વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 30, 2014

( 497 ) જો હું એમની આંખો બનું તો… ? …(વ્યક્તિ વિશેષ પરિચય)– અવંતિકા ગુણવંત

પહેલા અંધ લેકચરર ,પહેલા અંધ સેનેટ  સભ્ય ,પહેલા અંધ ગ્રેજ્યુએટ ટીચર અને પહેલા વિકલાંગ કમિશનર શ્રી ભાસ્કરભાઈ મહેતાનો જાણીતાં લેખિકા અવંતિકાબેન  ગુણવંત એ એમના ૨૦૦૯ માર્ચમાં લખાયેલ આ લેખમાં સુંદર પરિચય કરાવ્યો છે, એ વાંચતા જ મને ગયો .

મને લખવા માટે સતત પ્રેરણા આપનાર અવન્તીકાબેનની ૨૦૦૭ની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન મેં એમના નિવાસ સ્થાને  ત્રણ વાર મુલાકાત લીધી હતી અને એમના સ્નેહાળ આતિથ્યનો યાદગાર અનુભવ પ્રાપ્ત કર્યો હતો.

આ મુલાકાતો દરમ્યાન એમની સાથે જે આત્મીય ગોષ્ટી કરવાની તક મળી એમાં એમણે મને પ્રજ્ઞાચક્ષુ શ્રી ભાસ્કરભાઈના પ્રતિભાવંત વ્યક્તિત્વ અને એમના કુટુંબીજનો સાથેના એમના નજીકના સંબંધોની પણ વાત કરી હતી એ યાદ આવે છે .

આવા એક પ્રજ્ઞા ચક્ષુ શ્રી ભાસ્કરભાઈ મહેતાની બહુમુખી પ્રતિભાની સુંદર શબ્દોમાં વિગતો સાથે ઝાંખી કરાવતો અવન્તીકાબેનનો લેખ વિનોદ વિહારની ‘ અપંગનાં ઓજસ ‘ લેખ માળાની શ્રેણીમાં આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે .

આજે પણ ફોન ઉપર અવન્તીકાબેન સાથે થતી મારી વાતચીત ખુબ આનંદાયક અનુભૂતિ કરાવે છે .જો કે એમનું  સ્વાસ્થ્ય હાલ જોઈએ એવો  એમને સાથ  આપતું નથી એમ છતાં એમની લેખન યાત્રા વણથંભી ચાલુ રાખીને  એમની વિવિધ પત્રોમાં પ્રગટ થતી કોલમોના એમના અનેક  પ્રસંશકોને વાચનનો લાભ આપી રહ્યાં છે .

મને આશા છે આપને અવંતિકાબેનનો  પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈની અદ્ભુત પ્રતિભાનો પરિચય કરાવતો આ પ્રેરક  લેખ વાચવો  જરૂર ગમશે .

વિનોદ પટેલ

=============================

 

જો હું એમની આંખો બનું તો… ? – અવંતિકા ગુણવંત

Bhaskarbhai Maheta and Pravinaben Mahea

Bhaskarbhai Maheta and Pravinaben Mahea

આપણે ત્યાં પહેલા બ્લાઈન્ડ લેકચરર કોણ ? ભાસ્કરભાઈ મહેતાપહેલા બ્લાઈન્ડ સેનેટ સભ્ય કોણ ? ભાસ્કરભાઈ મહેતાપહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કોણ ? ભાસ્કરભાઈ મહેતાઅને પહેલા વિકલાંગ કમિશનર કોણ ? ભાસ્કરભાઈ મહેતા….

ઈંગ્લૅન્ડમાં અંધ કેળવણી પ્રધાન છે, પરંતુ આપણે ત્યાં વિકલાંગની આવા ઊંચા પદ પર પ્રથમવાર નિમણૂંક થઈ છે. આજ સુધી જે સ્થાન પર ફક્ત આઈ.એ.એસ અધિકારીઓ જ બેસતા તે સ્થાન પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈએ ગત સતત ત્રણ વર્ષો (2005-2008) સુધી શોભાવ્યું હતું. એ સમયે તેમના હાથ નીચે 25 કલેક્ટરો રહેતા. અથાગ પરિશ્રમ, અખૂટ આત્મવિશ્વાસ અને અસીમ શ્રદ્ધાથી એક એક ડગ આગળ વધતા ભાસ્કરભાઈના જીવન અને તેમના અનોખા પ્રસન્ન દાંપત્ય વિશે તમને જાણવું ચોક્કસ ગમશે.

