા કેમ્પસ અને નવા નવા સેક્શનસ બનતા જતા હતા અને નવી નવી જગ્યાએ પારૂબેન નું પોસ્ટીંગ થતું હતું.  છેવટે ICSE બોર્ડની S N Kansagra સ્કુલમાં સ્થાયી જવાબદારી મળી . મોટી દીકરી ઋજુતા પછી નાનો દીકરો હેતવ હતો. બંને સંતાનો ICSEબોર્ડની ગુજરાતની બેસ્ટ S N Kansagra   સ્કુલમાં અતિ ઉત્તમ દેખરેખ હેઠળ ભણતા હતા.

 

સ્કુલમાં પારૂબેનનું કાર્ય ક્ષેત્ર વિસ્તરતું જતું હતું , ટીચિંગ , પ્લાનીંગ , ટીચર્સ ટ્રેનીગ , coordinating વગેરે વગેરે . સન 2005 માં સ્કુલ તરફતી તેઓનું સન્માન  કરવામાં આવ્યું . હેમુ ગઢવી હોલ માં 2500 માણસો વચ્ચે ખુબજ યાદગાર ફંન્કસન કરવામાં આવ્યું તે તેમના જીવનનું અમુલ્ય સંભારણું બની રહ્યું. Principal ની પોસ્ટ માટે જરૂરી MEd ની ડીગ્રી માટે તેનો 2 વર્ષ નો કોર્સ કરવા માટે તેમને સ્કુલ તરફથી સિંગાપોર મોકલવાનું નક્કી થયું. ખર્ચ બધો સ્કુલ ભોગવવાની હતી પરંતુ ઘર કુટુંબ અને સંતાનોની જવાબદારી ને કારણે તે શક્ય બન્યું નહિ. થોડા સમય બાદ શાળામાં children with special needs માટે નવું section ચાલુ થયું અને એમાં std 1 to 10 ના coordinator તરીકે જવાબદારી મળી, તે ખુબ મન લગાવીને છેલ્લે સુધી નિભાવી. ૧૯ વર્ષ સ્કુલમાં કામ કરી આખરે એમણે તંદુરસ્તી અને કુટુંબની જવાબદારીને લક્ષમાં લઈ રાજીનામું આપ્યું. 

 

પારૂબહેનના માતા-પિતાએ પોતાની બે દિકરીઓને જે રીતે ઉછેરેલી અને જે જાતનું શિક્ષણ આપેલું, એનું જ અનુકરણ કરીને પારૂબહેને એમની દીકરી ઋજુતા અને દીકરા હેતવના સંસ્કારો અને શિક્ષણ ઉપર પુરતું લક્ષ આપ્યું. આજે દિકરી Dentist છે અને દીકરો ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે.

 

પતિની અને બાળકોની પ્રગતિ માટે એમણે હંમેશાં પોતાની કેરીઅરના કોરે મૂકી છે. ડો ક્રિષ્ણકાંત પંડ્યા ખુબજ એક્ટીવ academician અને સફળ ડોક્ટર છે. International કોન્ફરન્સમાં એમના પેપર present થાય છે. આજે એમનું કલીનીક ૧૫૦૦ sq.ft. ની જગ્યામાં, લેટેસ્ટ લેઝર મશીન્સ, ૧૨ વેલ ટ્રેઇન્ડ અને ક્વોલિફાઇડ સ્ટાફ સાથેનું આખા ગુજરાતના one of the best dermatology અને cosmetology માટેનું ક્લીનીક ગણાય છે.

આવી high pressure વાળી કારકીર્દીમાં પણ પારૂબેન એમના સાહિત્ય પ્રત્યેના પ્રેમથી અળગા રહી શક્યા નથી. એમના મોટા ભાગના લખાણનો વિષય, પછી એ લેખ હોય કે કવિતા, પ્રેમ રહ્યો છે. એમની કવિતાઓમાં એમનો પતિ પ્રત્યેનો પ્રેમ નજરે ચડ્યા વગર રહેતો નથી. એક્વાર તો મજાકમાં મેં એમના એક કાવ્યના પ્રતિભાવમાં લખેલું, “એક રાધા, એક મીરા અને એક પારૂ; ત્રણે કૃષ્ણના દિવાના.” અનેક બ્લોગ્સમાં એમની રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. એમના લખાણો “પિયુની” ઉપનામથી પ્રગટ થયા છે. એમના પોતાના બ્લોગનું નામ પણ એમણે “પિયુનીનો પમરાટ”  રાખ્યું છે. કૌટુંબિક જવાબદારીને લઈ થોડા સમયથી એ બ્લોગ્સ શાંત છે.

 

પારૂબહેનને જાણવા માટે તમારે ‘પિયુની’ ની કવિતાઓનો આસ્વાદ લેવો પડશે .

પારૂબેનના પોતાના શબ્દોમાં તેમની કાવ્યમય ઓળખ  નીચેની

                                                          લીંક ઉપર ક્લીક કરીને વાંચી શકાય છે .

“જીવન પિયુનીએ એવું જીવ્યું”                             

  

તેઓ પોતાની ફિલસુફી અને જીવન મુલ્યો વર્ણવતા કહે છે , 

कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। 

“મનુષ્યનો તેના નિયત કર્તવ્ય અને કર્મ કરવાનો અધિકાર છે,     પરંતુ તે કર્મના ફળ ઉપર તેનો અધિકાર નથી, માટેજ તેણે  પોતાની જાતને કદી પણ તેના કર્મોના ફળનું કારણ માનવી નહિ. તેણે ફળ પ્રતિ આસક્તિ રાખ્યા વગર કર્મ કરતા રહેવું જોઈએ. આવા નિષ્કામ કર્મ મનુષ્યને નિ:સંદેહ મુક્તિના માર્ગ પ્રતિ દોરી જાય છે.”   

“શ્રીમદ ભગવદ ગીતાના આ શ્લોકને સમજીને અમલમાં મુકવાની કોશિશ કરું છું. આત્માને પરમાત્મા સમજીને દરેક વર્ગના લોકો સાથે સદભાવ અને પ્રેમભર્યો વ્યહવાર રાખવાની કોશિશ કરું છું. સમાજના ગરીબ, દુ:ખી અને નિ:સહાય અને જરૂરીઆતમંદ લોકોને થાય તેટલી મદદ કરીને પોતાની જાતને પરમકૃપાળુ પરમાત્માનું વહાલું સંતાન સમજી અને નસીબદાર માનું છું.”

પી. કે. દાવડા

482… ચીમન પટેલ ( ‘ચમન ‘) ના બે હાસ્ય લેખો ……ચડ્ડી……અને …શોર્ટ કટ … !

  

ચીમન પટેલ

ચીમન પટેલ

હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમન પટેલ-ચમન- વિનોદ વિહારના વાચકો માટે સુવિદિત છે . 

તેઓ એક સારા ગજાના હાસ્ય લેખક હોવા ઉપરાંત વાર્તા લેખક, ગઝલકાર , કવી, ચિત્રકાર એમ વિવિધ શોખ ધરાવે છે એ તો તમે જ્યારે એમના બ્લોગ ચમન કે ફૂલ ની મુલાકાત લેશો એટલે એની પ્રતીતિ સહેજે થઇ જશે .

એમનું હાસ્ય લેખોનું પ્રકાશિત પુસ્તક  હળવે હૈયે ને વિવેચકોએ વખાણ્યું છે .

ગુજરાત પ્રતિભા પરિચય બ્લોગમાં શ્રી સુરેશ જાનીએ ચીમન પટેલનો કરાવેલ  પરિચય અહી ક્લિક કરીને વાચો .   

આજની પોસ્ટમાં શ્રી ચીમનભાઈએ ઈ-મેલમાં મોકલેલ બે હાસ્ય લેખો શોર્ટ કટ અને ચડ્ડી એમના આભાર સાથે પોસ્ટ કરતાં આનંદ થાય છે .

ચડ્ડી લેખ સાથે જાણીતા કાર્ટૂનીષ્ટ શ્રી મહેન્દ્ર શાહ રચિત લેખને અનુરૂપ કાર્ટુન પણ એમના આભાર સાથે મુક્યું છે ..

આશા છે આપને શ્રી ચીમનભાઈ ના આ બે હાસ્ય લેખો જરૂર ગમશે .

આપનો પ્રતિભાવ જરૂર લખશો . 

વિનોદ પટેલ  

———————————————–

 ચડ્ડી ……..હાસ્ય લેખ …..ચીમન પટેલ …….ચમન

Chaddi- mahendra shah

 આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો .

ચડ્ડી …હાસ્ય લેખ—ચીમન પટેલ…ચમન— .

========================================    

‘શોર્ટ કટ’   લેખકઃ ચીમન પટેલ “ચમન’

    સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઇને શિખવવું પડતું નથી. આપમેળૅ, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઇ શીખી જવાય છે આપોઆપ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઇએ!

    ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતીય રીતે મ્રુત્યું થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતી ભરી ઇ-મેલ મળી. આવનારને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુંના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામા વાળાનો વિચાર કરવામાં ઈ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.

મને તો આ ઈ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.

      છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સુચન કરી, જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઈ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું; ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’

‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?

મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી ક્રિષ્ણનું’ આ સગવડીયું સમય બચાવનારુ ‘નીક નેમ’ એમના સગવડીયા ભક્તો/ભકતાણીઓ એ પાડ્યું છે, અને એકે પહેલ કરી એટલે બીજાએ પણ કરી! કેટલાક ભગવાનના આવા ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવા પણ શરું થઈ ગયા છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત.

   આ સમજાયા પછી હું ભગવાન ક્રિષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું; “પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે; નાણાની નથી!”

    “વસ્ત, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?”

    “પ્રભુ, તમારા ભક્તોને રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વ્રૂદો માટે ગમે તેવા કિમતી કામ છોડીને, તમારા ભક્તો સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવા ‘હાઉસફુલ’કરી દે છે.

આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવા સંગીતમાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ!

તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પુજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે એ મને સમજાતુ નથી, પ્રભુ!

  હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટુંકાવવાની પાછળ કોઇ કારણ તો હશે જ?’

  “વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!”

   ‘પ્રભુ, જુના જમાનામાં બાળકોના અસલ નામની સાથે સાથે બોલાવવાના નામો પણ અલગ આપવામાં આવતા હતા. જેમ કે, દિકરાનું નામ ‘કૌશલ’ રાખે, પણ બોલાવે એને “કીપો” કહી! એ જ રીતે દિકરીનું નામ ‘અંકીની’ પાડી એને “શીની” કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખુબ ખુબ વિચારીને ચુંટેલા નામોવાળા એમના બાળકોને કોઇની બુરી નજર ન લાગે અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે એવું મારુ માનવું છે!. કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તો એ ટૂંકુ કરી દીધું હશે એવું મને લાગે છે પ્રભુ, તમે તમારા નામને આમ ટુંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઇ ચોપડીમાં તમારા સો(૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામ વાળુ દુધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પ્રસંદ છે તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભું?

“ચાલ, ચાલ તું હવે જલ્દી પતાવીશ તારું ભાષણ?”

“પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉ. તમારો વધારે સમય નહીં લઉ એની ખાતરી આપુ છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઇ શકતો નથી!’

“એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઇ ઉપાય એનો?”

“પ્રભુ, છે જો તમો થોડો વધારે સમય મને આપો તો?

“ચાલ, બોલી નાખ!”

‘ભુતકાળમાં તમારો એક કિમતી હાર કોઈ ચોરી ગયું હતું અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઇ હિમ્મત કરે તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્તબધ્ધ કરી દો તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઇન લાગી જાય છે! ‘લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?”

==========================================

અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ શ્રી ચીમનભાઈ ના બીજા લેખો, કાવ્યો

વિગેરે સાહિત્ય વાંચવા   અહી ક્લિક કરો .