
સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને મોદીને જોડતો અદ્રશ્ય સેતુ
-આ ત્રણેય નેતાઓની શાસનશૈલીમાં રહેલી નક્કરતા (Solidity) અને રાષ્ટ્રનિષ્ઠા સમજવા જેવી છે. વાત ઘણી નાજુક છે. વળી ગેરસમજનું જોખમ રોકડું છે. ગેરસમજથી ડરનારા મનુષ્યે કલમ ઝાલવાની ગુસ્તાખી ન કરવી જોઈએ. ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. છગન અને મગન વચ્ચે કે પછી સવિતા અને કવિતા વચ્ચે પણ કદી સરખામણી ન હોઈ શકે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી
આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે. દિમાગથી કામ લેવું પડશે.સ્વરાજ મળ્યું તે પહેલાંનાં વર્ષોમાં ગાંધીજીમાં ઊંડી શ્રદ્ધા રાખનારા કર્મનિષ્ઠ અને ચારિત્ર્યવાન કોંગ્રેસીઓની મશ્કરી કરવામાં સામ્યવાદી-સમાજવાદી-ડાબેરીઓ સદા ઉત્સુક રહેતા. માર્કસવાદી હોય તે મનુષ્ય આપોઆપ પ્રગતિવાદી, ઈન્ટેલેક્ચ્યુઅલ અને ગરીબનો બેલી ગણાતો. સર્વોદયમાં શ્રદ્ધા રાખનારા નિષ્ઠાવંત સેવકોને એ બોલકણો માક્ર્સવાદી ‘બુઝૂર્વા’ કહીને ભાંડતો. આવા પ્રગતિશીલ ગણાતા બેવકૂફ પાસે ચારિત્ર્યની મૂડી ન હોય, તોય એ ચારિત્ર્યવાન સેવકને સાણસામાં લેતો. સુરતમાં સ્વચ્છ સેવક ગોરધનદાસ ચોખાવાળાને સામ્યવાદી જશવંત ચૌહાણ દલીલમાં હરાવી દેતા.
આવી ફેશનખોર ડાબેરી જમાત આજે પણ છે. એ જમાતે સરદાર પટેલને ‘રાઇટ રીએક્શનરી’ કહીને ખૂબ ભાંડેલા. એ જ બુદ્ધિખોર જમાતે મોરારજી દેસાઈને ખૂબ ગાળો દીધેલી. એ જ દંભખોર જમાતનો ‘મોદી દ્વેષ’ આજે પણ કાયમ છે. સરખામણીથી બચીને આ ત્રણે મહાનુભાવો ડાબેરી જમાત દ્વારા જે રીતે અમથા વગોવાયા તેની વાત ટૂંકમાં કરવી છે. સેતુ સોલિડ છે, પરંતુ ત્રણે મહાનુભાવો સરખા નથી. ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે.

(સરદાર વલ્લભભાઈની ફાઈલ તસવીર)
(૧) સરદાર પટેલ સામર્થ્યવાદ રાજપુરુષ હતા. એમને ઢીલી ઢીલી કે પોલી પોલી કોઈ વાત ન ગમતી. એમને રશિયન સામ્યવાદ કે યુરોપીય સમાજવાદમાં લગીરે શ્રદ્ધા ન હતી. ગાંધીજીની હત્યા પછી સમાજવાદી જયપ્રકાશ અને અચ્યુત પટવર્ધને સરદારને ભાંડવામાં કશુંય બાકી રાખ્યું ન હતું. ખાનગીમાં નેહરુને એ ગમતું હતું. સરદારના દેહવિલય પછી સરદારને અન્યાય કરવા બદલ ઊંચા ચારિત્ર્યના સ્વામી એવા જયપ્રકાશજીએ સરદારની ક્ષમાયાચના કરી હતી. આવું અન્ય ડાબેરીઓ ન કરી શક્યા. એ ડાબેરી બુદ્ધિખોર લોકોને સરદારની શાસનશૈલીમાં રહેલી નક્કરતા (Solidity) અને રાષ્ટ્રનિષ્ઠા ખૂંચતી હતી. હા, એ સૌમાં એક ઉમદા અપવાદ ભૂલવા જેવો નથી.
વિશ્વ આખામાં જેમનું નામ ઊંચા આદરથી લેવાય છે, તેવા ડાબેરી માનવનિષ્ઠ એમ.એન. રોયને સરદાર પટેલ માટે જબરો આદર હતો. વળી સમાજવાદી વિચારધારાને વરેલા પંડિત નેહરુ માટે થોડોક અભાવ પણ હતો. એમ.એન. રોયે લખ્યું હતું : ‘હું એમ માનવા પ્રેરાઉં છું કે ભાગલા અંગે એમનું (સરદારનું) જે વાસ્તવિક વલણ હતું તેવું જ વલણ કાશ્મીરના પ્રશ્ન અંગે પણ હતું. આમ છતાં જુગારીની સ્વપ્રતિષ્ઠાના ઉન્માદમાં રમતનાં પાસાં ફેંકાઈ ગયાં પછી તો સરદાર પાસે કોઈ જ વિકલ્પ ન હતો. એક વાતની ખાતરી (સરદાર અંગે) રાખી શકાય કે તેઓ લોકપ્રિય નેતાઓના ભભકા વડે ઢંકાયેલી બેવકૂફી પ્રત્યે નારાજગી ધરાવનારા છે.’ અહીં ‘બેવકૂફી’ શબ્દ રોયે કોને માટે પ્રયોજ્યો, તે સુજ્ઞ વાચકો સમજી જશે. પોતાના સામયિક ‘Radical Humanist’માં એમ.એન.રોયે તા.૩૧-૧૦-૧૯૪૯ને દિવસે સરદારને ‘માસ્ટર બિલ્ડર’ તરીકે બિરદાવ્યા હતા. તે દિવસે સરદારની ૭૪મી જન્મતિથિ હતી.