તો ચાલો સૌપ્રથમ, ભાસ્કરભાઈના જીવન અને તેમના કાર્યક્ષેત્ર પર એક નજર કરીએ….

તેઓ મૂળ ભાવનગરના. 23 સપ્ટેમ્બર, 1950માં અમદાવાદમાં તેમનો જન્મ. માતા રંભાલક્ષ્મી અને પિતા યોગેન્દ્રભાઈ, એ.એમ.ટી.એસ.ના સામાન્ય કર્મચારી. ભાસ્કરભાઈને જન્મથી જ આંખના નૂર નહિ. એમના પછી 1952માં જન્મેલા નાના ભાઈ ગગનની આંખો પણ તેજહીન. એ જમાનામાં અંધજનો માટે શિક્ષણ અને પુનર્વસનની ખાસ વ્યવસ્થા ન હતી. સામાન્ય ઘરમાં બબ્બે બાળકો, માબાપનું તો હૈયું જ બેસી જાય ને ! પણ એમના નાનાજી અને દાદાજી અને આખા કુટુંબે આ બાળકોની સમસ્યાને પોતાની ગણી હતી અને શક્ય એટલી જવાબદારી સંભાળી લીધી હતી. ભાસ્કરભાઈ કહે છે કે એમના નાગર કુટુંબની સંસ્કારિતા અને શહેરમાં વસવાટ આ બે પરિબળોએ એમના શિક્ષણમાં સારો ભાગ ભજવ્યો.

એમના ઘરની નજીક જ અંધશાળા. વિનોદાબહેન દેસાઈ એનાં સંચાલિકા. એમને જોયાં ને રંભાલક્ષ્મીબહેનને પોતાના દીકરાઓ માટે માર્ગ દેખાયો. દીકરાઓને એમણે અંધશાળામાં દાખલ કર્યા. બે ભાઈઓ ચાલતા કાં તો બસમાં એકલા સ્કૂલે જતા.

તેઓ પરિવારમાં સમાજ સાથે રહેતા હતા. એમનાં માતાપિતા વગર સંકોચે પોતે જ્યાં જાય ત્યાં દીકરાઓને પોતાની સાથે લઈ જતા હતા. આમ એમનો ઉછેર સ્વાભાવિકપણે થતો હતો. તેઓ દેખતા છોકરાઓ સાથે ગિલ્લીદંડા અને લખોટી રમતા. ક્યારેક પડી જાય, વાગે પણ રમતાં અટકે નહિ. એક વાર બૉલ લેવા જતાં પાણીની ટાંકીમાં ઊંધા પડી ગયા હતા, પણ ચપળતા દાખવીને તરત ઊભા થઈ ગયા. એક વાર ભારે રોલર ફેરવતાં ગલુડિયાંને ચગદી નાખ્યા હતા. આની પાછળ કોઈ ગુનાવૃત્તિ નહિ, પણ તોફાન કરવાની મઝા આવે ને ના દેખવાના કારણે આવું થઈ જાય. તોફાની હોવાના કારણે નિશાળમાં સાહેબોનો માર ખાધો છે. પ્રિન્સિપાલ એમને તોફાની છોકરા તરીકે ઓળખે; પણ તેઓ એમના પ્રિય વિદ્યાર્થી હતા.

