વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 493 ) બાયપાસ સર્જરી……..એક સામાજિક વાર્તા …… – ડૉ. કલ્પના દવે

આ વાર્તામાં લેખિકાએ આબાદ રીતે રચેલ નાજુક સંબંધોના તાણાવાણાની એક બાજુએ  છે જીવન સંધ્યાએ પહોંચેલ  માતા પિતા , રમણભાઈ અને મનોરમાબેન અને બીજી બાજુ છે એમનો દીકરો અશોક અને અને એની સ્વતંત્ર વિચારો ધરાવતી કહેવાતી સુશિક્ષિત આધુનિક  પત્ની નીના .

આ બધા કુટુંબીજનો વચ્ચે પ્રેમના સંબંધોનો સેતુ એક વ્યક્તિની ગેર સમજથી ખોરવાઈ જાય છે અને રમણભાઈની માંદગી કુટુંબીજનોને  ફરી પ્રેમના તંતુથી જોડી દે છે અને આ રીતે વાર્તાનો સુખાંત આવે છે .

 આ વાર્તાનો સાર લેખિકાએ એના અંતિમ વાક્યોમાં આપી દીધો છે એ આ છે ……

યુવા સંતાનો સાથે રહે કે નોખાં, પ્રેમનો સેતુ બાંધવો જરૂરી છે.

ગેરસમજની ઊંડી ખીણ સંબંધના વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે છે.

 આજે આપણા સમાજમાં બાંધી મુઠ્ઠી રાખીને ઘરની વાત મનમાં ધરબી રાખીને જાતે સહન કરીને પણ સંતાનોની આબરુની ચિંતા કરતા અને જાતે ખમી ખાતા રમણભાઈ અને મનોરમાબેન જેવા ઘણા માતા -પિતા  મળી આવશે .  

વિનોદ પટેલ

================================================

 

મારું આકાશ ક્યાં?… – ડૉ. કલ્પના દવે

BYPASS SURJARI‘સવિતાબહેન સાંભળ્યું? આ રમણભાઈનો અશોક નોખો થઈ ગયો!’ પાડોશી કાંતાબહેને ચિંતિત સ્વરે સવિતાબહેનને કહ્યું.

‘શું વાત કરો છો? મનોરમાબહેન તો દીકરીની સુવાવડ કરવા અમેરિકા ગયાં છેને! આટલું બધું ભણેલો, સમજુ અશોક કેમ અચાનક જુદો થઈ ગયો?’ આશ્ર્ચર્યચકિત ભાવે સવિતાબહેન બોલ્યાં.

‘સાંભળ્યું છે કે રમણભાઈ અને અશોકની વહુ વચ્ચે કોઈ વાતે મોટો ઝઘડો થયો અને અશોક જુદો થઈ ગયો.’

‘પણ, પોતાની મમ્મી આવ્યા પછી અશોકથી જુદા નહોતું થવાતું? આટલી ઉંમરે બાપાને આ રીતે એકલા છોડીને ગયો. થોડું સમજાવટથી કામ લીધું હોત – જરા મમ્મીની રાહ જોઈ હોત, આવી શી ઉતાવળ કરવાની?’

‘આ અશોકની અપટુડેટ વહુ તો ભારે જબરી નીકળી. બિચારા રમણભાઈ… પોતાનું દુ:ખ કોને કહે? આમે પહેલેથી જ રાંક સ્વભાવના છે. કાંતાબહેને આર્દ્ર સ્વરે કહ્યું.

‘આપણે પાડોશમાં વર્ષોથી રહીએ છીએ એટલે રમણભાઈ માટે આપણો જીવ બળે પણ સાચું કહું કાંતાબહેન, આપણાથી કોઈના ઘરની વાતમાં થોડું માથું મરાય. ને મનોરમાબહેન હોય તો એની સાથે પેટછૂટી વાત થાય…

કાંતાબહેન અને સવિતાબહેન બંને આ વાતથી દુ:ખી હતાં કે અશોક અચાનક જુદો થઈ ગયો અને રમણભાઈ બિચારા એકલા – પરવશ થઈ ગયા.

