વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 23, 2014

( 492 ) વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……ચિંતન લેખ ……વિદ્યુત જોષી

 

વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય ……..વિદ્યુત જોષી

 

Vrudhdhtvએક સમય હતો કે ભારતમાં સરેરાશ જીવન ૪૩ વર્ષનું હતું. તે સમયે ૬૦ વર્ષથી વધુ કોઇ જીવે તો તેની ષષ્ઠી પૂર્તિ‌ ઊજવાતી. આજે સરેરાશ જીવન ૬૪થી વધી ગયું છે. એટલું જ નહીં વિશ્વમાં ૬પ વર્ષથી વધુ જીવતા લોકોમાંથી ૩૩ ટકા લોકો ચીન અને ભારતમાં રહે છે. સંખ્યાની દૃષ્ટિએ જોઇએ તો આ સંખ્યા ૨૦૦૮માં ૧૬.૬ કરોડ હતી. ૨૦૪૦માં આ વસતી બંને દેશોમાં વધીને પપ.૧ કરોડ થઇ જશે. ભારતમાં ૨૨ કરોડ વૃદ્ધો તે સમયે હશે. આમાંના મોટાભાગના લોકો આર્થિ‌ક વ્યવસાયની રીતે નિષ્ક્રય હશે પરંતુ તેમના રખરખાવની સમસ્યાઓ વધી ગઇ હશે.

કેવી રીતે વૃદ્ધત્વની સમસ્યાઓ હલ કરવી તે મુદ્દો વૃદ્ધત્વ વિદ્યા (ગેરન્ટોલોજી)નો અભ્યાસ વિષય બને છે. વૃદ્ધત્વ વિદ્યાએ અભ્યાસો કરીને જે જ્ઞાન આપ્યું છે તેના આધારે વિવિધ સરકારોએ વૃદ્ધો વિશેની નીતિ પણ બનાવી છે. ભારત સરકારે પણ વરિષ્ઠ નાગરિકો માટે નીતિનું ઘડતર કર્યું છે. સામાન્ય રીતે જ્યારે વૃદ્ધોના રખરખાવની વાત આવે છે ત્યારે બે અલગ અભિગમો જોવા મળે છે. પ્રથમ અભિગમ અથવા દૃષ્ટિકોણ જન રંજની (પોપ્યુલર) દૃષ્ટિકોણ છે. આ દૃષ્ટિકોણ મુજબ નવી પેઢી જૂની પેઢીનું માન નથી જાળવતી.

જે મા-બાપે તેમનું લાલન-પાલન કર્યું તેમની જરૂરિયાતોનું ધ્યાન જ બાળકો નથી રાખતા. વહુ ખાવાનું નથી આપતી જેવી ચર્ચાઓ આવે છે. કથાકારો-વાર્તાકારો આ પ્રકારની વાતો પણ કરે છે કે જ્યાં બાળકોએ ઘરડા મા-બાપને તરછોડયાં હોય અને તેઓ અસલામત જીવન જીવતાં હોય. આ સાથે જ કવિઓ બાળકોને સલાહ પણ આપે છે, ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં.’ આ બધી લાગણીસભર રચનાઓ સાહિ‌ત્ય તરીકે સારી લાગે છે. પરંતુ તેનાથી સમસ્યા સુધરતી નથી વકરે છે. વળી, આ દૃષ્ટિ એકાંગી છે. જેમણે બાળકોનો વાંક કાઢયો તેમને બાળકોને કદી પૂછ્યું જ નથી.

આવી કથાઓ કહે છે કે છતે સંતાને વૃદ્ધોને વૃદ્ધાશ્રમોમાં જવું પડે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે વૃદ્ધાશ્રમોમાં રહેતા માત્ર ૨૨ ટકા વૃદ્ધો જ એવા છે કે જેમના બાળકો અહીં રહે છે, સક્ષમ છે છતાં તેમને વૃદ્ધાશ્રમોમાં રહેવું પડે છે. બાકીના ૭૮ ટકા વૃદ્ધો એવા છે જેમના બાળકો ક્યાં તો નથી, અથવા તો પરદેશમાં છે, અથવા તો આ વૃદ્ધો અપરિણીત કે બાળકો વિનાના છે. એટલે આ લાગણીનું મહત્ત્વ માત્ર ૨૨ ટકા પૂરતું છે તેમ કહી શકાય. હા, લાગણીથી વાત કહેવાય એટલે આંખ ભીની થાય અને કથા ચોટદાર બને.