ભાસ્કરભાઈ માને છે, natural pleasure of life એમને મળી તેથી એનો વિકાસ નોર્મલ થયો. અન્ય અંધ બાળકોની જેમ એમને સંગીત કે નેતરકામ ના ગમે; તેમને ભણવાનું ગમતું. તેઓ બ્રેઈલ વાંચનમાં કાયમ આગળ રહેતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઈન્ડિયા લેવલ પર બ્રેઈલ વાચનમાં પ્રથમ આવતા ને ઈનામ જીતતા. પછી એ જ સ્પર્ધાના એ નિર્ણાયક નિમાયા અને સ્પર્ધક મટી ગયા. અંધ સ્કૂલના આચાર્ય શ્રી હર્ષદભાઈ જોશી સાથે એમને પિતાપુત્ર જેવો સંબંધ. પોતાના પિતાની વાત ક્યારેક અવગણે પણ જોશીસાહેબની નહિ.

ભાસ્કરભાઈએ સાતમું ધોરણ પાસ કર્યું, પછી કહે મારે અંધસ્કૂલમાં નથી જવું, હું નોર્મલ સ્કૂલમાં ભણીશ; અને બહુ લોકોના વિરોધ વચ્ચે એમણે નૂતન ફેલોશીપમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ એમના જીવનનો ટર્નિંગ પૉઈન્ટ હતો. અહીં એમને વિશાળ સર્કલ મળ્યું. લગભગ છસો-સાતસો બાળકો વચ્ચે ભણવાનું એટલે વાચાળતાનો વિકાસ થયો. સ્પર્ધા માટે પણ મોટું ગ્રાઉન્ડ મળ્યું.

સ્કૂલની પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપે જ્યારે ભાસ્કરભાઈ મૌખિક પરીક્ષા આપે. બધા વિકલ્પ સવાલો સાથે આખા પેપરના જવાબો એ કડકડાટ મોંએ બોલી જાય. તેઓ રાજ્યકક્ષાએ યુવક મહોત્સવમાં વક્તૃત્વ હરીફાઈમાં ઈનામો જીતે. આ બધી સફળતાના આધારે એમણે નિર્ણય કર્યો કે પોતે શિક્ષણનો વ્યવસાય અપનાવશે. એમની સ્કૂલમાં ટીચર ના આવે તો એ પિરિયડ લેવા જતા. નિબંધ કે વિચારવિસ્તાર કરાવીને એ આખા વર્ગને ભણવામાં રોકી રાખતા. આમ એમનો વિકાસ થતો ચાલ્યો.

મેટ્રિક પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો. બધી જ પરીક્ષાઓ ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કરી. દરેક વખતે સ્કૉલરશિપ મળતી અને એમનું ભણવાનું ચાલુ રહેતું. તેઓ ફાઈનલ બી.એ.માં હતા ને પ્લુરસી થયો. મહિનાઓ સુધી જિંથરીની હૉસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું. એમના પિતા રડી પડ્યા કે હવે દીકરો બી.એ.ની પરીક્ષા નહિ આપી શકે, પણ, ભાસ્કરભાઈ કહે મારાથી એક વરસ ના બગાડાય, હું પરીક્ષા આપીશ.

માંદગીના લીધે શરીર કૃશ થઈ ગયું હતું. વધારે પરિશ્રમ કરવા પર અંકુશ હતો, પરંતુ દઢ સંકલ્પ શું નથી કરતો ? વિદ્વાન પ્રોફેસર ગૌતમભાઈ પટેલે તેમની ટ્યુશન ફી લીધા વગર પોતાના ઘરે ભણાવ્યા, જમાડ્યા અને ભાસ્કરભાઈ કૉલેજમાં પ્રથમ આવ્યા. પછી. યુ.જી.સી.ની સ્કોલરશિપ મળી ને એમ.એ. કર્યું. સંસ્કૃત કાલિદાસ મહોત્સવ ઉજ્જૈનમાં વકૃત્વસ્પર્ધામાં તૃતીય આવ્યા.

વિદ્યાર્થીજીવનમાં તેમણે નવનિર્માણના આંદોલનમાં ભાગ લીધો હતો, પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ય ગયા હતા. સ્ટુડન્ટ વેલફેર બોર્ડની ચૂંટણી લડ્યા ને જીતેલા. તેઓ આનંદબજારના આયોજન કરતા. આમ અંધત્વના કારણે તેઓ ક્યાંય પાછા નથી પડ્યા. ઉત્સાહ-ઉમંગથી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લેતા.