મુલુંડની શ્રીનિવાસ ચાલમાં અત્યારે ‘અશોક જુદો થઈ ગયો’ આ જ વાત બધાને મોઢે થતી હતી પણ રમણભાઈ સામે મળે ત્યારે કોઈ કશું બોલી શકતું નહીં. માત્ર એક જ સવાલ પુછાતો, તમારી તબિયત સાચવજો અને મનોરમાબહેન ક્યારે આવવાના છે?

શનિવારે રાત્રે મનોરમાબહેને અમેરિકાથી ફોન કર્યો. થોડી ખબરઅંતર પૂછીને તેમણે કહ્યું: ‘નીનાવહુ કેમ છે? જરા અશોકને ફોન આપો.’

રમણભાઈએ ટૂંકમાં પતાવ્યું – ‘બધા મજામાં છે. એ લોકો બહાર ગયાં છે.’

‘હું બુધવારની ફલાઈટમાં રાત્રે સાડાદસ વાગે મુંબઈ પહોંચીશ. લો, પ્રાચી દીકરી સાથે વાત કરો.’

પ્રાચીએ કહ્યું: ‘પપ્પા, તમે કેમ છો? બેબીને રમાડવા જલદી અમેરિકા આવજો. બેબીના ફોટા મમ્મી સાથે મોકલાવું છું. અશોક ક્યાં છે, જરા કામ છે.’

‘બેટા… આજે એને ઓફિસથી મોડું થશે અને નીના તેની બહેનપણીને ત્યાં ગઈ છે.’

‘પપ્પા તમે ને મમ્મી પાછાં જલદી આવજો.’

માંડ સ્વસ્થતા જાળવતાં રમણભાઈએ કહ્યું, ‘હા… બેટા, અમે જરૂરથી આવીશું.’ પ્રાચી સાથે વધુ વાત કરવા જઈશ તો કદાચ લાગણીશીલ થઈ જવાશે એ વિચારે તેમણે કહ્યું, ‘બેટા. જયશ્રીકૃષ્ણ, ફોન મૂકું છું. મમ્મી કઈ ફલાઈટમાં કેટલા વાગે આવશે એની વિગતનો ઈમેઈલ કરી દેજે.’

ફોન મૂકતાં જ રમણભાઈ રડી પડ્યા . દાંપત્યજીવનના ચાર દાયકા પછી આ પહેલો પ્રસંગ હતો કે તેઓ સાવ એકલા હતા. હસતે મોઢે કુટુંબની જવાબદારી ઝીલનારી પ્રેમાળ પત્નીની ગેરહાજરી તેમને ખૂબ સાલતી હતી. ઘડીકમાં શ્રીનાથજીના ફોટા સામે તો ઘડીકમાં મનોરમાબહેન-અશોક-નીનાવહુ, પ્રાચી અને જમાઈના ફેમિલી ફોટા સાથે તેઓ સ્થિર નજરે જોઈ રહ્યા… ‘મનુ… જો અશોક આપણને છોડીને ચાલ્યો ગયો… હવે જીવનનો ભાર કેવી રીતે વેંઢારશું…’

તે દિવસે બનેલી ઘટના યાદ આવતાં ફરી તેમનું અંતર વલોવાઈ ગયું, પણ તરત અશોકના આંખની ભીનાશ અને પ્રાચીના મીઠા શબ્દો તેમના મનમાં પડઘાયા… મનોરમાબહેનનો હસમુખો ચહેરો તેમની નજર સામે તરવરી રહ્યો. રમણભાઈ ઊઠ્યા, માટલામાંથી ઠંડું પાણી પીધું, હાથમાં માળા લઈને પ્રભુસ્મરણ કરવા લાગ્યા.

મનોરમા બુધવારે આવશે. આ વિચારોમાં તથા તેના આગમનની તૈયારીમાં એક અઠવાડિયું તો ક્યાંય પસાર થઈ ગયું. ટિફિનવાળા પાસેથી મનોરમાબહેનને ભાવતા થેપલાં અને મરચાંનું શાક, પુલાવ-કઢી મગાવીને રમણભાઈએ તે દિવસે ડાઈનિંગ ટેબલ સરસ રીતે સજાવી દીધું અને ફલાઈટ આવવાના દોઢ કલાક પહેલાં જ રમણભાઈ એરપોર્ટ પહોંચી ગયા.