(મોરારજી દેસાઈની ફાઈલ તસવીર)
(૨) મોરારજી દેસાઈની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’ (નવજીવન પ્રકાશ મંદિર અમદાવાદ, કિંમત રૂ.૯૦૦) મને થોડાક દિવસો પર વિવેક દેસાઈએ પ્રેમથી મોકલી આપી. ગુજરાતની કોઈ પણ નિશાળ કે લાઇબ્રેરી આ ગ્રંથ વિના અધૂરી જાણવી. તમારે સાક્ષાત્ ચારિત્ર્યને દેહ ધારણ કરીને દેશમાં હરતું-ફરતું-બોલતું જોવું છે? તો આ ગ્રંથ વાંચવાનું ચૂકશો નહીં. મોરારજીભાઈ જીવ્યા ત્યાં સુધી ડાબેરીઓની ગાળ ખાતા જ રહ્યા. આવી નિરર્થક ગાળ ખાવી એ જાણે મોરારજીભાઈની હોબી બની ગઈ મુંબઈનું સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ મોરારજીભાઈને ભાંડવામાં અગ્રેસર હતું.
આ ગ્રંથના થોડાક અંશો ટૂંકમાં પ્રસ્તુત છે :
૧૯પ૬માં હું જ્યારે કેબિનેટમાં આવ્યો ત્યાર પછી મેં જોયું કે મૌલાનાસાહેબનું જવાહરલાલ ખાસ કાંઈ સાંભળતા ન હતા, બલકે એમને કાંઈક અવગણતા હતા. (પાન-૪પપ) જીવનનાં છેલ્લાં ત્રણચાર વર્ષ પહેલાં સુધી (જવાહરલાલ) ધર્મમાં શ્રદ્ધા રાખતા ન હતા અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ન હતા… હિંદુ ધર્મ સામે પણ એમને પૂર્વગ્રહ હતો. (પાન-૪પ૬) વિનોબાજી સાથે મોરારજીભાઈની મુલાકાત દરમિયાન જે લાંબી ચર્ચા થઈ તેની નોંધ નારાયણ દેસાઇએ રાખી હતી. તા.૭-પ-૧૯પપને દિવસે થયેલી ચર્ચાનો એક અંશ સાંભળો : વિનોબા : પગપાળા ચાલનારનું આયુષ્ય વધી શકે છે. મોરારજી : કોઈની આવરદા વધે એમ હું નથી માનતો. વિનોબા : હું કેટલીક વાર વિનોદમાં કહું છું કે જે ચાલે છે એને યમરાજ પણ પાછળથી આવીને પકડી નથી શકતો. મોરારજી : હું માનું છું કે જેને માટે જેટલી ક્ષણ નક્કી થયેલી હોય છે એનાથી એ એક ક્ષણ પણ વધારે જીવી નથી શકતો. (પાન-પ૬૩)
આ ગ્રંથમાં મોરારજીભાઈ અને કેનેડી વચ્ચે થયેલો વાર્તાલાપ (પાન-૪૧૩-૪૧૪) ખૂબ જ રસ પડે તેવો છે. એ જ રીતે રશિયાના નેતાઓ ક્રુશ્ચોવ અને બુલ્ગાનિન સાથેની મુલાકાત પણ રસપ્રદ છે. (પાન-૩૪૪) વળી ચીનના પ્રધાનમંત્રી ચાઉ એન લાઈ નાણાંપ્રધાન મોરારજીભાઈને નિવાસે મળવા ગયા ત્યારે જે વાતચીત થઈ તે ખૂબ જ રસપ્રદ છે. (પાન-૪૨૭). આ આત્મકથામાં એક પણ શિથિલ વાક્ય ઝટ જડતું નથી. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે જયપ્રકાશ અને મોરારજી સાથોસાથ કોંગ્રેસના દમન સામે લડયા. વડાપ્રધાન બન્યા ત્યારે એમની સાવ નજીક ગણાતા લોકોમાં સમાજવાદી અશોક મહેતા મોખરે હતા. પુસ્તકમાં પાને પાને તર્કબદ્ધ રીતે પોતાનો કેસ રજૂ કરનારા ચારિત્ર્યવાન મોરારજીભાઈ આબાદ પ્રગટ થતા રહે છે.

(વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર)
(૩) ડાબેરી બુદ્ધિખોર લોકો નરેન્દ્ર મોદીની નિંદા કરવા માટે ટાંપીને બેઠા છે. નરેન્દ્રભાઇની ખૂબી એ છે કે પોતાની સામે પ્રગટ થતા દ્વેષને તેઓ કમ્પોસ્ટ ખાતરમાં ફેરવી નાખે છે. મોદીને એક લાભ છે, જે સરદાર-મોરારજીને ન હતો. ડાબેરી વિચારધારા પ્રમાણેનું અર્થશાસ્ત્ર રશિયામાં, ચીનમાં અને પૂર્વયુરોપના ભૂતપૂર્વ સામ્યવાદી દેશોમાં આજે સાવ ખતમ થઈ ચૂક્યું છે. વડાપ્રધાનનું સર્વોચ્ચ પદ એમણે પોતાના પ્રચંડ પરાક્રમ દ્વારા મેળવ્યું છે. કદાચ આ માણસ ભારતના ઈતિહાસમાં કાયમી પ્રદાન કરીને નવા ઈતિહાસનું સર્જન કરશે. આ માથાભારે માણસની કર્મનિષ્ઠા, રાષ્ટ્રનિષ્ઠા અને ધ્યેયનિષ્ઠા લગભગ સરદાર-મોરારજીના કુળની છે. આ વાત ખોટી લાગી?
બસ પાંચ વર્ષ માટે થોભી જાઓ. શક્ય હોય તો આજનો આ લેખ પાંચ વર્ષ સુધી ફાઈલમાં સાચવી રાખશો. મોદીની વિચારમૂલક ટીકા કરનારા લોકો અપ્રમાણિક નથી. એવી ટીકાનું મૂલ્ય જરાય ઓછું નથી. અમથો બકવાસ કરનારા કેટલાક બબૂચકો જાણે છે કે પોતે બકવાસ કરી રહ્યા છે. ખાનગીમાં કેટલાક કોંગ્રેસી મિત્રોને મોદીની પ્રશંસા ધરાઈને કરતા સાંભળ્યા છે. એમાંના કેટલાકને લાગે છે કે થીજેલાં જળ વહેતાં થયાં ગોળગોળ અસત્ય બોલવામાં તટસ્થતા અભડાય છે. દેશના ડાબેરી કર્મશીલોમાં ‘મોદીદ્વેષ’ એટલો તો જામી પડેલો છે કે પૂર્વગ્રહોના ખાળકૂવા થાળું ફાડીને રસ્તા પર વહેતા થાય છે. એ જમાતને કોંગ્રેસનો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ નથી ખૂંચ્યો.
મોદી પાસે રોજ કામ કરવાના કલાકો આપણા કરતાં થોડાક વધારે છે. એમનો વર્કાહોલિક સ્વભાવ નિરાંતે ઠરીને બેસતો નથી અને અન્યને ઠરીને બેસવા દેતો નથી. સરદાર-મોરારજીની જેમ તેઓ સંપૂર્ણ નિવ્ર્યસની અને પ્રમાદમુક્ત છે. આટલું લખ્યું તે બદલ થોડીક ગાળ મારે ખાવી પડવાની હું હવે ટેવાઈ ગયો છું. નિયતિના પાલવમાં શું શું સંતાયું છે તેની ખબર કોઈને નથી. ખબર છે એટલી કે દેશના હિત માટે રાતદિવસ મંડી પડનારો એક બુદ્ધિમાન અને કર્તવ્યતત્પર ‘મજૂર’ કામે લાગ્યો છે. (લખ્યા તા.૧પ-૬-૨૦૧૪)
પાઘડીનો વળ છેડે
ગુજરાતમાં જે વર્ક-કલ્ચર પ્રવર્તે છે, એનાથી હું પ્રભાવિત થઈ છું. શહેરો અને ગામોના રસ્તા સારી રીતે બંધાયેલા છે. છેક દૂર આવેલાં ગામોમાં પણ વીજળીની સુવિધા અને પીવાનું પાણી પહોંચેલાં છે. ખાસ કરીને પંચાયતમાં ઉપલબ્ધ એવી દાક્તરી સેવા અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓથી હું વિશેષ પ્રભાવિત થઈ છું. આવું પશ્ચિમ બંગાળમાં બન્યું નથી.
-મહાશ્વેતા દેવી (એક્સ્પ્રેસ ન્યૂઝ સર્વિસ દિલ્હી, ૨પ-૮-૨૦૦૭) નોંધ :
મહાશ્વેતા દેવી દેશનાં આદરણીય સાહિત્યકાર અને ડાબેરી કર્મશીલ તરીકે વિખ્યાત છે. આવી પ્રશંસા છેક ૨૦૦૭માં થઈ હતી. ગુજરાત મોડેલની આવી પ્રશંસા કરવી એ ગુનો છે?
—ગુણવંત શાહ
————————————————
સૌજન્ય-આભાર …… ડૉ. ગુણવંત શાહ, દિવ્ય ભાસ્કર .કોમ
વાચકોના પ્રતિભાવ