તેમણે આંતરાષ્ટ્રીય સ્તરે એક નિંબધ હરીફાઈમાં ભાગ લીધો ને તેમને જર્મની જવા મળેલું. જર્મની જતા પહેલાં વાતચીતની જર્મન ભાષા શીખી લીધેલી. સંસ્કૃત અને પ્રાકૃત સાથે એમ.એ.ની પરીક્ષા 72% માર્ક્સથી પાસ કરી, પછી બી.એડ.માં પ્રવેશ લીધો. એ દરમિયાન પ્રાંતિજની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં લેક્ચરર તરીકે જોબ મળી. જોબની સાથે સાથે બી.એડ. ડિસ્ટિંકશન માર્ક્સ સાથે પાસ કર્યું. તે પછી એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને પછી ઈડર કૉલેજમાં 17 વર્ષ અધ્યાપન કર્યું. એમની ઈડરની કૉલેજમાં નિમણૂક કરતી વખતે પસંદગી સમિતિ હિચકિચાટ અનુભવતી હતી કે આંખે જરાય ના દેખતી વ્યક્તિ કૉલેજમાં વિદ્યાર્થીઓને કાબુમાં રાખી શકશે ? ભાસ્કરભાઈ વિદ્યાર્થીઓના પ્રિય સર બન્યા. ભાસ્કરભાઈના માર્ગદર્શન નીચે એમ.એ.માં એન્ટાયર સંસ્કૃત લેવાની સગવડ શરૂ થઈ.

સાબરકાંઠામાં અંધજનો માટે ખાસ કામ નહોતું થયું, તેથી તેમણે રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા, ઈડર’ – શરૂ કર્યું. આજે ત્યાં 120 વ્યક્તિનો સ્ટાફ છે ને સવા કરોડનું બજેટ છે. અંધ ઉપરાંત મંદબુદ્ધિના, બહેરામૂંગા, મલ્ટીપલ ક્ષતિઓવાળાને પણ શિક્ષણ તથા તાલીમ અપાય છે. અભ્યાસ પછી નોકરી, લગ્ન વગેરે બાબતે સહાય કરાય છે. ભાસ્કરભાઈ માને છે કે માનવધર્મ જ શ્રેષ્ઠ છે. અન્યાય અને શોષણ સામે લડવા એ કાયમ તત્પર હોય છે. અધ્યાપક મંડળનું કામ હોય તો ય એ આગેવાની લેવા તૈયાર. અનામત આંદોલનમાં ય આગળ પડતો ભાગ લીધો હતો. પોલીસનો માર ખાધો હતો અને જેલમાં ગયા હતા.

વિકલાંગોના સ્વાવલંબન માટે વિકલાંગ ધારો પસાર કરાવવા લડત ચલાવી અને 20 વર્ષની લાંબી લડત પછી એ ધારો અમલમાં આવ્યો. આ ધારાની જોગવાઈ મુજબ વિકલાંગોને સમાન તક મળવી જોઈએ, એમના હકોનું રક્ષણ થવું જોઈએ અને એમને લગતાં કાર્યોમાં એમની તાકાતનો ઉપયોગ થવો જોઈએ. આ ધારાના પરિણામે ભાસ્કરભાઈ વિકલાંગ બોર્ડના કમિશનર થઈ શક્યા. આ પદ ગ્રહણ કરનાર તેઓ સૌ પ્રથમ વિકલાંગ છે. આજ સુધી આ જગ્યા પર આઈ.એ.એસ. અધિકારી નિમાતા. પરંતુ ભાસ્કરભાઈનું આજ સુધીનું કાર્ય અને સિદ્ધિ જોઈને એમની પસંદગી કરવામાં આવી.