આમ તો ચાર મહિના જ થયા હતા, પણ મનોરમાબહેન કોઈ વાર રમણભાઈને એકલા મૂકીને ક્યાંય ગયાં ન હતાં. લાંબી પ્રતીક્ષા પછીની મિલનની ઘડીઓમાં જે સુખદ સ્પંદનો હોય છે તે આજે ત્રેસઠ વરસે રમણભાઈ અનુભવી રહ્યા હતા. બંનેના મિલનમાં સહભાગી થવા તે દિવસે એર ઈન્ડિયાની ફલાઈટે પણ સમયસર ઉતરાણ કર્યું.

‘અશોક મને લેવા નથી આવ્યો’ સામાન ઘસડીને લાવતાં બહાર પગ મૂકતાં જ મનોરમાબહેને પૂછ્યું.

‘અશોક બહારગામ ગયો છે’, રમણભાઈએ ટૂંકમાં પતાવ્યું.

‘અને નીનાવહુ?’

‘ઘરે ચાલને, પછી વાત કરજે બધી.’

‘અશોક ન આવે તેવું બને જ નહીં. એ બહારગામ ગયો હોય તો નીના તો આવે જ ને.’

‘તું ઘરે આવ, તને બધું સમજાવીશ.’

‘શું થયું છે? બધું ક્ષેમકુશળ તો છેને?’ પછી રમણભાઈના મોં સામે તાકી રહેતાં થોડીવારે પૂછ્યું: ‘તમે કેટલા બધા લેવાઈ ગયા છો? તબિયત તો ઠીક છે ને?’

‘બધું ઠીક છે… ઠીક થઈ જશે. તું આવી ગઈને!’ આટલું માંડ માંડ બોલતાં રમણભાઈએ બધો સામાન ટેક્સીમાં ગોઠવ્યો.

ટેક્સીમાં મનોરમાબહેને પ્રાચીના ઘર વિશે, તેની નાની દીકરી રૂપા વિશે ખૂબ વાતો કરી. મનોરમાબહેનની ઉમંગભરી વાતો સાંભળીને આજે ત્રણ મહિને રમણભાઈ હળવાશ અનુભવી રહ્યા.

ટેક્સી ઘર પાસે આવીને ઊભી રહી ત્યારે રાતના સાડાબાર વાગ્યા હતા. શ્રીનિવાસ ચાલ અત્યારે જંપીને સૂતી હતી. રમણભાઈએ ઘરનો દરવાજો ખોલતાં કહ્યું:

‘મનુ, હું જે વાત કરું છું તે શાંત ચિત્તે સાંભળજે. અશોક અને નીનાવહુ જુદાં થઈ ગયાં છે એટલે તને આવકાર આપવા હમણાં મારા સિવાય ઘરમાં બીજું કોઈ નથી.’

માથે વીજળી પડી હોય તેમ બેબાકળા થતાં મનોરમાબહેને કહ્યું: ‘હે…? કેમ? એકદમ શું થઈ ગયું?’

‘તું અકળાઈ ન જા. બધી વાતો હું તને કહીશ . ઘરમાં પગ મૂકતાં જ મનોરમાબહેન રડી પડ્યાં. મનોરમાબહેનનો વલોપાત રમણભાઈ માટે અસહ્ય થઈ પડ્યો, તેમની આંખો પણ ભીની થઈ ગઈ.

મનોરમાબહેને કહ્યું:

‘મને કહો તો ખરા… શું થયું હતું? અશોકે કેમ અચાનક આવું કર્યું?’

‘મનુ, નીનાવહુ જરા બોલવામાં ઉદ્ધત છે એ તો આપણે સહન કરી લઈએ પણ તે દિવસે એનો ભાઈ આવ્યો હતો. તેના ભાઈએ અશોક પાસે ૫૦,૦૦૦ રૂ. એના ધંધા માટે માગ્યા. હું ત્યાં બેઠો હતો એટલે મેં કહ્યું અશોક, તુષારે આગળ પૈસા ઉધાર લીધા હતા તે આપ્યા નથી એટલે વિચાર કરીને આપજે.’