બીજો અભિગમ અથવા તો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. આ અભિગમમાં માનવામાં આવે છે કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને મહિ‌લાઓની નોકરીઓથી કુટુંબો નાનાં થવા લાગ્યાં છે. આથી પહેલાં જે કામો કુટુંબમાં થતાં તે હવે કુટુંબ બહાર કરવા માટે સંસ્થાઓ ઊભી થવા લાગી છે. જેમ કે પહેલાં ધાર્મિ‌ક કામ કુટુંબમાં થતું. હવે સંપ્રદાયો ઊભા થયા છે. પહેલાં ભોજન તૈયાર કરવાનું કામ માત્ર કુટુંબમાં થતું. હવે આ કામ કુટુંબ બહાર હોટલો, લોજો અને તૈયાર ખોરાક બનાવનારી સંસ્થાઓ પાસે જવા લાગ્યું છે. પહેલાં આપણે અથાણાં કુટુંબમાં બનાવતાં. હવે તૈયાર લાવીએ છીએ.

પહેલાં પ્રસૂતિનું કામ કુટુંબમાં થતું. હવે નર્સિંગ હોમમાં થાય છે. પહેલાં બાળઉછેરનું કામ કુટુંબમાં થતું, હવે પ્લે હાઉસમાં થાય છે. આ બધાં કામો કુટુંબ બહાર ગયાં તેને આપણે ખરાબ નથી ગણતા. પરંતુ તેમાં ગર્વ લઇએ છીએ. આ રીતે વૃદ્ધોના રખરખાવનું કામ કુટુંબ બહાર જાય છે એટલે વૃદ્ધાશ્રમોમાં જાય છે તેને આપણે કુટુંબનાં મૂલ્યોનું કે નીતિનું પતન કઇ રીતે કહી શકીએ? હકીકત તો એ છે કે હજી વધુ ને વધુ કામો કુટુંબ બહાર જવાનાં છે. આથી નૈતિક પતન તરીકે વૃદ્ધોના પ્રશ્નોને જોવાને બદલે કુટુંબ બહાર જતાં કાર્યો તરીકે જોઇએ તે કામો કુટુંબ બહાર વધુ સારી રીતે થાય અને તે માટે સારી સંસ્થાકીય રચનાઓ થાય તેવા પ્રયાસો થવા જોઇએ. આ બીજા પ્રકારના અભિગમનું એક પુસ્તક તાજેતરમાં બહાર પડયું.

પ્રવીણ પંડયા નામના એક નિવૃત્ત પ્રોફેસર અને અત્યારે રક્તપિત્તનું સામાજિક કામ કરનારને લાગ્યું કે તેમના દાંપત્યજીવનનાં પચાસ વર્ષે તેઓ વૃદ્ધોની સમસ્યા માટે એક પુસ્તક લોકોને ભેટ આપવા માગે છે. આ માટે ગુજરાત કોલેજના પ્રોફેસર ભાનુબહેન કાપડિયાએ વૃદ્ધાવસ્થામાં જીવન સાફલ્ય નામનું વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત પુસ્તક લખી આપ્યું. ગુર્જર પ્રકાશનના મનુભાઇએ મહેનત લઇને છાપ્યું. ડો. ભાનુબહેન કાપડિયાએ આ પુસ્તકમાં કોઇ ભાવાત્મક કથાઓ નથી આપી. પરંતુ તેમણે વૃદ્ધત્વનો વૈજ્ઞાનિક અર્થ, પ્રકારો, વૃદ્ધત્વનો ઇતિહાસ, વૃદ્ધોના સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નો તથા તેના તબીબી ઉપાયો, વૃદ્ધોના સામાજિક, આર્થિ‌ક પ્રશ્નો અને ઉપાયો (જેમ કે વિલ ક્યારે અને કેવી રીતે બનાવવું).

વૃદ્ધોના માનવ અધિકારો તથા તેમના માટેની કલ્યાણ નીતિઓ તથા વિવિધ સરકારી કાર્યક્રમો, વૃદ્ધોને મળતી વિશેષ સગવડો તથા લાભો (જેમ કે રેલવે તથા વિમાનમાં સસ્તું ભાડું), વૃદ્ધોને મદદરૂપ સંસ્થાઓ, ગુજરાતમાં વૃદ્ધાશ્રમોની વિગતો રજૂ કરી છે. આજે વૃદ્ધોને માત્ર રહેઠાણ અને ભોજન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય સેવા, સામાજિક નેટવર્ક, વાચનાલય, પ્રવાસન, મનોરંજન, ધાર્મિ‌ક પ્રવચનો, ફુરસદની પ્રવૃત્તિ વગેરે અનેક કામો આજના વૃદ્ધાશ્રમો કરે છે. હવે વૃદ્ધાશ્રમો માત્ર અનાથાશ્રમો કે અશક્તાશ્રમો નથી. તે વૃદ્ધોના જીવનની બધી જ જરૂરો સંતોષે તેવી સંસ્થાઓ છે. ઘરમાં વહુ ઘેર ન હોવાથી વૃદ્ધને કદાચ બપોરે ચા ન મળે કે તબીબી સેવા ન મળે, પરંતુ આ બધી જ સેવાઓ વૃદ્ધાશ્રમોમાં મળી રહે છે.

આ પુસ્તકમાં કુટુંબમાં જીવન જીવવા વૃદ્ધોએ પોતે શું કાળજી લેવી તેની વાતો પણ કહી છે. તેમાં સંતાનો સાથે વહાલપ કેળવીએ (ખાસ કરીને વહુની કાયમ ટીકા ન કરીએ). તમારું હલનચલન અન્યને બાધારૂપ ન નીવડે તે જોવું. ધાર્મિ‌ક અને સાહિ‌ત્યિક પુસ્તકો વાંચવામાં રસ કેળવવો, ખોરાક વિશે શું કાળજી લેવી (ચટાકા ન રાખવા). શરીર સાથ આપે ત્યાં સુધી પોતાનું કામ પોતે કરવું, વાતો કરી આનંદ મેળવો. પરંતુ ટીકાખોર ન બનો. વ્યસનથી દૂર રહો તથા કુટુંબની આર્થિ‌ક સ્થિતિને અનુકૂળ બનો વગેરે બાબતો કહી છે. આ બધી બાબતો વૃદ્ધોએ પોતાની જીવનશૈલી કઇ રીતે બદલાવી તે અંગે ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે.’


vidyutj@gmail.com

========================================

સૌજન્ય-આભાર. શ્રી વિદ્યુત જોશી ….. દિવ્ય ભાસ્કર  

===========================

ઘરડા માણસોને અનુલક્ષીને  લખાયેલ શ્રી હરનીશ જાનીની એક રમુજી કાવ્ય રચના .

જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબારના આભાર સાથે નીચે પ્રસ્તુત છે તમને

માણવી ગમે એવી ઘરડા માણસોની પરિસ્થિતિનું આબાદ  ચિત્ર રજુ કરતી એક કાવ્ય રચના .(હઝલ !)

ગોલ્ડન એઈજ – હરનિશ જાની

ઉમ્મર વધે, શરીર કળે. એમ પણ બને.
મનમાં તોય જુવાની ફુટે, એમ પણ બને.

વાંદરો જેટલો ઘરડો, ગુલાંટ તેટલી મોટી,
બુઢ્ઢો ભોંયે પછડાય, એમ પણ બને.

બરબાદ કરી જવાની જેની પાછળ, સામી મળે
‘કેમ છો, બહેન?’ પુછાય, એમ પણ બને.

કરવટેં બદલતે રહે, સારી રાત ભર,
પ્રેમ નહીં; પેટમાં ગેસ હોય, એમ પણ બને. ’

હીયરીંગ એઈડ વાપરો છો?’ ના આપણને ન મળે
‘ ફીયરીંગ એઈડ?’ સંભળાય, એમ પણ બને.

નવાઈની વાત પડોશણ કરતાં પત્ની રુપાળી લાગે
ચશ્માં ન પહેર્યાં હોય, એમ પણ બને.

’ ઓલ્ડ એઈજ ઈઝ ગોલ્ડન‘ કહેનારને મારવા
હાથેય ન ઉંચકાય, એમ પણ બને.

– હરનિશ જાની

હરનીશભાઈનો  પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો. 

————————————————-

સૌજન્ય /આભાર ..શ્રી હરનીશ જાની અને હાસ્ય દરબાર