ભાસ્કરભાઈ સમાધાન કરવામાં માને છે, પણ સિદ્ધાંતની બાંધછોડ કરવામાં નહિ. જ્યાં અન્યાય દેખાય ત્યાં નમ્રતાથી વિવેકપૂર્ણ રીતે વિરોધ કરે જ છે. તેઓ કહે છે, શા માટે ગભરાઓ છો ? બોલો, માગણી કરો તો પામશો.સરકારી હોદ્દા પર રહીને કામ કરવાનું કેવું લાગે છે ?’ મેં પૂછ્યું.અત્યાર સુધી એન.જી.ઓ. સાથે કામ કરેલું, હવે સરકારી રીતરસમ સાથે પરિચિત થાઉં છું. મારે આંખ નથી, પણ દિલ અને દિમાગ તો છે ને ? કાર્યમાં નિષ્ઠા અને વાણીવર્તનમાં વિવેક રાખીને આગળ વધવાનું છે. હું જો સારું કામ કરીશ તો જ બીજા વિકલાંગોની ઊંચી પોસ્ટ પર નિમણૂક થશે. લોકોને વિકલાંગોમાં વિશ્વાસ બેસશે અને અમારા માટે ખૂલેલા માર્ગ ખૂલેલા જ રહેશે.ભાસ્કરભાઈએ આંતરાષ્ટ્રીય કક્ષાએ ઢાકા, જર્મની, નેધરલેન્ડ, બૅંગકૉક તથા સિંગાપુરમાં સેમિનારમાં ભાગ લીધો છે. હવે થોડીક વાતો તેમની અર્ધાંગિની વિશે કરીએ.

સામાન્ય રીતે એવું મનાય છે કે માણસ પોતાના સુખ અને વિકાસ માટે લગ્ન કરે છે. દરેક વ્યક્તિ જીવનસાથી પસંદ કરતી વખતે એક જ ગણતરી કરે છે કે આ પાત્ર સાથે જીવન જોડવાથી મને શું મળશે ? માણસ બીજાને સુખી કરવા નહીં પણ પોતે જાતે સુખી થવા લગ્ન કરે છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે માત્ર પોતાનંી સુખ નહીં પણ બીજાનું હિત વાંછે છે. આવી જ વાત છે પ્રવીણાબહેનની. એ ગ્રજ્યુએટ થયાં ને ઘરમાં લગ્નની વાત ચાલી ત્યારે તેઓ કહે, ‘મારે લગ્ન નથી કરવાં. મારે તો અંધજનોનું કામ કરવું છે.’ ‘લગ્ન કર્યાં પછીય એ કામ થઈ શકે.પિતા બોલ્યા. તત્કાળ, પ્રવીણાબહેનના ભીતરમાંથી અવાજ આવ્યો, ‘હા, થઈ શકે અને એ માટે અંધજન સાથે લગ્ન કરવાં આવશ્યક છે.એમણે માતાપિતાને કહ્યું : હું કોઈ અંધજન સાથે લગ્ન કરીશ.પ્રતિષ્ઠિત, સાધનસંપન્ન વત્સલ માબાપ પોતાની ખોડખાંપણ વગરની સોહામણી શિક્ષિત દીકરી માટે અંધ મુરતિયો નહીં જ શોધે એની ખાતરી હતી તેથી પ્રવીણાબહેને જાતે અંધ યુવકની શોધ આદરી. સંઘર્ષભર્યા પંથે પ્રયાણ આરંભી દીધું.

અને એમની નજરમાં ભાસ્કરભાઈ વસ્યા. ભાસ્કરભાઈ જન્માંધ છે, પણ પ્રતિભાશાળી એવા છે કે બી.એ.માં ફર્સ્ટ કલાસ, એમ.એ.માં ફર્સ્ટ કલાસ, બી.એડમાં પણ ફર્સ્ટ કલાસ અને વિકલાંગતાના નામ પર નહીં પણ પોતાની શૈક્ષણિક લાયકાત પર કોલેજમાં નોકરી મેળવી હતી. પ્રવીણાબહેનને થયું આ યુવકને આંખો નથી છતાં પોતાના પ્રખર પુરુષાર્થ, દઢ મનોબળ અને તીવ્ર મેધાશક્તિથી આટલો આગળ વધ્યો છે. હવે જો હું એની આંખો બનું તો આ માણસ આભને આંબે.

સેવાના અભિલાષી પ્રેમાળ પ્રવીણાબહેને વિનયપૂર્વક ભાસ્કરભાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભાસ્કરભાઈએ ઘસીને ના પાડી દીધી અને કહ્યું, ‘લગ્ન તો સમાન વચ્ચે હોય, તમે દેખતાં છો તેથી મારા કરતાં ચડિયાતાં ગણાઓ. હું તમને ના પરણી શકું.પ્રવીણાબહેને કહ્યું : હું તમારી બુદ્ધિપ્રતિભા, તમારા સમગ્ર વ્યક્તિત્વનો આદર કરું છું ને તેથી તમારી જીવનસંગિની બનવાની હોંશ છે. પ્લીઝ ના ન પાડો.

ભાસ્કરભાઈએ સ્વસ્થ સૂરે કહ્યું : લગ્ન એ તો જીવનભરનો સાથ છે. એનો નિર્ણય આવેશ કે આદર્શની ઘેલછામાં ના લેવાય. અંધજન જોડે ડગ ભરવા એટલે શું એ જાણો છો ?’ ‘હું કોઈ આવેશ, ઘેલછા કે ભ્રમણામાં આવીને આ પ્રસ્તાવ નથી મૂકતી. અંધજનની મુશ્કેલીઓનો મને સ્પષ્ટ ખ્યાલ છે. તમારી આ મુશ્કેલીઓમાં હું સહભાગી થવા ઈચ્છું છું.દઢ સૂરે પ્રવીણાબહેને કહ્યું.

ભાસ્કરભાઈનાં બા રંભાબહેને કહ્યું, ‘ભાસ્કર સંપૂર્ણ અંધ છે, એનું આ અંધત્વ કોઈ રોગ નથી જે દવા કે ઓપરેશનથી મટે. એનો અંધાપો જરાય ઘટવાનો નથી કે નાબૂદ નથી થવાનો. એની સાથેનું સહજીવન અગ્નિપરીક્ષા હશે. પાછળથી તને આ લગ્ન માટે અફસોસ થશે. માટે તારો વિચાર પડતો મૂક.પણ પ્રવીણાબહેન તો મક્ક્મ હતાં. લગ્નની આગલી સાંજે રંભાબહેને ફરી વાર પ્રવીણાબહેનને કહ્યું, ‘હજી તું ના પાડી શકે છે, અત્યારે ના પાડીશ તો ખાસ દુ:ખ નહીં થાય. પણ પછીથી જો તું થાકીશ અને કલહકંકાસ કરીને તમે જુદાં પડશો તો એ ઘા બેઉને વસમો થઈ પડશે.

ભાસ્કરભાઈની આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય હતી. એવા ઘરસંસારમાં સફળતાપૂર્વક સમાવું એક પડકાર હતો, પણ પ્રવીણાબહેને કોઈ મુશ્કેલીને મુશ્કેલી માની જ નહીં. પ્રતિકૂળતા માટે એ તૈયાર જ હતાં. ભાસ્કરભાઈ ઈડરની કોલેજમાં પ્રોફેસર થયા. સામાન્ય ગૃહિણી કરતાં પ્રવીણાબહેનની ફરજોની યાદી લાંબી છે. તેઓ માત્ર ગૃહિણી થઈને સંતોષ માનનાર ન હતાં. ઈડરમાં અંધજનોના વિકાસનું કાર્ય તેમણે આરંભ્યું. એમની સંસ્થામાં વિકલાંગો માટે ઘણું નક્કર કામ થાય છે. સાથે સાથે ઘર, કુટુંબ અને સામાજિક વ્યવહારો તો ખરા જ. સેવા, સેવા નિરંતર સેવાના કારણે પ્રવીણાબહેનનું જીવન શું શુષ્ક બની ગયું છે ? મોજશોખ વણસંતોષાયેલા રહ્યા છે ?

ભાસ્કરભાઈ ટીખળખોર છે. તેઓ કહે છે : બે હાથે મહેંદી મૂકવાને બદલે પ્રવીણા ગાય છે : મેંદી મૂકીને શું રે કરું વીરા, એનો જોનારો સુરદાસ રે….’ આ સાંભળીને રીસ ચડાવતાં પ્રવીણાબહેન કહે છે :મને મેંદી મૂકવી ગમતી જ નથી.’ ‘જીવનસફર કેવી રહી ?’ ‘આનંદોલ્લાસથી ઊભરાતા અમારા દામ્પત્યજીવનમાં અંધત્વ ક્યાંય આડે આવ્યું નથી. અંધત્વથી તેઓ મુક્ત થઈ ગયા છે, તેથી તો બીજાને અંધત્વમાંથી મુક્ત કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ…’

આપણે ભાસ્કરભાઈની સફળતાનો યશ પ્રવીણાબહેનને આપવા જઈએ તો પ્રવીણાબહેન તરત બોલી ઊઠે છે : એમણે ઓલરેડી એમની જાતને પ્રુવ કરી જ હતી.તેઓ ઉમેરે છે, ‘લગ્ન એ તો અંગત વાત છે. એનાં ગીત શું ગાવાનાં ? મને ગમ્યું એ મેં કયું. લગ્નનો નિર્ણય કરતી વખતે જેટલી હું ખુશ હતી એટલી આજે પચીસ વર્ષ પછી પણ છું. મારા નિર્ણય માટે મને કોઈ અફસોસ નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે લગ્ન કરીએ એટલે કામ પતી નથી જતું. પળેપળ સભાનપણે લગ્નને સાર્થક કરવા માણસે પ્રયત્ન કરવો પડે છે. ઘણી બાંધછોડ કરવી પડે છે અને જ્યારે પ્રથમ દષ્ટિએ અસમાન વચ્ચેનાં લગ્ન હોય ત્યારે સુખનો માર્ગ વિકટ હોય છે, હર ડગલે પડકાર ઊભા થાય છે છતાં ઉદારતા, ધીરજ, સમતા, સંયમ અને ખાસ તો પ્રેમથી ધારી સફળતા મળે છે. પ્રવીણાબહેનની દીકરી એમ.એ. થયા પછી લગ્ન કરી લંડન સેટલ થઈ છે. દીકરાઓ મનન અને હર્ષ પોતાની રીતે વિકાસ સાધી રહ્યા છે.

અત્યારે તો પ્રવીણાબહેન વિકલાંગો ઉપરાંત મંદબુદ્ધિના બાળકોને પણ એમની સંસ્થામાં દાખલ કરી રહ્યાં છે. તેઓ રાતદિવસ એકાકાર કરીને કામ કરી રહ્યા છે, અને ખુશ છે જિંદગીથી. તેમનાં બે દીકરા અને એક દીકરી શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. આ સંસ્કારસંપન્ન, આનંદી, મિલનસાર કુટુંબને મળવું એ ય એક લ્હાવો છે.

=====================================

લેખિકા અવંતિકા ગુણવંત નો પરિચય 

avantika_gunvant

Avantika Gunvant

અગાઉ વિનોદ વિહારની તારીખ ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૨ ની પોસ્ટમાં લેખિકા અવંતિકા ગુણવંત

અને એમના વાર્તા સાહિત્ય નો કરાવેલ પરિચય આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો.

વિનોદ વિહારમાં આજ સુધી પ્રગટ અવંતિકાબેનની વાર્તાઓ/લેખો નો આસ્વાદ

 આ લીંક ઉપર ક્લિક કરીને માણો

સંપર્ક :

અવંતિકા ગુણવંત

‘શાશ્વત’., કે.એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી.

અમદાવાદ-380007.

ફોન : +91 79 26612505 

 અવંતિકાબેનના પુસ્તકોની યાદી….૨૦૦૯ સુધીની 

[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર

====================================

આભાર -સૌજન્ય. 

 શ્રીમતી અવન્તીકાબેન ગુણવંત, રીડ ગુજરાતી.કોમ