મેં દીકરાને સાચી સલાહ આપી, પણ મનુ તે વખતે નીનાએ એના ભાઈ તુષારના દેખતાં જ મારું અપમાન કર્યું, ન બોલવાના શબ્દો બોલી…

અશોક મને તરત બેડરૂમમાં લઈ આવ્યો. તે દિવસે અશોકે તુષારને પૈસા ન આપ્યા એટલે નીનાવહુએ ઉગ્ર રૂપ લીધું. તેણે કહ્યું, મારા પપ્પાએ મારા નામે જે બ્લોક રાખ્યો છે હું ત્યાં જઉં છું. તારે આવવું હોય તો આવ નહીં તો હું આ ચાલી… મારે ભેગા રહેવું નથી.’

આઠ-દસ દિવસ પછી અશોકે મને કહ્યું: ‘પપ્પા અમે નીનાના ખાલી પડેલા બ્લોકમાં શિફટ થઈએ છીએ. જો હું નીના સાથે નહીં જાઉં તો અમારા લગ્નજીવન પર તેની અસર થશે. “

હું કશું ન બોલી શક્યો. અને મારી નજર સામે અશોક અને નીના ઘર છોડીને નીનાના બ્લોક પર જતાં રહ્યાં.’

મનોરમાબહેન ખૂબ દુ:ખી થઈ ગયાં. એમની નજર સામે પુત્રપ્રેમનાં અનેક સંસ્મરણો તાજાં થયાં. બે દીકરીઓને સાસરે વળાવી એમનું નસીબ તેમને અમેરિકા લઈ ગયું. એમ.બી.એ. થયેલો સારું કમાતો અશોક કદીયે કોઈને શોક આપે નહીં કે શોક કરે નહીં તેવો વહાલસોયો દીકરો આમ જરા વાંકું પડતાં જુદો થઈ ગયો! પોતાનું હૈયું ઠાલવતાં મનોરમાબહેને કહ્યું :

‘લગ્નજીવનના ચાર દાયકાના સહજીવનમાં મેં ક્યારેય આટલી હતાશા અનુભવી નથી… આપણે હવે સાવ એકલાં થઈ ગયાં! આપણું કોઈ નહીં? આ ઉંમરે મા-બાપને યુવાન સંતાનોની વધુ જરૂર હોય છે… સંતાનોને પ્રેમથી ઉછેર્યાં, સારું શિક્ષણ આપ્યું. અને આજે પાંખોમાં જોર આવતાં માળો છોડીને સહુ ચાલી ગયાં… બાળકો વિનાનું આ ઘર કેવું ખાલીખમ લાગે છે!’

રમણભાઈ મૂંઝવણમાં હતા, એ કયા મોઢે પત્નીને સાંત્વના આપે? અશોકના ગયા પછી આ અઢી મહિના એમણે કેવી રીતે પસાર કર્યા હતા એ એમનું જ મન જાણતું હતું.

ઘણા દિવસો પછી રમણભાઈએ અને મનોરમાબહેને સાથે બેસીને ખાધું અને આવેલી પરિસ્થિતિનો સામનો કરવા મન મજબૂત બનાવ્યું.

અશોક ચેન્નઈ ગયો હતો. શનિવારે આવ્યો ત્યારે તેને ઓફિસમાં મેસેજ મળ્યો કે મમ્મી અમેરિકાથી આવી ગઈ છે. રવિવારે સવારે અશોક અને નીના મળવા આવ્યાં. મનોરમાબહેને તૂટેલા તારને જોડવાના નિરર્થક પ્રયત્નો કર્યા, પણ બેંકમાં ઊંચો પગાર પાડતી નીનાવહુને હવે સાસુ-સસરાના બંધનથી પર સ્વતંત્ર રહેવું હતું.

શ્રીનિવાસ ચાલના પાડોશીઓ રમણભાઈ અને મનોરમાબહેનને એકલું ન લાગે તે માટે અવારનવાર મળવા આવતા. પોતાનાં નાનાં બાળકોને મનોરમાબહેનને ઘરે રમવા મોકલતા. પોતાના સંતાનોથી વછૂટેલાં માતા-પિતાનો ઝુરાપો, તેની વેદના તો રમણભાઈ અને મનોરમાબહેનના ચહેરા પર લીંપાયેલી રહેતી.

