વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(486 )સ્વ.કવી રમેશ પારેખની એક દિલચસ્પ કાવ્ય રચના ……

 ઈન્ટરનેટ સફર કરતાં કરતાં ગુજરાતી સાહિત્ય અકાદમી , યુ.કે. ના ફેસ બુક પેજ ઉપર ઓપીનીયન મેગેઝીનના સંપાદક શ્રી વિપુલ કલ્યાણીએ પોસ્ટ કરેલ  જાણીતા કવી સ્વ. રમેશ પારેખની એક મજાની કાવ્ય રચના વાંચવામાં આવી  જે મને ખુબ ગમી ગઈ .

શ્રી કલ્યાણીના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે આ રચના ફરી અહી પોસ્ટ કરું છું .

આ કાવ્યમાં સૌના જીવનને લાગુ પડતી ગુઢ વાત  ખુબ સહજ શબ્દોમાં કવી રમેશ પારેખે કરી છે એ સમજવા જેવી છે .

વિનોદ પટેલ

================================

 
 
નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીંકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો …
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
‘આ ભાગ ભગવાનનો !’સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઈ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું …

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ …

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા – ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા …’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં …
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો …

– રમેશ પારેખ

4 responses to “(486 )સ્વ.કવી રમેશ પારેખની એક દિલચસ્પ કાવ્ય રચના ……

  1. pragnaju જુલાઇ 15, 2014 પર 9:59 એ એમ (AM)

    હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
    જોઉં છું રાહ –
    કે ક્યારે રાત પડે
    ને ક્યારે આવે છાનામાના ભગવાન
    ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
    ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો …
    આ જ ર પા ની ખૂબી

    Like

  2. dee35 જુલાઇ 15, 2014 પર 11:45 એ એમ (AM)

    દરેક નિવૃત્તી પછી ભગવાનનોજ ભાગ બની રાહ જોતો પડખાં ફેરવતો જ રહે છે.પણ કરેલ કર્મોની લાલચમાંથી મૂક્તી નમેળવી શકે ત્યાં સુધી અને સાચા હ્રદયથી પ્રતીક્રમણ કરી જીવનમાં કરેલ ભૂલોની માફી ન મેળવી લે ત્યાં સુધી મુક્તી મેળવી શકતો નથી.એવું મારું તો માનવું છે.

    Like

  3. Vinod R. Patel જુલાઇ 17, 2014 પર 7:07 પી એમ(PM)

    આતાજી એ મોકલેલ ઈ-મેલ પ્રતિભાવ .. એમના આભાર સાથે પ્રસ્તુત છે .

    પ્રિય વિનોદ ભાઈ
    અમે પણ નાના હતા ત્યારે આરીતે ભાગ પાડતા .અને હવેતો બાપ દાદા ની મિલકતોમાં ભાગ પાડવામાં ઝઘડા થાય છે . ભગવાનની તો વાતજ ક્યા રહી .

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.