માનસિક તાણ અને હૃદયમાં વેદનાનો ડુંગર અસહ્ય બનતાં રમણભાઈને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો. કાંતાબહેન અને તેના પતિ તરત જ મદદે દોડી આવ્યાં. રમણભાઈને નજીકના એક પ્રાયવેટ નર્સિંગહોમમાં ખસેડ્યા. મનોરમાબહેને અશોકને ફોન કરીને જણાવ્યું કે તારા પપ્પાને એટેક આવ્યો છે ને હમણાં નર્સિંગહોમમાં છે.

અશોકે કહ્યું: ‘મમ્મી, તું જરાય ગભરાતી નહીં, હું હમણાં જ આવું છું.’

ડૉક્ટરે રમણભાઈના રિપોર્ટ્સ અને તપાસના અંતે નિદાન કર્યું કે ‘બાયપાસ સર્જરી કરાવવી પડશે. કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ.

મનોરમાબહેન તદ્દન ભાંગી પડ્યાં હતાં. અશોકે દૃઢ સ્વરે ડૉક્ટરને કહ્યું: ‘ડૉક્ટર, તમે જ્યાં કહેશો તે હોસ્પિટલમાં જઈશું. ભલે ગમે તેટલો ખર્ચ થાય, મારા ડેડીની બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ થવી જોઈએ?

નીનાવહુએ તરત જ સૂર પુરાવ્યો, ‘મમ્મી અમે તમારી સાથે જ છીએ. હવે હું તમને એકલાં મૂકીને ક્યાંય નહીં જઉં. પપ્પા, જ્યાં સુધી તમે ઘરે નહીં આવો હું તમારી નજર આગળથી ખસીશ નહીં.’

ભૂતકાળની કોઈ ઘટનાનું સ્મરણ અસ્થાને હતું. સંતાનોની હૂંફને ઝંખતાં મનોરમાબહેનને શ્રદ્ધાનું – પ્રેમનું નવું આકાશ મળી ગયું હતું.

કાંતાબહેન સ્વગત બબડ્યાં: ‘પોતાના માણસની સાચી પરખ આપત્તિકાળમાં જ થાય છે. આ વાત અશોકે સિદ્ધ કરી બતાવી. અશોક વિશે આપણા મનમાં કેવી ગેરસમજ હતી! પણ દરેક સંતાનોને માતા-પિતા માટે લાગણી હોય છે. તેમની પ્રીતનાં પારખાં ન હોય!

યુવા સંતાનો સાથે રહે કે નોખાં, પ્રેમનો સેતુ બાંધવો જરૂરી છે.

ગેરસમજની ઊંડી ખીણ સંબંધના વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખે છે.

 

  ——————————————

આભાર …સૌજન્ય ..ડૉ. કલ્પના દવે …. મુંબઈ સમાચાર 

 

 

5 responses to “( 493 ) બાયપાસ સર્જરી……..એક સામાજિક વાર્તા …… – ડૉ. કલ્પના દવે

 1. pragnaju જુલાઇ 24, 2014 પર 11:47 એ એમ (AM)

  ધર્મ ધીરજ મિત્ર ને નાર ચારે પરખાય આપત્તિકાળ….

  Like

 2. pravinshastri જુલાઇ 25, 2014 પર 7:38 પી એમ(PM)

  સરસ વારતા. સંયુક્ત કુટુંબની અનિવાર્ય વ્યથાઓ.

  Like

 3. jugalkishor જુલાઇ 26, 2014 પર 7:34 પી એમ(PM)

  પોતાના પક્ષને સમજવામાં સામા પક્ષને સમજવાનું રહી જતું હોય છે. બધું આપણે ધારીએ તેવું હોતું નથી. માણસ દશઆંગળ – સહેજ જ – ઉંચો થઈને જોતાં શીખે તો એને બન્ને પક્ષોની ભીતરી જાણકારી મળી શકે છે.

  આંખ પોતાના કાજળને જ જોઈ શકતી નથી કારણ કે કાજળને જોવા માટે પોતાના ગોખલામાંથી નીકળીને સામે છેડે જવું પડે !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: